- what are the 4 types of microbes:
- પૃથ્વી પરના નરી આંખે ન જોવાતા શત્રુ અને મિત્રો સૂક્ષ્મજીવાણુ:
સામાન્ય રીતે રોગ બે પ્રકારના હોય છે. "એક્યુટ અને ક્રોનિક" મૂળ ચેપી જેમ કે ફૂગ જેવા રોગને એકયુટ રોગ તરીકે ઓળખવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેની અસર માનવ સજીવ પર ઝડપી થાય છે તથા તે અસર થોડા સમય સુધી રહે છે પરંતુ તેનાથી સજીવને લાંબાગાળાની કોઈ ખાસ અસર થતી નથી. ઉદાહરણ તરીકે શરદી, ટાઈફોડ, કોલેરા, ખાસી, મેલેરિયા. જ્યારે લાંબા ગાળાના રોગને ક્રોનિક રોગ તરીકે ઓળખવામાં આવે છે. આવા રોગો જીવનભર રહેતા હોય છે. ઉદાહરણ તરીકે ડાયાબિટીસ, એચ.આઈ.વી, કેન્સર, ટી.બી, હાઈ બ્લડ પ્રેશર,થઇરોડ વગેરે... આપણા સ્વાસ્થ્ય પર એકયુટ અને ક્રોનિક બંને રોગની અસર અલગ અલગ રીતે જોવા મળે છે. મોટાભાગે આવા રોગ બિન ચેપી હોય છે પરંતુ માનવ જીવનને નર્ક બનાવનાર રોગોમાં આ રોગો શ્રેષ્ઠ સાબિત થયા છે.
વિજ્ઞાનીઓનું માનવું છે કે પૃથ્વી પર સૂક્ષ્મ જીવાણુની સંખ્યા 3.5 મિલિયન કે તેથી વધારે વર્ષોથી છે. લગભગ 112 ગ્રામ વજન અથવા પાઉન્ડનાં ચોથા ભાગનું વજન એ વ્યક્તિ દીઠ સૂક્ષ્મ જીવાણુનું વજન છે. સૂક્ષ્મજીવ દરેક જગ્યાએ મળી આવે છે પછી તે માનવ પેટમાં, પ્રાણી પેશીમાં, પાણીમાં, હવામાન કે જમીન તથા આકાશમાં. તે અતિ સૂક્ષ્મ હોવાથી નરી આંખે જોવાતાં નથી મજાની વાત તો એ છે કે દરેક સૂક્ષ્મજીવ પર્યાવરણના વાતાવરણ સાથે અનુકૂલન સાધીને બેઠું છે. માનવ ગમે તેટલા પ્રયત્નો કરે છતાં તે સૂક્ષ્મ જીવ સાથે બાથ ભીડી શકતો નથી. જો તેવું હોત તો આપણે બીમારીનો સામનો કરવો ન પડતો હોત. હા, ચોક્કસ રીતે માની શકાય કે આપણે અમુક બેક્ટેરિયાના ક વાઇરશના સંક્રમણ તથા તેના વિશે ચોક્કસ અભ્યાસ કરી રસી શોધી તેમને પાછા પડ્યા છે. હડકવા, સ્વાઈન ફ્લૂ, બળીયા વગેરે...
મેડિકલ સાયન્સમાં એક એવો પણ સમય હતો જ્યારે ઓપરેશન વખતે વ્યક્તિને બેભાન કરવા ક્લોરોફોર્મ કે અન્ય કોઈ એનેસ્થેસિયા હતું નહીં. પરિણામે વ્યક્તિપાસે વાઢકાપની પીડા સહન કરી શક્યા શિવાય અન્ય કોઈ માર્ગ ન હતો. આવી સ્થિતિમાં ઓપરેશન ભલે પણ યોગ્ય રીતે થાય પરંતુ સ્વચ્છતાના અભાવે વિવિધ સૂક્ષ્મ જીવ માનવદેહમાં પ્રવેશે અને જથ્થાબંધ ચેપને કારણે દર્દી મૃત્યુ પામતા હતાં.
ઈ.સ.1865 માં એક દિવસ જોસેફ લિસ્ટરે પ્રથમવાર જંતુમુક્ત પદ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. અલબત્ત તે તેના સંશોધનનું એક પરિણામ હતું. એક દર્દીના પગમાં કમ્પાઉન્ડ ફેક્ચર થયું હતું તેનું ઓપરેશન કરતા પહેલા પગ હાથ અને અન્ય સાધનોને કાર્બોલિક એસિડમાં ધોઈ તથા બોળી રાખ્યા તથા તેને પણ કાર્બોલીક એસિડનો છંટકાવ કર્યો. કાર્બોલિક એસિડ એક રસાયણશાત્રનું કાર્બોદિત કમ્પાઉન્ડ છે જેને સામાન્ય રીતે ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ ત્વચાને જંતુ મુક્ત કરવા અથવા એનેસ્ટેટિક તરીકે થાય છે જોસેફ લિસ્ટર એ સર્જરી પછી જોયું કે દર્દીને કોઇ પણ પ્રકારનો ચેપ લાગ્યો નથી. પ્રયોગ સફળ રહ્યો. જોકે તે સમયે ઘણા ચિકિત્સકોએ તેમની પદ્ધતિનો શરૂઆતમાં ઘણો વિરોધ દર્શાવ્યો હતો પરંતુ ઈ.સ. 1900 પછી જ જંતુમુક્ત વાઢકાપ સ્વીકૃત કાર્યશૈલી તરીકે સ્થાપિત કરી દેવાઈ.
![]() |
Phinol |
સજીવ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં જીવાણુઓથી મુક્ત રહી શકતો નથી. જીવાણુ કોઇ પણ રીતે શરીરમાં પ્રવેશ મેળવતા હોય છે આંખ, કાંન, મોઢું, ખોરાક દ્વારા કે પાણી દ્વારા.શરીરની કોઈ પણ ત્વચા ઉપર સામાન્ય ઘા પણ જીવાણુને શરીરમાં આમંત્રિત કરવા પૂરતું હોય છે. સજીવની ચામડી એક ચોક્કસ કોષોની બનેલી હોય છે જેની ઉપર એમીનો એસિડ હોય છે. વધુમાં શરીરના તાપમાનના નિયમનના ભાગરૂપે પ્રસ્વેદ ગ્રંથિ તથા તૈલી ગ્રંથિઓ પણ આવેલી હોય છે.શરીરના ખુલ્લા છેદ માંથી એટલે કે ઈજાગ્રસ્ત ભાગમાંથી પ્રવેશતા જીવાણુ ત્વચામાં પ્રવેશે તો તેઓ સોજા ની પ્રક્રિયા દર્શાવે છે. સજીવ શરીરમાં રહેલા કેટલાક ઇજાગ્રસ્ત કોષો હિસ્ટામિન નામક તત્વ છોડે છે. જે ઘા પાસેથી રક્તની નળીઓમાં સોજો તથા ઇજાગ્રસ્ત ભાગમાં ઝડપથી રક્ત લાવે છે, પરિણામે તે ભાગ લાલ થઈ જાય છે જેને આપણે "સોજો આવ્યો" તેમ કહીને સંબોધીએ છીએ.
લોહીની અંદર રહેલા રસાયણો ઝડપથી ઇજાગ્રસ્ત ભાગ આગળ જામીને કાપા અથવા છિદ્રને બંધ કરીને રક્તને નીકળતું બંધ કરે છે. બીજી તરફ ઇજાગ્રસ્ત કોષો પણ અમુક રસાયણો છોડે છે જેને ફેંગોસાઈટ્સ કહે છે.જે આપણા શરીરમાં રહેલા શ્વેતકણોને આકર્ષે છે. શ્વેતકણો બહારથી આવતા સૂક્ષ્મજીવાણુ સાથે લડવાનું કાર્ય કરે છે.શ્વેતકણ અને ફેંગોસાઈટ્સ વચ્ચે ભીષણ યુદ્ધનું નિર્માણ થાય છે અને ફેંગોસાઈટ્સ મારેલા અને જીવતા જીવાણુઓથી ભરાય છે અને ત્યારે તે મૃત્યુ પામે છે અને તેનું પરુ બને છે. આમ પરુ(puss) એ બીજું કંઈ નહીં પણ ચેપ સામે ઘર્ષણમાં ઉતરેલા મૃત્યુ પામેલા શ્વેતકણ તથા જીવાણુના મૃતદેહો છે.
જો કોઈ કારણસર જીવાણુ ત્યાથી છટકી જવામાં સફળ થઈ જાય ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ અથવા ઇમ્યુન સિસ્ટમ સાથે યુદ્ધ કરવું પડે છે. જોકે આ સિસ્ટમના યોદ્ધા શ્વેતકણો જ હોય છે જેને લિમ્ફોસાઇટ્સ તરીકે ઓળખાય છે. શરીરના ખૂણે ખૂણે લિમ્ફની ચોકી હોય છે. જે શરીરમાં વિવિધ જગ્યાએ આવેલી નાની ગાંઠો જેને લિમ્ફનોટ કહે છે ત્યાં પોતાની નજર ટકાવીને યુદ્ધ માટે તૈયાર બેઠું હોય છે. લિમ્ફોસાઇટ્સનું કાર્ય છે કે ફૂગ, જીવાણુઓ કે અન્ય કોઇ શારીરિક બદલાયેલ અવયવોને ઓળખી શોધી કાઢે છે જેવા જીવાણુ શોધાય કે તે આક્રમણકારોને જડબાતોડ જવાબ આપવા ધસી આવે છે એટલે કે એવા રસાયણો છે કે તે અમુક ખાસ પ્રકારના દુશ્મનોને જ મારી નાખે જેને પ્રતિવિષ એટલે કે એન્ટી બોડીસ કહેવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે જે વિષાણુંની ઓળખ થઈ જાય છે તેને જ એન્ટીબોડી મારી નાખે છે, તે સિવાયના અન્ય ને મારતી નથી.ઉદાહરણ તરીકે એન્ટીબોડીને મેલેરિયાના જીવાણુઓ સામે લડવા મોકલ્યા હશે તો તે કમળાના જીવાણુઓને આગળ વધતા નહીં રોકે. દરેક નવા જીવાણું માટે એક નવા પ્રતિવિષની રચના કરવામાં આવે છે. તેના ઉત્પાદનમાં આશરે પાંચથી સાત દિવસ લાગે છે. આ બંનેના યુદ્ધમાં જો દુશ્મન જીવાણું જીતી જાય તો પરિણામે માનવીને રોગ થાય છે અને મૃત્યુ પણ થાય છે.
લિમ્ફોસાઇટ્સ સમગ્ર શરીર પર બાજ નજર રાખે છે,તે સ્મૃતિ કોષો પણ બનાવે છે. શરીરના કોઈ ભાગમાં જુના બચી ગયેલા દુશ્મન જોવાઈ જાય તો તૈયારીમાં લડવા જાય છે. જ્યારે દુશ્મન જીવાણુ પાછા ફરવા લાગે છે તે જોઈ કોષો ઝડપથી એન્ટીબોડીનું વધુમાં વધુ ઉત્પાદન કરે છે. આમ અચાનક બળશાળી પ્રહાર દુશ્મન સહન કરી શકતું નથી અને મૃત્યુ પામે છે. કેટલાક સ્મૃતિકોષો જીવંતપર્યત હોય છે અને રોગની સામે પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે. દાખલા તરીકે એક વાર ઓરી-અછબડા થાય પછી સ્મૃતિ કોષો તેને કાયમી પ્રતિકાર કરવા સક્ષમ હોય છે માટે જીવનમાં ક્યારેય ફરી ઓરી અછબડા થતાં નથી.
કોઈ પણ રોગની રસી એ જે તે રોગના નિષ્ક્રિય અથવા મરણ રહેલા જીવાણુઓ હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને યુદ્ધ માટે તૈયારી પૂરી પાડે છે અથવા તો રોગ સામે લડવા પ્રેક્ટીસ અથવા ટ્રેનિંગ કરાવે છે તેવું કહી શકાય.
કેટલાક ચેપીરોગ વંશપરંપરાગત હોય છે જે માતા માંથી બાળકમાં ઉતરી આવે છે.ઈ.સ. ૧૯૩૫ માં વિજ્ઞાનીઓએ જર્મન પ્રયોગશાળામાં સલ્ફાનિલ એમીઇડ્ બનાવ્યું જે જીવાણુઓના ચેપને અટકાવતું હતું. જે શરીરના ઘા માંથી ફેલાતા ઝેરને અટકાવતું હતું. ઈ.સ. ૧૯૩૬ માં અમેરિકા અને જર્મની વચ્ચે યુદ્ધ ચાલતું હતું તે સમયે અમેરિકાના પ્રમુખ ફ્રેન્ડલી રૂઝવેલ્ટના પુત્ર લોહીમાં ઝેર પ્રસરી ગયું હતું. તે વખતે પ્રમુખની પત્ની ઇલિયાનોરએ જર્મન પ્રયોગશાળાને મદદ કરવા વિનંતી કરી કારણ કે જર્મન પાસે સલ્ફાડ્રગ્સ હતું. આવી કટોકટીના સમયે પણ જર્મનોએ હવાઈમાર્ગ દ્વારા આ ડ્રગ્સ ટપાલમાં ઇલિયાનોરને મોકલ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધમાં ઈજા પામેલ સૈનિકો માટે આજ દવા નો ઉપયોગ જીવાણુથી થતા ચેપ ને રોકવા થયો હતો.
ઈ.સ. 1928માં "વંડરડ્રગ" તરીકે ઓળખાતું એક નવું ઔષધ શોધવામાં આવ્યું. હોસ્પિટલમાં એક દર્દીના ગૂમડામાંથી લેવાયેલ પીળી ફૂગ જેને મોલ્ડ કહે છે.મોલ્ડની હજારો જાણીતી જાતિઓ છે, જેમાં વિવિધ જીવનશૈલીઓ છે જેમાં સપ્રોટ્રોફ્સ, મેસોફિલ્સ, સાયકોફાઇલ્સ અને થર્મોફિલ્સ અને માણસોના ઘણા ઓછા તકવાદી પેથોજેન્સનો સમાવેશ થાય છે.
![]() |
Penicillion |
જ્યારે ફ્લેમિંગે આ ફૂગને અન્ય વિવિધ જીવાણું ધરાવતી પેટ્રી ડીશો પર છાટી ત્યારે તેને જોયું કે ફૂગમાથી નીકળેલ અર્કે બધા જીવાણુને સાફ કરી નાખે છે. આ પદાર્થ પેન્સિલ જેવા આકારની ફૂગનાં નામ પેનિસિલિન નોટેટમ ઉપરથી પેનિસિલિન નામ રાખવામાં આવ્યું. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ ફૂગ કંપનીઓ સૈનિકો માટે આનું ઉત્પાદન કરતી હતી. આથી ફ્લોરી અને ચેઇન જૈન આ ફૂગને છાની રીતે અમેરિકા લઇ ગયા અને મદદ માટે વિનંતી કરી. અમેરિકા તેના ઉત્પાદન માટે સંમત થયું અને જથ્થાબંધ પેનિસિલિન બનાવવામાં આવ્યું.ઈ.સ. 1943 સુધીમાં અમેરિકા તથા સાથી રાજ્યોને પેનિસિલીન નો પૂરતો પુરવઠો મળતો થઈ ગયો. આજની પેનિસિલિયમ ફૂગ માંથી નહીં પરંતુ પ્રયોગશાળામાં વિવિધ રસાયણો દ્વારા બનાવવામાં આવે છે.
આમ તો, સૂક્ષ્મજીવાણુની દુનિયા વિશાળ છે પણ તેની સામે લડવા માટે માનવ બરબારની ટક્કર આપવા હમેશાં પ્રયત્નશીલ રહે છે.હવે,જોવાનું એ છે કે આ લડાઈમાં હજુ કેટલી નવી સોધો અને લડાઇઓ જોવાની બાકી છે.
જૈમીન જોષી.