Showing posts with label Motivation. Show all posts
Showing posts with label Motivation. Show all posts

Monday, May 18, 2026

“શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નહીં, પણ શ્રેષ્ઠ માનસશાસ્ત્રી પણ હતા... ("Shri Krishna was not only God, but also the best psychologist)

 

શ્રીકૃષ્ણ કેમ માત્ર ભગવાન નહીં, પણ શ્રેષ્ઠ માનસશાસ્ત્રી પણ હતા...

        માનવજાતના ઇતિહાસમાં અનેક મહાન વ્યક્તિઓ આવી ગઈ, જેમણે ધર્મ શીખવ્યો, યુદ્ધ જીત્યાં, રાજ્યો સંભાળ્યાં કે ચમત્કારો કર્યા. પરંતુ કૃષ્ણ તેવું અસાધારણ વ્યક્તિત્વ છે, જેને જેટલા લોકો ભગવાન તરીકે માને છે, એટલા જ લોકો આજે તેમને જીવનને સમજતા એક ઊંડા મનોચિકિત્સક તરીકે પણ અનુભવે છે. કારણ કે શ્રીકૃષ્ણ માત્ર પૂજવા માટેના દેવ નહોતા; તેઓ માનવ મનને વાંચવાની, સમજવાની અને યોગ્ય સમયે યોગ્ય રીતે દિશા આપવાની અદ્ભુત કળા ધરાવતા હતા. કદાચ એ કારણ છે કે હજારો વર્ષ પછી પણ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી લાગતી, પણ જીવનના ગૂંચવાયેલા મન માટેની થેરાપી જેવી લાગે છે.

        માનવજાત જ્યારે પોતાના અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન કરે છે,  ત્યારે તે બે પ્રશ્નો સામે હંમેશા ઉભા  રહે છે  હું કોણ છું?” અને મારું મન મને શાંતિથી જીવવા કેમ નથી દેતું?” ભગવાન શિવ એ પણ હનુમાનજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, તું કોણ છે. સામાન્ય માણસની જેમ તેમને પણ તેમનું નામ, પિતાનું નામ, માતાનું નામ, કે વાનર જેવા ઉત્તરો આપ્યા પણ શિવજી એ એજ પ્રશ્ન ફરી કર્યો. હું તમારું નામ, વંશ કે જાતિ વિશે નથી પૂછતો, હું તમે કોણ છો એમ પુછુ છું. શિવજીના આ સવાલ પછી હનુમાનજી તેમના ચરણોમાં પડી ગયા અને ભીની આંખે કહ્યું હું અજ્ઞાની છું મને કઈ જ જ્ઞાત નથી. શિવજીના અગિયારમાં રુદ્ર અવતાર હોવા અને રામજીના પરમ ભક્ત જેમણે પરમ જ્ઞાનીઓ સાથે સહવાસ કરવા છતાં જો પરમ અજ્ઞાનને સ્વીકારતા હોય તો તમે અને હું ક્યાં આવીએ?  હજારો વર્ષોથી ફિલોસોફર, ઋષિ, સંતો અને વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ શોધતા આવ્યા છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પ્રશ્નોના સૌથી જીવંત અને વ્યવહારિક જવાબ કદાચ કૃષ્ણએ આપ્યા હતા. લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે, ચમત્કારોના કેન્દ્ર તરીકે જુએ છે,  ભક્તિનું પ્રતિક માને છે; પરંતુ જો તેમની આખી જીવનયાત્રાને શાંતિથી સમજવામાં આવે તો એક અદ્ભુત સત્ય સામે આવે છે. શ્રીકૃષ્ણ માત્ર ધર્મના ઉપદેશક નહોતા,  તે માનવ મનના અસાધારણ જાણકાર હતા. તેઓ એવા માનસશાસ્ત્રી હતા,  જેમણે માણસના મનની સૌથી ગૂંચવાયેલી ગતિઓને હજારો વર્ષ પહેલાં જ સમજી લીધી હતી.

        શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન જોવામાં આવે તો તેઓ ક્યાંય માણસને સંસારિક જીવને ત્યજવાનું શીખવતા નથી. તેઓ સંન્યાસને અંતિમ માર્ગ નથી કહેતા. તેઓ જીવનની વચ્ચે રહીને મનને સ્થિર રાખવાની વાત કરે છે. આ વિચાર આજના આધુનિક સાઈકોલોજી (Psychology)  નો મૂળ સિદ્ધાંત છે, કારણ કે આજે પણ માનસશાસ્ત્ર એ જ કહે છે કે સમસ્યાઓથી ભાગવાથી મન શાંત થતું નથી; મનને સમજવાથી શાંતિ મળે છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ છોડીને જંગલમાં જવા નથી કહેતા. તેઓ તેને પોતાના મનના ભય સામે ઊભા રહેવાનું શીખવે છે.

        કુરુક્ષેત્રનું યુદ્ધ બહારથી માત્ર બે પક્ષો વચ્ચેનો સંઘર્ષ લાગતો હતો, પરંતુ અંદરથી પ્રત્યેક માણસના મનમાં ચાલી રહેલું યુદ્ધ હતું. અર્જુનના હાથ કંપી રહ્યા હતા. આંખોમાં આંસુ હતા. શરીર નબળું પડી ગયું હતું. તેણે કહ્યું કે હું નથી લડી શકતો.ધ્યાનથી જોવામાં આવે તો આ શબ્દો એક યોદ્ધાના નહોતા; આ શબ્દો એવા માણસના હતા જે અંદરથી તૂટી ગયો હતો. આજે જે સ્થિતિને પેનિક અટેક (Panic Attack), ઈમોશનલ કોલપ્સ  (Emotional Collapse)  અથવા સર્વાયર એન્ઝાયટી (Severe Anxiety)  કહેવાય છે, એ જ સ્થિતિમાં અર્જુન હતો.

હવે અહીં સૌથી મહત્વની વાત શરૂ થાય છે. શ્રીકૃષ્ણે શું કર્યું?

તેમેણે અર્જુનને અસક્ત, નબળો કે કમજોર કહીને અપમાનિત નથી કર્યો. પુરુષ બની જા”, “રડતો નહીંકે આ બધું નાટક છેતને આવો નતો જાણ્યો,  આવું કંઈ કહ્યું નહોતું. કારણ કે તેઓ જાણતા હતા કે તૂટી ગયેલા મનને દબાણથી નહીં, સમજણથી સંભાળી શકાય. એક ઉત્તમ માનસશાસ્ત્રી જે રીતે પહેલા દર્દીના મનને સાંભળે છે, એ જ રીતે શ્રીકૃષ્ણે પહેલા અર્જુનને સંપૂર્ણ બોલવા દીધો. તેમણે તેની અંદરના ભયને બહાર આવવા દીધો. કારણ કે દબાયેલું મન વધુ ખતરનાક બની જાય છે.

        આજના સમયમાં પણ લોકો સૌથી વધારે એ કારણે તૂટી જાય છે કારણ કે તેમને સાંભળનાર કોઈ નથી મળતું. દુનિયા સલાહ આપે છે, ન્યાય કરે છે, તુલના કરે છે; પરંતુ મનને સમજવાનો પ્રયત્ન બહુ ઓછા લોકો કરે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતા પહેલાં તેની અંદરની ગૂંચવણને સ્વીકારી. આ એક ખૂબ ઊંડો માનસિક સિદ્ધાંત છે.  સ્વીકાર.  જ્યા સુધી માણસ પોતાની અંદરની નબળાઈને સ્વીકારતો નથી, ત્યાં સુધી તે ક્યારેય સાજો થઈ શકતો નથી.

        ગીતામાં શ્રીકૃષ્ણ વારંવાર મન વિશે વાત કરે છે. તેઓ કહે છે કે મન જ માણસનો મિત્ર પણ છે અને મન જ સૌથી મોટો શત્રુ પણ છે. આજના ન્યુરોસાયન્સ (Neuroscience) અને સાઈકોલોજી (Psychology) પણ એ જ કહે છે કે બહારની ઘટનાઓ કરતાં માણસના પોતાના વિચારો તેને વધારે દુઃખ આપે છે. બે લોકો એકસરખી પરિસ્થિતિમાંથી પસાર થાય, છતાં એક તૂટી જાય અને બીજો મજબૂત બની બહાર આવે કારણ કે તફાવત પરિસ્થિતિમાં નહીં, મનની રચનામાં હોય છે.

        શ્રીકૃષ્ણની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ માણસના વર્તનની પાછળ છુપાયેલી લાગણીઓને સમજી શકતા હતા. ઉદાહરણ તરીકે,  દુર્યોધનને જુઓ. સામાન્ય રીતે લોકો તેને માત્ર ખલનાયક તરીકે જુએ છે, પરંતુ શ્રીકૃષ્ણ જાણતા હતા કે દુર્યોધનનો અહંકાર તેના અંદરના અસુરક્ષાભાવમાંથી જન્મ્યો હતો. જે માણસ અંદરથી ડરેલો હોય છે, તે બહારથી વધારે શક્તિશાળી દેખાવાનો પ્રયત્ન કરે છે. આ માનસિક સત્ય આજે પણ સાચું છે. ઘણા લોકો ગુસ્સાવાળા લાગે છે, પરંતુ અંદરથી તેઓ તૂટી ગયેલા હોય છે. ઘણા લોકો અહંકારી લાગે છે, પરંતુ અંદરથી તેમને સ્વીકારની ભૂખ હોય છે. ઘણા લોકો બોલબોલ કરે છે કેમ કે અંદરથી તે પોતાની હાજરી બતાવવા માંગે છે.

        શ્રીકૃષ્ણ માણસને તેની લાગણીઓ દબાવવાનું નથી કહેતા; તેઓ લાગણીઓના ગુલામ ન બનવાનું શીખવે છે. આ બંને વચ્ચે ખૂબ મોટો ફરક છે. આજના ઘણા લોકો આધ્યાત્મને ખોટી રીતે સમજે છે. તેઓ માને છે કે આધ્યાત્મ એટલે દુનિયાથી દૂર ભાગવું, લાગણીઓ છોડવી અથવા હંમેશા ગંભીર રહેવું. પૂજા, વ્રત અને ઉપવાસ કરવા.  રુદ્રાક્ષ કે ધાગા પહેરવા પરંતુ શ્રીકૃષ્ણનું જીવન તો સંપૂર્ણ વિરુદ્ધ હતું. તેઓ હસતા પણ હતા, રમતા પણ હતા, પ્રેમ પણ કરતા હતા, રાજનીતિ પણ કરતા હતા, યુદ્ધ પણ સંભાળતા હતા. તેઓ જીવનના દરેક રંગમાં જીવ્યા છતાં અંદરથી સ્થિર રહ્યા. આ જ સાચું આધ્યાત્મ છે.

એક ખૂબ ઊંડો પ્રશ્ન છે,  શ્રીકૃષ્ણે ગીતા યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ કેમ કહી?

        કારણ કે તેઓ જાણતા હતા કે ગુંચવાયેલું મન સાચાં નિર્ણય નથી લઇ શકતું. જો મન ભય, ગુસ્સો અથવા મોહમાં બંધાઈ જાય તો બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે. આજે પણ Psychology કહે છે કે માણસ જ્યારે અત્યંત ભાવનાત્મક સ્થિતિમાં હોય ત્યારે તેનો Decision Making ભાગ કમજોર થઈ જાય છે. એટલે જ ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા નીકળે છે.

        શ્રીકૃષ્ણ અર્જુનને માત્ર યુદ્ધ જીતાડવા માંગતા નહોતા; તેઓ તેને પોતાના મન પર વિજય મેળવવાનું શીખવતા હતા. કારણ કે બહારનું દરેક યુદ્ધ પહેલા અંદર જીતવું પડે છે. રણ ભૂમિના યુદ્ધ પહેલા મન ભૂમિમાં યુદ્ધ રમાય છે. આજના સમયમાં Depression, Anxiety, Overthinking, Loneliness જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. લોકો પાસે પૈસા છે, ટેક્નોલોજી છે, સુવિધાઓ છે; છતાં મન શાંત નથી. કારણ કે માણસે બહારની દુનિયા જીતવાની દોડમાં પોતાના મન સાથેનો સંબંધ ગુમાવી દીધો છે. શ્રીકૃષ્ણનું સમગ્ર જ્ઞાન માણસને પાછું પોતાની અંદર લાવવાનું કામ કરે છે.

        ગોવિંદ વારંવાર એક વાત સમજાવે છે.  આસક્તિ દુઃખનું મૂળ છે.તેનો અર્થ પ્રેમ છોડવો નથી. તેનો અર્થ એ છે કે જ્યારે માણસ પોતાની ખુશીને કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા પરિણામ સાથે બાંધી દે છે, ત્યારે ભય શરૂ થાય છે. ગુમાવવાનો ભય. નિષ્ફળ થવાનો ભય. એકલતા નો ભય. અને ભયથી ભરાયેલું મન ક્યારેય શાંતિ અનુભવી શકતું નથી.

        જ્યારે શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ કર, ફળની ચિંતા ન કર,” ત્યારે ઘણા લોકો તેને માત્ર ધાર્મિક વાક્ય માને છે. પરંતુ તે એક અત્યંત ઊંડો માનસિક સિદ્ધાંત છે. કારણ કે માણસનું મોટાભાગનું દુઃખ પરિણામને નિયંત્રિત કરવાની ઈચ્છામાંથી જન્મે છે. વિદ્યાર્થી ભણવા કરતાં વધુ પરિણામથી ડરે છે. માણસ પ્રેમ કરતાં પહેલા ગુમાવવાથી ડરે છે. વેપારી કામ કરતાં પહેલા નિષ્ફળતાથી ડરે છે. લગ્ન કરતા પહેલા જવાબદારીથી દરે છે. એટલે મન હંમેશા ભવિષ્યમાં જીવવા લાગે છે. શ્રીકૃષ્ણ માણસને વર્તમાનમાં પાછો લાવે છે.

        શ્રીકૃષ્ણની સૌથી અદ્ભુત વાત કદાચ એ હતી કે તેઓ માણસને બદલવાનો પ્રયત્ન કરતા નહોતા; તેઓ માણસને પોતાને ઓળખવામાં મદદ કરતા હતા. કારણ કે સાચું પરિવર્તન બહારથી લાદી શકાય નહીં. તેને અંદરથી જન્મવું પડે.

        કદાચ એ કારણ છે કે હજારો વર્ષ પછી પણ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ બનીને રહી નથી. દુનિયાભરના મનોચિકિત્સકો, વિચારકો અને આધ્યાત્મિક ગુરુઓ આજે પણ તેમાં માનવ મનની અસાધારણ સમજણ જુએ છે. શ્રીકૃષ્ણ ચમત્કારો માટે મહાન નથી લાગતા; તેઓ એ માટે મહાન લાગે છે કે તેમણે માણસને પોતાના મનના અંધકારમાં પ્રકાશ શોધવો શીખવ્યો અને કદાચ એ જ કારણ છે કે જ્યારે માણસ સંપૂર્ણ એકલો પડી જાય, અંદરથી તૂટી જાય, જીવનનો અર્થ ગુમાવી દે ત્યારે પણ ગીતા વાંચતા ક્યાંક એવું લાગે છે કે કોઈ શાંતિથી બાજુમાં બેસીને કહી રહ્યું છે:

તું તૂટ્યો નથીતું ફક્ત પોતાને ભૂલી ગયો છે.

ગીતા આજે પણ એટલી જીવંત લાગે છે કારણ કે તે ધર્મ પહેલાં મનને સમજાવે છે અને કદાચ એ જ કારણ છે કે શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નહોતા, તેઓ માનવ મનના સૌથી મહાન માનસશાસ્ત્રી હતા.


લેખક: જૈમિન જોષી.

Thursday, May 7, 2026

“વૃદ્ધાવસ્થા : અંત નહીં, જીવનને પૂર્ણ કરવાની નવી યાત્રા” (““Old age: not the end, but a new journey full of life”)

“ઉંમર શરીરની થાય છે, સપનાઓની નહીં”


વૃદ્ધાવસ્થા…
આ શબ્દ સાંભળતા જ ઘણીવાર મનમાં એક એવી છબી ઊભી થાય છે જેમાં એકલતા, અશક્તિ, શરીરની નબળાઈ અને જીવનનો થાક દેખાય. સમાજે વર્ષોથી વૃદ્ધાવસ્થાને જીવનના “અંતિમ પડાવ” તરીકે રજૂ કરી છે. જાણે યુવાની સુધી જ જીવન જીવવાનું હોય અને ત્યારબાદ માત્ર દિવસો પસાર કરવાના હોય. પરંતુ શું ખરેખર એવું જ છે?

જીવનનો સૌથી મોટો ભ્રમ એ છે કે વૃદ્ધાવસ્થા એટલે અંત. હકીકતમાં વૃદ્ધાવસ્થા એ જીવનનો સૌથી પરિપક્વ સમય છે. તે એવો સમય છે જ્યારે માણસ જીવનને દોડથી નહીં, પરંતુ સમજણથી જોવાનું શરૂ કરે છે. યુવાનીમાં માણસ દુનિયા જીતવા દોડે છે, જ્યારે વૃદ્ધાવસ્થામાં માણસ પોતાને ઓળખવાનું શરૂ કરે છે.

વૃદ્ધાવસ્થા જીવનનું અંતિમ સ્ટેશન નથી; તે તો એક એવી યાત્રાની શરૂઆત છે જ્યાં માણસ પોતાની અંદરના સાચા સ્વરૂપને મળવા લાગે છે.

એક વૃદ્ધ શિક્ષકની ઘટના યાદ આવે છે. અમદાવાદના એક નિવૃત્ત શિક્ષક હતા. આખું જીવન શાળામાં ભણાવ્યું. નિવૃત્તિ પછી થોડા મહિના સુધી તેઓ ખૂબ ખાલીપો અનુભવતા. સવારે ઊઠે, ચા પીવે, અખબાર વાંચે અને પછી આખો દિવસ જાણે અટકી જાય. એક દિવસ તેમના પૌત્રએ પૂછ્યું—
“દાદા, તમે હવે કોઈને ભણાવતા કેમ નથી?”

આ સામાન્ય પ્રશ્ને તેમના અંદર સૂતેલી આગ ફરી પ્રગટાવી. તેમણે પોતાના ઘરના ઓટલામાં ગરીબ બાળકોને મફત ભણાવવાનું શરૂ કર્યું. શરૂઆતમાં ચાર બાળકો આવ્યા. પછી દસ… પછી પચાસ… થોડા વર્ષોમાં એ નાનકડી શરૂઆત એક સંપૂર્ણ લાયબ્રેરી અને અભ્યાસ કેન્દ્રમાં બદલાઈ ગઈ.

એક મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું—
“નોકરીમાંથી નિવૃત્તિ મળી છે, જીવનમાંથી નહીં.”

આ વાક્ય માત્ર શબ્દ નથી, પરંતુ સમગ્ર વૃદ્ધાવસ્થાની વ્યાખ્યા છે. માણસ જ્યારે સુધી પોતાને ઉપયોગી માને છે, ત્યારે સુધી તે જીવંત રહે છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે માનવીનું સાચું સુખ “ઉપયોગી હોવાની અનુભૂતિ” માં રહેલું છે. જે વૃદ્ધોને લાગે છે કે હવે તેઓ કોઈ કામના નથી, તેઓ ઝડપથી એકલતા અને નિરાશામાં ડૂબી જાય છે. પરંતુ જે લોકો પોતાના અનુભવને વહેંચે છે, નવી બાબતો શીખે છે, લોકો સાથે જોડાયેલા રહે છે, તેઓ વૃદ્ધાવસ્થામાં પણ ઊર્જાવાન રહે છે.

“વૃદ્ધાવસ્થા જીવનનું અંતિમ પડાવ નથી… જીવનને સમજવાની સૌથી સુંદર શરૂઆત છે.”

આજના સમયમાં સૌથી મોટો સંકટ શરીરની નબળાઈ નથી; મનની એકલતા છે. ઘણીવાર વૃદ્ધોને દવા કરતાં વધુ વાતચીતની જરૂર હોય છે. કોઈ એમને ધ્યાનથી સાંભળે, તેમની યાદોને સન્માન આપે, તેમની વાતોમાં રસ લે— એટલું જ તેમને જીવંત રાખે છે.

એક વૃદ્ધા વિશે વાંચ્યું હતું. તેમના પતિનું અવસાન થયું, બાળકો વિદેશમાં રહેતા. શરૂઆતમાં તેઓ તૂટી ગયા. દિવસો સુધી કોઈ સાથે વાત નહોતી કરતા. પરંતુ એક દિવસ નજીકની બાગમાં જવાનું શરૂ કર્યું. ત્યાં તેમણે પોતાના જેવી અન્ય મહિલાઓને મળી. ધીમે ધીમે તેઓએ નાનકડું પુસ્તક વાંચન મંડળ શરૂ કર્યું. દર અઠવાડિયે એક પુસ્તક, એક ચર્ચા અને જીવનની ઘણી યાદો.

તેમણે એક વાર કહ્યું—
“મારા જીવનમાંથી લોકો ગયા, પરંતુ જીવન નથી ગયું.”

આ જ તો જીવનનું સૌંદર્ય છે. માણસ ઘણીવાર સંબંધોને જ જીવન માની લે છે, પરંતુ જીવન તો અંદરની ચેતના છે.

ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધાવસ્થાને હંમેશા જ્ઞાનના તબક્કા તરીકે જોવામાં આવી છે. ઋષિઓએ જીવનને ચાર આશ્રમમાં વહેંચ્યું— બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તેમાં વાનપ્રસ્થ અને સંન્યાસ માત્ર દુનિયાથી ભાગવાનું નથી, પરંતુ જીવનના ઊંડા અર્થ તરફ જવાનું પ્રતિક છે.

યુવાનીમાં માણસ સંપત્તિ ભેગી કરે છે, વૃદ્ધાવસ્થામાં અનુભવ ભેગો કરે છે. અને અનુભવ એ દુનિયાની સૌથી કિંમતી સંપત્તિ છે.

આપણે ઘણીવાર વૃદ્ધોને “બિચારા” તરીકે જોવાનું શરૂ કરી દઈએ છીએ. પરંતુ વિચારીએ તો દુનિયાની સૌથી મોટી લડાઈઓ તેમણે જીતી છે. તેમણે ગરીબી જોઈ છે, સંઘર્ષ જોયા છે, સંબંધોના ઉતાર-ચઢાવ જોયા છે, નિષ્ફળતાઓ જોઈ છે અને છતાં જીવવાનું શીખ્યું છે.

એક ખેડૂતની ઘટના ખૂબ પ્રેરક છે. ઉંમર લગભગ પચોતેર વર્ષની. લોકો કહેતા— “હવે આરામ કરો.” પરંતુ તેઓ દરરોજ સવારે ખેતરમાં જતાં. કોઈએ પૂછ્યું—
“આ ઉંમરે આટલી મહેનત કેમ?”

તેઓ હસીને બોલ્યા—
“જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધી જીવન ચાલે છે. ઉભું પાણી સડી જાય છે.”

આ એક સામાન્ય વાક્ય છે, પરંતુ તેમાં જીવનનું ઊંડું મનોવિજ્ઞાન છે. જે માણસ સક્રિય રહે છે, તે માનસિક રીતે વધુ સ્વસ્થ રહે છે. વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી જરૂર દવાઓથી વધુ “હેતુ” ની હોય છે. સવારે ઉઠવાનું કોઈ કારણ હોવું જોઈએ. કોઈ કામ, કોઈ શોખ, કોઈ સંબંધ, કોઈ સ્વપ્ન… કંઈક એવું જે માણસને અંદરથી જીવંત રાખે.

વિશ્વના અનેક મહાન લોકોનું સાચું સર્જન વૃદ્ધાવસ્થામાં થયું છે. Colonel Harland Sanders એ ૬૫ વર્ષની ઉંમરે પોતાનો વ્યવસાય શરૂ કર્યો. લોકો મજાક કરતા હતા, પરંતુ તેમણે હાર નહોતી માની. આજે તેમનું નામ સમગ્ર વિશ્વ જાણે છે.

Grandma Moses એ સિત્તેર વર્ષની ઉંમરે ચિત્રકળા શરૂ કરી અને વિશ્વપ્રસિદ્ધ કલાકાર બની.

આ ઉદાહરણો બતાવે છે કે ઉંમર માત્ર શરીરની ગણતરી છે; સપનાઓની નહીં.

વૃદ્ધાવસ્થા માણસને ધીમો બનાવે છે, પરંતુ ઘણીવાર વધુ ઊંડો પણ બનાવે છે. યુવાનીમાં માણસ ઝડપથી નિર્ણય લે છે; વૃદ્ધાવસ્થામાં સમજણથી. યુવાનીમાં માણસ દુનિયાને બદલવા માંગે છે; વૃદ્ધાવસ્થામાં પોતાને સમજવા લાગે છે.

ઘણા લોકો વૃદ્ધાવસ્થાથી ડરે છે કારણ કે તેઓ તેને ખોવાઈ જવાની પ્રક્રિયા માને છે— સૌંદર્ય ખોવાય, શક્તિ ખોવાય, લોકો દૂર થાય. પરંતુ કદાચ વૃદ્ધાવસ્થા “ખોવાઈ જવાની” નહીં, “મુક્ત થવાની” પ્રક્રિયા છે. ધીમે ધીમે માણસને સમજાય છે કે જીવનમાં બધું પોતાના નિયંત્રણમાં નથી. અહંકાર ઓગળે છે. અપેક્ષાઓ ઘટે છે. નાની નાની બાબતોમાં આનંદ મળવા લાગે છે— સવારનો સૂર્યપ્રકાશ, ચાની સુગંધ, જૂના ગીતો, બાળકોનો હાસ્ય, સાંજનો પવન.

મનોવિજ્ઞાન કહે છે કે જીવનના અંતિમ તબક્કામાં માણસને બે રસ્તા મળે છે—
એક, પસ્તાવો અને એકલતા.
બીજો, સ્વીકાર અને શાંતિ.

જે લોકો પોતાના ભૂતકાળ સાથે સતત લડે છે, તેઓ અંદરથી તૂટી જાય છે. પરંતુ જે લોકો જીવનને સ્વીકારી લે છે— તેની સફળતા, નિષ્ફળતા, સંબંધો, વિયોગ— તેઓ એક અનોખી શાંતિ અનુભવવા લાગે છે.

એક વૃદ્ધ સાધુએ કહ્યું હતું—
“યુવાનીમાં હું દુનિયાને સમજવા નીકળ્યો હતો, વૃદ્ધાવસ્થામાં સમજાયું કે પોતાને સમજવું જ સૌથી મોટી યાત્રા છે.”

આજના યુવાનો માટે પણ વૃદ્ધાવસ્થા એક મહત્વનો પાઠ છે. કારણ કે આજે જે યુવાન છે, તે આવતીકાલે વૃદ્ધ બનશે. જો આપણે આજે વૃદ્ધોને સન્માન નહીં આપીએ, તો ભવિષ્યમાં આપણે પણ એકલતા અનુભવશું.

ઘરમાં દાદા-દાદી કે માતા-પિતા માત્ર જવાબદારી નથી; તેઓ અનુભવનો જીવંત ખજાનો છે. તેમની વાર્તાઓમાં સમયનો ઈતિહાસ છે. તેમની આંખોમાં જીવનના હજારો અધ્યાય છે.

વૃદ્ધાવસ્થાની સૌથી સુંદર વાત એ છે કે તે માણસને બહારથી નહીં, અંદરથી સુંદર બનાવે છે. ચહેરા પર કરચલીઓ આવે છે, પરંતુ એ કરચલીઓમાં વર્ષોની વાર્તાઓ લખાયેલી હોય છે. દરેક રેખા કોઈ સંઘર્ષ, કોઈ પ્રેમ, કોઈ ત્યાગ, કોઈ પ્રાર્થનાની સાક્ષી હોય છે.

આપણે ઘણીવાર શરીરની ઉંમર ગણીએ છીએ, પરંતુ આત્માની ઉંમર ક્યારેય ગણતા નથી. કેટલાક લોકો વીસ વર્ષની ઉંમરે જ અંદરથી વૃદ્ધ થઈ જાય છે, જ્યારે કેટલાક એંસી વર્ષની ઉંમરે પણ બાળક જેવી ઉત્સુકતા રાખે છે.

જીવનનું સાચું યુવાનપણ શરીરમાં નહીં, પરંતુ મનમાં વસે છે. જે માણસ શીખવાનું બંધ નથી કરતો, આશા છોડતો નથી, પ્રેમ કરવાનું છોડતો નથી— તે ક્યારેય વૃદ્ધ થતો નથી.

વૃદ્ધાવસ્થા કદાચ ભગવાનનો સૌથી સુંદર ઉપહાર છે. કારણ કે તે માણસને જીવનની દોડમાંથી બહાર કાઢીને જીવનનો અર્થ સમજવા બેસાડે છે.

વૃદ્ધાવસ્થા એ દીવો બુઝાવાનો સમય નથી;
તે તો દીવાના પ્રકાશને વધુ શાંત, વધુ ગહન અને વધુ અર્થસભર બનાવવાનો સમય છે.

જીવનની સાંજ ઘણીવાર સૌથી સુંદર હોય છે. કારણ કે સૂર્યોદય આંખોને આકર્ષે છે, પરંતુ સૂર્યાસ્ત આત્માને સ્પર્શે છે.

કોલમ: જયવાદ 
લેખક: જૈમીન જોષી. 

Tuesday, April 21, 2026

“સામાન્ય માનવીમાં રહેલું બુદ્ધત્વ: આંતરિક જાગૃતિ અને ચેતનાનું અનંત સત્ય” (“Buddhahood in the Ordinary Human: The Infinite Truth of Inner Awareness and Consciousness”9

હું પણ બુદ્ધ છું? 


માનવીના અંતરમાં એક એવું અજોડ પ્રકાશ વસે છે, જેને આપણે ઘણીવાર બહાર શોધતા રહીએ છીએ. આ પ્રકાશ કોઈ દૂરના આકાશમાં નથી, કોઈ દેવલોકમાં નથી—તે આપણા જ ચિત્તમાં સૂક્ષ્મ રીતે પ્રગટ છે. “સામાન્ય માનવીમાં બુદ્ધત્વ રહેલું છે” આ વિચાર માત્ર કાવ્યાત્મક કલ્પના નથી, પરંતુ ઊંડો આધ્યાત્મિક સત્ય છે, જેને સમજવા માટે આપણે પોતાના મનના સ્તરોમાં ઉતરવું પડે.

જ્યારે આપણે Gautam Buddha ને જોઈએ છીએ, ત્યારે ઘણીવાર એવું લાગે છે કે તેઓ કોઈ વિશેષ આત્મા હતા—દિવ્ય, અદભુત, અને સામાન્ય માણસથી સંપૂર્ણ રીતે અલગ. પરંતુ જો આપણે તેમની જીવનયાત્રાને ઊંડાણથી સમજીએ, તો જણાય છે કે તેઓ પણ એક સામાન્ય રાજકુમાર હતા, જેમણે દુઃખ, પ્રશ્નો અને અશાંતિનો અનુભવ કર્યો. તેઓમાં વિશેષ શું હતું? માત્ર એક જ વાત—તેઓએ પોતાના અંદરના સત્યને શોધવાનો સાહસ કર્યો.

અહીંથી જ મુખ્ય પ્રશ્ન ઊભો થાય છે: જો બુદ્ધત્વ માત્ર થોડા લોકો માટે જ હોય, તો શું બાકી બધા લોકો માટે આ માર્ગ બંધ છે? બૌદ્ધ દર્શન સ્પષ્ટ રીતે કહે છે—નહીં. દરેક માનવીમાં બુદ્ધત્વ છે, પરંતુ તે અવ્યક્ત છે. તે એક બીજ જેવું છે, જેને યોગ્ય પરિસ્થિતિ મળે તો તે વિશાળ વૃક્ષ બની શકે છે.

આ વિચારને સમજવા માટે આપણે “બુદ્ધત્વ” શબ્દને તર્કસંગત રીતે વિખેરીએ. બુદ્ધત્વ એટલે જાગૃતિ—સાચા સ્વરૂપની ઓળખ. પરંતુ સામાન્ય માણસ શું કરે છે? તે સતત બહારની વસ્તુઓમાં પોતાની ઓળખ શોધે છે—ધન, પ્રતિષ્ઠા, સંબંધો, અને સામાજિક માન્યતાઓમાં. આ બધું ક્ષણભંગુર છે, અને તેથી જ માણસને સતત અસંતોષ રહે છે.

અહીં એક તર્ક વિતર્ક ઉભો થાય છે: જો દરેકમાં બુદ્ધત્વ છે, તો પછી દુનિયામાં એટલો અંધકાર, અહંકાર અને હિંસા કેમ છે? જવાબ સીધો છે—બુદ્ધત્વ હોવું અને તેને અનુભવું, બંને અલગ બાબતો છે. જેમ સૂર્ય હંમેશાં ચમકે છે, પણ વાદળો તેને ઢાંકી દે છે, તેમ આપણા અંદરના બુદ્ધત્વને અજ્ઞાન, અહંકાર અને ભ્રમ ઢાંકી દે છે.

બૌદ્ધ દર્શનમાં “અવિદ્યા” (અજ્ઞાન)ને તમામ દુઃખોનું મૂળ માનવામાં આવ્યું છે. સામાન્ય માણસ પોતાની ઓળખને શરીર અને મન સુધી સીમિત રાખે છે, જ્યારે હકીકતમાં તે વધુ વિશાળ ચેતનાનો ભાગ છે. આ સીમિત ઓળખ જ દુઃખનું કારણ બને છે. જ્યારે વ્યક્તિ આ મર્યાદાઓને પાર કરે છે, ત્યારે તે બુદ્ધત્વને અનુભવે છે.

આ વાતને વધુ વ્યાવહારિક રીતે સમજીએ. માનવીના જીવનમાં જ્યારે પણ કોઈ ક્ષણ આવી હોય—જ્યારે તે સંપૂર્ણ શાંત, નિષ્કલંક અને સ્વયં સાથે જોડાયેલ હોય—તે ક્ષણે તેણે પોતાના અંદરના બુદ્ધત્વનો સ્પર્શ કર્યો છે. આ ક્ષણો ક્ષણિક હોય છે, કારણ કે આપણે ફરીથી વિચારોના જાળમાં ફસાઈ જઈએ છીએ.

અહીં એક મહત્વપૂર્ણ તર્ક છે: શું બુદ્ધત્વ મેળવવા માટે સંસાર છોડવો જરૂરી છે? ઘણા લોકો માને છે કે આધ્યાત્મિકતા એટલે જંગલમાં જવું, સંન્યાસ લેવું. પરંતુ આ એક અર્ધસત્ય છે. Gautam Buddha એ સંસાર છોડ્યો, કારણ કે તે તેમની યાત્રાનો ભાગ હતો. પરંતુ તેમના ઉપદેશોમાં ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું કે દરેકને એ જ કરવું જોઈએ.

વાસ્તવમાં, સાચી જાગૃતિ તો સંસારની વચ્ચે રહીને પણ મેળવી શકાય છે. કારણ કે બુદ્ધત્વ બહારની પરિસ્થિતિ પર આધારિત નથી; તે આંતરિક સ્થિતિ છે. જો કોઈ વ્યક્તિ પોતાના વિચારોને, ભાવનાઓને અને ક્રિયાઓને જાગૃત રીતે નિહાળી શકે, તો તે ધીમે ધીમે પોતાના અંદરના સત્ય સુધી પહોંચી શકે છે.

આ વાતને આધુનિક દ્રષ્ટિકોણથી જોતા, મનોવિજ્ઞાન પણ આને સમર્થન આપે છે. “માઇન્ડફુલનેસ” (સચેતતા) જે આજે વિશ્વભરમાં પ્રચલિત છે, તે મૂળ બૌદ્ધ પરંપરામાંથી જ આવ્યું છે. જ્યારે વ્યક્તિ વર્તમાન ક્ષણમાં સંપૂર્ણ રીતે હાજર રહે છે, ત્યારે તે પોતાના વિચારો અને ભાવનાઓથી અલગ થઈને તેમને નિહાળી શકે છે. આ જ પ્રક્રિયા બુદ્ધત્વ તરફનો માર્ગ છે.

પરંતુ અહીં એક વિરોધાભાસ છે: જો માર્ગ એટલો સરળ છે, તો પછી લોકો તેને અનુસરે કેમ નથી? કારણ કે માણસનું મન જટિલ છે. તે સતત ભવિષ્ય અને ભૂતકાળમાં ભટકતું રહે છે. વર્તમાનમાં રહેવું તેના માટે સહેલું નથી. આ જ કારણ છે કે બુદ્ધત્વ હોવા છતાં, તે અજ્ઞાનમાં જીવે છે.

એક બીજો તર્ક એ છે કે બુદ્ધત્વ કોઈ અંતિમ લક્ષ્ય નથી, પરંતુ એક પ્રક્રિયા છે. તે કોઈ એક ક્ષણે પ્રાપ્ત થતું નથી; તે સતત જાગૃતિનો અભ્યાસ છે. દરેક દિવસ, દરેક ક્ષણમાં, આપણે પોતાના વિચારો અને ક્રિયાઓને નિહાળી શકીએ છીએ. આ જ અભ્યાસ આપણને ધીમે ધીમે બુદ્ધત્વ તરફ લઈ જાય છે.સામાન્ય માનવીમાં બુદ્ધત્વ રહેલું છે એ વિચાર માત્ર એક આધ્યાત્મિક સિદ્ધાંત નથી, પરંતુ જીવનને જોવા માટેનો એક નવો દ્રષ્ટિકોણ છે. તે આપણને શીખવે છે કે આપણે બહાર નહીં, પરંતુ અંદર શોધવું જોઈએ.

જ્યારે વ્યક્તિ આ સત્યને સમજી લે છે, ત્યારે તેના જીવનમાં એક શાંતિ અને સ્પષ્ટતા આવે છે. તે હવે બહારની પરિસ્થિતિઓ પર આધારિત નથી રહેતો. તે પોતાના અંદરના પ્રકાશ સાથે જોડાઈ જાય છે. અને આ જ સાચું બુદ્ધત્વ છે—એક એવી જાગૃતિ, જે હંમેશાં આપણા અંદર હાજર છે, માત્ર તેને ઓળખવાની જરૂર છે.


કોલમ:જયવાદ

લેખક :જૈમીન જોષી. 

Wednesday, April 15, 2026

“મોર્નિંગ હેબિટ્સ: જીવન બદલાવાની શરૂઆત સવારથી”(“Morning Habits: Life-changing Starts in the Morning”)

“દરેક સફળ વ્યક્તિની શરૂઆત સવારથી જ કેમ થાય છે?”

    સવાર—આ શબ્દમાં જ એક અજોડ શક્તિ છુપાયેલી છે. રાત્રીનો અંત અને નવા દિવસની શરૂઆત વચ્ચેનો આ સમય માત્ર સમયખંડ નથી, પણ જીવનને નવી દિશા આપતો એક દ્વાર છે. જે લોકો સવારને સમજી જાય છે, તેઓ જીવનને પણ વધુ ઊંડાણથી જીવી જાય છે. “મોર્નિંગ હેબિટ” એટલે કે સવારની આદતો માત્ર એક રૂટીન નથી, પરંતુ તે વ્યક્તિના સ્વભાવ, વિચારો, કાર્યશૈલી અને અંતે તેના સફળતાના સ્તરને ઘડતી શક્તિ છે.

    પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં “બ્રહ્મમુહૂર્ત”નું વિશેષ મહત્વ છે. આ સમય સૂર્યોદય પહેલાંનો હોય છે, જ્યારે પ્રકૃતિ સંપૂર્ણ શાંતિમાં હોય છે. આધ્યાત્મિક રીતે માનવામાં આવે છે કે આ સમય મન અને આત્માને સૌથી વધુ શુદ્ધ અને પ્રબળ બનાવે છે. આજે વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે કે વહેલા ઉઠવાથી માનસિક સ્પષ્ટતા, ધ્યાન અને સર્જનાત્મકતા વધે છે.

    સવારના સમયમાં આપણું મગજ સૌથી તાજું અને સક્રિય હોય છે. રાત્રિના આરામ પછી મગજમાં “કોર્ટિસોલ”નું સ્તર યોગ્ય રીતે વધે છે, જે આપણને જાગૃત અને તૈયાર બનાવે છે. જો આ સમયને આપણે મોબાઇલ, સોશિયલ મીડિયા કે આળસમાં બગાડી દઈએ, તો આપણે દિવસની સૌથી કિંમતી ક્ષણોને ગુમાવી દઈએ છીએ. પરંતુ જો આ સમયનો યોગ્ય ઉપયોગ કરીએ—જેમ કે વાંચન, ધ્યાન, યોગ, અથવા સ્વ-વિચાર—તો આખો દિવસ ઊર્જા અને સ્પષ્ટતા સાથે પસાર થાય છે.

    વિશ્વના ઘણા સફળ લોકો સવારની આદતોને ખૂબ મહત્વ આપે છે. Tim Cook રોજ સવારે લગભગ 4 વાગ્યે ઉઠે છે અને દિવસની શરૂઆત ઇમેઇલ્સ અને વ્યાયામથી કરે છે. Narendra Modi યોગ અને ધ્યાન દ્વારા પોતાના દિવસની શરૂઆત કરે છે. Elon Musk પણ પોતાની સવારને ખૂબ વ્યવસ્થિત રીતે ગોઠવે છે. આ બધામાં એક સામાન્ય બાબત છે—સવારને તેઓ “ઉપયોગ” કરે છે, બગાડતા નથી.

    સવારની સારી આદતો આપણા જીવનને કેવી રીતે બદલે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે. માનસશાસ્ત્ર મુજબ, જ્યારે આપણે દિવસની શરૂઆત સકારાત્મક ક્રિયાઓથી કરીએ છીએ, ત્યારે મગજમાં “ડોપામિન” અને “સેરોટોનિન” જેવા હોર્મોન્સનું સ્તર વધે છે. આ હોર્મોન્સ ખુશી, પ્રેરણા અને સંતોષનો અનુભવ કરાવે છે. એટલે કે, સવારની સારી શરૂઆત આખા દિવસને સકારાત્મક બનાવે છે.

    આદતોનું વિજ્ઞાન પણ ખૂબ રસપ્રદ છે. “હેબિટ લૂપ” નામની એક પ્રક્રિયા છે, જેમાં ત્રણ ભાગ હોય છે—Cue (સંકેત), Routine (ક્રિયા), અને Reward (પરિણામ). જો આપણે રોજ સવારમાં એક જ સમય પર ઉઠીએ, પાણી પીવું, યોગ કરવું અથવા વાંચન કરવું જેવી આદતો બનાવીએ, તો તે ધીમે ધીમે આપણા સ્વભાવનો ભાગ બની જાય છે. શરૂઆતમાં મુશ્કેલ લાગે, પરંતુ સતત અભ્યાસથી તે સહજ બની જાય છે.

    સવારની આદતોમાં સૌથી મહત્વપૂર્ણ છે—શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. યોગ અને પ્રાણાયામ આપણા શરીરને માત્ર તંદુરસ્ત રાખતા નથી, પરંતુ મનને પણ શાંત અને કેન્દ્રિત બનાવે છે. વૈજ્ઞાનિક અભ્યાસો બતાવે છે કે રોજના 20-30 મિનિટના વ્યાયામથી હાર્ટ હેલ્થ સુધરે છે, સ્ટ્રેસ ઘટે છે અને ઊંઘની ગુણવત્તા વધે છે.

    આધ્યાત્મિક દ્રષ્ટિએ જોીએ તો સવાર આત્મા સાથે જોડાવાનો સમય છે. ધ્યાન (Meditation) દ્વારા આપણે આપણા વિચારોને નિયંત્રિત કરી શકીએ છીએ. ઘણા મહાન સંતો અને યોગીઓએ સવારના સમયને “આત્મજાગૃતિ” માટે સૌથી યોગ્ય ગણાવ્યો છે. આ સમય દરમિયાન કરેલા મંત્રજાપ, પ્રાર્થના કે ધ્યાન વ્યક્તિના આંતરિક શક્તિને જાગૃત કરે છે.

    સવારની આદતોમાં એક મહત્વપૂર્ણ ભાગ છે—લક્ષ્ય નક્કી કરવું. જ્યારે આપણે સવારમાં થોડો સમય કાઢીને દિવસના કામોનું આયોજન કરીએ છીએ, ત્યારે આપણું ધ્યાન ભટકતું નથી. આથી કાર્યક્ષમતા વધે છે અને સમયનો સદુપયોગ થાય છે. ઘણા સફળ લોકો “To-Do List” બનાવે છે, જે તેમને દિવસભર માર્ગદર્શન આપે છે.

    સવારમાં વાંચન (Reading) કરવાની આદત પણ અત્યંત અસરકારક છે. આદતથી આપણે નવી માહિતી, વિચારો અને પ્રેરણા મેળવી શકીએ છીએ. એક સારી પુસ્તક આપણા વિચારોને વિસ્તૃત કરે છે અને આપણને નવી દૃષ્ટિ આપે છે. ઘણા મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ રોજના થોડો સમય વાંચન માટે ફાળવે છે,પરંતુ સવારની આદતો બનાવવી એટલી સરળ નથી. શરૂઆતમાં ઉઠવામાં આળસ આવે છે, મન ટાળવું ઇચ્છે છે. પરંતુ અહીં સૌથી મહત્વપૂર્ણ છે—નિયમિતતા (Consistency). જો આપણે રોજ થોડો પણ પ્રયત્ન કરીએ, તો તે ધીમે ધીમે મજબૂત આદતમાં પરિવર્તિત થઈ જાય છે.

સફળ લોકોની એક ખાસ વાત છે—તેઓ “ડિસિપ્લિન” (અનુશાસન)ને મહત્વ આપે છે. તેઓ પ્રેરણા પર આધાર રાખતા નથી, પરંતુ નિયમિતતા પર વિશ્વાસ રાખે છે. સવારની આદતોમાં પણ આ જ લાગુ પડે છે. જ્યારે આપણે નિયમિત બનીએ છીએ, ત્યારે જીવનમાં મોટા પરિવર્તનો જોવા મળે છે.એક સામાન્ય માણસ અને સફળ વ્યક્તિ વચ્ચેનો ફરક ઘણીવાર તેમની સવારથી જ શરૂ થાય છે. જ્યાં એક વ્યક્તિ મોડું ઉઠીને દિવસને દોડધામમાં શરૂ કરે છે, ત્યાં બીજી વ્યક્તિ શાંતિપૂર્વક સવારનો ઉપયોગ કરીને પોતાના દિવસને નિયંત્રિત કરે છે. આ નાનું તફાવત જ લાંબા ગાળે મોટા પરિણામો લાવે છે.

આખરે, સવાર માત્ર સમય નથી—તે એક તક છે. એક નવી શરૂઆત, એક નવી ઊર્જા અને એક નવી આશા. જો આપણે સવારને યોગ્ય રીતે જીવતા શીખી જઈએ, તો જીવનના ઘણા પ્રશ્નો પોતે જ ઉકેલાઈ જાય છે. સવારની આદતો આપણને માત્ર સફળતા તરફ નહીં, પરંતુ શાંતિ, સંતોષ અને આત્મસંતુલન તરફ પણ લઈ જાય છે.

તમે ક્યારે ઉઠો છો તે મહત્વનું નથી, પરંતુ તમે ઉઠ્યા પછી શું કરો છો તે ખૂબ મહત્વનું છે. આજે જ નક્કી કરો—તમારી સવારને બદલશો, અને તમે જોશો કે તમારું આખું જીવન બદલાઈ જશે.

કોલમ:જયવાદ 

લેખક:જૈમીન જોષી

Sunday, April 5, 2026

જીવનમાં નિષ્ફળતા મળે તો? (What if you fail in life?)

  • નિષ્ફળતા કાયમી નથી...



    જીવનમાં નિષ્ફળતા એ કોઈ અંતિમ નિષ્કર્ષ નથી, પરંતુ એક નવું પ્રારંભબિંદુ છે—એવો પ્રારંભ, જ્યાંથી આપણે પોતાને ફરીથી ગાઢ રીતે ઓળખવાનું શરુ કરીએ છીએ. ઘણી વાર માણસને એવું લાગે છે કે નિષ્ફળતા એટલે બધું ખતમ થઈ ગયું, સપનાઓ તૂટી ગયા, અને હવે આગળ કંઈ બચ્યું નથી. પરંતુ જો આપણે જીવનને થોડું વિશાળ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરીએ, તો સમજાશે કે નિષ્ફળતા એ એક એવી પ્રક્રિયા છે, જે આપણને મજબૂત, જાગૃત અને પરિપક્વ બનાવે છે.

    નિષ્ફળતા ત્યારે દુઃખદ લાગે છે, જ્યારે આપણે તેને માત્ર પરિણામ તરીકે જ જોીએ છીએ. જ્યારે આપણે સફળતાને અંતિમ ધ્યેય અને નિષ્ફળતાને અંતિમ અસમર્થતા માની લઈએ છીએ, ત્યારે એ આપણું મનોબળ તોડી નાખે છે. પરંતુ સાચી સમજ એ છે કે જીવનમાં કોઈપણ પરિણામ—સફળતા કે નિષ્ફળતા—એ ફક્ત એક ઘટના છે, આપણા સમગ્ર અસ્તિત્વનો નિર્ણય નહીં. જો તમે નિષ્ફળ જાઓ છો, તો તેનો અર્થ એટલો જ છે કે તમે પ્રયત્ન કર્યો છે. અને જ્યાં પ્રયત્ન છે, ત્યાં વિકાસનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે.

    જ્યારે નિષ્ફળતા આવે, ત્યારે સૌથી પહેલું કામ એ છે કે આપણે પોતાને દોષ આપવાનું બંધ કરીએ. ઘણી વાર આપણે આપણા મનમાં જ પોતાને સૌથી કઠોર રીતે ન્યાય કરીએ છીએ. "હું યોગ્ય નથી," "મારી પાસે કાબેલિયત નથી," "મારા માટે આ શક્ય નથી"—આવા વિચારો આપણું મન વધુ નબળું બનાવી નાખે છે. હકીકતમાં, નિષ્ફળતા એ આપણું મૂલ્ય નક્કી કરતી નથી, તે ફક્ત આપણને બતાવે છે કે ક્યા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે. એટલે, નિષ્ફળતા સામે ઊભા રહીને, આપણે પોતાને પ્રેમથી સમજાવવું જોઈએ કે આ એક પાઠ છે, સજા નહીં.

    આવી પરિસ્થિતિમાં મનને શાંત રાખવું ખૂબ જ મહત્વનું છે. કારણ કે જ્યારે મન ઉથલપાથલ હોય, ત્યારે કોઈપણ યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે. થોડો સમય પોતાને આપવો, પોતાની લાગણીઓને સ્વીકારવી—આ બધું જરૂરી છે. નિષ્ફળતા પછી તરત જ ઊભા થઈ જવાનું દબાણ આપવું પણ યોગ્ય નથી. કારણ કે દરેક વ્યક્તિની પોતાની ગતિ હોય છે, અને પોતાને સમજવાનો સમય આપવો એ પણ એક પ્રકારની શક્તિ છે.પરંતુ આ સમયને લાંબો ખેંચવો પણ યોગ્ય નથી. કારણ કે જીવન સતત આગળ વધતું રહે છે. જ્યારે આપણે થોડું સંયમ મેળવી લઈએ, ત્યારે પોતાની નિષ્ફળતાનો નિષ્પક્ષ રીતે વિચાર કરવો જોઈએ. શું ખરેખર ખોટું થયું? ક્યાં અમે ભૂલ કરી? શું અમારી તૈયારી અધૂરી રહી? કે પછી પરિસ્થિતિઓ અનુકૂળ નહોતી? આ પ્રશ્નોનો ઈમાનદારીથી જવાબ શોધવો એ આગળ વધવાનો સૌથી મજબૂત આધાર છે.

    જ્યારે આપણે આ રીતે પોતાના અનુભવનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે નિષ્ફળતા એક માર્ગદર્શક બની જાય છે. એ આપણને બતાવે છે કે કયા રસ્તે જવું નહીં, અને કયા રસ્તે વધુ ધ્યાન આપવું જોઈએ. જીવનમાં સફળ થયેલા લોકોનું જો ધ્યાનથી અભ્યાસ કરીએ, તો સમજાશે કે તેઓએ પણ અનેક વખત નિષ્ફળતાઓનો સામનો કર્યો છે. પરંતુ તેમની વિશેષતા એ હતી કે તેઓએ નિષ્ફળતાને સ્વીકારી, તેમાંથી શીખી અને ફરીથી પ્રયાસ કર્યો.

    હકારાત્મક અભિગમ એટલે માત્ર ખુશ રહેવાનો પ્રયાસ નહીં, પરંતુ દરેક પરિસ્થિતિમાં અર્થ શોધવાની ક્ષમતા. જ્યારે તમે નિષ્ફળ જાઓ છો, ત્યારે આ પ્રશ્ન પૂછો—આ અનુભવ મને શું શીખવાડે છે? કદાચ એ તમને વધુ ધીરજ શીખવાડે, કદાચ એ તમારા આત્મવિશ્વાસને ફરીથી બનાવવાનો મોકો આપે, અથવા કદાચ એ તમને બતાવે કે તમારું સાચું રસ ક્યાં છે.નિષ્ફળતા પછી ફરીથી શરૂ કરવું સરળ નથી. ઘણી વાર ભય લાગે છે—ફરીથી નિષ્ફળ થઈ જવાની ભીતિ, લોકો શું કહેશે તેની ચિંતા, અથવા પોતાના પરનો વિશ્વાસ ઓછો થઈ જવો. પરંતુ આ બધું સ્વાભાવિક છે. આ ભયને દૂર કરવાનો એક જ રસ્તો છે—નાના પગલાંથી ફરી આગળ વધવું. મોટા લક્ષ્યોને નાના ભાગોમાં વહેંચો, અને દરેક નાની સિદ્ધિ પર પોતાને પ્રોત્સાહિત કરો. આ રીતે, ધીમે ધીમે તમારું આત્મવિશ્વાસ પાછું આવશે.

    આપણે ઘણી વાર બહારની દુનિયા સાથે પોતાની તુલના કરીએ છીએ. કોઈક મિત્ર સફળ થઈ જાય, કોઈક સહકર્મી આગળ વધી જાય, તો આપણે પોતાના વિશે શંકા કરવા લાગી જઈએ છીએ. પરંતુ જીવન કોઈ સ્પર્ધા નથી, જ્યાં દરેકને એક જ સમયે ગંતવ્ય સુધી પહોંચવું હોય. દરેક વ્યક્તિની પોતાની યાત્રા છે, પોતાનો સમય છે, અને પોતાની પરિસ્થિતિઓ છે. તેથી, પોતાની યાત્રાને સ્વીકારવી અને તેમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરવો—આજ સાચો હકારાત્મક અભિગમ છે.

    આ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણે આપણા આસપાસના લોકો સાથે કેવી રીતે જોડાયેલા છીએ. જો આપણે એવા લોકો સાથે સમય વિતાવીએ છીએ, જે સતત નકારાત્મક વાતો કરે છે, તો એ આપણું મનોબળ વધુ ઘટાડે છે. તેથી, શક્ય હોય ત્યાં સુધી, એવા લોકો સાથે જોડાવું જોઈએ, જે આપણને પ્રોત્સાહિત કરે, આપણામાં વિશ્વાસ રાખે અને આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે.સાથે સાથે, આત્મવિશ્વાસ અને આત્મસન્માન વચ્ચેનો તફાવત સમજવો પણ જરૂરી છે. આત્મવિશ્વાસ એ આપણા કાર્ય પરનો વિશ્વાસ છે, જ્યારે આત્મસન્માન એ આપણા અસ્તિત્વનો સ્વીકાર છે. નિષ્ફળતા આપણો આત્મવિશ્વાસ થોડીવાર માટે હચમચાવી શકે છે, પરંતુ તે આપણું આત્મસન્માન ક્યારેય નબળું પાડવું જોઈએ નહીં. આપણે જે છીએ, તે માટે પોતાને સ્વીકારવું અને પ્રેમ કરવું—આજ સાચી શક્તિ છે.

આખરે, જીવનને એક લાંબી યાત્રા તરીકે જોવાની જરૂર છે, જેમાં ઊંચાઈઓ અને નીચાઈઓ બંને આવે છે. નિષ્ફળતા એ આ યાત્રાનો એક ભાગ છે, અને તે વગર સફળતાનો સ્વાદ અધૂરો રહે છે. જો તમે ક્યારેય નિષ્ફળ ન જાઓ, તો તમે ક્યારેય શીખશો નહીં, ક્યારેય બદલાશો નહીં, અને ક્યારેય તમારા સાચા સામર્થ્ય સુધી પહોંચશો નહીં.

તેથી, જ્યારે પણ જીવનમાં નિષ્ફળતા આવે, ત્યારે તેને અંત નહીં, પરંતુ એક નવો આરંભ માનો. પોતાના પર વિશ્વાસ રાખો, પોતાની ભૂલોમાંથી શીખો, અને ફરીથી આગળ વધવાનો સાહસ કરો. કારણ કે સાચી જીત એ નથી કે તમે ક્યારેય પડો નહીં, પરંતુ એ છે કે તમે દરેક વખત પડ્યા પછી ફરીથી ઊભા થાઓ.

    જીવનની સૌથી સુંદર વાત એ છે કે તે હંમેશા આપણને બીજી તક આપે છે—શરત એટલી જ છે કે આપણે તે તકને ઓળખી શકીએ અને તેનો સ્વીકાર કરી શકીએ. તેથી, નિષ્ફળતા સામે ડરવાનું નહીં, તેને સ્વીકારવાનું શીખો. કારણ કે ઘણી વાર, આપણું સૌથી મોટું સફળતા આપણાં સૌથી મોટા નિષ્ફળતાના પાછળ જ છુપાયેલી હોય છે.


કોમલ:જયવાદ

લેખક:જૈમીન જોષી. 

Sunday, March 22, 2026

જિંદગી જીવી લો મજાથી... (Live life happily...)

  • એક રોમાંચક, હકારાત્મક અને વિચારાત્મક યાત્રા...

 

જીવન… આ એક એવો શબ્દ છે જે સાંભળતા જ અંદર કંઈક ધબકવા લાગે છે. ક્યારેક આનંદની લહેરો ઉછળે છે, તો ક્યારેક ચિંતાનો વંટોળ. પરંતુ સવાલ એ નથી કે જીવનમાં શું મળે છે, સવાલ એ છે કે આપણે તેને કેવી રીતે જીવીએ છીએ. "જિંદગી જીવી લો મજાથી" – આ માત્ર એક વાક્ય નથી, આ તો એક જીવનમંત્ર છે.

આજના સમયમાં માણસ જીવે છે, પણ જીવી રહ્યો છે કે નહીં, એ મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ દોડમાં છે – પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, સંબંધો માટે, અને ઘણી વખત તો પોતાની જાતથી જ આગળ નીકળવા માટે. આ દોડમાં ક્યાંક હાસ્ય ખોવાઈ ગયું છે, ક્યાંક શાંતિ ગુમ થઈ ગઈ છે, અને ક્યાંક તો "મજા" નામનો ભાવ જ જીવનમાંથી ઓગળી ગયો છે.

પરંતુ સાચું જીવન એ નથી કે તમે કેટલા વ્યસ્ત છો, સાચું જીવન એ છે કે તમે કેટલા પ્રસન્ન છો.

જિંદગી જીવવી એટલે માત્ર શ્વાસ લેવું નથી. જિંદગી જીવવી એટલે દરેક ક્ષણને અનુભવું, દરેક લાગણીને સ્વીકારવી અને દરેક દિવસને એક નવો અવસર માનવો.

એક બાળકને જુઓ… તેને ભવિષ્યની ચિંતા નથી, ભૂતકાળનો ભાર નથી. તે હાલની ક્ષણમાં જીવે છે, અને એ જ કારણ છે કે તે ખુશ રહે છે. આપણે મોટા થતા જઈએ છીએ, અને સાથે સાથે અમારી ખુશી પણ ક્યાંક ખોવાઈ જાય છે.

પણ શું ખરેખર ખુશી ખોવાઈ જાય છે?
ના… ખુશી તો હંમેશા આપણા અંદર જ હોય છે, આપણે જ તેને અવગણીએ છીએ.

જિંદગીમાં મજા લેવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી. એક સારો સૂર્યોદય, એક મીઠી ચા, એક સાચો મિત્ર, એક સ્મિત… આ બધું જ જીવનને સુંદર બનાવે છે. પરંતુ આપણે આ નાની નાની ખુશીઓને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ અને મોટી સફળતા પાછળ દોડતા રહીએ છીએ.

સાચી વાત તો એ છે કે "મજા" કોઈ ગંતવ્ય નથી, એ તો એક યાત્રા છે.

ક્યારેક આપણે વિચારીએ છીએ કે "જ્યારે આ મેળવી લઈશું, ત્યારે ખુશ થઈશું."
પરંતુ એ "જ્યારે" ક્યારેય આવતું નથી.
કારણ કે જીવન હંમેશા આજમાં જ છે, આવતીકાલમાં નહીં.

જિંદગી જીવવાની કળા એ છે કે તમે હાલની ક્ષણમાં સંતોષ અનુભવો.
એનો અર્થ એ નથી કે તમે સપનાઓ છોડો, પરંતુ એનો અર્થ એ છે કે તમે સપનાઓની યાત્રામાં પણ આનંદ માણો.

જીવનમાં મુશ્કેલીઓ આવશે જ. દુઃખ, નિષ્ફળતા, અસ્વીકાર – આ બધું જીવનનો ભાગ છે. પરંતુ આ બધું જ આપણને મજબૂત બનાવે છે. જો જીવનમાં માત્ર સુખ જ હોય, તો જીવન નિરસ બની જાય. દુઃખ વગર સુખની કિંમત સમજાતી નથી.

એક સુંદર વાત છે –
"જીવન એક સંગીત છે, જેમાં ખુશી અને દુઃખ બંને સૂર છે."

જો તમે માત્ર એક જ સૂર પર ધ્યાન આપશો, તો સંગીત અધૂરું રહી જશે.

જિંદગીમાં મજા લેવા માટે, આપણને પોતાની માનસિકતા બદલવાની જરૂર છે.
આપણે ઘણી વખત નકારાત્મક વિચારોમાં ફસાઈ જઈએ છીએ. "શું નહીં મળ્યું" એ વિચારીએ છીએ, "શું મળ્યું" એ ભૂલી જઈએ છીએ.

જો તમે રોજ રાત્રે સૂતા પહેલા માત્ર ત્રણ વસ્તુઓ માટે આભાર માનો, તો ધીમે ધીમે તમારી દ્રષ્ટિ બદલાશે. તમે જીવનમાં ખુશી શોધવા લાગશો.

સંબંધો પણ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. સાચા સંબંધો જ જીવનને રંગીન બનાવે છે. પૈસા તમને સુવિધા આપી શકે છે, પરંતુ સ્નેહ અને લાગણી જ તમને શાંતિ આપે છે.

એક સાચો મિત્ર, એક પ્રેમાળ પરિવાર – આ બધું જ જીવનને જીવવા જેવું બનાવે છે.

જિંદગીમાં મજા લેવા માટે, "છોડવાની કળા" પણ આવડી જોઈએ.
ઘણા લોકો ભૂતકાળના દુઃખમાં અટવાઈ જાય છે. કોઈએ શું કહ્યું, શું કર્યું – આ બધું યાદ રાખીને આપણે પોતાને જ દુઃખ આપીએ છીએ.

સાચું સુખ ત્યારે મળે છે, જ્યારે આપણે માફ કરી શકીએ અને આગળ વધી શકીએ.

"છોડી દેવું" એ હાર નથી, એ તો એક નવી શરૂઆત છે.

જિંદગીમાં મજા લેવા માટે, થોડી પાગલપણું પણ જરૂરી છે.
ક્યારેક નિયમો તોડો, ક્યારેક મન મુજબ જીવો, ક્યારેક કંઈક નવું અજમાવો.
જીવન એક પુસ્તક છે, અને જો તમે માત્ર એક જ પાનું વાંચશો, તો આખી વાર્તા કેવી રીતે સમજાશે?

પ્રવાસ કરો, નવા લોકો સાથે મળો, નવી વસ્તુઓ શીખો.
આ બધું જ જીવનને વધુ રસપ્રદ બનાવે છે.

અને સૌથી મહત્વપૂર્ણ વાત – પોતાને પ્રેમ કરો.
જ્યારે તમે પોતાને સ્વીકારશો, ત્યારે જ તમે સાચા અર્થમાં ખુશ રહી શકશો.

બીજાઓની સાથે સરખામણી કરવી એ સૌથી મોટી ભૂલ છે.
દરેક વ્યક્તિની યાત્રા અલગ હોય છે.
તમારી ગતિએ ચાલો, તમારી રીતથી જીવો.

જિંદગી કોઈ સ્પર્ધા નથી, એ તો એક અનુભવ છે.

આખરે, જ્યારે આપણે પાછળ વળી ને જીવનને જોશું, ત્યારે આપણને એ યાદ નહીં રહે કે કેટલા પૈસા કમાયા, કેટલા એવોર્ડ મળ્યા.
પરંતુ એ યાદ રહેશે કે કેટલા ક્ષણો હસ્યા, કેટલા લોકો સાથે હૃદયથી જોડાયા, અને કેટલા પળો સાચે જ જીવી લીધા.

તેથી જ કહું છું –
જિંદગી જીવી લો મજાથી.

દરેક દિવસને એક ઉત્સવ બનાવો, દરેક ક્ષણને એક સ્મૃતિ બનાવો.
કારણ કે જીવન બહુ નાનું છે, અને સમય બહુ ઝડપી છે.

આજે જે છે, એ જ સાચું છે.
કાલ શું લાવશે, એ કોઈને ખબર નથી.

તો શા માટે રાહ જોવી?
શા માટે પોતાના સપનાઓને ટાળવા?
શા માટે ખુશીને પાછળ ધકેલવી?

હસો, રમો, પ્રેમ કરો, શીખો, અને સૌથી મહત્વપૂર્ણ – જીવો.

કારણ કે…
જીવન એકવાર મળે છે, પણ જો સાચી રીતે જીવો, તો એકવાર જ પૂરતું છે.

કોલમ:જયવાદ
લેખક: જૈમિન જોષી.

Wednesday, March 18, 2026

“પરીક્ષા પૂર્ણ થઈ… હવે શું? (“The exam is over… now what?)

 “પરીક્ષા પૂર્ણ થઈ… હવે જીવન શરૂ થાય છે”



પરીક્ષા પૂરી થાય છે, અને એક અજીબ શાંતિ મનને ઘેરી લે છે. કાલ સુધી જે દિવસો ઘડિયાળના કાંટા સાથે દોડતા હતા, તે અચાનક થંભી જાય છે. પુસ્તકો બંધ થઈ જાય છે, પેન ટેબલ પર મૂકી દેવામાં આવે છે, પરંતુ મન? — મન હજુ પણ દોડતું રહે છે. એક તરફ હળવો શ્વાસ છે કે ભાર ઉતરી ગયો, અને બીજી તરફ એક મૌન પ્રશ્ન ઊભો થાય છે—“હવે શું?”

આ “હવે શું?” માત્ર એક સામાન્ય પ્રશ્ન નથી. તે એક દર્પણ છે, જેમાં વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય, પોતાની ઓળખ અને પોતાની ક્ષમતા શોધવાનો પ્રયાસ કરે છે. અત્યાર સુધી જીવન એક લકીર પર ચાલતું હતું—શાળા, અભ્યાસ, પરીક્ષા. પરંતુ હવે એ લકીર અચાનક પૂરી થઈ ગઈ છે. આગળનું માર્ગ સ્વયં બનાવવાનું છે. આ જ ક્ષણમાં જીવનનો સાચો સંઘર્ષ શરૂ થાય છે.

સમાજની આંખો હવે તમારા પર છે. સગા-સંબંધીઓના શબ્દો, મિત્રોના અંદાજ, અને પરિવારની અપેક્ષાઓ—આ બધું મળીને એક અદૃશ્ય દબાણ ઊભું કરે છે. “કેટલા ટકા આવશે?”, “કયો વિષય પસંદ કરશો?”, “કઈ કારકિર્દી બનાવશો?” — આ પ્રશ્નો માત્ર પ્રશ્નો નથી, પરંતુ એક સામાજિક માપદંડ છે, જેનાથી વ્યક્તિને તોલવામાં આવે છે.

પરંતુ આ વચ્ચે એક નાનકડી સત્યતા ઘણીવાર ખોવાઈ જાય છે—દરેક વ્યક્તિનો માર્ગ અલગ હોય છે. એક જ માપદંડથી બધાને માપી શકાય નહીં. ગામડામાં એક ખેડૂતનો દીકરો, શહેરમાં એક વેપારીનો દીકરો અને એક મધ્યવર્ગીય પરિવારની દીકરી—ત્રણેયના સપના, પરિસ્થિતિઓ અને સંઘર્ષો અલગ છે. છતાં, સમાજ ઘણીવાર એક જ લકીરથી બધાને દોરવાનો પ્રયાસ કરે છે.

પરીક્ષા પછીનો સમય ખરેખર ખાલી નથી, પરંતુ ખૂબ જ ગર્ભિત છે. આ એ સમય છે, જ્યાં તમે બહારની દુનિયાથી થોડા દૂર થઈને પોતાના અંતરમનમાં ઝાંખી કરી શકો છો. જીવનમાં શું બનવું છે એ કરતાં વધુ મહત્વનું છે—શું બનવું છે? શું હું માત્ર એક નોકરી માટે જીવવાનો છું કે કોઈ મૂલ્ય માટે? શું મારી સફળતા માત્ર પગારથી માપાશે કે મારા સંતોષથી?

આ પ્રશ્નોના જવાબ તરત મળતા નથી. પરંતુ આ પ્રશ્નો પૂછવાની હિંમત જ વ્યક્તિને સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે.

આ સમય દરમિયાન ઘણીવાર તુલનાનો ઝેર મનમાં પ્રવેશે છે. “એ મારો કરતા આગળ છે”, “એને વધારે માર્ક્સ આવશે”, “મારું શું થશે?” — આ વિચારો ધીમે ધીમે આત્મવિશ્વાસને ખોખલો બનાવે છે. પરંતુ જો જીવનને થોડી ઊંડાઈથી જોવામાં આવે, તો સમજાય છે કે દરેક વ્યક્તિની સફર અલગ છે. કોઈ ઝડપથી દોડે છે, કોઈ ધીમે ચાલે છે, પરંતુ અંતે મહત્વનું એ નથી કે કોણ પહેલા પહોંચ્યું—મહત્વનું એ છે કે કોણ સાચી દિશામાં ચાલ્યું.

સમાજમાં ઘણી એવી કથાઓ છે, જ્યાં લોકો પરંપરાગત માર્ગ છોડીને પોતાનો રસ્તો બનાવે છે. કોઈએ ખેતીમાં નવીનતા લાવી, કોઈએ નાની દુકાનમાંથી મોટું વ્યાપાર ઊભું કર્યું, કોઈએ કળા અને સાહિત્યમાં પોતાનું સ્થાન બનાવ્યું. આ બધું એ બતાવે છે કે સફળતા માટે એક જ માર્ગ નથી.

પરંતુ આ માટે જરૂરી છે—આત્મવિશ્વાસ અને ધીરજ. પરિણામની ચિંતા સ્વાભાવિક છે, પરંતુ પરિણામ જીવનનો અંતિમ નિર્ણય નથી. ઘણીવાર જીવન આપણને એ રસ્તા પર લઈ જાય છે, જે આપણે વિચાર્યો પણ નથી. અને ત્યાં જ આપણું સાચું સામર્થ્ય બહાર આવે છે.

પરીક્ષા પછીનો સમય એ પણ શીખવે છે કે જીવન માત્ર સ્પર્ધા નથી. તે સંબંધોનું, લાગણીઓનું અને અનુભવોનું સંકલન છે. મિત્રો સાથેના હાસ્ય, પરિવાર સાથેની વાતચીત, એકાંતમાં કરેલી વિચારણા—આ બધું જીવનને સમૃદ્ધ બનાવે છે.

આજે જો તમે થોડી ક્ષણ માટે શાંતિથી બેસો અને તમારા મનને સાંભળો, તો તમને અંદરથી એક અવાજ સંભળાશે. તે અવાજ તમને કહે છે—“ડરશો નહીં, આગળ વધો.” આ અવાજ જ તમારો સાચો માર્ગદર્શક છે.

જીવનમાં સૌથી મોટી ભૂલ એ નથી કે તમે નિષ્ફળ થાઓ, પરંતુ એ છે કે તમે પ્રયાસ કરવાનું બંધ કરો. પરીક્ષા પૂર્ણ થવી એ એક અધ્યાયનું સમાપન છે, પરંતુ આખું પુસ્તક હજુ બાકી છે. આ પુસ્તક તમે લખવાનું છે—તમારા નિર્ણયો, તમારા સંઘર્ષો અને તમારા સપનાઓથી.

અંતે, “હવે શું?” નો જવાબ કોઈ બહારનો માણસ આપી શકતો નથી. તે જવાબ તમારા અંદર જ છુપાયેલો છે. જ્યારે તમે તમારા ડર પર જીત મેળવો, તમારા પર વિશ્વાસ રાખો અને તમારા માર્ગ પર ચાલવાની હિંમત રાખો—ત્યારે આ પ્રશ્ન પોતે જ વિલય પામે છે.

પરીક્ષા પૂર્ણ થઈ છે…
હવે જીવન તમારી રાહ જોઈ રહ્યું છે.


કોલમ: જયવાદ

લેખક:જૈમીન જોષી. 


Sunday, April 21, 2024

આપણા સંસ્કારો અને શિક્ષણ બંને વચ્ચે વિસંગતા જણાય તેનો અર્થ હજુ અપને અશિક્ષિત જ છીએ.(A discrepancy between our culture and education means that we are still uneducated.)

  • અલ્પવિરામ વગરનાં વાક્યો સુંદર અને સચોટ હોય છે તકલીફ તો અલ્પવિરામ પછી ઉત્પન્ન થાય છે.

jayvad


   સ્મરણ સંભારણા યાદ, સ્મૃતિ વગેરે ભૂતકાળને વાગોળવાની અને આત્મબોધ કરવાની ચાવીઓ છે. ભૂતકાળની ઘટના જેટલી જૂની હોય તેટલી આનંદ મય અને દિલને ખુશ કરી દેનાર હોય છે. અતીત કરતા આવનારી ક્ષણ અદભુત જ હોય છે પરતું તેને સમજવાની કે આત્મસાત કરવાની આપણી દ્રષ્ટી ભાગ્યેજ હોય છે. અલ્પવિરામ વગરનાં વાક્યો સુંદર અને સચોટ હોય છે તકલીફ તો અલ્પવિરામ પછી ઉત્પન્ન થાય છે કેમ કે વાસ્તવિકતાનું બીજું પાસું અલ્પવિરામ પછી જ આવતું હોય છે. વર્તમાનની ક્ષણ  સ્થિર બિંદુ જેવી હોય છે તે આપોઆપ નજર સામેથી પસાર થઇ જતી હોય છે અને પછી તે બાષ્પીભવન પામેલ બિંદુને આપણે શોધ્યા કરીએ ત્યાં જ ભૂતકાળને વાગોળવાની શરૂઆત થઇ જાય છે. આપણા ભૂતકાળને આધારે આપણી સાચી ખોટી આદતો, સ્વભાવ, ક્રિયા, આવડતને પારખી શકાય છે. આપણા શબ્દો આપણી આવડતને ઉગાડી કરતા હોય છે.

   હું ઘણી વખત વાત કરું છું કે આપણે મૌન ને બોલવા દઈએ, કોઈ વ્યક્તીને છંછેડ્યા વગર તેની ભીતરમાં રહેલી નીતિને પારખી લઈએ તો આપણે સચોટ માર્ગ પરથી પસાર થઇ શકીએ. કોઈ વ્યક્તિ સાથે વાદ વિવાદ કે દલીલો દ્વારા આપણો સમય વેડફવાના બદલે ત્યાંથી પસાર થઇ જવામાં ચતુરાઈ રહેલી છે. આપણે શિક્ષિત લોકોની વચ્ચે ભલે ન મોટા થયા હોઈએ પરંતુ  આપણા સંતાનોનો ઉછેર તો હાઈ ફાઈ સોસાઈટીમાં કરવા ઈચ્છીએ છીએ. તે છતાં અપણા સંતાનો આપણા કરતા વધુ કઠોર અને નિર્બળ સાબિત થતા હોઈ છે. કોઈ વ્યક્તિ સાથે વાત કરતા કે પાણીનો ગ્લાસ આપવા પણ સંતાનો તૈયાર નથી થતાં. તેમને પોતાની એક આંતરિક દુનિયા જે વર્ચ્યુઅલાઈઝેશનથી ચાલતી હોય છે તેમાં વધુ રસ છે. તે છતાં આપણે સંતાનો વધુ ભણેલા અને કોલીફાઈડ હોવાનો ગર્વ લેવાનું ચુકતા નથી.

   ‘’એક નાની સત્ય ઘટના યાદ આવે છે. મુંબઈમાં એક વાર એક વૃદ્ધ સ્ત્રી લાકડાંનો એક ભારો પોતાની પાસે લઈને ઉભી હતી. ભારો વજનમાં હતો માટે તે ત્યાંથી પસાર થતાં લોકો પાસે મદદ માંગતી હતી કે તે લાકડાંનો ભારો પોતાનાં માથા ઉપર ચઢાવી આપે, પરંતુ કોઈ પણ માણસે તેને ભારો માથા ઉપર ન મૂકી આપ્યો. થોડીવારમાં જ એક સુટબુટ અને ટાઈ પહેરેલ એક સજ્જન ત્યાંથી પસાર થતાં હતાં. તે વૃદ્ધાએ તેમને જોયા પરંતુ તે સજ્જન વ્યક્તિને જોઇને તેમની પાસે મદદ ન માંગી શક્યા. તેમને લાગ્યું આટલો મોટો વ્યક્તિ થોડી મારી મદદ કરશે. જ્યાં એટલા લોકો પસાર થઇ ગયા ત્યાં આ વ્યક્તિ પાસે તો શું અપેક્ષા રાખી શકાય? પેલા સજ્જન વ્યક્તિની નજર વૃદ્ધા સામે પડી અને તેમને લાગ્યું કે આ સ્ત્રી  મારી પાસેથી મદદ માંગે છે, તેથી તેઓ સહેજ અટક્યા અને પૂછ્યું કે માં !  તમે શું ઇચ્છો છો ? આવું આત્મીયતા ભર્યું સંબોધન સંભાળીને તે વૃદ્ધ મહિલાની આંખોમાં આશું આવી ગયાં. તેને કહ્યું કે હું અહીંથી પસાર થતાં બધા લોકોને લાકડાંનો આ ભરો મારા માથે ચડાવવા માટે વિનંતી કરું છું, પરંતુ કોઈ મને મદદ કરતું નથી.

   પેલા સજ્જને તરત જ તે ભારો ઊંચકીને વૃદ્ધ મહિલાના માથે મૂકી દીધો. હવે જરા સમજવા જેવું છે. તે સજ્જન બીજું કોઈ નહિ, પરંતુ મુંબઈ ન્યાયાલયના ન્યાયાધીશ શ્રી ગોવિંદ રાનડેજી હતા. આ ઘટના બતાવે છે કે માણસ ભલે ઊંચા પદ નો હોય કે જગત માત્રની ડીગ્રીઓ તેને પ્રાપ્ત કરી લીધી હોય પરંતુ તે મહાન તેના સદ્ગુણોથી જ બને છે.


આપણા સંસ્કારો અને શિક્ષણ બંને વચ્ચે વિસંગતા જણાય તેનો અર્થ હજુ અપને અશિક્ષિત જ છીએ.   

                                                                                                                                                                                                                                                     જૈમિન જોષી.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                            

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                           


Wednesday, February 28, 2024

સુખના ભોગે શું પ્રાપ્ત કરશો ? (What will you get for happiness?)

  •  જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત...


happy life quotes image


    માણસ કાં તો ભૂતકાળને વાગોળે છે કાં તો ભવિષ્યમાં ચગદોળાય જાય છે. હું પોતે ક્યારેક વિચારું છું કે જીવન જયારે વાન્જીયા સપના જોવે ત્યારે તેના પરિણામોને સંતાન કહી શકાય? તેમ છતાં મારી આંખો વર્તમાનની ક્ષણની કાયમ સાક્ષી રહી છે. જોવું અને જીવવું બંનેમાં ઘણો ફર્ક છે. અઢળક ધન સંપતિ હોવા છતાં સંતાનો અને શાંતિ બંને માટે વલખા મારતા લોકોને મે મારી દ્રષ્ટીએ નિહાળ્યા છે. માણસ કેટલો નિર્દય થઈ શકે કેટલો એહસાન ફરામોસ થઇ શકે તેના જીવંત ચહેરા આજે પણ મારી દ્રષ્ટી સામે ફરતા રહ્યા છે. ઘણાં લોકોને તો અંત સુધી ખબર નથી પડતી કે તે પોતે જેની સાથે ઉઠે બેસે છે તે ક્યારે તેમની પીઢ ઉપર છરીનો ઘા કરી ગયો. માછલા પકડનારની ઝાળ તેટલી તો છિદ્ર ધરાવતી હોય છે કે તેમાંથી પાણી નીકળી જાય અને માછલી પકડાઈ જાય. સાથે બેસનાર મિત્ર જ હોય તે જરૂરી નથી કેટલાક લોકો તેમના અંગત સાર્થ અને ભીતરની વાતો જાણવા માટે મિત્રના નામનું મખોટુ પહેરીને બેઠા હોય છે. પરદેશથી આવેલી પત્ની પતિ પ્રત્યે પ્રમાણિક ન હોય તે પ્રમાણે પોતાના સ્વાર્થથી જોડાયેલ લોકો પોતાના ન હોય.


happy life quotes


   એકલો બેઠો વિચારું છું ત્યારે તે પણ સમજાય છે કે જીવનમાં છેતરાવવું પણ જરૂરી છે. બધું આપણું ધાર્યું થતું હોય તો સમજી જવું કે નક્કી કોઈ આપણું પત્તું કાપવા માટે નીતિ ઘડી રહ્યું છે. નજીકના નામે ટપાલ મોકલાય પરંતુ મનોરથ ના મોકલાય. એક નવા જીવવની અપેક્ષાએ અપણે વર્તમાનને હોમી દઈએ છીએ ત્યારે આપણને કલ્પના પણ નથી હોતી કે જે જઈ રહ્યું છે તે પણ જીવવા જેવું હતું અને જીવવા માટે જ હતું.  પુલ પરથી પસાર થતી વખતે જરા બાજુના પહાડ તરફ નજર કરી શકાય કે નીચેની તરફ વહેતું પાણી જોઈ શકાય. ઉતાવળે પસાર થવા માટે આ મેરેથોન નથી આતો સંધ્યાનું વોકિંગ છે જે વાતો કરતા કરતા, આસપાસ જોતા જોતા, ગીતો ગાતા ગાતા કે કલરવ કરતા કરતા પસાર થવાનું હોય છે. જે વધુ પામવાના ચક્કરમાં દોડે છે તેને પણ સમય સિગ્નલ બની થંભાવી જ દે છે. તેના કરતા શાંતિથી પસાર થઈએ તો જીવન ક્યાય પણ રોક્યા વગર મજીલ સુધી પહોંચાડી દે.

    જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત. અનિશ્ચિતતાને પણ સ્વીકારવી જોઈએ. આ જગતમાં કોઈ સુખી નથી અને કોઈ દુઃખી નથી. આ પળની પાછળ કઈ પળ આવવાની છે તેની પણ ખબર નથી. જે જીવ્યા તે પોતાના નસીબનું હતું કે નહિ તે પણ ખબર નથી. જે મળ્યું છે તે પોતાના પરિશ્રમનું છે કે નહિ તે પણ ખબર નથી.

    આ જગતમાં હોવુ તે જ એક વરદાન છે. ઈશ્વર પાસે અન્ય કયા વરદાનની અપેક્ષા રખાય? આપણે ઈશ્વર સામે હાથ જોડીને બેસી રહીએ છીએ પરંતુ અન્ય સામે હાથ મિલાવતા નથી. માંગવું તે આપણી ફિતરત બની ગઈ છે પછી તે માણસની સામે હોય કે ઈશ્વરની સામે. કલ્પના કરો કે જગતના તમામ સુખો ઈશ્વર તમારી ઝોળીમાં નાખી દે તો તમારામાં તેટલી આવડત, ક્ષમતા કે કુશળતા છે કે તમે તેને ભોગવી કે મેનેજ કરી શકો. સવારે ખીલેલા પુષ્પની નિયતિ સાંજ સુધીમાં કરમાય જવાની હોય છે તે છતાં તે આખો દિવસ સુગંધ ફેલાવતા હોય છે. આપણે આટલી સરળ વાત કેમ સમજી શકતા નથી. શરીર અને સુખના ભોગે કોઈ કામ ન થાય. સમુદ્રનો કાંઠો ગમે તેટલો સુંદર હોય પરતું ત્યાં વ્યક્તિની કિલકારીઓ ન સંભળાય તો તે સમુદ્ર ભયાનક જ લાગે. જીવન પણ તેવું જ છે. હસતા, કુદતા, ખીએલા, કિલકારીઓ કરતા ચહેરે જીવન ના જીવીએ તો તે ઉજ્જડ અને વેરાન જ લાગે. તેવા જીવનનો શું અર્થ જ્યાં પળોનો આનંદ લેતા ન આવડતો હોય?      

                                                                                                                            જૈમિન  જોષી.


Sunday, June 20, 2021

આપણું સુખ કોણ નક્કી કરશે? (Who will determines our happiness?)

  • હજારો સગવડો હોવાં છતાં પાસે કોઈ વ્યક્તિ ન હોય તો તેને શું ગણશો? :- 


આપણું સુખ કોણ નક્કી કરશે? (Who will determines our happiness?)


   મનનો સંતોષ કે મનમાં સંતોષ સુખની વ્યાખ્યાને બદલી દેતો હોય છે. કોઈક ના સુખ અને વૈભવ જોઈને આપણને તે પોતાને પણ મળે તેવી ઝંખના ઉત્પન્ન થઈ જાય એ સમજી શકાય તેવું છે, પરંતુ સ્વયંના સુખની વ્યાખ્યાનું માપદંડ અન્યનાં સુખ ઉપર આધાર હોય તે કેટલું યોગ્ય?  દરેક વ્યક્તિની એક આગવી ઇચ્છાઓ, ઝંખના કે મર્યાદા હોય છે. કોઈકની સંપત્તિ આપણને આપણી લાગવા લાગે ત્યારે તે ભિખારવૃત્તિ જ કહેવાય. શ્રીમંતતા ક્યારેય ધન આધારિત નથી હોતી. આપણે તેને અલગ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તે આપણી ભૂલ છે. કોઈ વ્યક્તિ તમારા સાથે જોડાયેલ હોય તો તે તમારી પાસેથી કશું જ પ્રાપ્ત ન કરે તે અશક્ય છે. નિસ્વાર્થ સબંધ તે માત્ર દેખાડો છે. અલબત્ત તેને આપણે સ્વીકારી શકતા નથી. આ વાક્યો જાહેર કરવા માટે નથી હોતા પરંતુ ધ્યાને રાખવાં માટે તો હોય જ છે. આપણે જાણે અજાણે પણ કોઈકને ઘણું બધું આપી દેતા હોઈએ છીએ અથવા કોઈક પાસેથી પ્રાપ્ત કરી લેતાં હોઈએ છીએ... પછી તે શાબ્દિક, શારીરિક, માનસિક કે સગવડ સ્વરૂપે કેમ ન હોય. 

   કોઈકને સગવડમાં સુખ દેખાય તો કોઈકને સહવાસમાં. પરિવાર, મિત્રવર્તુળ, પ્રાણી કે પશુપાલન, કલા પ્રદર્શન, સેવા, સદભાવ, આધ્યાત્મ, ત્યાગ, સમર્પણ વગેરેમાં સુખ દેખાય. પ્રત્યેકને સુખ અનુભવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. સુખ આપવાનું કે ભોગવવાનું કોઈ ચોક્કસ માળખું નથી હોતું. સુખ દેખવા માટે શુભ દેખવું જરૂરી હોય છે.  કુદ્રષ્ટિથી માનવ માત્ર નકારાત્મકતાને અનુભવી શકે છે. કામ કરવું એ કળા છે. કેટલાક કામ આયોજન બંધ થતાં હોય છે તો કેટલાક માત્ર કરવા પૂરતાં કરવામાં આવે છે. પૈસાથી ન તો પેટ ભરાય છે ન તો મન. જેનો ઉલ્લેખ જ ચલણ છે તેને ચલ તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. તમને પ્રેમ કરવા સાથી જોઈએ, ઉછેર કરવા સંતાન જોઈએ, સેવા કરવા માતાપિતા કે ઈશ્વર જોઈએ, ગુસ્સો કે નફરત કરવા શત્રુ જોઇએ, આપણને વસ્તુ કરતાં વધુ વ્યક્તિ જોઈએ તેમ છતાં આપણે મને કોઇની જરૂર નથી તેવું કહેતાં ખચકાતાં નથી. માનવ કોઈની સહાય લીધાં વગર આગળ વધી શક્યો જ નથી કે શકવાનો નથી. કોઈનું અહેસાન નથી જોઈતું, કોઈ સાથે મારે લેવાદેવા નથી,  હું મારું કામ જાતે કરવા સક્ષમ છું તેવું બોલનાર વ્યક્તિ માત્ર આભા બની બુદ્ધિ પ્રદર્શન કરતાં હોય છે. જગતમાં ભૌતિકરીતે દરેક વસ્તુ એક બીજા સાથે જોડાયેલ છે. કશું જ સ્વતંત્ર નથી. '' મન'' સિવાય(આધ્યાત્મિક દૃષ્ટિએ બંધન અને સ્વતંત્રતા બંનેની વ્યાખ્યા અલગ થાય છે, પધ્ધતિ, ધારણા કે કર્તવ્ય બધું અલગ છે માટે તેને આમાંથી બાકાત ગણવું). દરેક ઘટના પાછળ અનેક કારણ હોય છે, જે આપણી વિચારધારાનાં ક્ષેત્રફળથી બહાર હોય છે. 

happiness


  
   સુખનો આધાર નાતો એકાંત ઉપર છે ન તો એકલતા ઉપર. તમે છો તો અન્ય પણ છે પૃથ્વી પર દરેકનું એક આગવું અસ્તિત્વ છે. દરેક વ્યક્તિ પોતાના કર્મના બંધનમાં ક્રિયાને અનુસરે છે. જાણે અજાણે પોતાની હાજરી દાખવતું હોય છે. કેટલાકની હાજરી ખુચે તેવું વ્યક્તિત્વ પણ હોય છે, છતાં જે છે તે છે. સારું- નરસું તે પરિસ્થિતી નક્કી કરશે. 

   એક કુંભાર પાસે બે ગધેડા હતાં. એક ખડતલ અને સ્ફૂર્તિલો તો બીજો શુષ્ક અને ઉંમરલાયક. ખડતલ ગધેડો ખૂબ ધમાલિ. એક જગ્યાએ બેસે નહીં એટલે તે ભાગી ન જાય તે માટે કુંભારે બંને ગધેડાનાં પાછળનાં પગ એક બીજા સાથે બાંધી દીધા. બંને એક બીજાથી વિપરીત સ્વભાવ ધરાવતાં એટલે એક બીજાથી વિરુદ્ધ ભાગે. એક આમ ખેંચે તો બીજો આમ. પરિણામે બંને થાક્યા અને એકજ જગ્યાએ બેસી રહ્યાં. ભૂખ અને તૃષા કરતાં વધુ તે એક બીજા સાથે બંધનમાં છે તે વાતે વધું દુઃખી હતાં. આપણે પણ જાણે અજાણે આ જ માનસિકતા ધરાવીએ છીએ. એક બીજા સાથે સાથે ઘર્ષણ કરવામાં એટલા બધાં વસ્ત થઈ જઈએ છીએ કે આપણે મૂળ રસ્તા પરથી ભટકી જઈએ છીએ. પરિણામે દુઃખ, પીડા, નફરત અને અસફળતા સિવાય હાથમાં કશું નથી આવતું. ખોટી જગ્યાએ બળ અને બુદ્ધિને લગાવીએ તેનાં કરતાં સાચી દિશામાં લાગવીએ તો સફર વધુ રોમાંચિત લાગે.

   સાપના ડંખ કરતાં મધમાખીનો ડંખ લાખ ઘણો સારો. કેટલાક આંચકા આપણાં ભાગે નથી આવતા તે જ કુદરતની મહેરબાની છે તેવું માની લેવું. જ્યાં અહમ્ છે ત્યાં દુઃખ છે. જ્યાં ઈર્ષા છે ત્યાં બળાપા છે. જ્યાં ગુસ્સો છે ત્યાં ઘર્ષણ છે. જ્યાં સમજણ છે ત્યાં સગપણ છે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે શું કરવું... પૈસો કશું જ ન હોવા છતાં ઘણું બધું છે. નકામી વાતોમાં નાણાકિય નુકસાન વધુ થતું છે. સંઘર્ષની પણ એક દિશા હોવી જોઈએ. વ્યર્થ સંઘર્ષ માણસને પરિઘમાં જ પ્રવાસ કરાવતો હોય છે. 

   પશ્ચિમનાં દેશોનું અનુકરણ કરતા પહેલાં વ્યક્તિએ પોતે શું છે તે જાણી લેવું જોઈએ. અન્યના ગુણને પણ ગળણામાં ગાળવા જોઈએ. સીધું અનુકરણ રસ્તા ભટકાવી દેતું હોય છે. નરી કોપી કરીએ તેમાં કેટલી સમજદારી? પશ્ચિમમાં લોકો માણસ તો ઠીક વસ્તુ સાથે પણ વિવેકપૂર્વક અને આદરપૂર્વક વર્તે છે. કામ આનંદ આપતું હોય ત્યાં સુધી સારું પણ વૈતરું કર્યું હોય તેવું લાગે તો જીવનમાંથી રસ ઉડી જાય છે. 

   ઘરમાં એક ટેબલ પર નાનકડું ફ્લાવરવાઝ હોય તો પુરતું છે. તેના માટે આખો બગીચો ઘરમાં ન ઉભો કરાય. જ્યાંનું સ્થાન જ્યાં શોભે. માણસને ખ્યાલ નથી હોતો પરંતુ તેને પોતાનાં અહમ અને અણસમજનાં કારણે ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે. ધૃણાથી ધરાઈ ગયેલા માણસ નફરત જ ઓકે છે. સુખ સંયોજનમાં છે, સમજણમાં છે. પછી સુખ નિર્માણ કરવું એ સ્વયં પર આધાર રાખે છે.  સુખ શું છે તે સવાલ અન્યને ક્યારેય ન પુછવો. પોતાની ઇચ્છા અને મર્યાદા આપણે જાતે નક્કી કરવાનું હોય છે. ક્યારેક મન અશાંત હોય કે ઉત્તર ન જડતો હોય ત્યારે કોઈ પાસે શાબ્દિક સહારો લઈએ તેમાએ ખોટું નથી પરંતુ જ્યાં વાત પોતાનાં વિકાસની હોય ત્યાં આખું ક્રિયામંડલ સ્વરચિત હોવું જોઈએ. 

                                                                                                                                        જૈમીન જોષી.

Wednesday, December 23, 2020

શું તમે ઈશ્વર ને સમર્પિત થયા છો? (Are you devoted to God?)

 

  • આપવું હોય તો તેવું મન આપજે પ્રભુ, કે તને હું સમર્પિત રહું...!!

Prey to God image



   અમુક લોકો એવા છે કે જેઓ સંપૂર્ણપણે ઈશ્વરને આધીન છેતેઓ ઈશ્વરના ઉપાસકો ખરા પરંતુ તેથી વધુ તે ઉપભોગીઓ છે. ઈશ્વર મહાન છે તેવું વિચારી પોતાના તમામ દુઃખોપીડાતકલીફોને ઈશ્વરના માથે ઢોળી દે છે. હે... ઈશ્વર હવે તું  મારુ ગાડું ધપાવી શકે તેમ છે... હે ઈશ્વર હવે તારા વિના મારૂ કોઈ નથી.. હે ભગવાન મને આ તકલીફ માંથી મુક્ત કર, મને બચાવી લે...હે  નાથ હું ગૂંચવાયો છુ મને માર્ગ બતાવ.. હે પ્રભુ તુજ મારો તારણ હાર છે તેવું કહી હરિભક્તો સીધા ભગવાનની શરણમાં પડતું મૂકે છે. હરિ જાલે તો કોને જાલે તેને તો એક નથી અનેક છે. ખરેખર માણસ એટલો નબળો છે કે તે પોતાના કાર્યના પરિણામને પણ સહજ સ્વીકાર કરી શકતો નથી એટલે કાતો તે ભગવાન પાસે ચમત્કારની અપેક્ષા રાખે છે અથવા હાથ ઊંચા કરી લે છેખરેખર તો તેઓ પોતાની જવાબદારીઓથી ભાગતા હોય છે. જો ઈશ્વરને જ બધું કરવું હોય તો તમારી જરૂરત શું હોયમાનવ નિર્માણનું મહત્વ શુતેની પાછળનો કઈક તો હેતુ હશે ને...?

   મેં ઘણી જગ્યાએ લોકોને ઈશ્વરની પ્રતિમા સામે જઈને હાથ જોડતાભીખ માગતાં અને રડતાંમાનતા રાખતાંધમકીઓ અને લાલચ આપતા જોયા છે. કોઈ સારા ભવિષ્ય માટે તો કોઈ પૈસા માટે, કોઈ પ્રેમ માટે તો કોઈ સારા જીવન માટેજીવન સાથી માટે તો કોઈ સંતાન માટે. કેટલાક વ્યક્તિઓ તો એટલા બધા દુખી અને નાખુશ હોય છે કે ઈશ્વર પાસે મૃત્યુની પણ માંગણી કરે છે. બસ માંગ માંગ માંગ પરંતુ ઈશ્વરે જેને આ બધુ આપ્યું છે તે શું ઈશ્વર પાસે કઈ માંગતા નથી?  જો ઈશ્વર તમારી બધી ઈચ્છાઓ પૂરી કરીદે તો શું તમે સંતુષ્ટ થઈ જશો?  જવાબ હસે ના... માણસ ક્યારેય ભરાતો નથી છતાં ઉભરાય છે.  

    માણસ પોતાના જીવનકાળ દરમિયાન સારા નરસા અનુભવોને  કારણે એક ચોક્કસ પ્રકારની મનોવૃત્તિ ધરાવતો હોય છે અને તેજ મનોવૃત્તિને વૈચારિક અને સંસ્કારિત રીતે વારસાગત આપતો હોય છે પરિણામે લોકો પોતાના સ્વઅનુભવથી શીખી શકતા નથી અને જે શીખે છે તે સત્ય અને અસત્યના માળખામાં મૂંઝવાય જાય છે. સત્કર્મ અને દુષ્કર્મની સાચી પરખમાં ગૂંચવાયા કરે છે કેમ કે તે સમય સાથે તાલમેલ દાખવી શકતા નથી. સત્કર્મની પરિભાષા શું? સાદી ભાષામાં સમજીએ...(માનવ લઘુ દ્રષ્ટિએ) જે કાર્ય જાહેરમાં થઈ શકે અને તે કામ માટે તમારી પ્રસંશા થાય તે સત્કર્મ અને જે કામ તમારે સંતાઈને કરવું પડે તે દુષ્કર્મ. કોઈના ફાયદાનું કામ કરો તો સત્કર્મ કોઈનું નુકશાન કરો તો દુષ્કર્મ... કોઈના માટે બધુ ન્યોછાવર કરી દો તે સત્કર્મ અને જો પોતાના માટે અંગત રીતે કઈક કરો તો સ્વાર્થી અને દુષ્કર્મી. મજાની વાત એ છે કે આ તમામ કર્મોની વ્યાખ્યાના બીબામાં સામે વાળા વ્યક્તિનો જ ફાયદો થવો જોઈએ પોતે દુખી થઈએ તો ચાલે પરંતુ સામે વાળો પ્રસન્ન થવો જોઈએ. તો પ્રભુ ખુશ થાય અને તમારા પર કૃપાનો વરસાદ કરે તેવું મગજમાં ઠાંસી દેવામાં આવે પરંતુ આ જે કર્મની ગુણવત્તાનું પૃક્કરણ ઈશ્વર કરતાં હોય તો લેખે પણ લાગે પણ આતો અન્ય વ્યક્તિઓ, સમાજ કે ચોક્કસ વર્ગનાં દ્રષ્ટિકોણને આધારે જ નક્કી થાય છે. જેમ અલગ અલગ રાજ્યના કાયદા અને તે પ્રમાણે સજા તેમજ અલગ અલગ પ્રદેશના સત્કર્મ અને દુષ્કર્મના નિયમો અલગ અલગ અને જો તેમના કારણો પૂછીએ તો શાસ્ત્ર નો  સહારો લઈ લેવામાં આવે છે. હવે આજના જમાનામાં લોકો પોતાના કબાટમાં પડેલા પુસ્તકો નથી જોતાં તે શાસ્ત્રોને ક્યાંથી વાચવાના અને   વાંચન કરે  તો પણ તેનું સાચું અર્થઘટન ક્યાંથી  કરવાનાં.? તેના કારણે વ્યક્તિ સમાજના ડરથી સંતાઈને કાર્ય કરશે. હવે વ્યક્તિ જે કામ સંતાઈને કરતો હોય તે તેના મનમાં દ્વેષ ઉત્પન કરતો હોય અને ઉત્પન થયેલ અપરાધ ભાવને કારણે તે પોતાને એટલો પાપી ગણી બેસતો હોય છે કે વૃદ્ધાવસ્થા આવતાં સુધીમાંતો તે ઈશ્વરના સામે ઊંચા હાથ કરી કરીને તેનું જતન કરતો હોય છે જાણે ઈશ્વર તેને સુદામા કે મીરાં સમજી આલિંગન આપવા આતુર હોય તેવી પરિસ્થિતિઓનું નિર્માણ જાહેરમાં કરે છે. તમે આવા લોકોને ભજન કીર્તન કે કથામાં ઊંચા હાથ કરી કુદતા જોયા હશે. નૃત્ય તો નટરાજ ને પણ વહાલું છે તો આપણે તો માનવ છે પરંતુ જ્યારે તેને ખોટી રીતે અંગત સ્વાર્થ અને પીડા માટે પ્રદર્શિત કરવું પડે ત્યારે તે ખોટું કહેવાય. આખા જીવનમાં ઈશ્વરને હાથ ન જોડનાર ને અચાનક અંતઃસ્ફુરણા થાય અને અધ્યાત્મિક જીવન અને શાંતિની વાતો કરે. યુવાનીમાં લેર અને અંત સમયે પ્રભુની મેર...?       

   ભગવાન દ્વેષી નથી. તેને સુખવૈભવસુંદર વસ્ત્રાલંકારશૃંગાર અને ઉત્તમ સ્વાદ તથા સુશોભનો નો ક્યારેય મોહ નથી.તે તમામ આસક્તિઓથી પર છે. તેમણે નાસ્તિક અને આસ્તિક બધા જ ઉપર સ્નેહવશ થઈ આશીર્વાદ આપ્યા છે. શાસ્ત્રોમાં તો ઉલ્લેખ પણ છે કે ઈશ્વરના હાથે મરણ પામેલા અસુરો તથા તેમના શરણમાં આવેલા પાપી ઉપભોગીઓને પણ તેમને તત્કાળ મોક્ષ આપેલ છે.

   ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો. આપણને કુશળતાપૂર્વક સમૃદ્ધિ આપીદુઃખ સહન કરવાની શક્તિ આપી અને સુખ ભોગવવાની પ્રવિધિઓ આપી. આ બધા વચ્ચે તેમણે આપણને શ્રદ્ધા આપી કે ક્યાંય તને અગવડ પડે તો હું તારી સાથે ઉભો રહીશ તેવો વિશ્વાસ આપ્યો છતાં આપણને સંતોષ નથી. તમે ક્યારેય અસત્ય બોલ્યા છો? તમે ક્યારે ઈશ્વર પાસે જઈને પાપ કર્મોનો હિસાબ માગ્યો છે કે તમને પણ માત્ર પુણ્યનો હિસાબ કરતા જ આવડે છે. ઈશ્વર પાસે હમેશાં આભાર માનો કે તેમણે તમને તે તમામ નબળી પરિસ્થિઓમાંથી બચાવ્યા છે જે તમારા ભાગે નથી આવી અને જે આવી છે તેમાં તેને હમેશાં સહાય કરી છે. પરિશ્રમ વગરનું તો પુણ્ય એ નકામું. ઈશ્વર પાસે માંગવુ હોય તો માંગો કે ઈશ્વર એવું જીવન આપજે અને તેવું વિશાળ મન આપજે જે તને સમર્પિત રહે.

                                                                                                                                 જૈમીન જોષી.

પત્ની અને પ્રેમિકા વચ્ચે ખાતો હીરો : મુખ્યમંત્રી (Hero eating between wife and girlfriend: Chief Minister)

“હીરો, હેડલાઈન અને હકીકત : વિજયના જીવનનું રાજકીય વિશ્લેષણ” દક્ષિણ ભારતની રાજનીતિ અને સિનેમાનો સંબંધ કોઈ નવી ઘટના નથી. તામિલનાડુન...