![]() |
pic by google.com |
એક નાનકડું ગામ હતું. તે ગામની પ્રજા રાજાના સાનિધ્યમાં સુખ અને શાંતિથી પોતાનું જીવન જીવતા હતા. તે ગામમાં ભોળારામ કરીને એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. આખા ગામના લોકો સેવાભાવી હતા એટલે બ્રાહ્મણને દક્ષિણા સ્વરૂપે વખતોવખત જીવન જરૂરિયાત વસ્તુ મળી રહેતી હતી. તે બ્રાહ્મણની પડોશમાં મૂળચંદ નામે તેનો મિત્ર રહેતો હતો. પડોશી ધર્મ અને ઉપરથી મિત્રતાના કારણે બંને વ્યક્તિ વચ્ચે એક બીજાનાં સુખ દુઃખનો વાટકી વ્યવહાર રહેતો હતો. ભોળારામને એક દીકરી અને એક દીકરો હતો. દીકરી મોટી હતી. વખતની સાથે બંને બાળકો મોટા થયા અને દીકરીને લગ્ન કરવાની ઉંમર થઈ અને સદનસીબે દીકરીને યોગ્ય મુરતિયો પણ મળી ગયો પરંતુ બ્રાહ્મણ પાસે તો બીજા અઠવાડિયાની જમવાની ગોઠવણ પણ ના હોય ત્યાં પ્રસંગ કાઢવાં જેટલી મૂડી તો ક્યાંથી હોય..?
તે સાંજે ભોળારામ ગહન વિચારોમાં રસ્તાની એક કોરે બેઠો હતો ત્યાં તેનો મિત્ર મૂળચંદ આવ્યો. મિત્રને દુવિધામાં જોઈ તેને પૂછ્યું.
'કેમ ભોળા..?' શું થયું...? કેમ આમ રસ્તાની કોરે બેઠો છે..? કઈ તકલીફ છે... મિત્ર નો અવાજ સાંભળી તેને એક નજર મૂળચંદ ઉપર ફેંકી અને પછી એક ઊંડો શ્વાસ છોડ્યો અને મિત્રને પોતાની મૂંઝવણ વિશે પેટછૂટી વાત કરી. મૂળચંદએ ભોળારામ ની વાત સાંભળીને કહ્યું, દોસ્ત મારી પાસે એક રસ્તો છે. ગામથી લગભગ 4 માઇલ દૂર એક આશ્રમ છે ત્યાં એક સાધુ કહો કે ફકીર.. પણ કોઈ વ્યક્તિ રહે છે. સાંભળ્યું છે કે તેઓ લોકોની મદદ કરે છે. તું ત્યાં એક આંટો તો મારી આવ શું ખબર કદાચ ત્યાંથી કોઈ રસ્તો જડી જાય.
આ સાંભળી ભોળા રામ ઉભો થયો. તેની આંખોમાં આશાનું એક કિરણ ઉતરી આવ્યું અને તે તરત તે ફકીર બાબાના આશ્રમે પહોંચી ગયો. આશ્રમના બહાર એક વૃક્ષ નીચે એક ફકીર શાંતિથી બેઠા હતા. ચાર પાંચ લોકો પણ તેમની તક્લીફની ચર્ચા તેમની પાસે કરતા હતા. ભોળારામ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. બધાના ગયા પછી તે ધીમે ડગલે ફકીર પાસે આવ્યા અને પોતાની મૂંઝવણ વિશે વાત કરી રડવા લાગ્યો. ભોળારામને જોઈ ફકીરને તેની દયા આવી અને તેને આંખો બંધ કરી. થોડીવાર પછી ફકીરે આખો ખોલી અને કહ્યું. અહીંથી બે માઈલ સીધા રસ્તે જા ત્યાંથી જમણી બાજુ વળી ત્યાં ખેતરોની પાસે એક ગામતળની જમીન છે, ત્યાં આંબાનું વૃક્ષ છે. આંબાના વૃક્ષની પૂર્વમાં બે ડગલે ખાડો ખોદ જે. તને તારી તકલીફોનુ સમાધાન ત્યાં મળશે અને હા આ વાત વિશે કોઈને જાણ કરીશ નહીં.
ભોળારામ ઉભો થયો ફકીરને પ્રણામ કરી તેના કહેવા પ્રમાણે તે દિશામાં ચાલવા લાગ્યો. આંબા પાસે પહોંચી તેને ફકીરે કહ્યું તે પ્રમાણે પૂર્વમાં બે ડગલે ખાડો ખોદી નાખ્યો. ખાડામાંથી એક નાનો ધન ભરેલો માટીનો ઘડો નીકળ્યો. આ જોઈ ભોળારામની આંખોમાં આંસુ આવી ગયા. તે ખુશ થઈ પોતાના ઘરે ગયો પત્ની ને વાત કરી અને દીકરીના લગ્ન માટે તૈયારી કરવા લાગ્યો.
મૂળચંદએ દીકરીની લગ્નની તૈયારી થતી જોઈ એટલે તેને ભોળારામને બોલાવી અને આટલા પૈસા ક્યાંથી આવ્યા તેમ પૂછ્યું. ભોળારામએ કહ્યું.. દોસ્ત તે કહ્યું તે પ્રમાણે હું ફકીર બાબા ને ત્યાં ગયો હતો અને તેમને મને જગ્યા બતાવી તે જગ્યા પરથી મને ધન મળ્યું. ફકીર બાબા અને તારો બંનેનો હું આભારી છું પણ તું આ વાત કોઈને કહીશ નહિ. આટલું કહી ભોળારામ આભારનેત્રે મૂળચંદને ભેટી પડ્યો.
મૂળચંદને આ વાત જાણીને ખુશી થઈ અને તેને પણ મિત્રને આલિંગન આપ્યું. તે સાંજે મૂળચંદ એ તેના અન્ય એક વ્યક્તિને વાતવાતમાં ભોલારામ સાથે બનેલ ઘટના વિશે વાત કરી. મૂળચંદના મિત્ર હરિપ્રસાદ ખેડૂત હતો અને તેની જમીન પેલા આંબાની બાજુમાં જ હતી એટલે તે આંબા વૃક્ષ પાસે પહોંચી ગયો અને ત્યાનું પૃથક્કરણ કરી થોડા ખોટા સભૂત એકઠા કરી અને બે દિવસ પછી ભોળારામ પાસે આવી તેના ઉપર ચોરીનો આરોપ લગાવ્યો. ભોલારામ સાવ ડઘાઈ ગયો તેને થયું ફકીર બાબા એતો મને આવી કોઈ જાણકારી આપી ન હતી અને જમીન તો ગામતળની હતી તો ત્યાં દાટેલું ધન હરીપ્રસાદનું કઈ રીતે હોઈ શકે. ભોળારામે સામે વિરોધ કર્યો પરંતુ હરિપ્રસાદએ જરા પણ ઢીલ ન મૂકી અને મોટા મોટા અવાજે ઝઘડવા લાગ્યાં. લોકો ભેગા થવા લાગ્યા અને આખીય ઘટના રાજાના દરબારના સમક્ષ હાજર કરવામાં આવી.
રાજાએ ભોળારામની આખી વાત સાંભળી પછી તેમને તે ધનનો ભરેલો ઘડો જોયો પછી મનોમંથન કરી તેને ફકીર બાબા, મૂળચંદ અને હરિપ્રસાદને બોલાવ્યાં. તેમને ફકીર બાબા ને પૂછ્યું કે તમને આ ધન વિશે ક્યાંથી ખબર પડી તો તેમને કહ્યું મને ભોળારામ ની પરિસ્થિતી પર દયા આવી એટલે મે ભગવાન નું ધ્યાન ધાર્યું અને મને ધ્યાન દરમિયાન ઈશ્વરે માર્ગ બતાવ્યો અને આ ગરીબ બ્રાહ્મણની વ્યથા જોઈ ઈશ્વરે તેમના ઉપર કૃપા કરી.
રાજાએ ધન સમક્ષ એક નજર કરી અને પછી સિપાહીઓને ઈશારો કર્યો... થોડી વારમાં સિપાહીઓ પાછા આવ્યા અને રાજાના કાનમાં ધીમેથી કઈ કહેવા લાગ્યાં.
રાજાએ ફકીર સામે જોયું અને પછી બોલ્યા સિપાઈઓ મૂળચંદને એક મહિના કારાવાસમાં રાખવામાં આવે. હરિપ્રસાદને છ મહિનાની કેદ અને પચાસ કોડા મારવામાં આવે. ફકીર બાબાને 100 કોડા અને બે વર્ષનો કારાવાસ કરવામાં આવે. આવો ન્યાય જોઈ દરબારીઓ ઉભા થઈ ગયા. કોઈને કાંઈ સમજમાં આવતું ન હતું બધા એકબીજાને સમક્ષ જોવા લાગ્યા.
આ જોઈ હરિપ્રસાદ બોલ્યા રાજા આમા મારો શું વાંક..? ધન તો ભોળારામે ચોર્યું. ફકીર બોલ્યા મેતો આ બ્રાહ્મણની સહાયતા કરી છે માટે હું દંડનો અધિકારી ક્યાંથી થયો? મૂળચંદ તો સીધો રાજાના પગે જ પડ્યો. રાજા હું તો મિત્રોને સહાય કરતો હતો. મેતો ધન ઉપર નજર સુદ્ધાંએ નથી કરી અને મિત્રના કોઈ કાર્યમાં હસ્તક્ષેપ પણ કર્યો નથી તો હું કયા આધારે દંડને પાત્ર ગણાવું?
રાજા આ સાંભળી હસવા લાગ્યા અને કહ્યુ કે ફકીર તને કોઈ ઈશ્વરનો સાક્ષાત્કાર થયો નથી. તે ભલે ભોળારામની સહાયતા કરવા માટે માર્ગ બતાવ્યો પરંતુ આ ધન ચોરીનું છે જે તે આજથી બે વર્ષ પહેલાં ચોરાવ્યૂ હતું અને તેના પુરાવા મારી પાસે છે.તે અત્યારે ભલે ફકીર ધર્મ અપનાવ્યો હોય પરંતુ તેનાથી તારા જૂના કર્મો નાશ થતાં નથી. હરિપ્રસાદ તે પર ધન જોઈને લોભને વશ થઈ, તે આ ધન ઉપર ખોટો અધિકાર જમાવવાનો પ્રયત્ન કર્યો માટે તુ દોષિત છે. આ જોઈ મૂળચંદ રાજા સામે નિર્દોષભાવે જોઈ રહ્યો ત્યારે રાજાએ કહ્યું હે મુલચંદ.. તે પાડોશી અને મિત્ર ધર્મનો અનાદર કર્યો છે. તે ભોળા રામ ને ખોટો માર્ગ બતાવ્યો અને તેને તારા ઉપર મુકેલ વિશ્વાસ ને પણ તોડ્યો માટે તું વિશ્વાસઘાતી છે માટે તું દંડ ને યોગ્ય છે.
આ સાંભળી દરબારીઓ રાજાનો જયનાદ બોલાવવાં લાગ્યાં. રાજાની જય જયકાર કરવા લાગ્યા ત્યારે રાજાએ ભોળારામ સામે જોયું અને કહ્યું ભોળારામ તે પારકા ધન ઉપર છૂપી રીતે અધિકાર જમાવ્યો અને અંધશ્રદ્ધાને વસ થઈ ચોરીના ધનને છુપાવવાનો ગુનો કર્યો છે માટે આ ધન તારી પાસેથી લેવામાં આવે છે અને તને સાત દિવસની કારાવાસની સજા કરવામાં આવે છે. વાત રહી તારી દીકરીના લગ્નની તો તે આ રાજ્યની દીકરી છે અને તે પ્રમાણે હું પણ તેના પિતાતુલ્ય છું માટે તારા દીકરીના લગ્ન હું કરાવીશ. રાજાનો ફરી એક વાર જય જય કાર થવા લાગ્યું.
આ કહાની આમતો સાવ નાની છે પરંતુ આપના જીવનને બોધ આપનારી છે. આ કહાની આપણને ત્રણ વાત શીખવે છે એક કે ક્યારેય પારકા ધન ઉપર નજર ના કરવી અને લોભ ના કરવો ,બીજું માણસ એ વર્તમાન સમયમાં ગમે તેટલા પુણ્ય કર્યા હોય પરંતુ ભૂતકાળમાં કરેલ ખરાબ કર્મ તેનો પીછો છોડતા નથી.. કર્મના સિદ્ધાંતમાં ક્યારેય બાદબાકી થતી નથી સમય સમયે સારા નરશા કર્મોના ફળ માનવએ ભોગવવવા જ પડે છે અને ત્રીજું કે ક્યારેય સ્વજન સાથે વિશ્વાસઘાત ના કરવો. કોઈ પણ સંબંધ વિશ્વાસ નામના પૈડાં ઉપર સવાર હોય છે એમાં જરા પણ તિરાડ માનવતાને ઊથલાવી નાખે છે. આપણાં ઉપર કોઈ દ્વારા કરેલ ભરોસો એ માનવતાએ આપણને સાચવવા આપેલ જવાદારી છે.
જૈમીન જોષી.
Very intellectual moral..
ReplyDelete