- જ્ઞાન પિપાસાને સંતોષવા શિક્ષણની સાથે સત્ય અને નીતિમત્તાનો પણ સ્વીકાર થવો જોઈએ....
જીવનની સમસ્યાઓ સામે આવીને ઉભી ત્યારે વ્યક્તિએ ગહન ઉદાસીનતાનો ચહેરો જોયો. કઈ તૂટયા, છુટ્યા, ગુમાવ્યા કે તરછોડાયેલા સંબંધે વૈરાગ્યતાનો અનુભવ કરાવ્યો. વ્યક્તિ જીવનભર જેને બહાર શોધે છે તે તત્વ સૃષ્ટિમાં અસ્તિત્વ ધરાવતું હોય તેવું ન બને અને જો બને તો સ્વ માટે સર્જિત છે તેવું માની લેવું તે પણ બૌદ્ધિક દ્રષ્ટિએ વ્યર્થ છે. વૈરાગ્યએ વ્યક્તિને યોગી બનાવ્યો અને યોગીઓએ આધ્યાત્મનું સરણ સ્વીકાર્યું. આધ્યાત્મિકતા ભરેલું જીવન જીવવું અને સાંસારિક જીવન જીવવું બંનેમાં વ્યક્તિ ભોગને જ શોધતો હોય છે. વ્યક્તિ સંસારની તમામ માયાથી પર જવા વસ્તુઓનો કે વ્યક્તિનો ત્યાગ કરે અને અંતે શાંતિ મેળવવા પરમાત્માનો સહારો લે છે. સાંસારિક જીવનની ઇચ્છાઓ અસ્વીકૃત થઈ તો કદાચ આધ્યાત્મિકતા તેને સ્વીકાર્ય ગણે.. માટે વ્યક્તિ છાને ખૂણે ચિંતન તો ભોગનો જ કરતો હોય છે. દરેક દર્પણમાં ચહેરા એક સમાન ન જોવાય તેનો અર્થ તે ચહેરાઓમાં ફેરફાર થાય છે તેવું હોતું નથી. વ્યક્તિ જેવો છે તેવો જ છે. માત્ર ઈચ્છાઓ અને અભિપ્રાયો બદલાયા છે. અભિપ્રાયો કેટલેક અંશે સંઘર્ષને જન્મ આપે છે. સંઘર્ષ વ્યક્તિને કાર્યરત રાખી શકે છે પરંતુ સુખ તો ન જ આપી શકે.
સામાજિક પરિવર્તન સંઘર્ષ, પ્રગતિ, કર્તવ્ય અને ક્રાંતિ સાથે સંકળાયેલા છે, અલબત માત્ર આ જ પૂરતાં નથી. અવ્યવહારુ પરિસ્થિતિનાં મૂલ્યોમાં સંઘર્ષ કરતાં ક્રાંતિ વધુ હોય છે. સામાજિક પ્રશ્નો કે સમસ્યાઓને એક મતે ઉકેલવી તે પણ શક્ય નથી.વ્યક્તિ મત ક્યારેક એક ના હોય અને એક સમાન મતે લેવાયેલ નિર્ણયમાં ગમેતે એક વ્યક્તિ સ્વીકારક હોય છે. વ્યક્તિ પરિવર્તન માટે જાગૃતિ અને સતર્કતાનો પાયો મજબૂત હોવો આવશ્યક છે. વ્યક્તિ પરિવર્તનની ક્રિયા સામાજિક મોભા ને ઉગતા સૂર્યની જેમ પ્રકાશિત કરી શકે છે. ક્રોધી અને અજ્ઞાની વ્યક્તિ બપોરના તડકા જેવો હોય છે તે માત્ર બાળે છે. બળાપો દૂષણ છે. વ્યક્તિ પ્રતિકૂળતાથી ડરે છે અનુકૂળતાઓને જ સર્વસ્વ માનીને બેસી રહેનાર વ્યક્તિ ક્યારેય બોધ ગ્રહણ ન કરી શકે. સત્યના પાસાનું પૃથક્કરણ કરી અને સ્વીકારવું તે અધ્યયન ક્રિયાનું સાત્વિક કૌશલ્ય છે.
વિદ્યાકીય સ્વતંત્રતા અધ્યાપનનું શ્રેષ્ઠ પાસુ માની શકાય. અધ્યયન અને અધ્યાપન બંને ક્રિયા માટે વ્યક્તિને મુક્ત વિવેચનનો અધિકાર હોવો જોઈએ. મુક્ત વિવેચનનો અર્થ માત્ર શાબ્દિક સ્વતંત્રતા એવો થતો નથી. શાબ્દિકતા સંવાદને ઉજાગર કરી શકે છે. મૌલિકતા બુદ્ધિને સ્વતંત્રતા બક્ષે છે પરંતુ સર્જકતા કુદરતના કાનૂન સાથે સમકક્ષ બની શકે છે. ખોજ માટે બુદ્ધિચાતુર્યની સાથે સહજ સ્વીકારકતાનો ગુણ પણ જરૂરી છે. સફળ વ્યક્તિએ અનેક નિષ્ફળતાને શિક્ષક તરીકે સ્વીકારી હોય છે. નિષ્ફળતાના પાયાઓ જો પંથ નું નિર્માણ ન કરતાં હોય તો તે નિષ્ફળતા પણ નકામી જ કહેવાય. જ્ઞાની વ્યક્તિ પ્રયત્નશીલ હોય તે જરૂરી નથી પરંતુ પ્રયત્નશીલ વ્યક્તિ જ્ઞાની બની શકે. જો સૃષ્ટિના સર્જન અને શાસન નો સવાલ હોય તો વ્યક્તિ કેટલેક અંશે શાસક બની શકતો હોય છે પરંતુ તે ઈશ્વરની સર્જકતા ઉપર અધિકાર જન્માવાનો પ્રયત્ન કરે તો તે મૂર્ખામી છે. ઈશ્વરતો સ્વયંને શાસક નથી માનતો તો માનવીય વલણનું તો અસ્તિત્વ જ અવગણી નાખવું જોઈએ.
સત્યની તપાસ અંગેનો અધિકાર ઈશ્વરે વ્યક્તિને આપ્યો છે પરંતુ તે નિશ્ચિત માળખામાં ક્યારેય ઢાળતો નથી. આવું હોઈ શકે તેવું માનવું એ ઈશ્વરીય સ્વતંત્રતા છે. માત્ર આવું જ છે તેવું માનીને ચાલવું તે અજ્ઞાનની સ્વતંત્રતા છે. કોઈપણ સંદર્ભમાં માળખાકીય ટીકા કરી શકે એ શિક્ષણની સ્વતંત્રતા છે પરંતુ કોઈ પણ સ્વાતંત્ર દ્રષ્ટિબિંદુઓનું સન્માન કરવું એ વિદ્યાકીય સ્વતંત્રતા અને સંસ્કાર છે. સામાજિક શિક્ષણના સ્તરને ઉચ્ચ લાવવા માટે સત્ય નો સ્વીકાર થવો જરૂરી છે. સત્ય ક્યારેય શિક્ષણને આધીન નથી હોતું તે માત્ર હોય છે.. તેનું અસ્તિત્વ છે.... તેને શોધવું, જાણવું, પૃથક્કરણ કરવું અને સ્વીકારું તે વ્યક્તિ આધીન હોય છે. સત્ય ને માનવ ક્રિયા સાથે કોઈ લેવાદેવા નથી. સત્ય એ મૂર્ખ અને જ્ઞાની બંને વ્યક્તિ માટે એક સમાન જ હોય એટલે.... તો તે "સત્ય" છે.
જૈમીન જોષી.
No comments:
Post a Comment