મૂડી પૈસા છે, મૂડી ચીજવસ્તુઓ છે. તેનું મૂલ્ય હોવાને કારણે તેને પોતાનું મૂલ્ય ઉમેરવાની ગુપ્ત ક્ષમતા પ્રાપ્ત કરી છે.તે જીવંત સંતાન લાવે છે અથવા ઓછામાં ઓછું સોનેરી ઈંડા આપે છે. ~ કાર્લ માર્ક્સ
કોઈ પણ સમયમાં માનવસમાજને તેમની જીવન જરૂરિયાત પૂર્ણ કરવા માટે આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે અને જો તે મજબૂત ના હોય તો થવાના પ્રયત્ન કરતાં હોય છે. માનવ સ્વયંની જરૂરિયારોને પુર્ણ કરવા માટે પરિશ્રમ કરે છે અને તે પરિશ્રમ કરવા માટેના માનવ દ્વારાં અલગ અલગ વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. દરેક માનવીને પરિશ્રમ કે પ્રારબ્ધ દ્વારાં સધ્ધરતા પ્રાપ્ત થાય છે. માનવે પાડેલ વિભાગોના સામાન્ય રીતે બે સ્તર ઉત્પન થાય છે જેમાં એક વર્ગ સત્તામાં હોય છે જે આર્થિક રીતે વધુ મજબૂત હોય છે. માનવ સ્વભાવગત જે વ્યક્તિઓ સમાજમાં આગળ પડતાં મોભા ઉપર બિરાજમાન છે તે તેમનાથી આર્થિક રીતે નીચા સ્તર ધરાવતા વ્યક્તિનું શોષણ કરે છે અને આમ સમાજનો એક મોટો વર્ગ અન્યાય સહન કરી રહ્યો છે. માનવતાને નેવે મૂકનાર વ્યક્તિઓ સમાજમાં અશક્ત વ્યક્તિઓ સાથે બેફામ વર્તન કરે છે અને પરિણામે સમાજમાં દૂષણો ઊભા થાય છે. જ્યારે કેટલાક લોકો એવા પણ છે જે આવા દૂષણો અને શોષણ ને રોકવા માટે પ્રયત્નશીલ રહે છે. કોઈ ક્રાંતિ દ્વારાં તો કોઈ ક્રુતિ (શાબ્દિક સમજાવટના રસ્તા) દ્વારાં અશક્ત લોકોને સહાય કરવા તથા તેમનું શોષણ ના થાય તેવા પ્રયત્નો કરતાં હોય છે અને સમાજને સમયે સમયે આવા લોકો મળતા પણ રહ્યા છે. આવા જ એક આધુનિક સામ્યતાવાદના પિતા, પ્રણેતા ગણાતા વ્યક્તિ એટલે કાર્લ માર્ક્સ.
કાર્લ માર્ક્સ મૂડીવાદની વિચારધારના પ્રખર વિરોધી હતાં. તેમના મતે ઉત્પાદનોનાં તમામ સાધનોમાં ''માલિકી હદ'' ના સિદ્ધાંતના કારણે કામ કરતાં મજૂર અને માલિકો વચ્ચે અવારનવાર ઘર્ષણ સર્જાય છે કારણ કે કામ કરતાં શ્રમજીવીઓ સાથેનો સબંધ માત્ર ને માત્ર કામના સમયગાળા પૂરતો હોય છે અને તેને આધારે તેમણે વેતન પૂરતું પાડવામાં આવતું હોય છે, પરિણામે શ્રમજીવીઓ ઉપર માત્ર કામનું ભારણ વધતું હોય છે પરંતુ કોઈ પ્રકારની મૂડી પ્રાપ્ત થતી નથી, અર્થાત ઓછું વેતન આપવામાં આવે છે. ઉત્પાદન દ્વારાં થતાં નફામાં મજૂર વર્ગનો કોઈ હિસ્સો રહેતો નથી. તેથી વિપરીત જ્યારે ખોટ જાય છે ત્યારે પણ કામ કરતાં મજૂરોને જ પૂરતું વેતન આપવામાં આવતું નથી અને કેટલીક પરિસ્થિતિઓમાં તેમણે છૂટા કરવામાં આવે છે. તેઓ માનતા કે ઉત્પાદન દ્વારાં થતાં નફામાં પણ શ્રમજીવિયાત વર્ગને એક હિસ્સો આપવો જોઈએ જેથી ગરીબી તથા અમીરી વચ્ચે સંતુલન જળવાઈ રહે.
કાર્લ હેન્સિક માર્ક્સ એક જર્મન યહૂદીના પુત્ર હતા અને તેનો જન્મ હાઈનલેન્ડના ટ્રીઝ નામના શહેરમાં ૫ મી મે , ૧૮૧૮ ના દિવસે થયો હતો. તે છ વર્ષના હતા ત્યારે તેના પિતાએ સહકુટુંબ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. ઈ.સ. ૧૮૩૫ માં ૧૭ વર્ષની ઉંમરે તે કાયદાનો અભ્યાસ કરવા બોન યુનિવર્સિટીમાં ગયા અને ત્યાર પાછીના વર્ષે તે બર્લિન યુનિવર્સિટીમાં ગયા. ત્યાં તેમણે કાયદાની સાથે ઇતિહાસ અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૪૧ માં તેમણે જેના યુનિવર્સિટીની તત્ત્વજ્ઞાન વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. અભ્યાસ દરમીન બેરન વોન વેસ્ટફાલન નામે એક કર્મચારી હતા જેની ગણના ત્યાની સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં થતી હતી. તેમણે એક દીકરી હતી જેનું નામ જૈની હતું. કાર્લ માર્ક્સ તેમના પ્રેમમાં પડ્યા. કાર્લ માર્ક્સ તત્વજ્ઞાનીના અભ્યાસી અને એક સારા ચિંતનશીલ વ્યક્તિત્વ ધરાવતા હતા અને તેમના ચિંતનમાં જૈની નું આગમન થયું. જૈની ને લઈને તે કાવ્યો રચતા અને તેમની પત્નીને રિજવતા.
ઈ.સ. ૧૮૪૧ માં તેમનાં બે ઊર્મિકાવ્યો પ્રસિદ્ધ થયાં. ઈ.સ. ૧૮૪૨ માં તે એક જર્મન વર્તમાનપત્રમાં કામ કરવા લાગ્યાં અને ભવિષ્યમાં તે વર્તમાનપત્રના તંત્રી પણ થયાં. ઈ.સ. ૧૮૪૩ માં તેમના કામને કારણે તેમના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ તેમના જીવનનો કપરો સમય હતો. તે દરમિયાન જર્મનીમાં રહીને કામ ન થઈ શકે તેવું હોવાના કારણે તે પેરિસ ગયાં. ત્યાં પણ કેટલીક નિષ્ફળતા બાદ પેરિસમાં પ્રસિદ્ધ થતાં એક પત્રમાં ક્રાંતિકારી લેખો લખવા લાગ્યાં. પેરિસમાં તેમણે ફ્રેડરિક એન્જલ્સ નામનો એક મિત્ર બન્યો જે તેમના અંત સમય સુધી તેમનો મિત્ર રહ્યો. અમુક સમય પછી તેમને પેરિસમાંથી પણ બહાર કરવામાં આવ્યા. ત્યાથી તે બ્રસેલ્સ ગયાં, પરંતુ બ્રસેલ્સમાંથી પણ ત્યાની સરકારે તેમને બહાર કર્યા. તે ફરીથી ફ્રાંસ અને જર્મની ગયાં પણ ત્યાં તેમને કોઈ સ્વીકારે કે કામ આપે તેવું કોઈ મળ્યું નહીં.
છેવટે ઈ.સ. ૧૮૪૫ માં તે કાયમ માટે લંડનમાં સ્થિર થયાં. આટલો બહિષ્કાર થયાં પછી પણ લંડનમાં તેના દિવસો ભયંકર ગરીબીમાં પસાર થયા. આટલું ઓછું હોય તેમ ઘરમાં બીમારીઓ એ વર્ચસ્વ જમાવ્યું અને પરિણામે બંને બાળકો મૃત્યુ પામ્યાં. કાર્લ માર્ક્સના જીવનમાં બનેલી કપરી ઘટનાએ તેમણે વધુ આક્રમક બનાવવ્યા. બાળકોના ગયાં પછી તે અને તેમની પત્ની બન્ને એ માંદગીનો સામનો કરવો પડ્યો. માર્કે આ બધી મુશ્કેલીઓ હોવા છતાં તેમનું લેખન કાર્ય ચાલુ રાખ્યું. તેમને જીવન ભર રાજકીય કાર્ય અને ઉચ્ચસ્તરીય વૈચારિક લેખન કાર્ય ચાલુ રાખ્યું. ઈ.સ. ૧૮૪૭ માં લંડન, બ્રસેલ્સ અને પેરિસના સામ્યવાદીઓની એક પરિષદ લંડનમાં મળી હતી , જેના પરિણામે આંતરરાષ્ટ્રીય ‘ સામ્યવાદી જાહેરનામું ' બહાર પાડ્યું હતું. ઈ.સ. ૧૯૪૮માં લખેલ કોમ્યુનિસ્ટ મેનફેસ્ટો વિશ્વપ્રસિદ્ધ થયું. લંડનના બ્રિટિશ તેના મિત્ર એન્જલ્સ સંપાદન કરીને ‘ દાસ કેપિટલ ' નો બીજો ભાગ ૧૮૮૫ માં અને ત્રીજા ભાગ ૧૮૯૪ માં પ્રસિદ્ધ કર્યો.‘ દાસ કેપિટલ ’ તેમણે આપેલ મહાન ગ્રંથ છે.‘ દાસ કેપિટલ ’ ‘'સામ્યવાદી જાહેરનામું ” ચાર વિભાગમાં વહેંચાયેલું હતું. માર્ક્સની પત્ની જૈની ઈ.સ. ૧૮૮૧ ની ૨ જી ડિસેમ્બરે કેન્સરના રોગથી મૃત્યુ પામી અને પંદર માસ પછી કાર્લ માર્ક્સ પણ ૧૮૮૩ ની ૧૪ મી માર્ચે ૬૫ વર્ષની ઉંમરે લંડનમાં મૃત્યુ પામ્યા.
કાર્લ માર્ક્સના સમયમાં નવી ઉધ્યોગપ્રધાન અર્થવ્યવસ્થા યુરોપમાં સ્થિર થવા લાગી. તે જ સમયે ગરીબી અન્યાય કારખાના અને ખાનગી મિલકતના વિરોધમાં નૈતિક,ધાર્મિક તેમજ આર્થિક ભૂમિકામાંથી અનેક વિચારક અને જુથ ઊભા થયાં હતાં. તેમની છબી એક સમાજવાદી જુથ તરીકેની હતી. તેમના કહેવા પ્રમાણે ક્રાંતિને ભૌતિક અને સાત્વિક પાયો હોવો જોઈએ અને શિષ્ટબદ્ધ પદ્ધતિએ સંઘર્ષ કરીને નવા સમાજની રચના કરવી જોઈએ અને તે મુદ્દા પર ભાર મૂક્યો. તે માને છેકે સામાજિક વ્યવહારના ગતિ નિયમ શોધી શકાય. કાર્લ માર્ક્સના વિચારો સમજવામાં એમ તો જટિલ છે અને વ્યવહારમાં તેમનો કોઈ ખાસ ઉપયોગ પણ નથી પરંતુ સરળ ભાષામાં સમજવા જઈએ તો તેમણે જીવન ભર ભોગવેલ પીડાઓ અને અન્યાય ને ખૂબ બારીકાઈથી જોયા , સમજ્યા અને અનુભવ્યા.
આ વર્ગીય અન્વેષણ પદ્ધતિ અનુસાર માર્ગે મૂડીવાદશાહીની અર્થશાસ્ત્રીય ટીકા કરનાર અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યા. મૂડીવાદશાહીમાં બે વર્ગ વચ્ચેનો સંઘર્ષ અંતિમ અને પરિણાત્મક બનતો હોય છે અને કામદાર વર્ગે સંગઠિત થઈને લડત આપવાથી રાજસત્તાનો કબજો કામદારવર્ગ પાસે આવી શકે એમ તેમનું કહેવું હતું, જોકે તે સંપૂર્ણ સત્ય નથી અને શક્ય પણ નથી. પ્રસ્થાપિત ઉત્પાદન સંબંધ બદલીને ઉત્પાદનનાં સાધનોની જેવા કે યંત્ર , કારખાના, ખાનગી મિલકત સંકેલવી જરૂરી હોય છે. તેમ થાય તો જ સામાજિક ક્રાંતિ થઈ શકશે એમ માર્ક્સવાદ માનતા. યુરોપમાં એકાદ દેશમાં સંસદીય માર્ગે ક્રાંતિકારી બદલાવ કરી શકશે , પણ અન્યત્ર સંગઠિત કામદારવર્ગે લડત આપીને, વખત આવ્યું રાજ્યક્તઓના બળનો પ્રતિકાર કરીને ક્રાંતિ કરવી પડશે, એમ તેમને લાગતું હતું કારણ કે તેમના કહેવા પ્રમાણે કોઈ પણ રાજ્ય સંસ્થા એ મૂડીવાદીઓને અનુકૂળ છે. તેમના સમયમાં યુરોપમાં જ વિવિધ બળવા થયા, તેનો માર્કે ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો તે પોતે તેમાંના કેટલાક પ્રયત્નો સાથે સંકળાયેલા હતાં.
ઈતિહાસ અને તત્ત્વજ્ઞાન વિષયના લેખનનો પણ સમાવેશ માર્ક્સવાદી વિચારોમાં અર્થશાસ્ત્ર અને ક્રાંતિને પ્રાધાન્ય થાય છે. કોઈ પણ વ્યક્તિ મેહનત કરીને પોતાનું ભરણપોષણ કરે છે અને વસ્તુ ઉત્પાદન કરે છે. જ્યારે તે ઉત્પાદન દરમિયાન તેમની સાથે થતા બિનજરૂરી અન્યાય સામે કાર્લ માર્ક્સ એ ક્રાંતિની મસાલ સળગાવી છે. માર્ક્સના વિચારો પર અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા છે તથા સંપૂર્ણ પણે તેને સ્વીકૃત કરવામાં પણ નથી આવ્યાં. ૨૦ મી સદીમાં તેમના વિચારો ને વધુ વખોડવામાં આવ્યાં છે કેમ કે કેટલીક હદે તે એક પક્ષતા સાબિત કરનાર વિધાન હતાં. આર્થિક સંઘર્ષને દૂર કરવા બળવો કરવો તે કેટલી હદે શક્ય બની શકે અને તદુપરાંત મૂડીવાદીશાહીને દૂર કરવાના તે એક માત્ર માર્ગ ન જ હોય શકે. તેમ છતાં આજે પણ કેટલાય સામાન્ય વર્ગ ના શ્રમજીવી વ્યક્તિ માટે તેમના વિચાર ખૂબ મહત્વના અને અનુસરવા જેવા છે. ગમે તેટલા આક્ષેપો હોવા છતાંય તેમના સિદ્ધાંતોને સાવ અવગણી નાખવા તે યોગ્ય ના જ કહી શકાય કારણ કે સાંપ્રદ સમયમાં પણ ગરીબી રેખા હેઠળ જીવતા તથા સામાન્ય માણસને બે સમય શાંતિનું ભોજન પણ મળી રહેતું નથી અને સર્વાંગી વિકાસ પણ થઈ શકતો નથી તે સ્વીકારવું રહ્યું. માર્કનું મોટા ભાગનું લેખન કાર્ય તેના મૃત્યુ પછી તેમના મિત્ર એ પ્રકાશિત કર્યું છે.
જૈમીન જોષી.
Interesting 👌
ReplyDelete