માનવની મૌલિક પ્રકૃતિ સ્થિર કે પરિવર્તનશીલ હોય પણ તેના સાત્વિક સિદ્ધાંતો વૈચારિક અને બૌધિક હોવા જોઈએ.
માનવી શું છે? અથવા કેવો છે... તેવો પ્રશ્ન પૂછવામાં આવે તો મન નિર્જીવ અવસ્થામાં સ્થાન મેળવીલે તેવું બને. માનવ જગતમાં વિચારો સ્વયંભૂ છે માટે સ્વભાવગત આ પ્રશ્નનો ઉત્તર પેટા વિભાગો દ્વારા પ્રાપ્ત થાય પરંતુ તેમાં સત્યતા કેટલી તે ભૌતિક રીતે નક્કી ન કરી શકાય. તમને કોઈ પૂછે કે માનવ શરીરમાં મન છે? તો તમે તરત કહો હાઆઆ... હોય જ ને...પરંતુ ક્યાં તેવું પૂછવામાં આવે તો મોટાભાગે જવાબનું અસ્તિત્વ ન મળે. તે મસ્તિષ્કમાં હોય કે રુધિરનું પંપીંગ કરતા હૃદયમાં.? તેનું સ્થાન શરીરના કોઈ પણ ચોક્કસ સ્થાને છે કે કેમ.. તે પણ નક્કી ન કહી શકાય. શરીર ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવે છે પરંતુ મન અભૌતિક છે. મન એ કોઈ પદાર્થ નથી તેથી તેના ગુણધર્મ વિશે વિભાવનાઓ બહાર પાડવી તે અયોગ્ય કહેવાય. મસ્તિષ્કના પેટાવિભાગો અસ્તિત્વ ધરાવે છે તથા મગજમાં ઉત્પન્ન થતા રસાયણોના નામ પણ જાણી અને સમજી શકાય છે. અપૂરતા રસાયણોના સ્રોતમા વધ-ઘટ કરી શકાય કેમકે તે એક ભૌતિકતા ધરાવે છે. માનવ સ્વભાવનું નિયમન મસ્તિષ્કમાં ઉત્પન થતાં રસાયણો કરે છે. માનવ જ્યારે કુટુંબ, સમાજ કે આસપાસના વાતાવરણથી જે રીતે અનુકૂલન સાધે છે તેટલું જ તેના સ્વભાવમાં જોવા મળે છે, પરંતુ મન તે સ્વીકારતું નથી. તેને સ્વયંના પ્રશ્નો છે. ક્યારેક ઉકેલ જડે અને ન પણ જડે. જો જડે તો તે કેટલા અંશે સત્ય છે તેના તર્ક પણ પ્રશ્નાર્થ ચિન્હ સાથે ઉભા જ હોય.
માનવીની પ્રકૃતિ દર્શાવે છે કે ઈશ્વર અને સૃષ્ટિ એ બે જુદાં છે. ઈશ્વર સમગ્ર બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે કે તેનું પોતાનું કોઈ અંગત સ્થાન છે તેના તર્કો હોય, માન્યતા હોય કે અંતે સ્વીકારકતા હોય પણ સાબિતી નો છાટો એ ના હોય. શરીર માંસના લોચાનું બનેલું છે અને ઈશ્વર તેમાં આત્માનું રોપણ કરે છે. મન અને તન બંને ભેગા થાય તો ઐશ્વર્ય શક્તિનું પ્રત્યક્ષીકરણ થાય. માનવ સ્વભાવ તથા વારસાઈ લક્ષણો મૃત્યુ સુધી સાથ છોડતા નથી. કેળવણીની પ્રક્રિયા લાંબી છે તે આજીવન ચાલે છે પરંતુ વારસાઈ લક્ષણો કે કુલક્ષણો માનવની પ્રગતિનો દુશ્મન હોય છે. કેટલાક કેળવણીકારો, સમાજવિદ્, શિક્ષણવિદ્ કે વિચારકો માને છે કે માનવ આત્મા તે જ મન. માનવ શરીરમાં થતી વૈચારિક આંતરક્રિયા અટપટી અને જટિલ છે. દરેક વ્યક્તિની પ્રકૃતિમાં ભેદભાવ જોવા મળતો હોય છે. દરેકની ઈચ્છાઓ, વાણી, વર્તન, શોખ, સપનાં વગેરે ભિન્ન હોય છે. તેના પાછળના કારણોની પણ એક લાંબી યાદી છે. મસ્તિષ્ક પાસે કુતુહલતા છે તો મન પાસે સવાલ, મસ્તિષ્ક પાસે ઉત્સુકતા છે તો મન પાસે અસ્વીકારતા, મસ્તિષ્ક પાસે તર્ક છે તો મન પાસે દલીલ.
આધ્યાત્મ શાસ્ત્ર મુજબ મૃત્યુ પછી આત્મા શરીરથી છૂટો પડે છે ત્યારે તે ઉર્જા વિહીન સાધન માત્ર બની જાય છે. બાળકના મનમાં કુતૂહલતા હોય અને કુતુહલતા જ શિક્ષણ મેળવવાનું પાસું છે. જિજ્ઞાસાવૃત્તિ જ વ્યક્તિને જીવંત રાખે છે. ઈશ્વર પ્રાણ એકલા પૂરતો નથી સાથે સાથે કેટલીક ઈચ્છાઓનો પણ સંચાર કરતો હોય છે. શિક્ષણનો અર્થ અહીં કેળવણી થતો નથી. કેળવણી, સંસ્કાર, શિક્ષણ, જ્ઞાન ભલે પર્યાયવાચક શબ્દો હોય પરંતુ તેમના અર્થો વિશેષ રૂપે અલગ થતાં હોય છે. તેની વ્યાખ્યાઓ વચ્ચે ઊંડો મર્મ અને લાંબી પદ્ધતિનો સમાવેશ થતો હોય છે. મન જે શીખે છે તેનો પ્રભાવ તન ઉપર પડે તે ચોક્કસ છે. માનવ વૈચારિક રીતે ખૂબ પ્રવાસ કરતો હોય છે. શરીર તે માટે અસમર્થ છે. મસ્તિષ્ક વિચારો દ્વારા ખેડાયેલ પ્રવાસનો રોમાંચ અનુભવી શકે છે અને શરીરમાં તે પ્રકારના રસાયણોનો સ્ત્રાવ કરતો હોય છે. ઈશ્વરએ દરેકના શરીર એટલા સક્ષમ નથી બનાવતો કે તે શારીરિક રીતે પ્રવાસ ખેડી શકે. મનઃક્ષમતા દરેકને અર્પિત કરતો હોય છે. આરોપણ કરે તે ઈશ્વર.
માનવ જીવનકાળ દરમિયાન શીખે, અનુભવે અને પ્રેરણા મેળવે છે પરંતુ તેમની કેળવણીનું નિયમન અયોગ્ય રીતે થતું હોય તો તેનો બોજો સમગ્ર પેઢીને અને સમાજને ભોગવવો પડતો હોય છે. વ્યક્તિ વૈચારિક રીતે સ્વતંત્ર છે ક્રિયાઓ માટે સ્વતંત્ર નથી. માનવને જે ધારે તે કરે તેવી છૂટ આપવામાં આવે તો પ્રકૃતિનો નાશ થાય, સમાજ દૂષિત થાય, માનવતા મૃત્યુ પામે. ધારણા અલગ ક્રિયા છે અને તેને અનુસરવું પણ અલગ ક્રિયા છે. મર્યાદા જરૂરી છે. વિચારોને યોગ્ય દિશા મળવી જોઈએ. સહજ પણે સ્વીકાર બુદ્ધિજીવી લક્ષણ છે, દરેક વાતે વિરોધ આજ્ઞાંતનું લક્ષણ છે. યોગ્ય વિચાર માટે ચિંતન જરૂરી છે અને ચિંતન માટે મન:સ્થિત સ્થિરતા ધરાવતી હોવી જોઈએ. શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ઉદ્દેશ્ય સમાનતાની સંકુલ પ્રવૃત્તિનું તેના વિવિધ તત્વોમાં પૃથક્કરણ કરીને મનનું બંધારણ કરવાનો રહે છે. શરીર અને મન એકબીજાના મિત્રો ઓછા શત્રુ વધુ હોય છે. શરીર ઇન્દ્રિયોને આધીન હોય છે જ્યારે મન આ તમામ પરિબળોથી પર હોય છે. માનવ શારીરિક વૃત્તિ ભોગવિલાસની હોય છે મન તેની પરિભાષામાં અસ્તિત્વ ધરાવતું નથી. અલબત્ત મનને યોગ્ય પંથ તરફ વાળી શકાય છે, તેને કાબુ કરી શકાય છે. તે ક્રિયા ચોક્કસ લાંબી અને અઘરી છે પણ તેનું અસ્તિત્વ છે તે માનવું રહ્યું. ચંચળ મન ધરાવતો માનવી આંખો હોવા છતા અંધ વ્યક્તિ જેવું જીવન જીવતો હોય છે.
જૈમીન જોષી.
No comments:
Post a Comment