- ''સપનાની હકીકતથી તુ વાકેફ છે એ કે , સાગરની લહેરોની કોઇ મંઝિલ નથી હોતી .''
પોતાનો સફળતામાં સ્વહસ્તાક્ષર ભલે ન હોય નિષ્ફળતામાં તો હોવા જ જોઈએ :-
મારે જીવનમાં ઘણું બધું કરવું છે , પણ દર વખતે આર્થિક તકલીફ વચ્ચે જ આવીને નિમિત બની જાય છે. નવો ફોન લેવો કે મારા બાળકોને બહાર પ્રવાશ કરાવા લઈ જવા હોય, તો એમાં પણ વિચાર કરવો પડે... હમણાં તો હદ થઈ ગઈ ! મારા પિતાજીને અચાનક જ હાર્ટ એટેક આવ્યો, બાય પાસ સર્જરી કરવી પડી. હવે સારી હોસ્પિટલ અને બેસ્ટ ડોક્ટર માટે પૈસા તો જોઈએ ને .. !! અંતે સગાઓ પાસે મદદ લેવી પડી મને માઠું તો લાગ્યું પણ અન્ય કોઈ રસ્તો નહોતો, થયું કદાચ મારી પાસે પૈસાની સગવડ હોત તો મારે હાથ લાંબો કરવો ન પડત . વીસ વર્ષથી એક જગ્યાએ નોકરી કરીને કશું જ ન મળ્યું .... થાય છે, હવે આ નોકરીને છોડી દઉં. હમણાં જ એક વડીલ મિત્રએ મનનો રોષ ઠાલવ્યો. તે કહે છે કે હું અમદાવાદમાં જન્મ્યો, ભણ્યો અને નોકરી પણ અહી જ કરી અને હમણાં પણ કરું છું. મારા બાપુજીએ મને મારી નોકરીના પહેલા દિવસે શિખામણ આપી હતી કે, બેટા પ્રમાણિકતાથી નોકરી કરજે વફાદાર રહેજે ...... તને તારા શેઠ કાયમ માટે સાચવી લેશે ! બસ તે દિવસ અને આજની ઘડી, વીસ વર્ષ થયા હું ત્યાં જ છું. આમ તો બધું સારૂ છે શેઠ સારા છે પ્રમોશન પણ મળે છે, પરંતુ કોણ જાણે કેમ કામ કરવામાં મજા નથી આવતી. હવે તો ન્યુ જનરેશન આવી, બધો સ્ટાફ નવો છે હવે કેટલાંય લોકો આવ્યા અને નવી નવી નોકરીઓ લઈ છુટા પડ્યા હું તો ત્યાંનો ત્યાં જ... અને હતાશા રૂપી ઉદગાર સરી પડ્યો. પેલા કોલેજ વખતના સૌથી સારા ગણાતા બે મિત્રો તો કેટલાંય આગળ નિકળી ગયા ...!! બેય જણ ચબરખીઓ લઈને જ પરીક્ષામાં બેસતા અને અત્યારે એમના નામની ચબરખીઓ લઈને લોકો નોકરી મેળવી છે. વાહ રે... કિસ્મત... !!! અકળામણ થાય છે. હવે સમજાતું નથી કે શુ કરું?
વર્ષો સુધી એક જગ્યા અને અમુક પરિચિત લોકોના સહવાસ બાદ અકળામણ થવી સહજ છે, બંધિયાર પાણી પણ એકની એક જગ્યામાં અમુક સમય બાદ દુર્ગંધ મારતુ હોય છે તો આ તો જીવન છે. વડીલ મિત્રની ગુંગળામણ સમજાતી હતી તે કહે છે કે મારી વીસ વર્ષની નોકરીમાં મને પણ બે ચાર વાર સારી તક આવી હતી. સારો પગાર અને સારૂ કામ, પણ મારાથી સાહસ લેવાયુ નહી ત્યારે જો મે એ તક ઝડપી લીધી હોત તો સારૂ થાત. હમણાં થોડાક મહિના પહેલા તે જ કંપનીના શેઠ મળી ગયા. ઓળખાણ તાજી થઈ. વાતવાતમાં ખબર પડી કે તે કંપની તો કેટલીય આગળ નીકળી ગઈ. કરોડોનું ટર્નઓવર થઈ ગયુ, દેશ - વિદેશમાં બ્રાન્ચ થઈ ગઈ, મને એટલો બધો અફસોસ થાય છે કે કાશ ત્યારે મે ચાન્સ લીધો હોત.... આવેલી તકને જતી કરી પણ એવો વિચાર આવે છે કે મને કામ ન ફાવ્યું હોત તો ? મારા કામથી મારા શેઠ ખુશ ન રહેતા તો ? જે થાય તે સારા માટે (ફરી એક નિશ્વાસ ) મારી નોકરીમાં સાલું કોઈ ટેન્શન તો નહી જ...આપણે જ આપણા રાજા. મારા ટાઈમે ઓફિસ આવુ તો પણ કોઈ ઉંચા અવાજ સુદ્ધાં ન કરે. વીસ વર્ષ મે કંપનીને આપ્યા છે " કઈ નાની વાત છે કે ? પણ તોય નવા ભણેલા ગણેલા જુવાનિયા આવે છે ને મારા શેઠ તેમને તગડો પગાર આપતા અચકાતા નથી. ચિંતા થાય છે કે આમ ને આમ મારો સ્ટાફ બદલાઈ જશે તો મારી જગ્યા કયાં રહેશે ? પેલી નોકરી લઈ લીધી હોત તો સારું થાત ! સાથે જ મારા મિત્રોને જોવુ છુ તો જીવ બળે છે. પૈસાની છુટ વિચારોની મોકળાશ અને આત્મવિશ્વાસથી ભરપુર એવા મારા મિત્રો સામે તો હું સાવ તુચ્છ છું. મને એટલો સંકોચ થાય છે કે કામની વાત તેમની સામે કરતો જ નથી, એ લોકો ગાઢ મિત્રો છે, પણ કયારેક ક્યારેક મને ટોણાં મારે છે. ડોબા લાઈફમાં રિસ્ક તો લેવું જ રહ્યું હજીયે મોડુ નથી થયુ, કોઈ સારો ચાન્સ મળે તો લઈ લે... હવે તમે જ કહો કે શું કરું ? પેલાં બન્નેય જીગરવાળા તો હતા. બંનેય જણે રિસ્ક લઈને સંઘર્ષ કરી ને આજે ટોચ પર પહોંચ્યા ... !!
શૈક્ષણિક સિદ્ધાંતની ભૂમિકાને સમજનાર ક્યારેક વ્યાવહારિક સિદ્ધાંતોથી પછડાતો હોય છે. આપણી પાસે માત્ર એક જ જીવન છે અને તેમાં પણ મોટા ભાગની પળોનો દોર આપણાં પાસે હોતો નથી. સમય એ સાધન નથી પરંતુ તેની સાથે પ્રવાસ કરવો જરૂરી છે માટે થાય તેટલા પડકાર ઝીલવા જોઈએ. હારેલ વ્યક્તિ પાસે અનુભવ નામક હથિયાર હોય છે જે કઠિન પરિસ્થિતિમાં પણ જીતવા માટે પૂરતો હોય છે. કહેવાય છે કે અનુભવએ સૌથી મોટો શિક્ષક છે. આવેલી તક ઝડપી લેવાથી બની શકે નિષ્ફળતા મળે પણ તેની સાથે કઈ ન કર્યાનો અફસોસ તો નહીં જ રહે..! કંઈક કર્યાની કે નવું શીખ્યાનો આનંદ તો ચોક્કસ હશે. જો કે હકીકતમાં શું બધા લોકો પોતાની કારકીર્દીમાં પડકાર લેતા હોય છે ? બાર પંદર વર્ષથી એક જગ્યાએ કમ્ફર્ટ ઝોનમાં નોકરી કરનારાઓને જુની જગ્યા અને જુના મહોલને છોડવાનો ડર લાગે છે, નવી જગ્યા કે નવુ કામ નવા માણસો નવા પડકારોનો સામનો કરવાની તક. આને કારણે જ જીંદગી છુટતી રહે છે. જીંદગી પુરી થઈ જાય છે અને સમી સાંજે કશુ ન કર્યાનો કે આગળ વધી ન શકવાનો અફસોસ થતો રહે છે. વિચારોની ગડમથલ અને ભ્રમરોમાં વર્ષોની નોકરી વેડફયાનો તથા સમય વેડફાયા હોવાનું લાગે છે. કારણ કે જરૂરિયાત સમય પ્રમાણે બદલાય છે અને જ્યારે સંબંધમાં આર્થિક સ્થિતિ ડોકીયુ કરવા માંડે ત્યારે બધુય ભુલાઈ હોય છે.
જીવન જો ઊંડો દરિયો છે તો તરવું એ આપણું કર્મ અને જરૂરિયાત બંને છે. તરતા આપણે જ શીખવાનું છે, હાથ પગ તો હલાવા જ પડશે નહી તો ડૂબ્યા સિવાય કોઈ રસ્તો નથી. ઈચ્છાઓના ઉદ્દીપન વિના નિષ્પક્ષપણા કહેવાતી મુક્તિ ફળ આપી બેસે છે પરંતુ તેમાં વ્યક્તિ વિકાસ થતો નથી. માનવપ્રકૃતિ પરીવર્તનક્ષમ છે અર્થાત્ માનવે પોતાના પરિવર્તનની દિશા પરિબળો અને જરૂરિયાત સ્વેચ્છાએ પ્રાપ્ત કરવા જોઈએ. સંઘર્ષમાં પણ આત્મનિર્ભર અને સ્વનિર્માણની ભાવના કેળવાઈ રહે તે સાચી કેળવણી બાકી બધુ પુસ્તકિયા જ્ઞાન. સો વાતની એક વાત છે કે, પડકાર સ્વીકારીને જે પોતાની જીંદગી હંકારે છે. એ પછી સફળ થાય કે નિષ્ફળ, પણ તેનો આત્મવિશ્વાસ તો અવ્વલ સ્થાને હોય જ છે એ નક્કી .. !!!
જૈમીન જોષી.
Very helpful information
ReplyDeleteDude