- જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત...
માણસ કાં તો ભૂતકાળને વાગોળે છે કાં તો ભવિષ્યમાં ચગદોળાય જાય છે. હું પોતે ક્યારેક વિચારું છું કે જીવન જયારે વાન્જીયા સપના જોવે ત્યારે તેના પરિણામોને સંતાન કહી શકાય? તેમ છતાં મારી આંખો વર્તમાનની ક્ષણની કાયમ સાક્ષી રહી છે. જોવું અને જીવવું બંનેમાં ઘણો ફર્ક છે. અઢળક ધન સંપતિ હોવા છતાં સંતાનો અને શાંતિ બંને માટે વલખા મારતા લોકોને મે મારી દ્રષ્ટીએ નિહાળ્યા છે. માણસ કેટલો નિર્દય થઈ શકે કેટલો એહસાન ફરામોસ થઇ શકે તેના જીવંત ચહેરા આજે પણ મારી દ્રષ્ટી સામે ફરતા રહ્યા છે. ઘણાં લોકોને તો અંત સુધી ખબર નથી પડતી કે તે પોતે જેની સાથે ઉઠે બેસે છે તે ક્યારે તેમની પીઢ ઉપર છરીનો ઘા કરી ગયો. માછલા પકડનારની ઝાળ તેટલી તો છિદ્ર ધરાવતી હોય છે કે તેમાંથી પાણી નીકળી જાય અને માછલી પકડાઈ જાય. સાથે બેસનાર મિત્ર જ હોય તે જરૂરી નથી કેટલાક લોકો તેમના અંગત સાર્થ અને ભીતરની વાતો જાણવા માટે મિત્રના નામનું મખોટુ પહેરીને બેઠા હોય છે. પરદેશથી આવેલી પત્ની પતિ પ્રત્યે પ્રમાણિક ન હોય તે પ્રમાણે પોતાના સ્વાર્થથી જોડાયેલ લોકો પોતાના ન હોય.
એકલો બેઠો વિચારું છું ત્યારે તે પણ સમજાય છે કે જીવનમાં છેતરાવવું પણ જરૂરી છે. બધું આપણું ધાર્યું થતું હોય તો સમજી જવું કે નક્કી કોઈ આપણું પત્તું કાપવા માટે નીતિ ઘડી રહ્યું છે. નજીકના નામે ટપાલ મોકલાય પરંતુ મનોરથ ના મોકલાય. એક નવા જીવવની અપેક્ષાએ અપણે વર્તમાનને હોમી દઈએ છીએ ત્યારે આપણને કલ્પના પણ નથી હોતી કે જે જઈ રહ્યું છે તે પણ જીવવા જેવું હતું અને જીવવા માટે જ હતું. પુલ પરથી પસાર થતી વખતે જરા બાજુના પહાડ તરફ નજર કરી શકાય કે નીચેની તરફ વહેતું પાણી જોઈ શકાય. ઉતાવળે પસાર થવા માટે આ મેરેથોન નથી આતો સંધ્યાનું વોકિંગ છે જે વાતો કરતા કરતા, આસપાસ જોતા જોતા, ગીતો ગાતા ગાતા કે કલરવ કરતા કરતા પસાર થવાનું હોય છે. જે વધુ પામવાના ચક્કરમાં દોડે છે તેને પણ સમય સિગ્નલ બની થંભાવી જ દે છે. તેના કરતા શાંતિથી પસાર થઈએ તો જીવન ક્યાય પણ રોક્યા વગર મજીલ સુધી પહોંચાડી દે.
જીવનમાં કઈ પણ નિશ્ચિત હોય તો તે છે મૃત્યુ... બાકી બધું અનિશ્ચિત. અનિશ્ચિતતાને પણ સ્વીકારવી જોઈએ. આ જગતમાં કોઈ સુખી નથી અને કોઈ દુઃખી નથી. આ પળની પાછળ કઈ પળ આવવાની છે તેની પણ ખબર નથી. જે જીવ્યા તે પોતાના નસીબનું હતું કે નહિ તે પણ ખબર નથી. જે મળ્યું છે તે પોતાના પરિશ્રમનું છે કે નહિ તે પણ ખબર નથી.
આ જગતમાં હોવુ તે જ એક વરદાન છે. ઈશ્વર પાસે અન્ય કયા વરદાનની અપેક્ષા રખાય? આપણે ઈશ્વર સામે હાથ જોડીને બેસી રહીએ છીએ પરંતુ અન્ય સામે હાથ મિલાવતા નથી. માંગવું તે આપણી ફિતરત બની ગઈ છે પછી તે માણસની સામે હોય કે ઈશ્વરની સામે. કલ્પના કરો કે જગતના તમામ સુખો ઈશ્વર તમારી ઝોળીમાં નાખી દે તો તમારામાં તેટલી આવડત, ક્ષમતા કે કુશળતા છે કે તમે તેને ભોગવી કે મેનેજ કરી શકો. સવારે ખીલેલા પુષ્પની નિયતિ સાંજ સુધીમાં કરમાય જવાની હોય છે તે છતાં તે આખો દિવસ સુગંધ ફેલાવતા હોય છે. આપણે આટલી સરળ વાત કેમ સમજી શકતા નથી. શરીર અને સુખના ભોગે કોઈ કામ ન થાય. સમુદ્રનો કાંઠો ગમે તેટલો સુંદર હોય પરતું ત્યાં વ્યક્તિની કિલકારીઓ ન સંભળાય તો તે સમુદ્ર ભયાનક જ લાગે. જીવન પણ તેવું જ છે. હસતા, કુદતા, ખીએલા, કિલકારીઓ કરતા ચહેરે જીવન ના જીવીએ તો તે ઉજ્જડ અને વેરાન જ લાગે. તેવા જીવનનો શું અર્થ જ્યાં પળોનો આનંદ લેતા ન આવડતો હોય?
જૈમિન જોષી.
No comments:
Post a Comment