- શામળાજી મંદિર ક્યાં આવેલું છે અને તેના મેળાનું શું મહત્વ છે?
ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલું શામળાજી
હિંમતનગરથી ઉદેપુર રેલવે લાઇનથી ૪૬ કિ.મી.ના અંતરે છે. દર પૂનમે અને કારતક
મહિનામાં પ્રતિવર્ષ ભરાતા શામળાજીના મેળે આદિવાસીઓના ઉમંગની રણઝણિયું અને પ્રેમની
પેંજણિયું વાગતી રહે છે.
ગુજરાતમાં પંદરમી સદી પછી નિર્માણ થયેલાં મંદિરોમાં શામળાજીની શિલ્પશૈલી સૌથી
વધુ કલાત્મક અને સુંદર હોવાનું મનાય છે. એ મંદિરનો જીર્ણોદ્ધાર કરતી વેળાએ પણ
મંદિરના પુરાણા સ્વરૂપ અને સુંદરતાને સંભાળી રાખવાની સભાનતા રખાઈ છે. ઉત્તરાભિમુખ
મંદિરની જગતીનો ભાગ વિશાળ છે ગજધર અને તોરણ સહિતના પ્રવેશદ્વારની સામેના સભાખંડ
સમક્ષ દેવમૂર્તિ સ્થાપન થયેલી છે. ગદાધર મૂર્તિએ જાણે ડાકોરના ઠાકોર (રણછોડજી)નું
સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગે. સવા પાંચ ફૂટ ઊંચી અને કાળા આરસમાંથી બનાવેલી
આ ચતુર્ભુજ વિષ્ણુ પ્રતિમાની સમક્ષ અંજલિમુદ્રામાં ઊભેલા માનવાકૃતિ ગરુડજીનું રૂપ
પણ અત્યંત મનોહારી છે.
શામળાજી ઐતિહાસિક અસ્મિતા ધરાવતું
સ્થળ છે. મેવાડની ધાર પર વસેલા આ સ્થાનની આજુબાજુ નાનાં-મોટાં દેવાલયોના અગણિત
અવશેષો નજરે પડે છે. જેમાં હરિશ્ચંદ્રની ચોરી, ત્રિલોકીનાથ, કાશીવિશ્વનાથ અને રણછોડરાયજી તથા કર્માબાઈ તળાવ
વગેરેથી ઇતિહાસના વારસાની ઝાંખી થઈ રહે છે. ગ્રામ્યપ્રજામાં ‘કળશી છોકરાંની મા' તરીકે ઓળખાતી અને જેની મુકુટરૂપ પરિક્રમામાં
ચોવીસ અવતારોની કોતરણી થયેલી છે તે મહાવિષ્ણુની મૂર્તિ સૌથી વધુ નોંધપાત્ર કહેવાય.
અહીં બૌદ્ધકાળના અવશેષ દર્શાવતાં નાનાં મોટાં અને ઈંટેરી સ્તૂપ આ સ્થાનને
બુદ્ધયુગનું મહત્ત્વનું કેન્દ્ર હોવાનું પણ સૂચવે છે.
આદિવાસી વિસ્તારના વિકાસ માટે અહીં
કેળવણી સંસ્થાઓ, સુંદર
આશ્રમશાળાનું નિર્માણ થયેલું છે. મેશ્વો નદી પરનો બંધ બે ડુંગરની વચાળે બંધાયો છે.
હરણ ઝડપે ધસી આવતી નદીને ડુંગર વચ્ચે ઘેરી લઈને જાણે સરોવર સ્વરૂપ ધારણ કરવાની ફરજ
પડાઈ. સરોવરની સીમામાં બંધાયેલ નિર્મળ જળ મનને શીતળતા પ્રદાન કરે છે.પ્રલંબ
જળરાશીમાં હોડકાં તરતાં હોય એ દ્રશ્ય રમણીયતા વધારે છે. કિનારા તરફ આવતી જળલહરીઓદિલને
ટાઢકથી તરબોળ કરે છે.
મંદિરથી પૂર્વ તરફના પરિસરમાં થોડી મુસ્લિમ
વસતી રહે છે. ઉત્તરે આદિવાસી વિસ્તાર અને પશ્ચિમ તરફ પાણી-પુરવઠા, સિંચાઈ ખાતું
અને વિશ્રામગૃહ જેવા મકાનો છે.
હાલનું મંદિર જૂની-નવી શિલ્પ-કળાની સંગમ રૂપ ધરીને લોકશ્રદ્ધાનું સ્થાનક બન્યું છે. અગાઉ આ મંદિર હરિશ્ચંદ્રની ચોરીના નામે ઓળખાતું. તેના પ્રવેશદ્વાર પરનું તોરણ ગુજરાતનાં મંદિર તોરણોમાં સૌથી પ્રાચીન ગણાયું છે. કમાનનો ટોચ ભાગ જેનો નષ્ટ થયેલ છે તેવું આ તોરણ હાલ ૧૧ ફૂટ જેટલું ઊંચું છે.
- શામળાજી કઈ રીતે પહોચવું?
શામળાજીના મેળે પહોંચવા નજીકનું મોટું રેલવે સ્ટેશન હિંમતનગર છે. ત્યાંથી ૪૬
કિ.મી. દૂર શામળાજી આવેલું છે. અમદાવાદથી મોટર માર્ગે જતાં ૧૨૦ કિ.મી.નું અંતર
કાપી શામળાજી પહોંચી શકાય. કારતકી પૂનમે પદયાત્રીઓ, જે દક્ષિણ કે મધ્યગુજરાત અથવા મુંબઈ તરફથી આવતા
હોય તે નડિયાદ પર થઈને મોડાસાના રસ્તેથી પહોંચી શકે. પ્રાંતિજ હિંમતનગરનો રસ્તો
થોડો લાંબો પડે. શામળાજીની મૂર્તિ આશરે બે હજાર વરસ જેટલી પ્રાચીન હશે એવું
ત્યાંના વડીલો કહે છે. અહીં ગજથર અને નરથરના ઉપરના ભાગે કંડારાયેલી કેટલીક
મૂર્તિઓનાં શિલ્પ કલાત્મક અને મિથુન પ્રકારનાં છે. નરસિંહ મહેતાના વાણોતર બનીને
દામોદર શેઠ સ્વરૂપે આવેલા શામળાજી ઉપર આજે પણ શ્રદ્ધાળુઓને ભારે ભરોસો છે. એક
વડીલને મેં દરરોજ સવારે ગાતાં સાંભળ્યા છે ‘તારો ભરોસો મને ભારી વ્હાલા શામળા.'
{(source:યાત્રા –પર્વ)copy વાડીભાઈ
જોશી}
જૈમિન જોષી.
No comments:
Post a Comment