આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : સંઘર્ષથી સર્જાતી શક્તિની અદ્ભુત કહાણી
દર વર્ષે International Women’s Day એટલે કે ૮ માર્ચનો દિવસ વિશ્વભરમાં મહિલાઓના સન્માન, તેમની સિદ્ધિઓ અને તેમના સંઘર્ષને યાદ કરવાનો દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ આ દિવસ માત્ર ઉજવણીનો નથી; આ દિવસ એ યાદ અપાવે છે કે સમાજના દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાનું સ્થાન બનાવવા માટે કેટલો લાંબો અને કઠિન સંઘર્ષ કર્યો છે.
આજના સમયમાં મહિલાઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, રાજકારણ, વ્યવસાય અને સમાજસેવા જેવા દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. છતાં પણ આ સફર સહેલી નહોતી. અસમાનતા, અંધશ્રદ્ધા, સામાજિક બંધનો અને અનેક પડકારો સામે લડીને મહિલાઓએ પોતાનું અસ્તિત્વ સ્થાપિત કર્યું છે.
સંઘર્ષની શરૂઆત : સમાજના બંધનો સામે લડત
એક સમય એવો હતો જ્યારે મહિલાઓને શિક્ષણ મેળવવાનો અધિકાર પણ નહોતો. સમાજમાં એમ માનવામાં આવતું કે મહિલાનું કામ માત્ર ઘર અને પરિવાર સુધી મર્યાદિત છે. પરંતુ કેટલાક સાહસિક મહિલાઓએ આ વિચારધારાને પડકાર આપ્યો.
ભારતમાં મહિલા શિક્ષણની ક્રાંતિની વાત કરીએ તો Savitribai Phule(સાવિત્રીબાઈ ફુલે) નું નામ સદા માટે યાદ રહેશે. તેમણે એ સમયગાળામાં છોકરીઓ માટે શાળા શરૂ કરી જ્યારે મહિલાઓને શિક્ષણ આપવું પાપ માનવામાં આવતું હતું. લોકો તેમની ઉપર પથ્થર અને કાદવ ફેંકતા, તેમ છતાં તેઓ હિંમત હાર્યા વગર રોજ શાળા જતાં. તેમના આ સંઘર્ષે ભારતની લાખો છોકરીઓના જીવનમાં પ્રકાશ લાવ્યો.
આ જ રીતે ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ મહિલાઓએ અદ્ભુત યોગદાન આપ્યું. Rani Lakshmibai(રાણી લક્ષ્મીબાઈ) એ અંગ્રેજો સામે શૌર્ય અને બહાદુરીનો અનોખો દાખલો આપ્યો. તેમની હિંમત એ બતાવે છે કે સ્ત્રી માત્ર સંવેદનાની પ્રતિમૂર્તિ જ નહીં પરંતુ શક્તિ અને સાહસનું પણ પ્રતિક છે.
સમય બદલાયો અને મહિલાઓએ પોતાની ક્ષમતાનો પરિચય દુનિયાને આપ્યો. આજે અનેક મહિલાઓ એવી છે જેમણે અશક્ય લાગતા ક્ષેત્રોમાં પણ સફળતા મેળવી છે.
ભારતની અવકાશયાત્રાની વાત કરીએ તો Kalpana Chawla(કલ્પના ચાવલા) નું નામ ગૌરવ સાથે લેવામાં આવે છે. હરિયાણાના એક નાનકડા શહેરમાંથી ઉડીને તેમણે અંતરિક્ષ સુધીનો પ્રવાસ કર્યો. તેમનો સંદેશ હતો કે “સપના જોવાની હિંમત રાખો, તો આકાશ પણ તમારી મર્યાદા નથી.”
રમતગમત ક્ષેત્રમાં પણ મહિલાઓએ દેશનું નામ વિશ્વમાં ઊંચું કર્યું છે. Mary Kom(મેરી કોમ) એ બોક્સિંગ જેવા કઠિન રમતમાં અનેક વિશ્વ ચેમ્પિયનશિપ જીતી. માતા બન્યા પછી પણ તેમણે પોતાની કારકિર્દી ચાલુ રાખી અને સાબિત કર્યું કે સંઘર્ષ સામે હિંમત હોય તો સફળતા જરૂર મળે છે.
રાજકારણમાં પણ મહિલાઓએ શક્તિ અને નેતૃત્વનો પરિચય આપ્યો છે. Indira Gandhi (ઈન્દીરા ગાંધી) એ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કર્યું અને વિશ્વ રાજકારણમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું.
મહિલાઓ માત્ર સફળતા મેળવતી વ્યક્તિઓ જ નથી; તેઓ સમાજના મૂલ્યોને જીવંત રાખતી શક્તિ છે. એક માતા તરીકે તેઓ સંતાનોમાં સંસ્કાર ભરે છે, એક બહેન તરીકે સ્નેહ આપે છે, અને એક પત્ની તરીકે પરિવારને સંભાળે છે.
મહિલાની અંદર કરુણા, સહનશીલતા અને પ્રેમની અદભુત શક્તિ હોય છે. ઘણી વખત સમાજમાં તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે, પરંતુ તેમ છતાં પરિવાર અને સમાજ માટે પોતાના સપનાઓનો ત્યાગ કરે છે.
મહિલાઓના સશક્તિકરણનો અર્થ માત્ર તેમને અધિકાર આપવાનો નથી, પરંતુ તેમને સમાન સન્માન અને અવસર આપવાનો છે.
બદલાતું સમાજ અને નવી આશા
આજના યુગમાં મહિલાઓ માટે અનેક નવા અવસર ખુલ્યા છે. શિક્ષણ, ટેક્નોલોજી અને સામાજિક જાગૃતિના કારણે મહિલાઓ પોતાના સપનાઓ સાકાર કરી રહી છે.
ભારતમાં “બેટી બચાવો, બેટી વાંચાવો” જેવી પહેલોએ પણ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે. આજે ઘણી યુવતીઓ ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક અને ઉદ્યોગસાહસિક બનીને સમાજમાં નવી ઓળખ બનાવી રહી છે.
પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં મહિલાઓ સામે અસમાનતા, હિંસા અને ભેદભાવ જેવા પ્રશ્નો છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે સમાજના દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી પડશે.
પ્રેરણા : દરેક મહિલામાં છુપાયેલી શક્તિ
દરેક મહિલાની અંદર એક અદૃશ્ય શક્તિ હોય છે. ઘણી વખત પરિસ્થિતિઓ તેમને કમજોર બનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હિંમત અને આત્મવિશ્વાસ તેમને ફરી ઊભા થવા માટે પ્રેરણા આપે છે.
ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે મહિલાઓને અવસર મળે છે ત્યારે તેઓ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે.
આજનો દિવસ એ તમામ મહિલાઓને સમર્પિત છે જેઓ પોતાના સપનાઓ માટે સંઘર્ષ કરે છે, પોતાના પરિવાર માટે ત્યાગ કરે છે અને સમાજને વધુ સુંદર બનાવવા માટે સતત પ્રયત્ન કરે છે.
International Women’s Day આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે –
મહિલાઓનું સન્માન માત્ર એક દિવસ પૂરતું ન હોવું જોઈએ; તે જીવનના દરેક દિવસે હોવું જોઈએ.
જ્યારે સમાજ મહિલાઓને સમાન અધિકાર, અવસર અને સન્માન આપશે ત્યારે જ સાચા અર્થમાં વિકાસ શક્ય બનશે.
દરેક સ્ત્રી એક શક્તિ છે, એક પ્રેરણા છે અને એક સર્જનશક્તિ છે.
“મહિલા માત્ર જીવનને જન્મ આપતી નથી, પરંતુ તે સમાજને દિશા પણ આપે છે.”
કોલમ-:જયવાદ
લેખક: જૈમીન જોષી.
No comments:
Post a Comment