તે સાચું છે કે સ્વતંત્રતા એટલી કિમતી છે કે તેની કાળજીપૂર્વક દલીલ કરવી આવશ્યક છે.
વ્લાદિમીર લેનિન
![]() |
Vladimir Lenin |
ગરીબી શોષણ અન્યાય અને દમનમાં પીડાતી રશિયન પ્રજાને તેમની તકલીફોમાંથી મુક્ત કરીને તેમના જીવનને રાજમાર્ગ તરફ લઈ જનાર ક્રાંતિકારીઓમાં લેનિનનું નામ અગ્ર સ્થાને છે. વીસની સદીના મહાન અને અગ્રણી વ્યક્તિઓમાં એક નામ લેનિનનું પણ હતું. વિશ્વનો ઇતિહાસ અને ભૂગોળ સુધ્ધાં બદલી નાંખનાર માનવ ઇતિહાસના મહાન રાજકીય નેતાઓમાં લેનિનનો સમાવેશ થાય છે. તે સમયનાં રાજવંશી લોકો દ્વારાં ગરીબ અને મજૂરીયાત વર્ગ ઉપર અત્યાચારો કરવામાં આવતાં. આ અત્યાચારોને દૂર કરવાં માત્ર ગરીબો અને મજૂરોની મદદથી ક્રાંતિ કરી બતાવનાર એ માત્ર લેનિન હતાં.
ઈ.સ. 1905 માં જાપાન સાથેનાં યુદ્ધમાં રશિયા ખૂબ ખરાબ રીતે પરાજય પામી. તેમાં રશિયામાં હજારો સૈનિકો મૃત્યું પામ્યાં, તેનું એક કારણ હતું સૈનિકોને આપવામાં આવેલી અપૂરતી તાલીમ હતી. સખત ખરાબ રીતે થયેલી આ પરાજયનાં પરિણામે ગરીબ અને મજૂરીયાત વર્ગો એકતત્રિત થઈને કારખાનાંઓમાં હડતાલ પાડવા લાગ્યાં. સામયિકો અને પુસ્તકોમાં વિવિધ આર્ટીકલ છપાવા લાગ્યાં. આમ, પ્રજાઓમાં ક્રાંતિની શરૂઆત થઈ ગઈ.
રશિયામાં ૨૫ ઑક્ટોબર ૧૯૧૭ ના રોજ વૈશ્વિક કાળગણના અનુસાર ૭ નવેમ્બર ૧૯૧૭ ના રોજ કામદાર વર્ગની સત્તાની સ્થાપના માટે જે ક્રાંતિ થઈ તે ક્રાંતિનું વૈચારિક, રાજકીય, અને પ્રત્યક્ષ સંગઠનાત્મક નેતૃત્વ લેનિને કર્યું અને સમાજવાદની રચના માટે વિશ્વની પ્રથમ સમાજવાદી સત્તાનો ધ્વજ સફળતાપૂર્વક ફરકાવ્યો.
લેનિન એ તેમણે ધારણ કરેલું નામ હતું, પરંતુ તેમનું મૂળ નામ ‘વ્લાદિમીર ઈલિચઉલ્યાનોવ’ હતું. લેનિનનો જન્મ ૨૨ એપ્રિલ ૧૮૭૦ ના રોજ હોલ્ગા નદીના કાંઠે આવેલ સિંબિસ્ક શહેરના એક મધ્યમવર્ગીય કુટુંબમાં થયો. તેમના પિતા શાળાના શિક્ષક હતાં. તેની માતા મેરિયાના પિતા વ્યવસાયે ડૉક્ટર હતાં અને તે પોતે શિક્ષિકા હતી. તેમના ચાર ભાઈઓની માફક લેનિન પણ ક્રાંતિકારી માનસ વૃતિ ધરાવનાર હતાં. લેનિનના સૌથી મોટા ભાઈ એલેકઝાન્ડર યુલાયનોફને ઝાર એલેકઝાન્ડર ત્રીજાના ખૂનના કાવતરામાં સામેલ થવાનાં ગુના હેઠળ ઈ.સ. ૧૮૮૭ માં ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાથી લેનિનની માતા ખૂબ દુખી થયા અને તેમને માનશિક અસર થઈ ગઈ અને તે લગભગ ગાંડા જેવાં જ થઈ ગયાં. તે સાથે લેનિનને પણ મોટો આઘાત લાગ્યો હતો. તેમના જીવનમાં આ ઘટનાએ ખૂબ ઊંડી અસર કરી હતી. મૂળ લેનિન ખૂબ સાદા હતાં પણ તેની સાથે શક્તિશાળી વલણ પણ ધરાવતા હતાં. લેનિનની બુદ્ધિ અને નિર્ણયશક્તિ ઘણી તીવ્ર હતી. શાળાનો અભ્યાસ તેણે સુવર્ણચંદ્રક મેળવીને પૂર્ણ કર્યો અને કઝાન યુનિવર્સિટીમાં તે કાયદાના અભ્યાસ માટે દાખલ થયાં. તેમનું એક કારણ તેમના પિતાની તેમને વકીલ બનાવવાની ઇચ્છા હતી. પરંતુ ઈ.સ. ૧૮૮૭ માં વિદ્યાર્થી ચળવળમાં ભાગ લેવા માટે તેમને હદપાર કરવામાં આવ્યાં. ઈ.સ. ૧૮૮૯ માં તે રશિયામાં પુનઃ પ્રવેશ કર્યો અને કઝાનમાં રહીને તેમણે કાર્લ માર્ક્સના સિદ્ધાંતોનો અભ્યાસ શરૂ કર્યો. તે દરમિયાન માર્ક્સવાદી મંડળો સાથે પણ તે સંપર્કમાં આવ્યાં. ઈ.સ. ૧૮૯૧ માં તેમણે સેન્ટ પિટર્સબર્ગ યુનિવર્સિટીમાંથી ‘ એક્સટર્નલ ' વિદ્યાર્થી તરીકે કાયદાની પરીક્ષા પસાર કરી. કઝાનથી તે સમારા ગયાં અને ત્યાં વકીલાતની સાથે સાથે માર્ક્સવાદી વિચારોનો તેમણે અભ્યાસ કર્યો. ત્યાંથી તે ૧૮૯૩ માં સેન્ટ પિટર્સબર્ગ આવ્યાં અને બહુ થોડા સમયમાં ત્યાંના સામ્યવાદીઓનાં તે નેતા થઈ ગયાં. સેન્ટ પિટર્સબર્ગમાં તેમણે ‘ મઝદૂર મુક્તિ આંદોલન સંઘ'ની સ્થાપના કરી. પ્રથમ તેમણે હસ્તલિખિત લખાણો પ્રસિદ્ધ કરવા માંડ્યાં. જ્યારે તે લખાણો લોકપ્રિય બનવા લાગ્યાં તેથી તેમણે છાપખાના મારફત પ્રચાર શરૂ કર્યો.
તે વખતે રશિયામાં ઝાર સમ્રાટોની રાજાશાહી સત્તા હતી. ઝારશાહીમાં રશિયાએ યુરોપ ખંડનો આર્થિક પછાતપણું, નિરક્ષરતા, ધાર્મિક કટ્ટરતા, સર્વાધિક વિષમતા તેમજ રાજકીય તીરે મનસ્વી વલણ ધરાવનાર અને દમનનીતિ વાળો દેશ હતો. ઝારશાહીની રાજ્ય વ્યવસ્થા એ જુલ્મી, અત્યાચારી અને કોઈ પણ લોકશાહી સંસ્થાના વિકાસને નકારનારી રાજ્યવ્યવસ્થા તરીકે યુરોપમાં ઓળખવામાં આવતી હતી. આ સત્તાને ઉથલાવી નાંખવાનું કામ લેનિને કર્યું. લેનિનનું રાજકીય જીવન ‘ યુનિયન ઑફ સ્ટ્રગલ ફોર ઇમૅન્સિપેશન ઑફ ધી વર્કિંગ ક્લાસ ' જૂથની સ્થાપનાના સહભાગથી શરૂ થયું. આ જૂથે બહાર પાડેલ અખબારના પહેલા જ એક પર જપ્તી આવી અને લેનિન સહિત જૂથના અનેક સદસ્યોની અટક કરીને દસ મહિના માટે કારાવાસમાં ધકેલવામાં આવ્યાં. ફેબ્રુઆરી ૧૮૯૭ માં કારાવાસમાંથી છૂટકારી બાદ તેમને સાઇબેરિયા હદપાર કરવામાં આવ્યા. ૧૯ માં લેનિનની માત્ર પારી મુદત પૂરી થઈ, પરંતુ તેમને રશિયામાં કોઈ પણ મહત્વનાં ઔઘોગિકે અથવા યુનિવર્સિટીનાં શહેરોમાં રહેવાની મનાઈ ફરવામાં આવી. તેમને કારણે તેમણે સીધા સ્વિટ્ઝરલેન્ડના જીનીવા જઈને આગળનું કાર્ય ચલાવવાનો નિર્ણય લીધો. તે જ સમયે ક્રાંતિકારી પક્ષની રચના, સંગઠનના તત્વ, રશિયામાં ક્રાંતિનું સ્વરૂપ વગેરે રાજકીય સંગઠનાત્મક વિષયો પર પોતાના વિચાર સ્પષ્ટ કરનાર ‘ હૉટ ઇઝ ટૂ બી ડન’પુસ્તક તેમણે પ્રકાશિત કર્યું.
સમય જતાં સઘળાં સૂત્રો જાણે લેનિનના હાથમાં આવ્યાં. ૧૯૧૭ ના સમયગાળામાં તેમણે મજબૂતાઈથી બોન્શેવિક પક્ષનું નેતૃત્વ કર્યું. કેરેન્સકી સરકાર પ્રજાની ક્રાંતિકારી આકાંક્ષાઓને હાનિ પહોંચાડશે તેમ તેમણે પોતાના પક્ષના નેતાઓને અત્યંત સંઘર્ષમય વિવાદ સાથે ગળે ઉતાર્યું. અંતે રશિયન દિનદર્શિકા અનુસાર ૨૫ ઑક્ટોબર ૧૯૧૭ નો દિવસ નક્કી થયો અને તે દિવસે મધ્યરાત્રે સોવિયેટની દેશવ્યાપી પરિષદની પાર્શ્વભૂમિકા પર લોહીનું એક પણ ટીપું રેડ્યા સિવાય ઐતિહાસિક વિન્ટર રાજમહેલ બોલ્સેવિકોએ કબજે લીધો અને લેનિનના નેતૃત્વ હેઠળ નવી બોલ્સેવિક સરકારની સ્થાપના કરવામાં આવી.
આ સરકારે સત્તા પર આવતાં જ ખાનગી અને ચર્ચની માલિકીની જમીનો ખેડૂતોને વહેંચી દીધી. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. વારસાહક્ક અને ઉચ્ચવર્ગના સઘળા વિશેષ અધિકાર નાબૂદ કરવામાં આવ્યા. જૂના ન્યાયાલયો અને પોલીસ દળ આટોપી લઈને તેને સ્થાને ક્રાંતિકારી ન્યાયાલયોની સ્થાપના કરવામાં આવી. સ્ત્રીઓને મતાધિકાર તેમજ પુરુષોની જેમજ સમાન અધિકાર મંજૂર કરવામાં આવ્યા. તેમને રોટી જમીન અને શાંતિનું વચન પણ આપ્યું અને કેટલાક અંશે પૂર્ણ પણ કર્યું. લોકો પોતાની ઈચ્છા મુજબ ઘર વપરાશની વસ્તુઓ ખરીદી અને પોતાની પાસે રાખી શકતા. મજૂરવર્ગ ને રોકડું વેતન આપવાનું પણ શરૂ કર્યું જેથી મજૂર વર્ગને કામ કરવાની પ્રેરણા મળી.
લેનિન એક ક્રાંતિકારી અને રાજકીય પુરુષ હોવાં છતાં એક સામાન્ય માણસની માફક વર્તન કરી શકતા હતાં. સંગીત સાંભળવાનાં તે ખૂબ શોખીન હતાં. નાનાં બાળકો ઉપર તેમને અત્યંત પ્રેમ હતો. સ્ત્રીઓને વિશે એક વાર તેણે કહ્યું હતું કે અડધોઅડધ વસ્તીને રસોડામાં પૂરી રાખવામાં આવી હોય ત્યાં સુધી કોઈ પણ રાષ્ટ્ર સ્વાધીન ન થઈ શકે. લેનિનની પત્ની પણ તેને દરેક કામમાં મદદ કરતી. એ કામદાર મંડળની મંત્રી પણ હતી અને લેનિનના બધા પત્રવ્યવહારની વ્યવસ્થા કરતી. અંત સુધી તેમણે લેનિનના એક સાથી, સલાહકાર અને મંત્રી તરીકે કામ કર્યું હતું. તદુપરાંત લેનિન એક સારો લેખક અને ચિંતક હતો. તેણે અસંખ્ય લેખો લખ્યા હતા અને ઘણાં પત્રોનું સંપાદન કર્યું હતું. લેનિનના ‘ ઓન ફાઈનાન્સ' , “ ધી પ્રોબ્લેમ ઑફ ધી રશિયન સોશ્યલ ડેમોક્રેટ ’ અને ‘ રશિયામાં મૂડીવાદનો વિકાસ ’ નામનાં પુસ્તકો અત્યંત પ્રસિદ્ધ છે. આ પુસ્તકો દ્વારા તેણે રશિયામાં મૂડીવાદના સ્વરૂપને સ્પષ્ટ કર્યું હતું. તેના લેખો ઘણા લોકપ્રિય થયા હતા અને તે ફ્રેન્ચ તથા જર્મન ભાષામાં અનુવાદ પામ્યા હતા.
સામ્યવાદી રસિયાનો પાયો નાખનાર લેનિન ઈ.સ. 1924 માં દુનિયાને અલવિદા કહી ગયાં. ઈ.સ. 1922 થી 1924 તેમના માટે કપરો સમય હતો કેમકે તેમણે અંત સમયે પક્ષ ઘાતનો સામનો કરવો પડ્યો હતો. લેનિનનાં ગયાં પછી પણ રશિયાના ખૂણે ખૂણે લોકો તેમને યાદ કરે છે. પંડિત જવાહરલાલ તેને અંજલિ આપતાં જણાવે છે, તે રશિયન પ્રજા માટે એક દેવ જેવો બની ગયો હતો. તેમની આશા અને શ્રદ્ધાનું તે પ્રતીક હતો. તે દરેક મુશ્કેલીમાંથી માર્ગ કાઢનાર સુજ્ઞ પુરુષ હતો.
(નોધ: લેનિન વિશે લખવામાં આવેલ સાલ વિશે બેવડા મતો છે જેથી ચોક્કસતા માં ભેદભાવ થઈ શકે. આ આર્ટીકલ માં લેવામાં આવેલ માહિતીનો શોર્સ અલગ ચોક્કસ લેખકે પ્રકાશિત કરેલ માહિતી છે. )
જૈમીન જોષી.
No comments:
Post a Comment