Sunday, February 14, 2021

પ્રેમ, પીડા, પરાકાષ્ઠા... (Love, pain, climax ...)

  •  પ્રેમ કરનાર વ્યક્તિને પીડાનું વરદાન છેજ્યારે પરાકાષ્ઠાનો વિયોગ છે:-

   

love image


   '' પ્રેમ '' સહજ રીતે બોલાતો આ શબ્દ સહજ રીતે જીવાતો હોત તો કેટલું સારું..? સૌથી ગૂંચવાડા ભર્યો શબ્દ એટલે 'લવ'. લવ શબ્દ સાંભળતા જ સપ્તરંગી ચિત્રો નજર સામે ઊભરી આવતાં હોય છે. ભાષાફેર ચોક્કસ હોય પણ ભાષાભેદ ન હોય. અર્થ ભલે એક જ રહે પણ લાગણીતો ભિન્ન જ રહે. પ્રેમનો સ્વીકાર તો દરેક ધર્મના સંસ્થાપકએ પોતાના ધર્મપાયા સ્વરૂપે કર્યું છે. મનોવૈજ્ઞાનિકોએ તો પ્રેમ કરી શકતું હોય તો જ ભાવનાત્મક રીતે માણસ છે એમ કહી શકાય તેવું માને છે.  પ્રસંગોપાત લગ્ન થાય પણ પ્રેમ તો ન જ થાય. પ્રેમ શાશ્વત છે, પ્રેમ સાપેક્ષ છે, પ્રેમની તો પેઢીઓ ચાલે છે. માણસ તેનું પ્રમાણ છે. નિમ્ન સ્તરનું શરીરસુખ અને તેના પરિણામ પ્રેમની વ્યાખ્યામાં આવતા જ નથી. આવા કિસ્સામાં વાઘનું ચામડું પહેરીને શિકાર કરવા નીકળીલા સિંહ જેવું થતું હોય છે.

   સમય બદલાયો છે. આપણે ભૌતિક રીતે જેટલા "ફોરવર્ડ" થયા છીએ તેના કરતાં માનસિક રીતે વધુ થયા છીએ. અહીં માનસિક રીતે વધુ ફોરવર્ડ થયા નો અર્થ એ છે કે માત્ર મનગમતું કરી છૂટવું, ક્ષણ ભોગવી લેવી અને ઉછળતા ઉમળકાને સંતોષ આપી શકાય તેવું ત્વરિત કરવું. આપણે પ્રેમને હંમેશા એક માધ્યમ સ્વરૂપે જ જોયો છે. અધિકારપણામાં જ વિશ્વાસ રાખ્યો છે. આમ જોવા જઈએ તો પ્રેમ કેવળ એક છેતરામણી છે. પ્રેમની વાતો સ્વાર્થાંધિન હોય છે. તમારે કોઈને પ્રેમ કરવો પડે છે કે તને પ્રેમ કરું છું તેમ કહેવું પડે તો તમે આંશિક રીતે જ પ્રેમમાં છો તેમ ધારવું.

   આપણે મિત્ર, માતા-પિતા કે ભાઈ બહેનને મોટા ભાગે કહેતા નથી કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ, છતાં આપણે કરીએ છીએ તેમાં કોઈ એક અંશ પણ ખોટું નથી. પરંતુ, રિલેશનશિપમાં આપણે વારંવાર એક બીજાને કહેવું પડે છે કે 'આઇ લવ યુ'... એકબીજાને યાદ કરાવવું પડે છે કે હું તને પ્રેમ કરું છું. વર્તન પારદર્શક ન હોય ત્યારે શબ્દોએ સહાયે ઉતરી આવવું પડે. 


valentine images


   બે વ્યક્તિ એક બીજાના પ્રેમમાં ડૂબે અને પછી એકબીજાની સાથે સ્વયંમને પણ શોધતા રહે. પ્રેમમાં વારંવાર કોઈને ચાહું છું તેમ કહેવા છતાં તમારા પર અવિશ્વાસ હોય તેવું બને. પ્રેમ હોય પણ ક્યારેક અનુભૂતિ ન હોય. ક્યારેક અનુભૂતિ હોય તો ક્ષણ ન હોય. ક્યારેક ક્ષણ હોય તો વ્યક્તિ ન હોય અને જયારે બધું ત્યારે પ્રેમ ન હોય.  'હાર્ટ અટેક' આવે તે સારું પણ 'લવ અટેક' આવે તો તેમાંથી બચી શકવું અશક્ય છે. એકબીજાને ગમી જવાની ક્રિયા જેટલી સરળ હોય છે તેટલી જ કઠિન પ્રેમને જાળવી રાખવાની પદ્ધતિ હોય છે. સાત ગળણે ગાળીને પાણી પીનારને પ્રેમ રસ ન પચે તેવા કિસ્સાઓ અઢળક છે. પહેલા ગમી જવાય અને પછી ગળી જવાય. પ્રેમની કૃત્રિમતા માનવને ભક્ષકતા તરફ આવરી લેતી હોય છે. લાગણીના શબ્દો ખાંડ જેવા હોય છે જેટલી મીઠાશ તેટલાં જ ઝેરી. પ્રેમમાં બોલાયેલા શબ્દો, બંધાયેલ વચનો ક્યારેય પળાતા નથી, નથી તો જીવાતા. શાબ્દિક ક્ષણોનું મહત્વ નહિવત્ હોય છે તે માત્ર વિખૂટા પડ્યા પછી પીડા જ આપે છે, સ્મૃતિ સ્વરૂપે.

   નિમ્નતમ સ્તરે પ્રેમ એક પ્રકારનું પક્ષીય પાર્ટીનું રાજકારણ જ છે. પ્રેમની વ્યાખ્યામાં માલિકીભાવ, ઈર્ષા, ઝંખના, અપેક્ષા, ઉપેક્ષા, કટુતા, કઠોરતા, પીડા, એકપક્ષીયતા જેવા ભાવો તો હોય જ છે. પ્રાણીને પ્રેમ કરવો અને માનવીને પ્રેમ કરવો બન્નેમાં પ્રાણીપ્રેમ વધુ સફળ ગણાશે. પ્રાણીને કોઈ માંગણી નથી હોતી તે માત્ર માલિકની આજ્ઞાનું પાલન કરતો હોય છે માટે તેની કોઈ જરૂરિયાત અશંતોષાતી નથી. બીજી તરફ વ્યક્તિને માલિકીભાવ માણવાનો ગર્વ હોય છે માટે તેનો અહમ સંતોષાય છે જેથી તેને પણ કોઈ ફરિયાદ નથી હોતી. આમ , બંને પક્ષે એક સુત્રતા જળવાતી હોય છે પરંતુ વ્યક્તિ પ્રેમમાં આવું નથી હોતું. દરેકને પોતાના આગવા નિયમો, પોતાની અલગ વિચારધારા, અલગ બુદ્ધિ, પસંદ, નાપસંદ, જરૂરિયાત, ઇચ્છાઓ, માંગણીઓ અને નિર્ણયો હોય છે એટલે પરિસ્થિતિમાં અશુદ્ધતા આવે તેમાં કોઈ નવાઈ નહિ. જોકે વ્યક્તિ પણ હવે આવા સબંધોથી ટેવાઈ ગયો છે તેને પણ પ્રેમમાં પેટ છુટી આઝાદી જોઈતી જ હોય છે. એક વ્યક્તિ એક કરતા વધારે વ્યક્તિના પ્રેમમાં હોય ત્યાં નવાઈ નહિ. એક વ્યક્તિ અન્યના વિશ્વાશને પોટલામાં બાંધી નદીમાં પધરાવી દે ત્યાં પણ નવાઈ નહિ. આ બધામાં નિર્દોષ અને લાગણીશીલ લોકોને વધુ ભોગવવું પડે છે. જે વ્યક્તિ પ્રેમમાં હોય તેને એવો ભ્રમ હોય છે કે તેનો પ્રેમી કે પ્રેમિકા દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ છે, જે તેના ભાગે આવ્યો છે અથવા આવી છે. દેખીતી રીતે પ્રેમમાં ઉણપ જોવાતી નથી પરંતુ અમુક સમય પછી તેને ચોક્કસ અનુભવાય છે અને પરિણામે પ્રેમનું મૂલ્ય આંશિક રીતે ઘટતું જોવા મળે છે. 

   પ્રેમ કરનાર વ્યક્તિને પીડાનું વરદાન છે, જ્યારે પરાકાષ્ઠાનો વિયોગ છે. દાંપત્ય જીવનમાં પરાકાષ્ઠાનો અનુભવ ભાગ્યે જ થતો હોય છે. અલબત્ત, જાતીય રીતે તે અનુભવી શકાય છે.

   એક માતા તેનાં દિકરાને પ્રેમ કરે છે તે નિસ્વાર્થ અને પવિત્ર પ્રેમનું ઉદાહરણ છે. એક પ્રેમી-પ્રેમિકા એકબીજાના સંઘને ઝંખે છે તે પીડાનું ઉદાહરણ છે. બે મિત્રો એકબીજા સાથે અનઅપેક્ષિત સંબંધ સાથે જોડાય છે અને તેને સંપૂર્ણ રીતે નિભાવે છે તે પરાકાષ્ઠાનો ઉદાહરણ છે. પ્રેમ કરવો અને થઈ જવો બંને વચ્ચે મોટો ભેદ છે. પ્રેમને ટકાવી રાખવો અને પ્રેમને કેળવી રાખવું તેના વચ્ચે પણ એક મોટો ભેદ છે. પ્રેમમાં પારખણા નહીં પારણા હોય. કોઈ પણ રિલેશનશિપમાં બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ સંપૂર્ણ રીતે વફાદાર હોય જ છે અને કમનસીબે ભોગવવાનું પણ તેનાં જ નસીબે હોય છે. પ્રેમમાં સહજતા સહજ રીતે અપ્રાપ્ય હોય છે. પ્રેમ ક્યારે એક પક્ષીય થય જતો હોય છે તેની જાણ લાંબે ગાળે થતી હોય છે. પ્રેમના નામે માત્ર પીડાની આપલે તે પણ એક બળાત્કાર જ છે. પ્રેમની સંવેદનાનો બળાત્કાર, વિશ્વાસ નો બળાત્કાર, લાગણીનો બળાત્કાર, સાથે જીવી ગયેલ ક્ષણોનો બળાત્કાર, ખુલી આંખે જોયેલ સપનાનો બળાત્કાર.

   પ્રેમ એક એવી વિભૂતિ છે જે દરેક વ્યક્તિના નસીબમાં નથી હોતી. પ્રેમ એ પૃથ્વી પરનું અમૃત છે જે તમારી લાગણીઓને અમર રાખે છે. વ્યક્તિ પોતાની ભૌતિક ક્ષણને સુધારવા પ્રેમનો ઉપયોગ કરે છે અને પછી સમગ્ર જીવન તેને શોધ્યા કરે છે. પ્રેમ વારંવાર થતી ઘટના નથી તે એક ચોક્કસ સમયે અને કોઈ ચોક્કસ વ્યક્તિની સાથે જ થાય છે. તે કોઈ એક દિવસ પુરતી જવાબદારી નથી કે નથી તો ફરજ. તેતો માનવના મૃત્યુપરાંત પણ ચાલતી હોય છે. પ્રેમમાં કોઈ ઘટના સામાન્ય નથી હોતી. પ્રેમ માં કોઈ પીડા મામુલી નથી હોતી. પ્રેમમાં કોઈ વ્યક્તિ ન અમીર હોય કે  ન ગરીબ. પ્રેમમાં માત્ર બે હૃદય હોય છે, જે માત્ર એક બીજાના સાથ માટે આજીવન તડપ્યા કરે છે.

valentine images


   મધ્ય રાત્રીએ બંધ આંખે અને નિસ્તેજ ચહેરે ગાલ પર થઈને નીચે ઉતરતું પાણીનું ટીપું જેનું નામ ઓશિકા પર ચિત્રે તે પ્રેમ. ભીના ઓશીકે ચિતરાયેલ નામ કોઈ વાંચી ન જાય તેમ ફટાફટ ખંખેરી નાખે તે પીડા અને તેજ નામને મનમાં રાખી ઊંડો શ્વાસ લઈને તેના સુખ માટે ઈશ્વરને પ્રાર્થના કરે તે પૂજા એટલે પરાકાષ્ઠા.

                                                                                                       જૈમિન જોષી. 

No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...