Monday, January 25, 2021

માનવને તો સુખ પણ મિથ્યા લાગે. (Even happiness seems false to human beings.)

ઉગમણો એ નજરે આથમતો લાગે,
અમને તો ગોળનો કાંકરો એ ખાટો લાગે.

 
human pic

 

 

   વ્યક્તિ જીવનને અવગણીએ તો પૈસાથી ચાર વસ્તુ કદી ખરીદી શકાતી નથી. સુખ, શાંતિ, સાચા મિત્રો અને તંદુરસ્તી. આપણે સુખની ઈચ્છા રાખીએ પણ તેનું આગમન ક્યાંથી થાય તે હજુ સુધી કોઈ જાણતું નથી. કદાચ જાણી શકે પણ નહીં. બદલાતા સમય સાથે આપણે એટલું તો સ્વીકારી જ લીધું છે કે સુખ એટલે સગવડ તો નહીં જ તો પછી સુખ કોને કહેવાય? કેટલાક લોકો સાવ નવરી વેળાએ ચર્ચાએ પડ્યા હોય ત્યારે એકબીજાને ચર્ચાના ભાગરૂપે કહી બેસે છે કે યાર હવે મજા નથી આવતી.... જીવનમાં સુખ જેવું કંઇ છે જ નહી. જિંદગીની તો પથારી ફરી ગઈ છે. આપણે જે પથારીની વાત કરીએ છીએ ત્યારે જાણતા નથી કે આ પથારી સમેટવામાં લોકોએ આખી જિંદગી કાઢી નાખી છે છતાં ક્યારેય સુખનો છાંટોય અનુભવ્યો નથી. માણસ સુખની શોધમાં પ્રાર્થના કરે પછી જાહેર મેળાવડાઓમાં જાય. ગુરૂજીઓ બનાવે, ધર્મપરિવર્તન કરે, ધ્યાન કરે, એક ચોક્કસ સાત્વિક વસ્ત્રો પહેરે અને અમુક વસ્તુઓનો ત્યાગ કરે. મોટાભાગે લોકો ત્યાગ પણ તે જ વસ્તુઓનો કરતા હોય છે જે વસ્તુ ક્યારેય તેમની પાસે આવવાની હતી જ નહી કે પ્રાપ્ત કરી શકવાના હતા જ નહિ. મોટા ભાગની વસ્તુઓને આપણે લાયક નથી હોતા. અહીં ''અંગુર ખટ્ટે હૈ'' તેવી વાત હોય છે. વસ્તુત્યાગની મજા તો ત્યારે આવે જયારે તમે તે માટે સક્ષમ હોય છતાં તેનો ત્યાગ કરો. સક્ષમ વ્યક્તિ ત્યાગ કરતા પહેલા ઓછામાં ઓછો એક વખત તો ભોગ વિલાસ કરે જ છે. જેનો ઉપયોગ થઈ જ ચુક્યો છે, જેને સંપૂર્ણ માણી લીધું છે, જેની સાથે બધું જીવી અને અનુભવી લીધું છે તેનો ત્યાગ કરવામાં વળી શું મહાનતા? તમે ત્યાગ ન કરો તો પણ તેતો છૂટી જ જવાનું. તે તો પ્રકૃતિનો જ નિયમ છે. માણસ તો એક વ્યક્તિ સાથે પણ મનમેળાપ રાખી શકતું નથી તો આ તો વસ્તુઓ છે.

   આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરવાનો સીધો અને સરળ રસ્તો કે કોઈ પણ ધાર્મિક વ્યાખ્યાનો કરતા સાધુ, સંતો પાસે પહોંચી જાવ. તે તમને નવી નવી સુખની વ્યાખ્યાઓ ગરમાગરમ શાસ્ત્રો કે વેદો સાથે પીરસી દેશે. તેમાંય વળી ઠંડી છાશ જેવા શબ્દોનો ભારો તો જોઈએ એટલોતો મળતો જ રહેવાનો. 'કહેતા ભી દિવાના... સુનતા ભી દિવાના'  પ્રથમ વ્યાખ્યાનમાં જ સાચું સુખ એટલે શું? તેના ઉપર સમજણ અને સાહિત્યનો મિક્સ મસાલો જાહેરમાં ખોલશે. સાચું સુખ શબ્દ જ જટિલ છે. સાચું હોય ત્યાં ખોટાનું અસ્તિત્વ આપમેળે જ આવી જાય. ખોટું અને જુઠ્ઠું સુખ છે તો ક્યાંક આપણે સાચું સુખ તો ભોગવ્યું જ નથી એવો અર્થ થઈ જાય. આખું જીવન જીવ્યા તે શું મિથ્યા હતું? સાચું સુખ હવે તારવવું ક્યાંથી? આપણે જે સુખ માણીએ છીએ તેને તો આવા લોકો મિથ્યા ગણાવે છે. જીવનનાં ૨૫ વર્ષ જે વિદ્યાર્થીએ અભ્યાસ કરી અને નોકરી મેળવી ત્યારે મહિનાના અંતે જે મૂડી હાથમાં આવી અને તે સમયે ઉત્પન્ન થતી આંખોની ચમક શું એ મિથ્યા છે? પ્રથમ પુત્ર કે પુત્રીને હાથમાં લઇને એક નજર ટગર ટગર જોયા કરવાનું સુખ મિથ્યા છે? માતા પિતાના ખોળામાં માથું મૂકીને ઘડી બે ઘડી આંખો મીંચાઈ એ સુખ શું મિથ્યા છે? પ્રથમ વખત કોઈ જરૂરિયાતને મદદ કરતી વખતે માનવતા અનુભવવી એ શું મિથ્યા છે.?

   પ્રવૃત્તિ સાથે પ્રયોજન અને પરિણામ સંકળાયા છે પણ આપણા નયન માત્ર ને માત્ર  પ્રયોજન અને પરિણામ પર હોય તો કર્મનાં આનંદની અનુભૂતિ ક્યાંથી રહેશે. આખા દિવસના કઠોર પરિશ્રમ અને તકલીફનો સામનો કર્યા પછી સાંજે મિત્રોને મળીએ અને જે મન હળવું કરવાનો એક નાનો અવસર મળ્યા પછી જે હળવાસ અનુભવી એ તે ધ્યાન કે એકાંતને માણવાથી એ નથી મળતી. મિત્રો સાથેની એક સાંજ તમામ તકલીફોનું નિરાકરણ છે. મિત્રો સાથે જે પ્રકારે મન ઉઘાડ પામતું હોય અને તેનો આનંદ જેવો હોય તે વર્ણવી ન શકાય. સમય સાથે શરીર અને સંબંધ બગડે, અમુક વસ્તુ માંથી મન પણ ઉઠે પરંતુ અંગત મિત્રનો સાથ અંત સમય સુધી મળે તો તમે પૃથ્વી પરના સૌથી નસીબદાર વ્યક્તિ છો તેવું માનવું રહ્યું. 

   આપણે સમજદાર પ્રાણીઓ હોવાથી માનવનું સંબોધન મળ્યું. માનવે બુદ્ધિનો ઉપયોગ કરી નીતનવા પ્રયોગો દ્વારાં એક જીવનશૈલી તૈયાર કરી. હવે એજ જીવનશૈલીને તે બદલવા લાગ્યો. પેલા ભૂખ પેટની હતી હવે મનની છે, પહેલા આનંદ વહેંચવામાં આવતો હતો હવે જુટવી લેવામાં આવે છે, પહેલાં નીતિ ખવડાવવાની હતી અત્યારે ખાઈ જવાની છે, હવે દેખાડો છે નર્યો દેખાડો. આપણે રક્ષક હતા હવે ભક્ષક છીએ. હવે આપણી પાસે ભલે હથિયાર નથી છતાં અપને ઉભા ઉભા મરાવી કે લડાવી નાખવાની તાકાત ધરાવીએ છીએ. જો આપણે અન્યને ખુશ જોઈ નથી શકતા તો આપણે ક્યારેય ખુશીની અનુભૂતિ ન કરી શકીએ. આપણી વૃતિ હવે એવી થઇ ગઈ છે કે સામે અમૃત પડ્યું હોય તો પણ આપણને ઝેર લાગે. પૃથ્વી પર સુખની ગંગાઓ વહે છે જો આપણને તેમાં ડૂબકી મારતા આવડે તો. આપણને સારામાં સારી જગ્યા એ લઈને જવામાં આવે કે મનગમતું આપી દેવામાં આવે છતાં આપણે અંદરથી ખુશ હોતાં નથી. કેટલીક ખુશીઓ આપણી અત્યંત નિકટ હોવા છતાં આપણે તેને ઓળખી કે અનુભવી શકતા નથી. તેનાં માટે સ્વયં ના મન ને સુધ્ધ કરવાની જરૂર છે. તમે વર્ષોથી જે સપનાં પાછળ ભાગતા હોવ અને અચાનક તે પ્રાપ્ત થાય છતાં તમે અંદરથી ખુશ ન હોવ તો માની લેવું કે તમે તમારા લાભ માટે કેટલાયનાં મનને તોડી ને વેરવિખેર કરી નાખ્યાં છે.


                                                                                               જૈમીન જોષી.  

    

No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...