- પ્રેમ કરનાર કરતાં પ્રેમ જતાવનાર વ્યક્તિની વધુ પ્રશંસા થતી હોય છે, ભલે તે પ્રેમનાં નામે જૂઠાણું કેમ ન પીરસતા હોય:-
બે પ્રકારના માણસોથી હંમેશા ચેતવું. એક જે પ્રેમ કરવામાં કુશળ છે અને બીજું જે પુષ્કળ પ્રેમકર્તા છે. આપણે ત્યાં પશ્ચિમનો પ્રભાવ એટલા હદ સુધી પ્રવેશી ગયો છે કે હવે આપણે દરેક સંબંધને ''ટેકન ફોર ગ્રાન્ટેડ'' લેતાં થઈ ગયા છે. એક સમય હતો જ્યારે માનવીને પ્રેમની અનુભૂતિ થતી હતી, અત્યારે માત્ર અભિવ્યક્તિ છે. અભિવ્યક્તિ આમ તો ખૂબ સરસ શબ્દ છે. વ્યક્તિ પહેલ વહેલ પ્રેમમાં પડે એટલે તેનામાં સૌથી વધુ જેની ઉણપ હોય તે અભિવ્યક્તિની જ હોય છે. પ્રેમ બતાવવો તે પણ આવડત છે. કોઈ વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ અપાવવો તે પણ એક હિમ્મતનું કામ છે અલબત્ત, આજની પેઢીમાં તે કુશળતા ઠાસી ઠાસીને ભરી છે. રાહદારીને પોતાનામાં વિશ્વાસ બેસાડી દે તેવી આજની પેઢીને અરીસો બતાવીએ તો પોતાનાથી કદરૂપું કોઈ ના જોવાય. શરીરમાં આયર્નની ઉણપ હોય તો ચલાવી લેવાય પણ પ્રેમમાં અભિવ્યક્તિની ગેરહાજરી તો ન જ ચલાવી લેવાય! પ્રેમ વ્યક્તિને વિકસાવે છે અને અભિવ્યક્તિ સંબંધને સલામતી પૂરા પાડે છે. બાળકનું પ્રેમ ક્યારેય શાબ્દિક નથી હોતો ન તો તેમના માતાપિતાનો હોય છે. તમે તમારા બાળકને ક્યારેય નહીં કહ્યું હોય કે તેને તમે કેટલો પ્રેમ કરો છો..? છતાં તમારું સંતાન તે જાણે છે, આવું કેમ? કેમ કે વ્યક્તિની વાણી કરતાં વર્તન વધુ મહત્વનું હોય છે. શબ્દોનો એક અલગ સાગર છે, પરંતુ વર્તન તેવું મીઠું ઝરણું છે જે હંમેશા ખળખળ અવાજ સાથે વહેતું રહે છે. શુદ્ધ, પવિત્ર...
શિક્ષણ અને પ્રેમ એ જીવનની મહત્વની કામગીરી અને જવાબદારી છે. વ્યક્તિની જાગૃતિ માટે શિક્ષણ અને પ્રેમ બંનેમાં સક્રિયતા નિતાંત આવશ્યક છે. સંબંધ બાંધવો જેટલો સરળ છે તેને જાળવી રાખવો કે નિભાવવો તેટલો જ કઠિન. કોઈ પણ સંબંધ સમર્પણ માગે છે, પરંતુ સમર્પણનો એક મહત્વનો નિયમ તે છે કે સમર્પણ કરવા માટે વ્યક્તિ સ્વયંને અર્પણ હોવો જોઈએ. જેનું પાત્ર ખાલી છે કે દાન ન કરી શકે, તેને ભિક્ષુક જ કહેવાય. તે જ પ્રમાણે વ્યક્તિની આંતરિક અજ્ઞાનતા તેને સમર્પણ સુધી પહોંચવા જ નથી દેતી. અંધશિક્ષણ માત્ર અનુકરણ કે નકલ કરતા જ શીખવે છે માટે આપણે જે જોઈએ છે તે જ શીખીએ છીએ, જે શીખીએ છીએ તે જ શીખવીએ છીએ માટે આપણે પ્રેમની અભિવ્યક્તિની જે પદ્ધતિ શીખ્યા તે જ પ્રમાણે વર્ત્યા. જેવો પ્રેમ જોયો તેવો જ પ્રેમ આપ્યો. હવે મૂળ સવાલ એ છે કે દરેકને આપણે પસંદ કેમ નથી પડતાં? વ્યક્તિ માત્ર પ્રેમને કે અન્ય વ્યક્તિના સાથને ઝંખે છે તો બીજી બાજુ દરેક વ્યક્તિ પ્રેમ આપવા માટે તત્પર જ હોય છે છતાં એકબીજાને વાંધા પડતાં હોય છે કેમ? કેમ કે દરેક માટે પ્રેમની અભિવ્યક્તિની પદ્ધતિમાં તફાવત હોય છે. એક બીજાને અનુકૂળ થવું એટલે શું? સામે વાળી વ્યક્તિ ઈચ્છે તે પ્રમાણે વર્તન કરવું. જે દરેક માટે અનુકૂળ ન હોય. પ્રેમ હવે સરકારી યોજના જેવો થઇ ગયો છે અને સંબંધ સાક્ષરતા અભિયાન જેવો.
આપણે કોઈ સરસ રોમેન્ટિક મુવી જોઈએ કે સરસ નવલકથા વાંચી હોય તો ક્યારેક એવી લાગણી ઉત્પન્ન થાય કે આપણે પણ આ પાત્રોમાંના એક હોત અથવા અંગત જીવનમાં આપણને પણ આવો પ્રેમ મળ્યો હોત તો કેવું સારું....!! પ્રેમનો અનુવાદ આમ તો મૂળથી અઘરો છે. કોઈ એક પાત્રને લઈને વ્યક્તિ માટે ઘડાયેલ પ્રેમની મૂર્તિ ક્યારે ચૂરેચૂરા થઈ જાય તે નક્કી ન કહેવાય. મૂર્તિ તૂટે તો વાંધો નહીં પરંતુ સાથે સાથે મન તૂટે તેને તો કેમનુ સાંખી લેવાય? જે ચહેરો આપણે સોનાનો ઝંખ્યો હોય તે તાંબાનો નીકળે તો પ્રેમની વ્યાખ્યા જ બદલાઇ જાય. ખરેખર આપણે વાસ્તવિક પ્રેમની અનુભૂતિ કરી જ નથી હોતી. વ્યક્તિપ્રેમ એ મૂર્તિપૂજા જેવું છે. આપણે ઈશ્વરની પ્રતિભાને ઈશ્વર સમજી પૂજીએ છીએ, ઈચ્છાઓ અને માંગણી પ્રદર્શિત કરીએ, રમાડીએ, ખવડાવીએ, કાલાવાલા કરીએ, આભૂષણોથી શણગાર કરીએ, સ્નાન કરાવી નવા વસ્ત્રો એ પહેરાવીએ પરંતુ જ્યારે પ્રતિભા ક્યારેય બોલતી નથી. તે તો તેની જગ્યાએથી સ્થિત જ હોય છે. પ્રેમમાં પણ આવું જ છે. આપણે વ્યક્તિને નવા વસ્ત્રો, આભૂષણો, કાલાવાલા કે વિચારવિમર્શનો કરીએ અને પછી આપણે ધારી લઈએ કે આપણે તેને પ્રેમ કરીએ છીએ કે સમર્પિત છે પણ પથ્થર એટલે પથ્થર..! વ્યક્તિના મન સુધી તો આ પહોચતું જ નથી. પ્રેમની અભિવ્યક્તિ બદલાઈ શકે છે અને તેમાં માધ્યમ જરૂરી હોય છે. અનુભૂતિમાં કોઈ બાહ્યક્રિયા હોતી નથી.
પ્રેમમાં છાની વેદના સાથે જીવવું પડે છે, સહન કરવું પડે છે, છોડવું પડે છે કે તરછોડાવવું એ પડે છે. સડસડાટ પસાર થતી કાર કાદવ ઉછાળે તો વાહન ચાલકને ડાઘો સુદ્ધાંએ પડતો નથી. અતિશય ઝડપથી આગળ વધનાર વ્યક્તિ ક્યારેય પ્રેમ કરી શકતો નથી. તેના માટે તો રોકાવું પડે સાથે, બેસવું પડે, કે સાથે ચાલવું પડે. આમ, બોલે બોલે પ્રેમ ના થાય. આપણે તેમની વ્યાખ્યાઓને સીમિત કરી દીધી છે. પ્રેમના પડીકા નથી આવતા કે તેને બધે વેચતાં એ ન ફરાય. પ્રેમ એ તો માતાના ઉદરમાં ઊછરતા બાળક જેવો છે, તે વિકસતો જવો જોઈએ. દુઃખના ચહેરા ન હોય પરંતુ દુઃખી કરનારના ચોક્કસ હોય. મોટાભાગે આ ચહેરાઓ જ પીડા આપતા હોય છે.
પ્રેમ કરનાર ચહેરાઓમાં એક ચહેરો પોતાનો હોય તો જીવન કદાચ વધુ રોમાંચિત લાગે. ક્યારેક પોતાને જ પ્રેમ કરવાની અનુભૂતિ થઈ હોય તો માની લેવું કે તમે અન્યને પ્રેમ કરવા યોગ્ય છો.
જૈમીન જોષી.
No comments:
Post a Comment