Friday, January 8, 2021

કેરળના મીરાં - કુરુર અમ્મા (Mira of Kerala - Kurur Amma)


 
kurur amma

 

   સન 1570 થી 1640, 16 મી સદીના મધ્ય ભાગમાં કેરળના ત્રિસુર જિલ્લાના નંબુદિરી કુટુંબ સાથે સંકળાયેલ એક કન્યા.જે  તેની સાંસ્કૃતિક સમજશક્તિ માટે પ્રખ્યાત હતી. તે કન્યાનું પ્રથમ નામ થથરી કુટ્ટી હતું. થથરી કુટ્ટીના લગ્ન કુરુર નંબુદિરી  (મલયાલી બ્રાહ્મણ જ્ઞાતિ) કુટુંબ સાથે થયા હતા. જે ત્રિસુર નજીકના આધાથુ ગામમાં છે. થથરી કુટ્ટી 16 વર્ષની નાની વયે વિધવા બની ગઈ. તેમનું કોઈ સંતાન નહોતું અને તે ગુરુવાયરપ્પનના(વિષ્ણુ ભગવાનનું એક સ્વરૂપ જે કેરળમાં પૂજાય છે) પ્રખર ભક્ત બની ગઈ હતી. તે કુરુર પરિવારની સૌથી વરિષ્ઠ સભ્ય હોવાના કારણે તે કુરુરામમા (કેરલના પ્રાદેશિક ઉચ્ચાર) તરીકે જાણીતી થઈ. તે કૃષ્ણ ભક્ત હતાં. તેમના કહેવા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ સિવાય દુનિયામાં તેમની પાસે કોઈ નથી. કૃષ્ણના તેમના નામના જાપને તેમને ભક્તિ (ભક્ત) ની ઉચ્ચતમ ડિગ્રી સુધી પહોંચાડ્યા. તેમણે માત્ર કૃષ્ણની આરાધના કરી. તેમણે સપનામાં તેને પ્રગટ થયેલા ભગવાન ગુરુવાયરપ્પનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું અને તેમને પૂછ્યું કે તે કયા વરદાનની ઇચ્છા રાખે છે? કુરુર અમ્માએ જવાબ આપ્યો કે તેની પાસે આ દુનિયામાં કોઈ નથી અને તેમનું કોઈ સંતાન પણ નથી માટે કૃષ્ણ તેનો પુત્ર બને અને તે યશોદાની જેમ તેમનો ત્યાગ ન કરે. કૃષ્ણ સામાન્ય સ્મિત સાથે સંમત થઈ ગયો અને એક અનાથ છોકરો તેની પાસે આવ્યો અને તેની સાથે રહેવા લાગ્યો. તે તેને ઉન્ની કહેતી હતી પરંતુ અમ્માને કદી સમજાયું નહીં કે તે કૃષ્ણ છે. તે જ્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતાં બોલાવતા કે ભજન કરતાં ત્યારે હરિ તેમની પાસે આવી વાતો કરતાં અને દર્શન દેતા. 

      कूजयन् वेणुम् श्यामलोड़यं कुमारकः । 
      वेदवेद्यं परंब्रह्म भासताम् पुरतो मम ॥                                                                                      (નારાયણ્યા હારાથી સ્તોત્રમ્) 
                                                  (સંકલ્પ મંત્ર)                                                         
 ''જેને સ્વયં પરબ્રહ્મ કહે છે એવો આ શામળીઓ બાળકુમાર એની બંસીના મધુર સૂર છેડતો મારી આગળ પ્રગટ થાઓ ! ' આ પ્રાર્થના બોલાતાં જ બાલકૃષ્ણ એના ખોળામાં આવી બેસી જતા''. 

   તેવી દંત કથા છે કે એકવાર એક ગરીબ બ્રાહ્મણ ભિક્ષા માંગતા માંગતા તેમના ઘરે પહોંચી ગયાં. તેને બહારથી બૂમ પાડી પણ ઘરમાં કોઈ પુરુષ હતો નહિ અને તે મર્યાદાવસ બહાર જઈ શકે તેમ ન હતાં તેથી કુરુર અમ્માએ કહ્યું : “ મહારાજ, ભોજન તૈયાર છે , પણ થાળી તમારે જાતે પીરસી લેવી પડશે. ભિક્ષુક બ્રાહ્મણ દુવિધામાં પડ્યા. પારકે ઘરે જાતે કેમનું પીરસીને ખાવું? ત્યાં તો થનગન કરતો એક બાળ કુમાર ક્યાંકથી આવી પહોંચ્યો. તેને બ્રાહ્મણને થાળી પીરસી. એ બાળકના મોં પર રમતું મધુર સ્મિત જોઈ બ્રાહ્મણની આંખો તેના મુખ પર જ ઠરી ગઈ. ભોજન ભૂલી એ ત્યાં જ બાળકના પગમાં લાંબો થઈ ગયો. બાળક અદ્રશ્ય થઈ ગયો. એ કૃષ્ણ સ્વયં હતા. તેવું પણ માનવમાં આવે છે કે તેમને એક બાળક દત્તક લીધું હતું જે કાયમ તેમની સાથે રહતો. બાળક અનાથ હતું એટલે તેમની સાથે વાતો કરતાં મસ્તી કરતાં તેને રમાડતા અને તે બાળક તેમનાં ઘરના કામ કાજમાં મદદ પણ કરતો. તે અન્ય કોઈ નહીં પણ સ્વયં કૃષ્ણ હતાં. 

  એક બીજી એ કથા છે કે એક યોગી રોજ ધ્યાનમાં બેસતા અને તે દરમિયાન કૃષ્ણ તેમના દર્શન કરતા. એક વખત એવું બન્યું કે યોગી મહારાજ ઘણા સમય સુધી ધ્યાન કરવા છતાં તેમને કૃષ્ણનાં દર્શન ના થયા. ઘણી વારે  જ્યારે એમને કૃષ્ણના દર્શન થયાં ત્યારે તેમણે કૃષ્ણને પૂછ્યું : “ હે પ્રભુ આજે દર્શન આપવામાં આટલું મોડું કેમ કર્યું ? ' ત્યારે કૃષ્ણએ કહ્યું : “ શું કરું ? કુરૂર અમ્મા છોડે તો તમારી પાસે આવું ને ? એમણે હમણાં જ મને છોડ્યો ! '
   
   તે સમયે કેરળમાં નારાયણ નામે એક મોટા સંત કવિ હતા. તેમણે મલયાલમ ભાષામાં ભાગવતના સાર રૂપ ''નારાયણીય'' નામે ભક્તિભાવથી ભરેલો સુંદર ગ્રંથ લખ્યો છે. આ ભક્તકવિ મરણપથારીએ હતા ત્યારે કુરુર અમ્મા એમની ખબર કાઢવા ગયાં. તેમને જોઈ ભક્તકવિ ખૂબ ખુશ થઈ ગયા અને કહેવા લાગ્યા અમ્મા ખૂબ સારું થયું તમે આવ્યાં, હવે હું ઘડી બેઘડીનો મહેમાન છું, હવે મારા અંત સમયમાં સાથે રહેજો અને મને વિદાય આપીને જજો ! ' કુરુર અમ્માએ કહ્યું : ' ના , મારે આજે જ પાછું જવાનું છે, પરંતુ ચિંતા ના કરશો તમારી છેલ્લી ઘડીએ હું અહીં હાજર હોઈશ.’ ભક્ત કવિ નારાયણે કહ્યું : ' હું એટલું નહિ જીવું ! ' ‘અમ્મા એ કહ્યું, હું પાછી આવું ત્યાં સુધી તમે જીવવાના જ છો. ' આમ કહી કુરુર અમ્મા ચાલી ગયાં. ત્રીજે દિવસે સવારે તેઓ પાછા આવ્યાં, ત્યારે પણ નારાયણ જીવતા હતાં. કુરુર અમ્માએ કહ્યું : “ નારાયણ, તમારો વિદાય આપવાનો વખત થયો. તૈયાર થાઓ ! નારાયણ નારાયણ જપો ! ' નારાયણે પ્રસન્ન ચિત્તે નારાયણ નારાયણનો જપ કરતા કરતા દેહ છોડ્યો.
 
   આમ, કુરુર અમ્મા એ મીરાંબાઈની જેમ જ સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવ્યું. કેરળમાં તેમના મંદિરો પણ છે અને મીરાંબાઈની જેમ તેમણે પણ ઇતિહાસમાં કૃષ્ણ ભક્ત તરીકે કાયમ માટે સ્થાન મેળવી લીધું.  

                                                                                                                                   જૈમીન જોષી. 


No comments:

Post a Comment

મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર, વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ(મકરસંકસંબંધી: (Mamkar Sankranti : Impact on controls, exchange and the importance of this chaptik)

  મકરસંક્રાંતિ: રાશિઓ પર અસર , વૈજ્ઞાનિક કારણો અને આધ્યાત્મિક મહત્વ:                    મકરસંક્રાંતિ એ માત્ર તહેવાર નથી , તે એક એવું સંક...