શિક્ષકને શણગારની જરૂર નથી..
જે માણસ આખી જિંદગી બીજાના
જીવનમાં પ્રકાશ ઉમેરતો રહ્યો હોય, તેના પોતાના
જીવનને દીવડાંથી શણગારવાની જરૂર નથી હોતી. શિક્ષક એવો જ
માણસ છે. તેના ખભા પર પડેલી ચોકની ધૂળ કદાચ કોઈને દેખાતી નથી, તેના અવાજમાં
છુપાયેલો થાક પણ કોઈ સાંભળતું નથી, પરંતુ તેના
એક વાક્યથી કોઈ વિદ્યાર્થીનું આખું જીવન બદલાઈ જાય છે. દુનિયા તેને એક દિવસ ફૂલોથી
વધાવે છે, જ્યારે શિક્ષક તો આખું વર્ષ
પોતાના અસ્તિત્વના ફૂલ બીજાના ભવિષ્ય માટે ખરચતો રહે છે એટલે જ મનમાં એક પ્રશ્ન
ઊઠે છે. શિક્ષકને
ખરેખર શણગારની જરૂર છે ખરી?
શિક્ષક દિવસ આવે છે એટલે શાળાઓમાં
તેની ઉજવણીનો માહોલ સર્જાય છે. મંચ તૈયાર થાય છે. ફૂલોની માળાઓ આવે છે.
વિદ્યાર્થીઓ ભાષણો કરે છે. શિક્ષકોને શુભેચ્છાઓ મળે છે. કોઈને સન્માનપત્ર મળે છે
તો કોઈના ગળામાં માળા પહેરાવવામાં આવે છે. આ બધું થવું જોઈએ. કારણ કે જે માણસ
સમાજના ભવિષ્યને ઘડે છે, તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત
કરવાની કોઈ તક નાની નથી. પરંતુ ઉજવણીની વચ્ચે એક ક્ષણ માટે જો આપણે શાંત થઈએ તો
કદાચ શિક્ષકની સાચી જરૂરિયાત સમજાય. તેને શણગાર નહીં, સમજણ જોઈએ છે; તાળીઓ નહીં, વિશ્વાસ જોઈએ
છે; એક દિવસનું સન્માન નહીં, આખા વર્ષનો
આદર જોઈએ છે.
શિક્ષકને ઓળખવો હોય તો તેની
ખુરશી ન જુઓ, તેની આસપાસ બેઠેલા બાળકો જુઓ.
તેની પાસે કેટલા પ્રમાણપત્રો છે તે ન જુઓ, વર્ષો પછી
કેટલા વિદ્યાર્થીઓ તેને યાદ કરે છે તે જુઓ. તેના નામ આગળ કેટલા હોદ્દા લખાયેલા છે
તે ન જુઓ, પરંતુ તેના કારણે કેટલાં બાળકો
પોતાના નામની આગળ કંઈક લખી શક્યાં છે તે જુઓ. કારણ કે શિક્ષકની સિદ્ધિ તેના પોતાના
જીવનમાં ઓછી અને તેના વિદ્યાર્થીઓના જીવનમાં વધારે લખાયેલી હોય છે.
શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકના
પાનાં પૂરાં કરવાનું કામ નથી. શિક્ષક જ્યારે વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે તેની
સામે અલગ અલગ ઘરોમાંથી આવેલા અનેક વિશ્વો બેઠાં હોય છે. કોઈ બાળકના ઘરમાં આર્થિક
મુશ્કેલી હશે, કોઈના મનમાં ભય હશે, કોઈને પોતાની
ક્ષમતામાં વિશ્વાસ નહીં હોય, કોઈ બહારથી શાંત હશે પણ અંદરથી
તૂટી રહ્યું હશે. પાઠ્યપુસ્તક આ બધું ક્યાં શીખવે છે? અહીં શિક્ષકનું સાચું શિક્ષણ
શરૂ થાય છે. તે ક્યારેક ગણિતના દાખલા કરતાં જીવનનો દાખલો સમજાવે છે અને ક્યારેક
ઇતિહાસના પાત્ર કરતાં પોતાના વર્તનથી ઇતિહાસ રચવાનું શીખવે છે.
સારો શિક્ષક બાળકને માત્ર ભણાવતો
નથી, બાળકને પોતાની જાત સાથે પરિચય
કરાવે છે. કોઈ
વિદ્યાર્થી વારંવાર નિષ્ફળ જાય ત્યારે આખી દુનિયા કદાચ તેના ગુણ જુએ છે, પણ શિક્ષક
તેની અંદર રહેલી સંભાવના જુએ છે. જ્યાં બીજા લોકો કહે “આ બાળકથી
નહીં થાય,” ત્યાં સાચો શિક્ષક કદાચ કહે છે “હજુ થયું
નથી.” આ બે વાક્યો વચ્ચે શિક્ષણનો આખો
તફાવત છુપાયેલો છે. શિક્ષક નિષ્ફળતાને અંત નહીં, પ્રક્રિયાનો
એક પડાવ માને છે. કદાચ એટલા માટે જ એક સારા શિક્ષકનો પ્રભાવ પરીક્ષાના પરિણામથી
ઘણો મોટો હોય છે.
કબીરે ગુરુનું સ્થાન સમજાવતાં કહ્યું હતું
કબીરની આ પંક્તિમાં ગુરુની
મહાનતા માત્ર એટલી નથી કે ગુરુ ભગવાન કરતાં મોટો છે. તેની અંદર એક વધુ ઊંડી વાત છે. ગુરુ પોતે
અંતિમ મંઝિલ નથી, તે મંઝિલ સુધી પહોંચવાનો માર્ગ
બતાવે છે. સાચો શિક્ષક પણ એવો જ હોય છે. તે વિદ્યાર્થીને આખી
જિંદગી પોતાની છાયામાં રાખવા માગતો નથી; તે તો એક
દિવસ એવો બનાવે છે કે વિદ્યાર્થી પોતાની છાયા ઊભી કરી શકે. પરંતુ આજના
સમયમાં શિક્ષકની ભૂમિકા સામે એક નવો પડકાર પણ ઊભો થયો છે. માહિતી મેળવવી હવે
મુશ્કેલ રહી નથી. એક મોબાઇલની સ્ક્રીન પર દુનિયાનું જ્ઞાન ઉપલબ્ધ છે. વિડિયો છે, વેબસાઇટ છે, ડિજિટલ
વર્ગખંડ છે અને હવે કૃત્રિમ બુદ્ધિ જેવી ટેક્નોલોજી પણ છે. તો પછી પ્રશ્ન થાય કે
આવતીકાલે શિક્ષકની જરૂર શું રહેશે?
જવાબ કદાચ જ્ઞાનમાં નહીં, માનવીય સ્પર્શમાં છુપાયેલો છે.
મશીન જવાબ આપી શકે છે, પરંતુ બાળકના
ચહેરા પરનો નિરાશાનો ભાવ વાંચી શકે છે? કોઈ
વિદ્યાર્થી સતત ચૂપ રહે છે ત્યારે તેની પાછળનું કારણ સમજી શકે છે? ભૂલ કરનાર
બાળકને બીજી તક આપવાનો નિર્ણય માત્ર માહિતીના આધારે થઈ શકે? શિક્ષકનું
સાચું મહત્ત્વ એ છે કે તે બાળકને માત્ર શું વિચારવું તે નથી શીખવતો, કેવી રીતે
વિચારવું અને માણસ તરીકે કેમ જીવવું તે શીખવે છે. આજની સૌથી
મોટી વિસંગતિ કદાચ એ છે કે આપણે શિક્ષક પાસે સતત શ્રેષ્ઠ પરિણામની અપેક્ષા રાખીએ
છીએ, પરંતુ તેને શ્રેષ્ઠ રીતે કામ
કરવા માટે જરૂરી વિશ્વાસ અને સ્વતંત્રતા આપવા તૈયાર નથી. શિક્ષકને ક્યારેક
અહેવાલોના ભાર નીચે દબાવી દઈએ છીએ, ક્યારેક
કાગળની કામગીરીમાં તેનો સમય લઈ લઈએ છીએ અને પછી અપેક્ષા રાખીએ છીએ કે તે
વર્ગખંડમાં સર્જનાત્મક બને. આપણે ભૂલી જઈએ છીએ કે જે શિક્ષકનો
સમય કાગળોમાં ખોવાઈ જાય છે, તેના
વિદ્યાર્થીઓનો સમય પણ શિક્ષણમાંથી ઓછો થાય છે. શિક્ષકનું
સન્માન કરવું હોય તો તેના ગળામાં માળા પહેરાવવી સારી વાત છે, પરંતુ તેના
વર્ગખંડમાં વિશ્વાસ મૂકવો વધુ મોટી વાત છે. તેને ભેટ આપવી સુંદર છે, પરંતુ તેને
પોતાના વિષયને પોતાની રીતે જીવંત કરવાની તક આપવી વધુ સુંદર છે. તેના માટે બે
મિનિટનું ભાષણ કરવું સહેલું છે, પરંતુ તેની મહેનતને રોજિંદા
વ્યવહારમાં માન્યતા આપવી એ સાચું સન્માન છે.
અને શિક્ષકના જીવનની સૌથી મોટી સુંદરતા એ છે કે તેની મહેનતનું ફળ ઘણી વાર તેના
જીવનકાળમાં સંપૂર્ણપણે તેની સામે આવતું જ નથી. એક શિક્ષક કોઈ બાળકને વાંચતા શીખવે
છે. વર્ષો પસાર થાય છે. એ બાળક મોટું થાય છે, કોઈ પદ પર
પહોંચે છે, પોતાનું ઘર બનાવે છે, સમાજમાં
સ્થાન મેળવે છે. કદાચ એક દિવસ રસ્તામાં શિક્ષકને મળે અને કહે “સર, તમે મને
ત્યારે જે કહ્યું હતું ને, એ વાત હું ક્યારેય ભૂલ્યો નથી.”
એ ક્ષણે શિક્ષક સમજી જાય છે કે તેની મહેનત વ્યર્થ ગઈ નહોતી.
શિક્ષકનું સાચું પ્રમાણપત્ર કાગળ પર નથી હોતું; તે કોઈ
ભૂતપૂર્વ વિદ્યાર્થીની યાદમાં જીવતું હોય છે.
માળી છોડને ઉછેરે છે અને પછી તે વૃક્ષની છાંયડીમાં બીજા લોકો બેસે છે. શિક્ષક
પણ એવો જ માળી છે. તે વિચારનું બીજ વાવે છે, સંસ્કારનું
પાણી આપે છે, ભૂલોને છાંટે છે, આત્મવિશ્વાસની
માટી ચડાવે છે અને પછી એક દિવસ વિદ્યાર્થી તેની સામે ઊભો રહે છે. તેના કરતાં
ઊંચો, તેના કરતાં વધુ સફળ અને પોતાના
પગ પર મજબૂત. ત્યારે સાચો શિક્ષક ખુશ થાય છે. કારણ કે તેને વિદ્યાર્થીએ પાછળ છોડી
દીધો હોય છે, પણ એ જ તો તેની જીત હોય છે.
શિક્ષકને શણગારવાની આપણી રીત
થોડી બદલવાની જરૂર છે. ફૂલ આપીએ, પણ સાથે સમય આપીએ. સન્માનપત્ર
આપીએ, પણ સાથે વિશ્વાસ આપીએ. તાળીઓ
પાડીએ, પણ સાથે તેની વાત સાંભળીએ.
શિક્ષક દિવસ ઉજવીએ, પણ શિક્ષકનું મહત્ત્વ માત્ર એક
દિવસ પૂરતું સીમિત ન કરીએ કારણ કે શિક્ષક કોઈ દિવસની ઉજવણી નથી. શિક્ષક તો સમાજની આવતીકાલની તૈયારી
છે. તેના
કપડાંમાં સાદગી હોય શકે, પરંતુ વિચારોમાં વૈભવ હોય છે.
તેના હાથમાં માત્ર ચોક હોય શકે, પરંતુ એ ચોકથી તે અનેક જીવનની
દિશા દોરી શકે છે. તેની પાસે કદાચ સોનાની કોઈ વસ્તુ ન હોય, પરંતુ તેની
પાસે એવો ખજાનો હોય છે જે વહેંચવાથી ઘટતો નથી. “જ્ઞાન, અનુભવ અને સંસ્કારનો
ખજાનો.”
એટલે શિક્ષકને શણગારની જરૂર નથી.
અને કદાચ શિક્ષક માટે સૌથી મોટું સન્માન એ દિવસે નહીં મળે, જ્યારે આખી
શાળા તેની માટે તાળીઓ પાડે છે; સૌથી મોટું સન્માન તો ત્યારે
મળે છે, જ્યારે વર્ષો પછી જીવનના કોઈ
અજાણ્યા વળાંકે તેનો વિદ્યાર્થી થોભીને કહે છે.
“સર, તમે ત્યારે
મારા પર વિશ્વાસ કર્યો હતો… અને એ
વિશ્વાસે મને મારી જાત પર વિશ્વાસ કરવાનું શીખવ્યું.”
એ એક વાક્યની સામે કોઈ માળા મોટી નથી, કોઈ મંચ મોટો
નથી, કોઈ સન્માનપત્ર મોટું નથી.
કારણ કે જે શિક્ષક કોઈના જીવનમાં પ્રકાશ બની ગયો હોય, તેને બહારથી
શણગારવાની નહીં, માત્ર અંદરથી નમવાની જરૂર હોય છે.
લેખક : જૈમિન જોષી.

No comments:
Post a Comment