Monday, June 29, 2026

પ્રગતિના નામે આપણે શું ગુમાવી રહ્યા છીએ?(What are we losing in the name of progress?)


વિકાસની દોડમાં ક્યાંક આપણે પોતાને જ પાછળ તો નથી મૂકી દીધા?

blog image



"પ્રગતિ ત્યારે જ સાચી કહેવાય, જ્યારે તે માત્ર જીવનનો ધોરણ નહીં, પરંતુ જીવનનો સ્તર પણ ઊંચો લાવે."

એક સમય હતો જ્યારે ગામના ચોકમાં બેઠેલા વૃદ્ધો માત્ર વાર્તાઓ જ નહોતા કહેતા; તેઓ પેઢીઓ વચ્ચે અનુભવનું સેતુ બાંધતા હતા. સાંજ પડતાં ઘરના આંગણામાં પરિવાર એકત્ર થતો. ભોજન માત્ર પેટ ભરવા માટે નહોતું, તે સંબંધોને પોષવાનો સમય હતો. બાળકનું શિક્ષણ માત્ર શાળામાં નહીં, પરંતુ ઘરના વાતાવરણમાં પણ થતું હતું. બાળકોનું ધ્યાન માત્ર ઘરના લોકો જ નહિ પણ બહાર શેરીમાં કે ફળિયામાં રહેતા લોકો પણ રાખતા. કૈક ખોટું થાય તો તરત રોકે ટોકે શિખામણ આપે અને સહારો પણ.

આજે ચિત્ર બદલાઈ ગયું છે. ઘર મોટા બન્યા છે, પણ વાતચીતના સમય નાના થઈ ગયા છે. મોબાઇલમાં હજારો સંપર્કો છે, છતાં મનની વાત સાંભળનાર થોડા લોકો જ છે. ટેક્નોલોજી આપણને દુનિયાની નજીક લઈ આવી છે, પરંતુ ઘણી વખત ઘરના લોકો વચ્ચેનું અંતર વધારી દીધું છે. પ્રશ્ન પ્રગતિનો નથી. પ્રશ્ન એ છે કે પ્રગતિના માર્ગે ચાલતાં ચાલતાં શું આપણે એવા અમૂલ્ય ખજાના પાછળ છોડી રહ્યા છીએ, જે પૈસાથી ફરી ક્યારેય ખરીદી શકાશે નહીં?

પ્રગતિ એટલે શું? આજે આપણે પ્રગતિને મોટા ભાગે ઊંચો પગાર, મોટી કાર, આધુનિક ઘર, નવી ટેક્નોલોજી, વિદેશી પ્રવાસ, સોશિયલ મીડિયામાં લોકપ્રિયતા સફળતા અને પ્રગતિની આજ વ્યાખ્યા બની ગઈ છે. આ બધું ખરાબ નથી. માનવજાતે વિજ્ઞાન, આરોગ્ય, સંચાર અને શિક્ષણમાં અદ્ભુત પ્રગતિ કરી છે. આજે એક બટન દબાવતા દુનિયાના કોઈપણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે વાત કરી શકાય છે. અનેક રોગોની સારવાર શક્ય બની છે. જ્ઞાન હવે પુસ્તકાલયની દિવાલોમાં બંધ નથી રહ્યું. ણ તો કોઈએ તેની મસમોટો ચાર્જ ચૂકવવો પડે છે પરંતુ એક સવાલ હજુ પણ જીવંત છે. જો બધું મળતું જાય છે, તો અંદરનો ખાલીપો કેમ વધે છે? કદાચ કારણ એ છે કે આપણે સાધનોનો વિકાસ કર્યો છે, પરંતુ સંબંધો, સંસ્કાર અને સંવેદનાઓને એટલી જ કાળજીથી વિકસાવ્યાં નથી જેટલી કાળજીથી વિકસાવવા જોઈએ. સબંધોમાં રહેલી ઉષ્મા હવે ખોવાઈ રહી છે. પ્રેમમાં કપટ પ્રવેશી ચુક્યું છે. આજે ઘણા ઘરોમાં ચાર લોકો એક જ રૂમમાં બેઠા હોય છે, પરંતુ દરેક પોતાની અલગ સ્ક્રીનમાં વ્યસ્ત હોય છે. સાથે બેસવાની પરંપરા છે, પરંતુ સાથે જીવવાની કળા ઓછી થતી જાય છે. વાતચીત ઘટી છે. સાંભળવાની ક્ષમતા ઘટી છે. સમજવાની ઈચ્છા પણ ક્યારેક ઘટી ગઈ છે. સંબંધોનો આધાર હવે સમય કરતાં વધુ "ઓનલાઈન હાજરી" પર દેખાવા લાગ્યો છે, પરંતુ કોઈ પણ સંબંધ "સીન" અથવા "લાઇક" થી જીવતો નથી. તે જીવતો રહે છે સમયથી, વિશ્વાસથી, ધીરજથી અને નિઃસ્વાર્થ હાજરીથી. માહિતી વધી છે, જ્ઞાન નહીં આજે કોઈપણ પ્રશ્નનો જવાબ સેકન્ડોમાં મળી જાય છે પરંતુ જીવન જીવવાના પ્રશ્નોના જવાબ હજુ પણ શોધવા પડે છે. અમે બધું જાણીએ છીએ પણ પોતાને કેટલું ઓળખીએ છીએ? માહિતી આપણને બુદ્ધિશાળી બનાવી શકે પરંતુ અનુભવ જ આપણને સમજદાર બનાવે છે અને સમજદારી કોઈ એપ ડાઉનલોડ કરીને મળતી નથી. ન તો વારસાઈમાં મળે છે. તેને કેળવવી પડે છે. સફળતા વધી તો, શાંતિ કેમ ઘટી?એક વિચિત્ર વિરોધાભાસ છે ને? આવક વધી છે. સુવિધાઓ વધી છે. સગવડો વધી છે પણ નિંદ્રા ઘટી છે. ધીરજ ઘટી છે. સંતોષ ઘટ્યો છે. આપણું જીવન જાણે સતત દોડમાં છે પણ ઘણીવાર આપણે અટકીને પૂછવાનું ભૂલી જઈએ છીએ હું દોડી ક્યાં રહ્યો છું? બાળકોને આપણે શું આપી રહ્યા છીએ? આજનું બાળક સ્માર્ટફોન ચલાવવાનું વહેલું શીખી જાય છે પરંતુ દાદા-દાદીની વાર્તાઓ સાંભળવાનો સમય ઓછો મળે છે અમે તેને અંગ્રેજી શીખવીએ છીએ. કમ્પ્યુટર શીખવીએ છીએ. સ્પર્ધા શીખવીએ છીએ પણ શું આપણે તેને નિષ્ફળતા સ્વીકારવી? બીજાની લાગણી સમજવી? વડીલોનો આદર કરવો? પ્રકૃતિ સાથે જીવવું? સાચું બોલવું, જ્યારે તે મુશ્કેલ હોય ત્યારે પણ? આ બધું શીખવીએ છીએ. શિક્ષણનો હેતુ માત્ર કમાણી નથી. સારો માણસ બનાવવો પણ છે.

સમય બચાવ્યો... પરંતુ સમય ક્યાં ગયો? સવાલ થાય છે કોઈ દિવસ? ટેક્નોલોજીએ આપણો ઘણો સમય બચાવ્યો છે. બિલ ભરવામાં મિનિટો લાગે છે. ખરીદી ઘરે બેઠા થઈ જાય છે. માહિતી તરત મળી જાય છે પણ બચેલો સમય આપણે ક્યાં વાપરીએ છીએ? પરિવાર સાથે? વાંચનમાં? પ્રકૃતિમાં અથવા ફરી બીજી સ્ક્રીન સામે? સમસ્યા ટેક્નોલોજીમાં નથી. સમસ્યા તેના ઉપયોગની દિશામાં છે. પ્રકૃતિથી દૂર થતું જીવન, કોંક્રિટના જંગલો વધી રહ્યા છે. વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે. બાળકોને વરસાદમાં ભીંજાવાનો આનંદ ઓછો અનુભવાય છે. ચાંદને જોવાને બદલે સ્ક્રીનની ચમક વધુ ઓળખાય છે. પ્રગતિ જો પ્રકૃતિને નુકસાન પહોંચાડીને થાય, તો તેની કિંમત આવતી પેઢી ચૂકવે છે.

મૂલ્યોનું ધીમે ધીમે ક્ષરણ થઇ રહ્યું છે. આજે સફળતાની વ્યાખ્યા ઘણી વખત સંપત્તિથી નક્કી થાય છે પરંતુ સમાજનું સાચું બળ સંપત્તિથી નહીં, મૂલ્યોથી ઊભું રહે છે. સત્ય, પ્રામાણિકતા, વિશ્વાસ, કરુણા, સહાનુભૂતિ. આ મૂલ્યો વગરનો વિકાસ બહારથી ચમકે છે, અંદરથી ખોખલો રહે છે.

તો શું પ્રગતિ ખોટી છે? ના, બિલકુલ નહીં. પ્રગતિ માનવજાતની સૌથી મોટી શક્તિઓમાંની એક છે. પ્રશ્ન પ્રગતિનો નથી. પ્રશ્ન સંતુલનનો છે. ટેક્નોલોજી આપણા હાથમાં હોવી જોઈએ. આપણું મન તેના હાથમાં નહીં. પૈસા આપણા જીવનને સરળ બનાવે પરંતુ જીવનનો અર્થ નક્કી ન કરે. વિકાસ આપણને ઊંચા લઈ જાય પણ મૂળથી દૂર ન લઈ જાય.

સાચી પ્રગતિ કેવી હોવી જોઈએ? સાચી પ્રગતિ એ છે. જ્યાં વિજ્ઞાન હોય, પરંતુ વિવેક પણ હોય. જ્યાં ઝડપ હોય, પરંતુ ધીરજ પણ હોય. જ્યાં સંપત્તિ હોય, પરંતુ સંતોષ પણ હોય. જ્યાં સ્પર્ધા હોય, પરંતુ સહકાર પણ હોય. જ્યાં સફળતા હોય, પરંતુ સંસ્કાર પણ હોય અને સૌથી મહત્વનું જ્યાં માણસ પાસે બધું હોય, છતાં માણસાઈ હોય. નૈતિકતાના મુલ્યો ગળથુથીમાંથી મળતા હોય છે.

કદાચ ઇતિહાસ આપણને યાદ નહીં રાખે કે આપણા હાથમાં કયો મોબાઇલ હતો, કઈ કાર હતી અથવા કેટલો પગાર હતો પરંતુ આપણે કોઈના જીવનમાં કેટલો વિશ્વાસ ઉમેર્યો, કેટલો પ્રેમ વહેંચ્યો, કેટલી કરુણા બતાવી, અને કેટલા મૂલ્યો જીવ્યા તે ચોક્કસ યાદ રાખશે. પ્રગતિની દોડમાં આગળ વધવું જરૂરી છે પરંતુ ક્યારેક પાછળ વળી જોવું પણ એટલું જ જરૂરી છે.એ ખાતરી કરવા માટે કે આપણે રસ્તામાં આપણી માનવતા, સંબંધો, સંસ્કૃતિ અને સંસ્કારો પાછળ તો નથી છોડી દીધા કારણ કે જે પ્રગતિ માણસને વધુ સક્ષમ બનાવે, પણ ઓછો માનવી બનાવે તેને વિકાસ નહીં, માત્ર પરિવર્તન કહી શકાય.

જો આવતીકાલે તમારી પાસે દુનિયાની તમામ સુવિધાઓ હોય, પરંતુ સાથે બેસીને હસતો પરિવાર, નિઃસ્વાર્થ મિત્ર, શાંતિથી ઊંઘતી રાત અને સંતોષથી ભરેલું મન ન હોયતો શું તમે ખરેખર પ્રગતિ કરી છે? એક સવાલ જાતને પૂછો.....

 

લેખક: જૈમિન જોષી.

 

Sunday, June 28, 2026

“રાત્રે 2 વાગ્યા પછી મન અલગ કેમ વિચારે છે? ("Does the mind think differently after 2 nights?")

 

રાત્રે 2 વાગ્યા પછી મન અલગ કેમ વિચારે છે?

 
overthinking image


રાત્રે 2 વાગ્યા પછી દુનિયા બદલાતી નથી
પણ માણસનું મન બદલાઈ જાય છે.

દિવસ દરમિયાન જે વિચારો સામાન્ય લાગે છે, એ જ વિચારો રાત્રિના બે વાગ્યા પછી અચાનક ભારે લાગવા લાગે છે. દિવસમાં જેને આપણે હસીને ભૂલી જઈએ છીએ, એ જ યાદો અંધકાર વચ્ચે અચાનક દિલને ચીરી નાખે છે. કેટલાક લોકો માટે રાત્રિના બે વાગ્યા પછીનું મૌન ખૂબ સુંદર હોય છે, તો કેટલાક માટે એ સમય સૌથી ભયંકર હોય છે. કારણ કે આ સમય એવો છે જ્યારે આખી દુનિયા સૂઈ જાય છેપરંતુ મન જાગી જાય છે.

કદાચ તમે પણ ક્યારેય અનુભવ્યું હશે આખો દિવસ વ્યસ્ત રહ્યા પછી જ્યારે રાત્રે બેડ પર પડો, મોબાઇલની સ્ક્રીન ધીમે ધીમે બંધ થાય, રૂમમાં શાંતિ છવાઈ જાય, અને ઘડિયાળમાં બે વાગેત્યારે અચાનક અંદરથી અજાણ્યા વિચારો ઊઠવા લાગે. જૂના લોકો યાદ આવે. ભૂલો યાદ આવે. ભવિષ્યનો ડર શરૂ થાય. પોતાને લઈને પ્રશ્નો ઊભા થાય અને ક્યારેક તો એવું લાગે કે આખી દુનિયામાં આપણે એકલા જ છીએ.

પરંતુ પ્રશ્ન એ છે કે આવું થાય કેમ?

કારણ કે દિવસ દરમિયાન માણસનું મન સતત વ્યસ્ત રહે છે. અવાજો, લોકો, કામ, સોશિયલ મીડિયા, જવાબદારીઓ, વાતો આ બધું મનને એક પ્રકારનું ડીસત્રેક્સનઆપે છે. માણસ આખો દિવસ પોતાનાથી ભાગતો રહે છે અને તેને ખબર પણ પડતી નથી. પરંતુ રાત્રેખાસ કરીને બે વાગ્યા પછીબહારનો અવાજ ધીમો પડી જાય છે અને જ્યારે બહાર શાંતિ થાય છે, ત્યારે અંદરનો અવાજ સંભળાવવા લાગે છે.

રાત્રિનું મૌન ખરેખર મૌન નથી હોતું. એ આપણા મનનો અરીસો હોય છે.

દિવસ દરમિયાન આપણે જે લાગણીઓ દબાવી રાખીએ છીએ, જે પ્રશ્નોને અવગણીએ છીએ, જે દુઃખને હવે નહીંકહીને અંદર ધકેલી દઈએ છીએ એ બધું રાત્રે પાછું બહાર આવે છે. કારણ કે મન ક્યારેય કંઈ સંપૂર્ણ ભૂલતું નથી. માણસ લોકો સામે મજબૂત દેખાઈ શકે છે, હસતો રહી શકે છે, વ્યસ્ત રહી શકે છેપરંતુ અંદરનું મન દરેક ઘા સાચવી રાખે છે અને રાત્રિના બે વાગ્યા પછી એ ઘાઓ બોલવા લાગે છે.

વિજ્ઞાન પણ કહે છે કે રાત્રે મોડા સમયે માણસનું મગજ અલગ રીતે કામ કરે છે. દિવસના થાક પછી મગજની ઈમોસનલ પ્રોસેસ વધારે સક્રિય થઈ જાય છે. એટલે લાગણીઓ વધારે ઊંડી લાગે છે. પરિણામે ઓવર થીકિંગ વધી જાય છે. નાનકડા પ્રશ્નો પણ વિશાળ લાગવા લાગે છે, પરંતુ આ માત્ર વૈજ્ઞાનિક બાબત નથી. આ એક આધ્યાત્મિક સત્ય પણ છે કારણ કે રાત્રિ માણસને દુનિયાથી નહીં, પોતાના મનથી મેળાપ કરાવે  છે.

દિવસ દરમિયાન આપણે ઘણા ચહેરા પહેરીએ છીએ. પરિવાર માટે અલગ, મિત્રો માટે અલગ, સમાજ માટે અલગ. પરંતુ રાત્રે બે વાગ્યા પછી જ્યારે કોઈ નથી હોતું, ત્યારે માણસ પોતાના સાચા સ્વરૂપ સાથે એકલો રહી જાય છે અને કદાચ એ જ સૌથી મુશ્કેલ મુલાકાત હોય છે.

ઘણા લોકો રાત્રે ખુશ કેમ નથી રહી શકતા?

કારણ કે માણસ બહારની દુનિયામાં જેટલો સફળ બન્યો છે, અંદરથી એટલો ખાલી બનતો ગયો છે. લોકો પાસે હજારો ફોલોવર્સ હોય છે, પરંતુ વાત કરવા માટે એક સાચો માણસ કે મિત્ર નથી. લોકો આખો દિવસ ઓનલાઈનરહે છે,  છતાં અંદરથી એકલા રહે છે અને રાત્રિ એ એકલતાને વધારે સ્પષ્ટ બનાવી દે છે.

રાત્રિના બે વાગ્યા પછી માણસને સૌથી વધારે પોતાના અધૂરાપણાનો અહેસાસ થાય છે.

અધૂરા સંબંધો, અધૂરા સપના, અધૂરા શબ્દો, અધૂરા લોકો.

કેટલાક લોકો માટે આ સમય યાદોનો દરિયો બની જાય છે. જૂના મેસેજ વાંચવાનું મન થાય. કોઈની પ્રોફાઈલ જોવાની ઈચ્છા થાય. વર્ષો જૂની વાતો ફરી જીવંત થઈ જાય કારણ કે રાત્રે મન લોજીક થી નહીં, લાગણીઓથી વિચારે છે. વાસ્તવિકતાથી પર એક દુનિયા છે જે આનંદ કરતા પીડા વધારે આપે છે. અને આ જ કારણ છે કે રાત્રિના નિર્ણયો ઘણીવાર જોખમી હોય છે કારણ કે આ સમયે માણસ હકીકત કરતાં પોતાની લાગણીઓમાં વધારે જીવતો હોય છે પરંતુ અહીં એક ખૂબ ઊંડો સત્ય છુપાયેલો છે.

રાત્રિના બે વાગ્યા પછીનું મન ખરાબ નથી હોતું હોય છે.

દિવસ દરમિયાન માણસ દુનિયાને જે બતાવે છે, તે ઘણીવાર બનાવટી હોય છે પરંતુ રાત્રે જ્યારે કોઈ દેખાડો નથી રહેતો, ત્યારે મન પોતાના અસલી પ્રશ્નો સામે ઊભું રહે છે. શું હું ખરેખર ખુશ છું?” “શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું?” “શું હું જેને ગુમાવ્યો છે, તેને હજુ ભૂલી શક્યો નથી?” હું જે બનવા માંગતો હતો તે ક્યારે બનીશ કે બની શકીશ કે નહિ? મારા પરિવારને કઈ રીતે ખુશ રાખી શકીશ? પૈસાની ઘણી ખેચ છે હવે શું થશે? આવા પ્રશ્નો દિવસમાં નથી આવતા કારણ કે દિવસ માણસને વ્યસ્ત રાખે છે. રાત્રિ માણસને વાસ્તવિકતા તરફ ધકેલી દેતી હોય છે. સળગતા સવાલો હમેશા તેની હાજરી પુરાવી જ જતા હોય છે.

કેટલાક લોકો માટે આ સમય સર્જનાત્મકતાનો પણ હોય છે. કવિઓ, લેખકો, સંગીતકારો, વિચારકો ઘણા મહાન સર્જનો રાત્રિના મૌનમાં જન્મ્યા છે. કારણ કે જ્યારે બહારની દુનિયા શાંત થાય છે, ત્યારે અંદરનો અવાજ વધુ સ્પષ્ટ બને છે. કદાચ એ માટે જ ઘણા લોકો કહે છે કે રાત્રે આત્મા વધારે બોલે છે. પરંતુ દરેક રાત્રિ સુંદર નથી હોતી. કેટલાક લોકો માટે બે વાગ્યાનો સમય યુદ્ધ જેવો હોય છે. માત્ર બે જ કેમ ૧૨ વાગ્યા પછીનો એકાંત માણસને ખાઈ જાય છે. સતત નકારાત્મક વિચાર જીવનને ખોરવી નાખે છે. જાણે બધું જ સુન્ન થઇ ગયું હોય તેમ. મનમાં ચાલતું એવું યુદ્ધ જે કોઈને દેખાતું નથી. બહારથી બધું સામાન્ય લાગે છે પરંતુ અંદર વિચારોનો તોફાન ચાલતો હોય છે. માણસ ઊંઘવા માંગે છે, પણ મન બંધ થતું નથી. આંખો થાકી જાય છે, પણ વિચારો જાગતા રહે છે. એક જ ઘટના વારંવાર યાદ આવે. ભવિષ્યના ભય, ભૂતકાળની પીડા અને વર્તમાનની ખાલીપો, ત્રણેય મળીને મનને થકવી નાખે છે અને સૌથી દુઃખદ વાત એ છે કે દુનિયા ઘણીવાર આવા યુદ્ધોને ઓવર થીંકીંગકહીને હળવાશથી લઈ લે છે, પરંતુ દરેક ઓવર થીંકીંગ પાછળ કોઈ ન કોઈ અધૂરી લાગણી છુપાયેલી હોય છે. કોઈએ પ્રેમ ગુમાવ્યો હોય છે. કોઈ પોતાને ગુમાવી ચૂક્યો હોય છે. કોઈ દુનિયા સામે હસે છે, પરંતુ અંદરથી સંપૂર્ણ તૂટી ગયો હોય છે. રાત્રિ એ બધું બહાર લાવે છે પરંતુ કદાચ રાત્રિનો હેતુ માણસને તોડવાનો નથી. કદાચ રાત્રિ માણસને પોતાને સમજાવવા આવે છે કારણ કે માણસ જ્યારે સંપૂર્ણ એકલો હોય છે, ત્યારે જ તે પોતાના અંદરના અવાજને સાંભળી શકે છે. દિવસ દરમિયાન દુનિયા જે પ્રશ્નો દબાવી દે છે, રાત્રિ એ પ્રશ્નોને ફરી જીવંત કરે છે અને કદાચ વિકાસ ત્યાંથી જ શરૂ થાય છે કારણ કે જે માણસ પોતાના મનના અંધકારને જોઈ શકે છે, એ જ સાચા પ્રકાશની કિંમત સમજી શકે છે.

રાત્રિના બે વાગ્યા પછી મન અલગ વિચારે છેકારણ કે એ સમયે માણસ દુનિયાની વચ્ચે નથી હોતો. એ પોતાની અંદર હોય છે અને માણસ માટે પોતાની અંદર જવું હંમેશા સૌથી લાંબી, સૌથી ગહન અને સૌથી મુશ્કેલ યાત્રા રહી છે.

રાત્રે 2 વાગ્યા પછી દુનિયા પહેલા જેવી જ રહે છે. રસ્તાઓ એ જ હોય છે, ઘડિયાળ એ જ રીતે ચાલતી રહે છે, દિવાલો એ જ રહે છે, રૂમ પણ એ જ રહે છે. બદલાય છે તો માત્ર માણસનું મન. દિવસ દરમિયાન જે વિચારો સામાન્ય લાગે છે, એ જ વિચારો રાત્રિના બે વાગ્યા પછી અચાનક અસહ્ય ભારે લાગવા લાગે છે. જે યાદો દિવસમાં માત્ર એક ક્ષણ માટે આવે છે, એ જ યાદો રાત્રે આખા અસ્તિત્વને ઘેરી લે છે. અને કદાચ એ માટે જ ઘણા લોકો કહે છે કે રાત્રે મન અલગ રીતે વિચારે છે.

પરંતુ શું આ માત્ર લાગણી છે? કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક સત્ય પણ છે?

હકીકતમાં, રાત્રિના બે વાગ્યા પછી મનમાં થતો બદલાવ માત્ર કવિતાઓ કે લાગણીઓનો વિષય નથી. તેની પાછળ માનવ મગજ, હોર્મોન્સ, એકલતા, થાક અને ચેતનાની ગહન પ્રક્રિયાઓ કામ કરતી હોય છે. માણસનું મન દિવસ અને રાત્રે એકસરખું કાર્ય કરતું નથી. આપણા શરીરમાં એક Biological Clock હોય છે, જેને વિજ્ઞાનની ભાષામાં Circadian Rhythm કહેવામાં આવે છે. આ આંતરિક ઘડિયાળ નક્કી કરે છે કે ક્યારે શરીર સક્રિય રહેશે, ક્યારે થાકશે, ક્યારે હોર્મોન્સ બદલાશે અને ક્યારે મન વધારે સંવેદનશીલ બનશે.

રાત્રિના લગભગ બે વાગ્યાનો સમય એવો હોય છે જ્યારે શરીર સૌથી વધુ થાકેલી સ્થિતિમાં હોય છે. મગજનો Prefrontal Cortex  જે ભાગ Logic, Decision Making અને Rational Thinking માટે જવાબદાર છે  તેની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. બીજી તરફ, Amygdala નામનો ભાગ, જે ભય, ઈમોસન અને ઈમોસનલ રીયેક્શન સાથે જોડાયેલો છે, તે વધુ સક્રિય બની જાય છે. પરિણામે માણસ તર્ક કરતાં લાગણીઓથી વધારે વિચારવા લાગે છે એટલે જ દિવસ દરમિયાન જે સમસ્યા નાની લાગતી હતી, એ જ સમસ્યા રાત્રે અચાનક જીવનની સૌથી મોટી મુશ્કેલી જેવી લાગવા લાગે છે. વિજ્ઞાનીઓ કહે છે કે ઊંઘની અછત માણસના ઈમોસનલ કંટ્રોલને કમજોર બનાવી દે છે. જ્યારે શરીર થાકી જાય છે, ત્યારે મગજ નકારાત્મક વિચારોને વધારે ગંભીરતાથી લેવાનું શરૂ કરે છે. એટલે જ રાત્રે ઓવર થીંકીંગ વધી જાય છે.

રાત્રિનું અંધકાર બહાર ઓછું અને અંદર વધારે હોય છે. અને કદાચ જીવનની સૌથી ગહન યાત્રા એ જ છે જ્યારે માણસ આખી દુનિયાની વચ્ચે નહીં, પરંતુ પોતાના મનની અંદર ઉતરવા લાગે છે. પોતાના વિચારો ઉપર ગહન વિચાર કરો અને જ્યાં ત્રુટીઓ જોવાય ત્યાં કામ શરુ કરો તો ધીમે ધીમે નકારાત્મક વિચારો હકારાત્મકતામાં પરિવર્તિત થઇ જશે.


લેખક: જૈમિન જોષી.

“પનીર વિવાદ: સ્વાદની પાછળ છુપાયેલો સવાલ”(“Paneer Controversy: The Question Hidden Behind the Taste”)

  પનીરના નામે થાળીમાં શું આવી રહ્યું છે ? ‘Analogue Paneer’ નો વિવાદ , તેની અંદરની હકીકત અને ગ્રાહકના સ્વાસ્થ્યનો સવાલ   રેસ્ટોરાંમાં ...