પનીરના
નામે થાળીમાં શું આવી રહ્યું છે?
‘Analogue Paneer’નો વિવાદ, તેની અંદરની
હકીકત અને ગ્રાહકના સ્વાસ્થ્યનો સવાલ
રેસ્ટોરાંમાં બેસીને જ્યારે આપણે ગરમાગરમ પનીર ટિક્કા, કઢાઈ પનીર કે પનીર બટર
મસાલાનો ઓર્ડર આપીએ છીએ, ત્યારે આપણા મનમાં એક સરળ
વિશ્વાસ હોય છે કે આ પનીર
દૂધમાંથી બન્યું હશે પણ જો થાળીમાં દેખાતું એ સફેદ, નરમ અને પનીર
જેવું લાગતું ઉત્પાદન ખરેખર દૂધનું પનીર જ ન હોય તો?
આ સવાલ અત્યારે માત્ર રસોડાનો કે રેસ્ટોરાંનો નથી રહ્યો. તે ખાદ્ય સુરક્ષા, ગ્રાહકના
અધિકાર, વેપારની પારદર્શિતા અને આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન બની ગયો છે.
છેલ્લા કેટલાક મહિનામાં ‘Analogue Paneer’ અને ‘Cheese
Analogue’ ને લઈને
દેશભરમાં ચર્ચા તેજ બની છે. એપ્રિલ 2026માં FSSAIના પશ્ચિમ
ક્ષેત્રે ખાસ જાહેરનામું બહાર પાડીને ચેતવણી આપી હતી કે “ચીઝ એનાલોગ” નો ઉપયોગ
કરીને તેને મેનુમાં પનીર આધારિત વાનગી તરીકે દર્શાવવું કાયદાકીય ઉલ્લંઘન છે અને
હવે ગુજરાતમાં પણ એનાલોગ પનીર (analogue
paneer), ચીઝ અને પનીર સામે કડક
કાર્યવાહીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર ગુજરાત
સરકારે આવા non-dairy analogue ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણ
સામે પ્રતિબંધની જાહેરાત કરી છે. પરંતુ સવાલ એ છે આ analogue
paneer છે શું?
તેમાં એવું શું હોય છે કે જેને લઈને આટલી ચર્ચા ઊભી થઈ છે? અને શું દરેક
‘analogue’ એટલે ઝેર?
જવાબ થોડો વધુ સમજદારીપૂર્વક સમજવો પડશે.
પનીર અને ‘એનાલોગ પનીર (Analogue
Paneer)’ વચ્ચેનો મૂળ
તફાવત
પરંપરાગત પનીરનું મૂળ દૂધ છે. દૂધના પ્રોટીન અને ચરબી જેવા ઘટકોને નિયંત્રિત પ્રક્રિયા દ્વારા જમાડીને અને પાણી અલગ કરીને પનીર તૈયાર થાય છે. એટલે પનીરની ઓળખ તેના દૂધ આધારિત સ્વરૂપથી થાય છે પરંતુ ‘Dairy Analogue’ એવી વસ્તુ છે જે દૂધની વસ્તુ જેવી દેખાય, તેનો સ્વાદ કે ટેક્સચર મળતું આવે અથવા રસોઈમાં તેના જેવી કામગીરી કરે, પરંતુ તેમાં દૂધના કેટલાક મુખ્ય ઘટકોને non-milk ingredients થી બદલવામાં આવ્યા હોય.
FSSAIના પોતાના પ્રકાશનમાં vegetable oil/fat અને vegetable protein જેવા non-milk ingredients વડે દૂધના ઘટકોને બદલવાથી બનતા આવા look-alike productsને dairy analogues તરીકે સમજાવવામાં આવ્યા છે એટલે ‘analogue’ શબ્દનો અર્થ આપમેળે ‘ઝેરી’ એવો નથી.
આ વાત સમજવી ખૂબ જરૂરી છે.
મુખ્ય સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે analogue ઉત્પાદનને
ગ્રાહકને જાણ કર્યા વગર અસલી દૂધનું પનીર કે પનીર આધારિત વાનગી તરીકે વેચવામાં
આવે.
Analogue paneer અથવા cheese
analogue નું ચોક્કસ ફોર્મુલેસન ઉત્પાદક પ્રમાણે બદલાઈ શકે છે. એક જ ફોર્મ્યુલા દરેક
જગ્યાએ હોય એવું નથી પરંતુ આવા ઉત્પાદનોમાં દૂધની ચરબી અને દૂધના અન્ય ઘટકોના
સ્થાને સામાન્ય રીતે વનસ્પતિ ચરબી/તેલ, વનસ્પતિ
પ્રોટીન, સ્ટાર્ચ, પાણી, મીઠું અને
ટેક્સચર તથા સ્થિરતા જાળવવા માટે મંજૂર food additives જેવા ઘટકોનો
ઉપયોગ થઈ શકે છે.
આ ઘટકોને એકસાથે ગરમી, મિશ્રણ અને emulsification
જેવી food-processing પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં
આવે છે, જેથી અંતિમ ઉત્પાદન દેખાવ, કઠિનતા, કાપવાની
ક્ષમતા અને રસોઈ દરમિયાનનું વર્તન પરંપરાગત પનીર કે ચીઝની નજીક આવી શકે.
અહીં એક મહત્વની બાબત છે:
“કેમિકલ” શબ્દ
સાંભળતાં જ તેને “ઝેર” માનવું
વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી.
મીઠું પણ રાસાયણિક પદાર્થ છે, પાણી પણ રાસાયણિક સંયોજન છે અને ખાદ્ય ઉદ્યોગમાં વપરાતા ઘણા "મિશ્રણ" ચોક્કસ મર્યાદામાં મંજૂર હોય છે. પ્રશ્ન એ છે કે કયો ઘટક, કેટલી માત્રામાં, કયા હેતુથી અને કયા નિયમો હેઠળ વપરાયો છે.
પરંપરાગત પનીરમાં દૂધ કેન્દ્રમાં હોય છે. Analogue ઉત્પાદનની રચનામાં દૂધના મુખ્ય ઘટકોને બદલે non-milk fat અથવા પ્રોટીનનો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ યોગ્ય પ્રમાણમાં પાણી અને અન્ય ઘટકો સાથે મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. ગરમી અને રસાયણિક મિશ્રણ (mechanical mixing) દ્વારા ચરબી અને પાણી જેવા અલગ સ્વભાવના ઘટકોને વધુ સમાન રીતે વિતરિત કરવામાં આવે છે—આ પ્રક્રિયાને સરળ ભાષામાં emulsification કહી શકાય.
પછી ઉત્પાદનને જરૂરી આકાર અને કદ આપવામાં આવે
છે.
એટલે બહારથી જોવામાં આવે તો ગ્રાહકને બંને વસ્તુઓ લગભગ એકસરખી લાગી શકે.
ફરક આંખ કરતાં વધુ ‘અંદર’ હોય છે અને કદાચ આ જ
કારણ છે કે સામાન્ય ગ્રાહક માટે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે “હું જે માટે
પૈસા ચૂકવી રહ્યો છું, તે ખરેખર શું છે?”
શરીરને નુકસાન થાય છે? અહીં સાવચેતી જરૂરી છે.
આ મુદ્દે સોશિયલ મીડિયા પર ઘણી વખત એક અતિશયોક્તિ જોવા મળે છે—“Analogue
paneer ખાશો તો શરીરમાં ઝેર ફેલાશે”, “કેમિકલથી બનેલું છે એટલે કેન્સર
થશે” વગેરે.
આવા દાવા ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવા વિના
કરવા યોગ્ય નથી પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે આરોગ્યનો કોઈ પ્રશ્ન જ
નથી. સંભવિત ચિંતા
મુખ્યત્વે ઉત્પાદનની રચના અને તેની પોષક
ગુણવત્તા પર આધારિત છે. જો કોઈ analogue માં દૂધની
ચરબીની જગ્યાએ વધુ માત્રામાં વનસ્પતિ ચરબી વપરાય, તો તેની
ચરબીની ગુણવત્તા પર ધ્યાન આપવું જરૂરી બને છે. Saturated fat નું વધુ
પ્રમાણ લાંબા ગાળે હૃદયસંબંધિત આરોગ્ય માટે અનુકૂળ નથી. જો કોઈ ઉત્પાદનની રચનામાં ટ્રાન્સ ફેટ હોય, તો તે વધુ ગંભીર પોષણસંબંધિત
ચિંતા બની શકે છે.
તે જ રીતે, જો ઉત્પાદનનું પ્રોટીન પ્રમાણ
પરંપરાગત પનીર કરતાં ઓછું હોય, તો ગ્રાહકને પનીર જેવી દેખાતી
વસ્તુમાંથી અપેક્ષિત પોષણ ન મળે.
અહીંથી એક સરળ વાત સમજાય છે:
સસ્તું હોવું અને પોષક હોવું બંને એક જ વાત નથી.
‘સસ્તું પનીર’ વેપારી માટે
આકર્ષક કેમ?
અસલી દૂધમાંથી પનીર બનાવવામાં દૂધનો ખર્ચ, દૂધમાં રહેલી
ચરબી અને પ્રોટીન, ઉત્પાદન પ્રક્રિયા,
refrigeration અને અન્ય ખર્ચ આવે છે.
કેટલાક analogue productsમાં મોંઘા milk
componentsના સ્થાને comparatively cheaper non-milk ingredients વાપરીને
ઉત્પાદન ખર્ચ ઘટાડવાની શક્યતા રહે છે. FSSAIના 2026ના
પ્રકાશનમાં પણ cost reductionને dairy
analoguesના વિકાસના કારણોમાંથી એક તરીકે દર્શાવવામાં આવ્યું છે. (FSSAI Digest)
અહીંથી એક વ્યવસાયિક ગણિત ઊભું થાય છે—
ખર્ચ ઓછો → ઉત્પાદન સસ્તું → મોટા પાયે
ઉપયોગની શક્યતા વધુ, પરંતુ જો આ સસ્તું ઉત્પાદન
ગ્રાહકને જણાવ્યા વિના ‘પનીર’ના નામે
પીરસાય, તો તે માત્ર વેપારનું ગણિત
રહેતું નથી; તે ગ્રાહકના
વિશ્વાસનો પ્રશ્ન બની જાય છે.
આ સમગ્ર વિવાદને સમજવા માટે આ વાક્ય યાદ રાખવું જરૂરી છે.
FSSAIના નિયમોમાં dairy
analogues માટે અલગ ઓળખ અને labellingની વ્યવસ્થા છે. FSSAIની FAQમાં cheese
analogue માટે “Analogue” સાથે સંબંધિત food
category દર્શાવવાની જોગવાઈ સમજાવવામાં આવી છે. (FSSAI)
અને એપ્રિલ 2026ની FSSAI જાહેર
સૂચનામાં તો સ્પષ્ટપણે જણાવાયું છે કે cheese analogueનો ઉપયોગ
કરીને તેને પનીર તરીકે મેનુમાં દર્શાવવું નિયમવિરુદ્ધ છે. (FSSAI West Region)
અર્થાત્—
ગ્રાહકને ખબર હોવી જોઈએ કે તે શું ખાઈ રહ્યો છે.
આ જ ગ્રાહક અધિકારનો મૂળ આધાર છે.
ઘરે આપણે પેકેટ ખરીદીએ ત્યારે લેબલ વાંચી શકીએ છીએ.
પરંતુ રેસ્ટોરાંમાં જ્યારે મેનુમાં માત્ર “Paneer Tikka” લખેલું હોય, ત્યારે
ગ્રાહકને કાચો માલ ક્યાંથી આવ્યો, તે દૂધનું પનીર છે કે analogue. તે જાણવાની
સામાન્ય રીતે કોઈ તક મળતી નથી.
શું ઘરે પનીર અસલી છે કે analogue તે જાણી શકાય?
આ સવાલનો સૌથી પ્રામાણિક જવાબ છે માત્ર આંખે જોઈને 100 ટકા ખાતરી
કરવી મુશ્કેલ છે.
સોશિયલ મીડિયા પર ઘણી ઘરેલુ ‘ટેસ્ટ’ વાયરલ થાય છે. ગરમ કરો, પાણીમાં નાખો, ખેંચો, રંગ જુઓ
વગેરે. પરંતુ આવી
રીતોથી કોઈ ઉત્પાદન ચોક્કસપણે અસલી કે analogue છે એવો
વૈજ્ઞાનિક નિષ્કર્ષ કાઢી શકાતો નથી.
ચોક્કસ ઓળખ માટે લેબોરેટરી પરીક્ષણ અને
નિયમનકારી ધોરણો વધુ વિશ્વસનીય છે.
ગ્રાહક તરીકે પેકેટવાળી વસ્તુ ખરીદતા હો તો label, ingredients,
manufacturer details અને food licence સંબંધિત
માહિતી તપાસવી વધુ સમજદારીભર્યું પગલું છે. અને રેસ્ટોરાંમાં શંકા હોય તો
સીધો સવાલ પૂછવામાં સંકોચ ન રાખવો:
“આ વાનગીમાં dairy paneer
વપરાયું છે કે paneer analogue?”
સવાલ નાનો છે, પરંતુ ગ્રાહકનો અધિકાર મોટો છે.
મેનુ ખોલીએ છીએ. “પનીર ટિક્કા” વાંચીએ છીએ. ભાવ જોઈએ
છીએ. ઓર્ડર આપીએ
છીએ.
અને પછી વિશ્વાસથી ખાઈએ છીએ.
આ સમગ્ર પ્રક્રિયામાં આપણે એક વાત સ્વાભાવિક રીતે માનીએ છીએ—મેનુમાં જે
નામ લખ્યું છે, એ જ વસ્તુ આપણને પીરસવામાં
આવશે.
જો તે વિશ્વાસ તૂટે તો સમસ્યા માત્ર પનીરની રહેતી નથી.
આજે પનીર છે.
કાલે કોઈ બીજી વસ્તુ હોઈ શકે.
એટલે આ વિવાદમાંથી સૌથી મોટો સંદેશ આરોગ્ય કરતાં પણ આગળ જાય છે—
ગ્રાહકને ખબર હોવી જોઈએ કે તેની
થાળીમાં શું છે.
સસ્તું ઉત્પાદન બનાવવું વેપારની બાબત છે. વિકલ્પી
ઉત્પાદન બનાવવું ટેક્નોલોજીની બાબત છે પરંતુ તેને સાચા નામથી
વેચવું એ નૈતિકતા અને કાયદાની બાબત છે. અને અંતે ગ્રાહકનો અધિકાર માત્ર
એટલો નથી કે તેને ખાવા માટે કંઈક મળે.
તેને જે ખવડાવવામાં આવે છે, તેની સાચી
ઓળખ જાણવાનો અધિકાર પણ છે.
કદાચ હવે રેસ્ટોરાંના મેનુમાં લખાતા બે શબ્દોનું મહત્વ પહેલાં કરતાં ઘણું વધી
ગયું છે—
“Dairy” કે “Analogue”.
કારણ કે આ બે શબ્દો વચ્ચેનો તફાવત માત્ર પનીરના ટુકડામાં નથી;
તે ગ્રાહકના વિશ્વાસ અને તેના અધિકાર વચ્ચેનો તફાવત છે.
લેખક: જૈમિન જોષી.
