- જ્ઞાન સંપાદનમાં રોજીંદી પ્રવૃતિ મહત્વનો ભાગ ભજવે છે:-
માત્ર ભારત દેશની વાત કરીએ તો હાલ સુધીમાં 2.15 કરોડ કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયા છે. જેમાંથી મૃત્યુઆંક 3.34 લાખ જેટલો છે. આ માત્ર સરકારી આંકડો છે જે તેમના ચોપડે નોંધાયો છે, પરંતુ પૃષ્ઠ પાછળ લખાયેલા એવા કેટલાય કેસ વિશે કોઈ માહિતી નથી. કેટલાય દર્દીઓએ જાતે જ ટેલિવિઝન, યુ ટ્યુબ કે સરકારી ગાઇડલાઇન પ્રમાણે અથવા ડોક્ટરની સલાહ લઈ સ્વઘરે જ હોમકોરોનટાઈન થઈ સ્વસ્થ થયા. તેવાં એક્ટિવ કેસો વિશે કોઇ તકેદારી લેવાઈ નથી કે નોંધણી થયેલ નથી.
સરકારી હોસ્પિટલમાં તો દર્દી સારવાર લઈ ને સાજા થઇ ગયો હોય તે છતાં તેમના રિપોર્ટનું પરિણામ ન આવ્યું હોય તેવા કિસ્સાઓ પણ છે. પ્રાઈવેટ લેબોરેટરી વાળા ઘરે રિપોર્ટ કાઢવા આવતા નથી અને આવે તો મોં માંગેલ પૈસા લેવાની શરતે આવે છે. નિસહાય બની લોકોએ ઉધારી કરીને પણ નાણાં ચૂકવાવવાં પડે છે. અત્યારે ભાઈ થોડા ઓછા લો કે દયા કરો જેવી વિનંતી કરવાં જેટલો પણ સમય નથી. અત્યારે કોઈ પણ નો વાંક ગુનો કે દોષારોપણ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે પરિસ્થિતિની દોર હવે કોઈના હાથમાં રહી નથી. લોકોને ખરેખર આત્મનિર્ભરતાનો સાચો અર્થ હવે સમજાય છે તેવું લાગે છે. આવી કપરી પરિસ્થિતીમાં માનવ પ્રકૃતિ પોતાના પરિવર્તનની દિશા કઈ રીતે નક્કી કરે? કયા મહત્ત્વનાં પરિબળો તેમાં ભાગ ભજવે છે? આવા પ્રશ્નો ઉપસ્થિત થાય જ છે.
માનવ વર્ષોથી કહેતો આવ્યો છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કોરોના આ કહેવતને અત્યારે પૂર્ણ રૂપે અનુસરતી હોય તેવું પ્રતીત થાય છે. જેટલો ઝડપી ફેરફાર આ વાયરસના ફેજમાં આવે છે તેનાથી ઝડપી માનવ પરિવર્તન કરી શકે તે શક્ય નથી. અત્યારે ચારેબાજુ પીડા અને અશ્રુઓનું ઘોડાપૂર વહી રહ્યું છે. કોઈએ પોતાના પિતા તો કોઈએ માતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, પુત્ર-પુત્રી, દાદા-દાદી તો કોઈએ આખો પરિવાર ગુમાવ્યું છે. ઘોડિયામાં કિલકારીઓ કરતાં બાળકના શ્વાસ થંભી જાય ત્યારે તેના પડઘા માતા-પિતાના કાનમાં ચીચયારીઓ સ્વરૂપે સંભળાયા કરે છે.
કોઈ પોતાના માતા-પિતા કે સંતાન માટે લથડાતા ભટકાતા દરેક હોસ્પિટલનાં પગથીએ માથા કૂટે છે તો કોઈ દવાઓ માટે મેડિકલ સ્ટોરની લાઈનોમાં આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. આંસુઓ પ્રસ્વેદ બનીને હવામાં ભળી રહ્યો છે. લોકો પોલીસોના પગે પડીને સહાયતાની માંગણી કરે છે, દર્દીઓ મેડિકલ સ્ટાફ પાસેથી ઉધારના શ્વાસ માંગે છે. સ્વજન માટે રસ્તાની ધૂળ ચાટનાર, પોલીસનો માર ખાનાર કે મેડિકલ સ્ટાફનો ધુત્કાર સહન કરનાર વ્યક્તિની મનોદશા વિશે કોઈએ કલ્પના કરી છે ખરી?
રૂસોના મતાનુસાર માનવ પ્રકૃતિ જ્યારે તેના સર્જકના હાથમાંથી નીચે ઉતરી ત્યારે સારભૂત રીતે શુભ હતી. તે અણવિકસીત હતી. અત્યારે માનવ પાસે કોઈ આવેગ કે લાગણી નથી માત્ર લાચારી છે. ઇચ્છાશક્તિનું મૂલ્ય શૂન્ય છે. બુદ્ધિ કર્તવ્યપાલન નથી રહી. કોરોનાએ આપણને શું શીખવ્યું તેવા મસમોટા લેખો લોકોએ છાપી અને ફોરવોર્ડ કર્યા પરંતુ સવાલ કંઈક આવો પણ એક હોવો જોઈએ કે કોરોનાએ આપણી પાસેથી શું છીનવી લીધું? આધ્યાત્મિક વ્યક્તિ પણ સ્થિતપ્રજ્ઞ હોતો નથી તો સામાન્ય માનવ નો લાગણી, પ્રેમ, કરુણા, પીડા, ઈચ્છા, લાચારી, સ્નેહ,ગુસ્સો ,ધૃણા વગેરે જેવા ગુણોથી ભરેલો હોય તે સીધી વાત છે.
કોઈ એક ઘટનામાંથી વ્યક્તિ જ્યારે પસાર થાય છે ત્યારે જે પીડા ભોગવે છે તેવી પીડા તે પુનઃ ભોગવતો નથી. પ્રથમ વખત પ્રેમમાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ પુનઃનિષ્ફળતાથી પ્રથમ વખત જેટલો ગાયલ કે ભયભીત ન હોય. એક ખૂન કર્યા પછી બીજા ખૂન કરતી વખતે હાથમાં કંપારી કે ચહેરા ઉપર પ્રસ્વેદ બિંદુ હોતું નથી. એક વખત ચોરી કરનાર બે, ત્રણ, ચાર વખત એમ સરળતાથી ચોરી કરી શકે છે. તે ભયમુક્ત બને છે. જે નાનપણથી માર ખાતો આવ્યો છે તે હિંસાત્મક કર્યો થી ગભરાશે નહીં. તેના માટે હિંસા એ રોજીંદી બાબત છે. બાળ કેળવણી વિષે આપણે અવગત છીએ જે અહી પણ લાગુ પડે જ છે. જેને જાહેરમાં અપમાન જીરવ્યા છે તેને માન-સન્માનથી કઈ જાજો ફેર પડતો નથી. આપણને લાગે છે કે ભયભીત થવું ખોટું છે પરંતુ તે જ ભય છે જેણે આપણને દાનવ બનતાં રોકી રાખ્યા છે તે પણ આપણે સ્વીકારવું જોઈએ. ભય, મર્યાદા અને લાગણી વગરનાં એક સમાજની કલ્પના કરો શું દેખાય છે?
જે વ્યક્તિએ તેની આંખો સામે પોતાના સ્વજનને ગુમાવ્યા છે. જેમને લોકોનાં પગમાં પડી આજીજી કરી છે. જેને પોલીસના ડંડા વગર વાંકે સહન કર્યા છે અથવા બિનજરૂરી દંડ ભર્યો છે. જેની આંખો સામે ભ્રષ્ટાચારનું આખું માર્કેટ ઊભું થયેલું જોયું છે. સરકારી તંત્રની નિષ્ફળતા, હોસ્પિટલોની મનમાની, અસુવિધા, પોલીસની દાદાગીરી, એકબીજા સાથે ધક્કા મુક્કી કરી માનવતા નેવે મૂકવી પડે તેવા બિનઇચ્છિત લીધેલ નિર્ણય, ચક્કર ખાઈને પડેલ શરીર કે ત્રણ ત્રણ દિવસની લાઇનમાં ઊભેલાં વ્યક્તિની ભૂખ અને તરસથી થતી ગંભીર હાલત, ખભે, લારીમાં કે ઢસડતા સ્વજનના મૃતદેહ, એક પ્લાસ્ટિકની બેગમાં લપેટાયેલ દેહ જેને પારખી પણ ન શકાય. સ્વજન ને ભેટીને રડી પણ ન શકાય કે અંતિમ વિધિ પણ પૂર્ણના કરી શકયાનો વસવસો. દરેક ઘટનાઓએ માનવ મનમાંથી એક પ્રકારનું તત્વ નિષ્ક્રિય કરી દીધો છે. શ્વાસ ચાલવા છતાં જાણે અંદરથી કઈ મૃત થઈ ગયું હોય તેવી લાગણી ઉત્પન કરી નાખી છે. માનવ ખુલ્લા મને રડી પણ શકતો નથી. માનવ કરુણા મૃત્યુ પામી છે. હવે આવનારા સમયમાં વ્યક્તિ વ્યક્તિને મારતા, ગુનાઓ આચરતા કે માનવતા નેવે મુકતા કે આતંકવાદી બનાવવાનાં ક્ષોભ અનુભવવાની લાગણી મૃત પામી ગઈ હશે.આ વધારાનું જોખમ છે.
જે વ્યક્તિએ ક્યારેય સરકારી નિયમો, રાજનીતિ, હોસ્પિટલો કે અધિકારી પોલીસ કર્મી સાથે ક્યારેય સીધી રીતે ઇન્ટરેસ્ટ લીધો નથી તેમને હવે મને કમને આ તમામનો અનુભવ થઈ ચૂક્યો છે. વ્યક્તિના માનસિક નિર્ણયો અને સિદ્ધાંતો ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તિત પામી ચૂક્યા છે. કરુણા મરી પરવારી છે. આંસુ સુકાઈ ગયા છે. સત્યની વાતો હવે પુસ્તકના પાનાની અંદર દબાઈ જવાની છે. વ્યક્તિઓએ કરેલી પસંદગી પુરોગામી ઘટનાઓની જરૂરિયાત દ્વારા નક્કી થતી હોય છે જે હવે એક માનસિક રીતે વિશાળ દાનવમાં પરિણમે તેવી પણ સંભાવના છે.
અલબત્ત આ સમયે આપણને સમાજના એવા ઉત્કૃષ્ટ નાગરિકોનો અનુભવ પણ થયો છે જેમને રાત દિવસ મહેનત કરી અને માનવતા દાખવી છે, પરંતુ તેની પાસેથી પ્રેરણા લેવા જેટલી બુદ્ધિ પણ ક્ષીણ થઈ ગઈ છે. જ્યારે પેટ ભૂખ્યું હોય ત્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય છે. હવે આવનાર સમયમાં માનવોએ માનવતાના વધુ મુખોટા પહેરવા પડશે કારણ કે હવે જે ચહેરા હશે તે કરુણા, માનવતા, લાગણી અને દયાહીન હશે. મનુષ્યની પ્રકૃતિ હવે પુનઃ પ્રાપ્ત કરવી અઘરી છે તે પણ વિચારવા જેવું છે. સંખ્યા અનુસાર 56 મિલિયન ભારતીયો હતાશાથી પીડાય છે અને બીજા 38 મિલિયન ભારતીય ચિંતાના વિકારથી પીડાય છે. આવનાર સમયમાં આ આકડો ચોક્કસ વધશે તેના એંધાણ તો અત્યારથી આવી જ ગયા છે. માણસ હવે વધુ નનામો બની શકે છે. વ્યક્તિએ માનસિક રીતે સ્વસ્થ રેહવા માટે અલગ અલગ માર્ગના સહારા લેવા પડશે તે પણ ચોક્કસ છે.
જૈમીન જોષી.
Khub saras. Thoda samay pachi aavu j thase loko akalai ne na ganta ane na kri sakay eva pagla bharse.
ReplyDeleteના થાય એવી પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો નથી. આગળ હજુ ઘણા મોટા પડકારો આવવાના છે.
Delete