Saturday, May 8, 2021

આંશિક લોકડાઉન - વેપારીઓના ઘરની કથળતી સ્થિતિ (Partial Lockdown - Deterioration of Merchant's Home )- :

  •  વેપાર એ દેશનાં આર્થિક પાયા માટે મહત્વનું પરિબળ છે, તેનું ચોક્કસ આંકલન થવું જોઈએ-:


 
lockdown image


   કેટલાક રાજ્યોએ સંપૂર્ણ લોક ડાઉન જાહેર કરી દીધું છે, પરંતુ અમુક રાજ્યો હજુ ચર્ચાઓ સિવાય કોઈ નિર્ણય પર આવતાં નથી. સરકારે આંશિક લોકડાઉનની જાહેરાત તો કરી દીધી પરંતુ તેનું કોઈ પરિણામ આવે એવું લાગતું નથી. બીજી બાજુ વેપારીઓ હવે વિરોધ કરી રહ્યા છે. જો હવે સરકાર 12 તારીખ સુધીમાં નિર્ણય જાહેર નહીં કરે તો અમે વેપાર ચાલુ કરી દઈશું તેવી ચીમકી અપાઇ ગઈ છે. સરકાર અમને ચોક્કસ દુકાન ખોલવા સમય આપે તેવી પણ માંગ થઇ છે. આવા સમયે સરકાર માત્ર આંશિક લોકડાઉન કરીને શું પરિણામ લાવવા માંગે છે તે સમજાતું નથી. આતો બંડી પહેરીને મચ્છરથી બચવા નિકળ્યા હોય તેવી વાત થઈ. 

   આંશિક લોક ડાઉનની સીધી કે આડકતરી અસર સામાન્ય વર્ગના વેપારી કે ધંધાદારીઓને થઈ છે. વેપારીઓનો આક્રોશ ખોટો નથી કેમ કે તેમને કોઈ સહાય મળતી નથી. જે સરકારી અધિકારીઓ છે તેતો પોતાની સાત પેઢીઓ બેઠાં બેઠાં ખાઈ શકે તેટલી સંપત્તિ ભેગી કરીને બેઠાં છે. જે સરકારી કર્મચારી છે તેમને માટે લોકડાઉન એટલે વેકેશનની જાહેરાત જેવું છે. આવાં લોકોના મુખેથી પરિવાર સાથે સમય વિતાવવો કે માતા પિતા માટે સમય ફાળવવો. બાળપણને યાદ કરી રમતો રમવી કે બાળકો સાથે સમય વિતાવવો જેવી વાતો કરવી શોભે તેવી છે. મહિને મોટી રકમ ખાતામાં જમા થતી હોય ત્યાં કાલે શું ખાયશું? તેની ચિંતા કરવાની જરૂર ઊભી થતી ન હોય માટે  તેમને કોઈ ફર્ક પડતો નથી. આવો વર્ગ ઘરે રહો સ્વાસ્થ રહો જેવાં કેટલાય ઉદાહરણ અને વાર્તા સાથે સલાહો આપતાં હોય છે પણ બીજી બાજુ કેટલાય લોકો એવા છે જેમને કાલે કેમ કેમ પેટ ભરીશું? તેની ચિંતામાં આજે ઊંઘ નથી આવતી.

   આંશિક લોકડાઉનમાં મસ મોટા ઉદ્યોગો તો ધમધમે જ છે. કેમ કે તે સરકારને ટેક્ષ રૂપે નાણાં જમા કરાવતી હોય છે અને દેશના જીડીપી દર જાળવી રાખવામાં મદદરૂપ છે. પરંતુ મધ્ય વર્ગના વેપારી જે રોજ સાઈકલ કે રીક્ષા લઈને 35 ડિગ્રી તાપમાં ગળીઓમાં બૂમો પાડી પાડીને વસ્તુ વેચવા નીકળે છે તેમનું શું? આખા વર્ષથી વેપારીઓને ખાસ કઈ કમાણી થઈ ન હોય ત્યાં તેમને આવું 'ન રો વા કુંજ રોવા' જેવું લોકડાઉન  ન પરવડે તે સીધી વાત છે. લગ્ન ગાળામાં ધંધા બંધ રહ્યા, પોલીસ  ખાતા દ્વારાં  મોટા મોટા દંડ વસૂલાયા, દુકાનો સીલ કરવામાં આવી. લારીઓ ઉંધી પાડી દેવામાં આવી, શ્રમિકોને ઢોર માર મારીને ભાગાડવામા આવ્યાં, પગાર કાપી લેવામાં કે પેન્ડીંગ રાખવામાં આવ્યાં. આસું સારતી પ્રજાને કાયદાનો ડર બતાવી એક જગ્યાએ પૂરી દેવામાં આવ્યાં. નનામાં લોકો દ્વારા નિર્દોષ પ્રજા ઉપર અંગ્રેજોની જેમ એક પક્ષીય દંડ ફટકાર કરવામાં આવ્યો.

   છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ભરતી બંધ છે એટલે રોજગારીની નવી કોઈ તકો ઉભી કરવામાં નથી આવી. કોરોના છેલ્લા એક વર્ષથી છે પરંતુ રોજગારીના નામ પર માત્ર અંગૂઠા ધવડાવવામાં આવ્યાં છે. પ્રાઇવેટ કંપનીઓએ ભરપૂર શોષણ કર્યું છે. કુદરતી આફતો કરતા માનવ આફતો એ ભરપૂર પ્રજાનું શોષણ કર્યું છે. અને હવે કોરોના નામક બીમારીનું મોટું બાનુ તેમનાં ખોળામાં પડી ગયું છે. પ્રજા માટે પડ્યા પર પાટું વાગ્યા જેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાય દિવસથી નગરપાલિકા દ્વારા સ્વેચ્છીક લોકડાઉનની માંગણીને વેપારીઓએ સમર્થ આપ્યું. પોતાનાં ધંધા બંધ કરી જાતે પોતાની ફરજ નિભાવી પરંતુ કેટલા દિવસ?  હવે આંશિક લોકડાઉનમાં બધું તંત્ર તો ચાલે જ છે એટલે કેસ તો રોકાઈ શકવાના નથી. પૂર્ણ લોકડાઉન હોત તો વાત અલગ હતી પરંતુ હવે વેપારીઓ આક્રોશમા આવ્યાં છે.

   તદ્ઉપરાંત મોંઘવારી વધી છે. વસ્તુઓની અછતના કારણે થોડી ઘણી બચત પણ હવે પૂર્ણ થવાને આરે છે. સમય આવે વેપારીઓ પાસેથી સરકાર  ટેક્સની માંગ કરશે. વીમાં કંપનીઓએ તેમના પ્રિમિયમમાં વધારો કરી દીધો છે. પેટ્રોલમાં જંગી ઉછાળો છે. શાળામાં કશું જ ન કરાવા છતાં વાલીઓ પાસેથી મોટી ફીની વસુલાત કરાઈ છે. ટોલ ટેક્ષ, બસ ભાડું, એરલાઈન, ટ્રેન આ દરેકમાં ભાડા ભરખમ વધારવામાં આવ્યાં છે. ખેડૂતોની જેમ વેપારીઓના ખાતામાં પૈસા પડતાં નથી. આરક્ષણને કારણે નોકરીઓ મળતી નથી, બીપીએલમાં નામ નથી આવતું અને સરકારી યોજનાઓનો કોઈ લાભ મળતો નથી. સરકાર જો તેમની જવાબદારી લેવા સક્ષમ ન હોય તો વેપારીઓના જીવન ધોરણને સ્થગિત કરવાનો તેમણે અધિકાર કોણે આપ્યો? આ એ પ્રજા છે જેમણે એક સમયની ખીચડી ખાવા આખો દિવસ પગની એડીઓ ઘસી નાખી છે. રાજ રમતો, સ્વાર્થી અને એક પક્ષીય નિર્ણયોનો ભોગ બનતા વેપારીઓએ પેટ ક્યાંથી ભરવું તે મોટો સવાલ છે.
   
   સરકાર નિર્ણય ન લઈ શકવા પાછળ તેમનાં પોતાનાં ઘણાં કારણો હશે. ઔદ્યોગિક ઉત્પાદનનાં અને આંતરરાષ્ટ્રીય નિયમો પણ મોટો ભાગ ભજવતાં હશે તે પણ માની લઈએ. પરંતુ મોટા મોટા મુદ્દાઓ અને કારણોની સામાન્ય માણસને કોઈ વધુ માહિતી હોતી જ નથી તેમને માત્ર પોતાનાં ઘર ચલાવાથી મતલબ હોય છે. તે અન્ય કોઈ સંઘર્ષમાં ઉતારવા માંગતા નથી અને સક્ષમ પણ નથી. ગધેડા ઉપર રેતીની બોરી મૂકી પાણીમાં બેસાડવા જેવી સ્થિતિ છે. સમગ્ર બાજુથી તેમનાં પર ભાર વધ્યો છે. હવે કાતો સહાય આપો નહીતો વેપાર કરવાની છૂટ આપો. મનમાની કરવા માટે આ કોઈ બિનલોકશાહી દેશ નથી તે યાદ રાખવું રહ્યું.
                                 
                                                                                                                                       જૈમીન જોષી.
                               

1 comment:

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...