- ધર્મ અને અને વિજ્ઞાન આ બંનેનો ક્યારેય નાશ થતો નથી, તે સદાકાળથી એકબીજામાં અટવાતાં રહ્યાં છે:-
ધર્મ અને વિજ્ઞાન બંને એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો લાગે છે કારણ કે ધર્મ માન્યતા ઉપર ટકેલ છે, જ્યારે વિજ્ઞાન પ્રયોગ ઉપર. કેટલીક બાબતોને અનુસરીએ કે તેની પદ્ધતિ પ્રમાણે વ્યવહાર તથા અમુક ફાળવેલ નિયમોનું પાલન કરીએ તો આપણે કોઈ ચોક્કસ ધર્મનું પાલન કર્યું તેમ કહેવાય છે. ધર્મ આપણને બંધનમાં રાખે છે જ્યારે વિજ્ઞાન આપણને તમામ પ્રકારના અનુભવો કરવાની છૂટ આપે છે. આમ જોવા જઈએ તો ધાર્મિકતા અલગ અલગ વિભાગમાં વહેંચાયેલી છે. તેનું જતન કરતાં હિંસાત્મક કાર્યો પણ થતાં આવ્યા છે. વિજ્ઞાનમાં ઇચ્છવા છતાં કેટલાક અકસ્માતોનો સામનો કરવો પડે છે. પરિણામે પ્રયોગશાસ્ત્રીને અજાણતા જ ભોગ આપવા પડતાં હોય છે પછી તે સમય, સામાજિક જીવન, વ્યાવહારિક જીવન, માન-સન્માન, પ્રતિષ્ઠા, મોભો કે પછી જીવ પણ કેમ ન હોય.
સત્યતા એ છે કે ધર્મ અને વિજ્ઞાન તે બંને ક્યારે એકબીજાના પ્રતિસ્પર્ધી રહ્યા નથી. ધર્મ ક્યારેય બંધન કરતાં ન હોય પરંતુ તેનું આચરણ આપણને ચોક્કસ બંધનમાં મૂકી દેતું હોય છે. ધર્મ અને વિજ્ઞાન બંને જીવનના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એમ ત્રણેય કાળને આવરી લે છે અથવા માનવ તેને સ્વીકાર્યા વગર છટકી શકતો નથી. કોઈ પણ વ્યક્તિએ ધર્મનું પાલન ન કર્યું હોય કે વિજ્ઞાનનો ઉપયોગ ન કર્યો હોય તેવું અશક્ય છે. જે લોકો પોતાને ધાર્મિક વૃત્તિ થી દૂર રાખે છે કે પોતાને નાસ્તિક કહે છે. તેમને પોતાના કર્તવ્ય કે કોઈ મનપસંદ કાર્યને જ પોતાનો ધર્મ બનાવી કે માની લીધો હોય છે. આમ, તેમના જીવનમાં ધર્મ તો છે જ. પદ્ધતિ બદલાતા વિષય બદલાય તેમ ધર્મ પણ બદલી શકાય છે. આપણને કયો ધર્મ અનુકૂળ છે તે આપણને સ્વયં નક્કી કરવાની છૂટ પણ મળે છે માટે જ આપણા દેશમાં ધર્મ પરિવર્તન વૈકલ્પિક સ્વરૂપે હમેશાં રહ્યો છે. વિજ્ઞાન આપણને કોઈ વિકલ્પ આવતું નથી. અહીં વિજ્ઞાન વિષયને લગતી કોઈ વાત નથી. વિજ્ઞાનનાં પેટાવિભાગોનો આપણે અભ્યાસ કરીએ ત્યારે તેને ઉપયોગમાં લઈ શકીએ પરંતુ જે વિજ્ઞાનને આપણે રોજબરોજમાં ઉપયોગ કરતા હોઈએ તેના વિશે તો આપણને કદાચ જ્ઞાત પણ ન હોય તેવું બને. સવારે ધરતી પર પગ મૂકવાથી માંડીને સાંજે પથારીમાં શરીરને મુક્ત છોડી દેવા વચ્ચે સુધીની તમામ ઘટનાઓ વિજ્ઞાન પર આધાર રાખે છે. આપણને ઉપયોગી પ્રત્યેક વસ્તુમાં વિજ્ઞાન છે. આપણે પથારીમાં ઊંગી ગયાં હોય એ તે દરમિયાન આપણાં શરીરમાં જ કેટકેટલી રસાયણિક પ્રક્ર્તિયાઓ થઈ જતી હોય છે તેનાથી આપણે સૌ પરિચિત તો છીએજ.
ધર્મ અને વિજ્ઞાન બંનેની કેળવણી માટે અધ્યાપક જરૂરી છે. માણસ જન્મ પછી કયા ધર્મની કેળવણી પ્રાપ્ત કરે છે તે પરિવાર આધારિત હોય છે. જ્યારે તે પોતાના નિર્ણય લઈ શકવાની ઉંમરે આવે છે ત્યારે તે કયો ધર્મ અપનાવવા માગે છે તે નિર્ણય કરવાં માટે હમેશાં તે સ્વતંત્ર છે પણ સમાજ તેને બંધનમાં બાંધી રાખે છે. અનાથનો કોઈ ધર્મ નથી હોતો. તેને તો પોતે કોનું સંતાન છે તે જ ખ્યાલ ન હોય તો ધર્મની તો વાત જ ક્યાં કરવી. પેટની અગ્નિ સામે ધર્મ હંમેશા હારતો આવ્યો છે. સાચો ધર્મ સત્ય અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત હોય છે.ધાર્મિક વૃત્તિ ધરાવતો માણસ ધાર્મિક ક્રિયા કરે તે સહજ છે પરંતુ દરેક ધર્મ મહદ અંશે તો વિજ્ઞાનને અનુસરે છે. કોઈપણ કર્મકાંડ, ક્રિયાકાંડ કે વિધિઓ છેલ્લે તો વિજ્ઞાનને જ આધારિત હોય છે. જેના વૈજ્ઞાનિક પુરાવા પણ મળ્યાં છે.
શિક્ષણ પ્રેમીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવવા છતાં પણ નાસ્તિક થતાં નથી. જેમ જેમ આપણે ઉચ્ચ કક્ષાના જ્ઞાનને સમજતાં જઈએ ત્યારે સમજાય છે કે આપણે તો ઇશ્વર સામે સૂક્ષ્મ છીએ. કોઈ તો ઉર્જા છે જે સૃષ્ટિનું પાલન પોષણ કરે છે. ત્યાં દલીલ રૂપે ધર્મને ન લાવી શકાય. ઉદાહરણ તરીકે તબીબને ઈશ્વરનું સ્વરૂપ માનવમાં આવે છે પણ ઉચ્ચ કક્ષાના તબીબ પણ દર્દીની સારવાર કરતા ઈશ્વરનું નામ લેતાં કે ઈશ્વરનો આભાર માનતા જોવા મળે છે. કોઇ દર્દી ઉપર જ્યારે દવા અસર ન કરે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરો કે જે જલદી સાજા થઈ જાય કે હવે બધુ ઈશ્વરના હાથમાં છે તે વાક્ય બોલતા પણ સાંભળ્યા છે. તો બીજી બાજુ વૈજ્ઞાનિક રીતે અશક્ય ચમત્કારો પણ આપણને આ ક્ષેત્રમાં સૌથી વધુ જોવા મળે છે. ત્યારે કોઈ પણ ધર્મના તબીબ ભલે તે પોતાને નાસ્તિક પણ કેમ ન જણાવતાં હોય છતાં તે માને છે કે કંઈક તો ઊર્જા છે જે નિયમનનું કાર્ય કરે છે.
વિજ્ઞાન ધર્મની બાબતમાં સાબિતી કે વ્યાખ્યા આપતું નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ તો ધર્મ હોવો જ ન જોઇએ અને તેના હોવા ન હોવાથી કોઈ ફર્ક પણ પડતો નથી. ધર્મ વિજ્ઞાનનાં મૂલ્યને સ્વીકારી શકે પરંતુ વિજ્ઞાન હંમેશા ધર્મની અવગણના જ કરતો આવ્યો છે. વિજ્ઞાન અને ધર્મ બંનેના કાર્યો અલગ અલગ છે છતાં મહદઅંશે તે એક બીજા સાથે જોડાયેલાં હોય છે. ધર્મ અને વિજ્ઞાન આ બે તેવા પહેલુઓ છે જેને સૃષ્ટિને સંતુલનમાં રાખી છે.
સાચો ધર્મ માણસને અંધશ્રદ્ધાળુ, અંધવિશ્વાસુ, કમજોર, હતાશ, નિરાશ ક્યારેય ન બનાવે. આપણે સૌ ધર્મની વ્યાખ્યા ને સમજ્યા જ નથી. ધર્મનો પૂછડું પકડીને માત્ર અનન્ય પ્રવાસે નીકળી પડીએ છીએ. ધર્મના નામે માત્ર બાહ્ય દેખાવ કરી આંતરિક રીતે સ્વમૂલ્યોને પૂર્ણ કરીએ છીએ. સાચો ધર્મ માણસને ક્યારેય નબળો બનાવતો નથી. સાચા સંત, ફકીર કે ફાધર ક્યારે માણસાઈ વિરોધી ન હોઈ શકે. સાચાં ધર્મગુરુ પાસે તો અન્ય કરતાં વધુ કરુણા હોય છે. આપણે સાચું ધાર્મિક શિક્ષણ મેળવ્યું હશે તો તેનો માત્ર એક મંત્ર ''સર્વ ધર્મ સમભાવ'' છે છતાં આપણે માનવીય વૃત્તિઓને જે ધર્મની છબિ ધારી આજ સાચો ધર્મ તેમ માની બેઠાં હોઈએ તો આપણે આપણી પૂર્વધારણાઓ ઉપર વધુ ચિંતન કરવાની જરૂર છે
જૈમીન જોષી.
Impressive!!
ReplyDeleteJabarjast
ReplyDelete