Wednesday, August 26, 2026

ઈદ માત્ર તહેવાર નથી, કોઈને માફ કરી દેવાની એક તક છે.(Eid is not just a festival; it is an opportunity to give to others.)

 

ઈદ માત્ર તહેવાર નથી, કોઈને માફ કરી દેવાની એક તક છે.

 

 

eid image

      ક્યારેક કોઈ દિવસ કેલેન્ડરમાં માત્ર એક તારીખ બનીને આવે છે અને જતો રહે છે. પરંતુ કેટલીક તારીખો એવી હોય છે, જે માણસને પોતાની અંદર પાછો ફરવાનું આમંત્રણ આપે છે. પોતાને અને અન્યને માફ કરવાનું અને આગળ વધવાની તક આપે છે. આજે એવો જ એક દિવસની વાત કરવી છે. ઈદ-એ-મિલાદ. રબી અલ-અવ્વલની યાદ સાથે જોડાયેલો આ અવસર મુસ્લિમ સમાજ માટે માત્ર ઉજવણીનો દિવસ નથી; તે સીરત-એ-રસૂલ તરફ પાછા વળવાનો, પોતાના અખલાકને તપાસવાનો અને પોતાના હૃદયને એક પ્રશ્ન પૂછવાનો દિવસ છે.

મારા જીવનમાં રહમત કેટલી છે?

    ઈદ-એ-મિલાદને લઈને મુસ્લિમ સમાજમાં અલગ-અલગ પરંપરાઓ અને ધાર્મિક અભિગમ જોવા મળે છે, પરંતુ હઝરત મુહમ્મદ મુસ્તફાની સીરતમાંથી મળતા મૂલ્યો રહમ, સબર, અદલ, અખલાક, માફી, પડોશી પ્રત્યેનો હક અને જરૂરિયાતમંદ પ્રત્યેની સંવેદના. આજે પણ માનવ સમાજ માટે એટલા જ પ્રાસંગિક છે. આજના સમયમાં કદાચ આ જ સૌથી મોટો સંદેશ છે.

    મક્કાની રેતીમાં જ્યારે ઇસ્લામનો સંદેશ ઊભો થયો ત્યારે દુનિયા કોઈ શાંત અને સુવ્યવસ્થિત સમાજ નહોતી. અરબ સમાજમાં કબીલાઈ વફાદારી હતી, સામાજિક અસમાનતા હતી, શક્તિશાળી અને નબળાઈ વચ્ચે ઊંડી ખાઈ હતી. આવી પરિસ્થિતિમાં હઝરત મુહમ્મદએ માત્ર એક ધાર્મિક સંદેશ આપ્યો નહોતો; તેમણે માણસના આંતરિક પરિવર્તનની વાત કરી. તૌહીદનો સંદેશ માણસને અલ્લાહ સામે ઝુકાવતો હતો, પરંતુ એ જ સાથે તે માણસને બીજા માણસ સામે અન્યાય ન કરવા પણ શીખવતો હતો. ઈબાદત અને અખલાક વચ્ચેનો આ સંબંધ ઇસ્લામી વિચારધારાની એક સુંદર વિશેષતા છે.

    કુરઆનમાં અલ્લાહ તઆલા રહમતનો પરિચય કરાવે છે અને હઝરત મુહમ્મદની સીરતને સમજવા માટે મુસ્લિમો માટે કુરઆન અને હદીસ મુખ્ય આધારો છે. તેથી મિલાદનો સાચો અર્થ માત્ર જન્મની યાદમાં દીવા, સજાવટ કે જુલૂસ પૂરતો સીમિત કરી દેવામાં નથી; સાચો પ્રશ્ન એ છે કે જેને નબી-એ-કરીમની સીરતનું સ્મરણ કરીએ છીએ, તેમની શીખમાંથી આપણે આપણા જીવનમાં શું ઉતાર્યું?

સીરત આપણને એક અદભુત પ્રસંગ તરફ લઈ જાય છે. ફત્હે મક્કા.

    એક સમય હતો જ્યારે મક્કાના એ જ શહેરમાંથી રસૂલુલ્લાહ  અને તેમના સાથીઓને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વર્ષો સુધી ત્રાસ, બહિષ્કાર, વિરોધ અને સંઘર્ષ સહન કર્યા પછી જ્યારે મક્કા તેમના નિયંત્રણમાં આવ્યું, ત્યારે ઇતિહાસ સામાન્ય રીતે બદલો લેવાની

અપેક્ષા રાખે. સત્તા માણસની કસોટી કરે છે. જે વ્યક્તિ વર્ષો સુધી અપમાન સહન કરે અને પછી તેના હાથમાં શક્તિ આવે, ત્યારે તેની અંદરની ઊંચાઈ કે નીચાઈ દેખાય છે, પરંતુ ફત્હે મક્કાનો પ્રસંગ માત્ર વિજયની વાર્તા નથી; તે સત્તા મળ્યા પછી ક્ષમાની શક્તિની વાર્તા છે. પોતાના વિરોધીઓ સામે બદલો લેવાની ક્ષમતા હોવા છતાં ક્ષમાનો માર્ગ પસંદ કરવો એ સીરતનું એક ઊંડું નૈતિક પાઠ છે. આ પ્રસંગ આપણને પૂછે છે. આપણા જીવનમાં પણ શું એવી કોઈ વ્યક્તિ છે જેને માફ કરવાની શક્તિ આપણામાં છે, પરંતુ અહંકાર આપણને રોકે છે?

કદાચ આજની ઈદનો સૌથી મોટો પ્રશ

    આપણે ઘરમાં ઈદની તૈયારીઓ કરીએ છીએ. નવા કપડાં આવે છે. મસ્જિદોમાં નમાઝ અને દુઆ થાય છે. લોકો એકબીજાને ઈદ મુબારકકહે છે. ક્યાંક મિલાદની મહેફિલો થાય છે, ક્યાંક નાત પઢવામાં આવે છે, ક્યાંક સીરત-એ-નબીની ચર્ચા થાય છે. પરંતુ જો આ બધાની વચ્ચે કોઈ ભાઈ પોતાના ભાઈ સાથે વર્ષોથી બોલતો ન હોય, કોઈ પુત્ર પિતાથી નારાજ હોય, કોઈ મિત્રના હૃદયમાં જૂનો રોષ પડેલો હોય અને કોઈ પડોશી આપણા દરવાજા સુધી આવીને પણ પોતાના દુઃખ સાથે પાછો ફરતો હોય. તો પછી તહેવારની રોશની બહાર રહી ગઈ કે અંદર આવી?

ઈદનો અર્થ કપડાં બદલવાથી વધારે છે; કદાચ દિલ બદલવામાં છે.

    ઇસ્લામી પરંપરામાં સબરમાત્ર દુઃખ સહન કરવાનું નામ નથી. સબર એટલે પોતાની અંદરના ઉતાવળા પ્રતિભાવ પર કાબૂ મેળવવાની શક્તિ. કોઈ અપમાન કરે ત્યારે તરત જવાબ ન આપવો, ગુસ્સામાં સંબંધ તોડી ન નાખવો, મુશ્કેલીમાં અલ્લાહ પર ભરોસો રાખવો. આ બધું સબરના વિવિધ સ્વરૂપો છે. આજના સમયમાં, જ્યારે એક નાનો સંદેશ પણ સંબંધોમાં આગ લગાવી શકે છે અને એક શબ્દ વર્ષોની મિત્રતા તોડી શકે છે, ત્યારે સબરનું મહત્વ કદાચ પહેલાં કરતાં વધારે છે.

    એ જ રીતે અખલાકમાત્ર મીઠું બોલવાનું નામ નથી. માણસ એકલો હોય ત્યારે જે છે અને લોકોની વચ્ચે હોય ત્યારે જે દેખાડે છે, એ બે વચ્ચેનું અંતર જેટલું ઓછું હોય એટલો તેનો અખલાક ઊંચો. નબી-એ-કરીમની સીરતનું સૌંદર્ય અહીં છેતેમના જીવનમાં ઈમાન માત્ર શબ્દ નહોતો; તે વ્યવહારમાં દેખાતો હતો.

    પડોશીનો હક હોય કે અનાથ પ્રત્યેની સંવેદના, ગરીબ માટેનો હાથ હોય કે મુસાફર માટેની જગ્યા. ઇસ્લામી શિક્ષણ માણસને પોતાની ચાર દિવાલોમાં બંધ રાખતું નથી. ઉમ્મતની કલ્પના વ્યક્તિને એક વિશાળ સામાજિક જવાબદારી સાથે જોડે છે. એટલે જ સદકાહ અને જકાત માત્ર દાનની ક્રિયા નથી; તે સમાજમાં સંપત્તિ અને સંવેદનાના વહેંચાણનો વિચાર પણ છે અને અહીં ઈદનો એક ખૂબ સુંદર અર્થ સામે આવે છે. ખુશી એકલી માણવાની વસ્તુ નથી.

    જો મારા ઘરમાં શીરખુરમા છે અને મારા પડોશીના ઘરમાં ચુલો નથી, તો મારી ખુશી અધૂરી છે. જો મારા બાળકો નવા કપડાં પહેરે છે અને સામેનું બાળક આખો દિવસ કોઈના દરવાજા તરફ આશાથી જુએ છે, તો ઈદનો અર્થ મને ફરી વિચારવો પડશે. જો મારા હાથમાં વધારાનું છે અને કોઈના હાથમાં જરૂરીયાત પણ નથી, તો સદકાહનો દરવાજો મારી સામે જ ખુલ્લો છે.

    આ વિચાર કોઈ એક ધર્મની સીમામાં બંધ નથી. માનવતા દરેક ધર્મના હૃદયમાં વસે છે. ભારતની ધરતીનું સૌંદર્ય પણ તો આ જ છે કે અહીં ઈદની સેવૈયાં અને દિવાળીની મીઠાઈ એક જ પડોશમાં વહેંચાય છે;  અહીં કોઈના ઘરમાં અઝાનનો અવાજ સંભળાય અને કોઈના ઘરમાં મંદિરની ઘંટડી. પણ સવારના સૂર્યનો પ્રકાશ બંને ઘરોના આંગણે સમાન પડે છે.

    મક્કાથી મદીના સુધીની હિજ્રતનો પ્રસંગ પણ માત્ર ભૂગોળ બદલવાનો પ્રસંગ નહોતો. તે સંઘર્ષમાંથી નવી સામાજિક વ્યવસ્થા તરફની યાત્રા હતી. મદીનામાં મુઆખાત ભાઈચારાની ભાવનાથી મુહાજિરો અને અંસાર વચ્ચે ઊભો કરાયેલો સંબંધ ઇસ્લામી ઇતિહાસમાં માનવ સહકારનું પ્રતીક બની રહ્યો. પોતાના ઘરમાંથી આવેલા માણસને પોતાનો ભાઈ સ્વીકારવો માત્ર ધાર્મિક ઉપદેશ નહોતો; તે વ્યવહારમાં ઉતારવામાં આવેલો સામાજિક આદર્શ હતો.

આજે આપણને ફરી એવા જ મુઆખાતની જરૂર છે.

    ધર્મના નામે ઓળખાણ વધે અને માણસાઈના નામે અંતર વધે તો એ પ્રગતિ નથી. સોશિયલ મીડિયાના સમયમાં આપણે હજારો લોકો સાથે જોડાયેલા છીએ, છતાં પડોશમાં રહેતા માણસની ખબર નથી. આપણે હજારો સંદેશાઓ મોકલીએ છીએ, પરંતુ કોઈ એક દુઃખી માણસ પાસે બેસવા માટે સમય નથી. આપણે ઈદ મુબારકલખીએ છીએ, પરંતુ કોઈને માફ કરવા તૈયાર નથી.

કદાચ આથી જ ઈદનો સૌથી સુંદર સંદેશ માફીબની શકે.

    માફ કરવું એ ભૂલી જવું નથી. માફ કરવું એ અન્યાયને યોગ્ય ઠેરવવું પણ નથી. માફીનો અર્થ એટલો છે કે કોઈના કરેલા દુઃખને આપણા આખા જીવનનું માલિક ન બનવા દેવું. દિલમાં રોષ રાખીને આપણે ઘણી વાર બીજાને સજા કરવા માંગીએ છીએ, પરંતુ ધીમે ધીમે સમજાય છે કે એ રોષ આપણને જ અંદરથી ખાઈ રહ્યો છે.

     ફત્હે મક્કાની યાદ આપણને આ જ ઊંચાઈ તરફ લઈ જાય છે. સત્તા કરતાં ક્ષમા મોટી હોઈ શકે છે, વિજય કરતાં માનવતા મોટી હોઈ શકે છે અને બદલો લેવા કરતાં દિલ જીતવું વધુ કઠિન પણ વધુ મહાન હોઈ શકે છે.

આજે જો કોઈ જૂનો મિત્ર યાદ આવે, તો કદાચ તેને એક સલામ મોકલવી જોઈએ. જો કોઈ સગા સાથે મનદુઃખ હોય, તો કદાચ ઈદ મુબારકસાથે એક નાનકડું માફ કરજોપણ ઉમેરવું જોઈએ. જો કોઈ ગરીબ પરિવાર યાદ આવે, તો કદાચ પોતાના તહેવારની થાળીમાં તેના માટે પણ એક ભાગ કાઢવો જોઈએ. જો કોઈ પડોશી આપણાથી અલગ ધર્મનો હોય, તો કદાચ તેને તહેવારની મીઠાઈ આપતાં પહેલાં તેની માનવતા જોવી જોઈએ અને જો પોતાના જ દિલમાં કોઈ માટે કડવાશ હોય, તો આજે કદાચ અરીસા સામે ઊભા રહીને પોતાને પૂછવું જોઈએ. હું નબીની સીરતને માત્ર વાંચું છું કે થોડું જીવું પણ છું?’

     મિલાદની સાચી રોશની કદાચ મસ્જિદની સજાવટથી વધારે માણસના ચહેરા પર દેખાય છે. કોઈ ભૂખ્યા માણસને ખવડાવવામાં, કોઈ એકલાને સાથ આપવામાં, કોઈ રડતા માણસને સાંત્વના આપવામાં, કોઈની ભૂલને માફ કરવામાં અને કોઈ અજાણ્યા માણસ સાથે પણ અદબથી વર્તવામાં એ રોશની વધુ સ્પષ્ટ દેખાય છે.

        કારણ કે ઈદનો ચાંદ આકાશમાં થોડા સમય માટે જ દેખાય છે, પરંતુ રહમતનો ચાંદ જો માણસના હૃદયમાં ઊગી જાય તો તેનો પ્રકાશ લાંબો ચાલે છે.

        આજે ઈદ મુબારકકહેતાં આપણે માત્ર એકબીજાને શુભેચ્છા ન આપીએ; એકબીજાના હકને પણ યાદ કરીએ. સલામબોલતાં માત્ર હોઠ ન હલે, મનમાં પણ શાંતિ ઉતરે. દુઆકરતાં માત્ર પોતાના માટે નહીં, સમગ્ર માનવજાત માટે હાથ ઊંચા થાય કારણ કે કદાચ તહેવારની સૌથી મોટી ઉજવણી એ નથી કે આપણા ઘરમાં કેટલા દીવા પ્રગટ્યા; પરંતુ એ છે કે આપણા હૃદયમાંથી કેટલો અંધકાર ઓછો થયો.

કોઈ એકને માફ કરતા શીખીએ.

કોઈ એકની મદદ કરતા શીખીએ.

કોઈ એક ભૂલાયેલા સંબંધને ફરીથી મહેકાવતા શીખીએ.

અને કોઈ એક એવા માણસ માટે દિલથી દુઆ કરીએ, જે આપણાથી અલગ છે પણ આખરે આપણા જેવો જ એક માણસ છે.

ઈદ-એ-મિલાદની સાચી સુંદરતા કદાચ અહીં જ છે.

ચાંદ આકાશમાં ઊગે છે, ઈદ ઘરમાં આવે છે; પરંતુ રહમતત્યારે જ આવે છે જ્યારે માણસના હૃદયના દરવાજા ખુલે છે.

ઈદ મુબારક.

 

લેખક: જૈમિન જોષી.

No comments:

Post a Comment

“મોદીનું મંદિર: પટણાના પ્રસ્તાવ પાછળની કહાની અને લોકશાહી સામે ઊભા થતા સવાલો” (“Modi’s Temple: The story behind the Patna proposal and questions arising for democracy”)

નેતા જ્યારે ભગવાન બની જાય, ત્યારે લોકશાહીને શું થાય ?      કોઈ દેશના વડાપ્રધાનનું મંદિર બને આ વાક્ય વાંચતાં જ મનમાં એક ક્ષણ માટ...