Monday, May 18, 2026
પત્ની અને પ્રેમિકા વચ્ચે ખાતો હીરો : મુખ્યમંત્રી (Hero eating between wife and girlfriend: Chief Minister)
“શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નહીં, પણ શ્રેષ્ઠ માનસશાસ્ત્રી પણ હતા... ("Shri Krishna was not only God, but also the best psychologist)
“શ્રીકૃષ્ણ કેમ માત્ર ભગવાન નહીં, પણ શ્રેષ્ઠ માનસશાસ્ત્રી પણ હતા...
માનવજાતના ઇતિહાસમાં અનેક મહાન વ્યક્તિઓ આવી ગઈ, જેમણે ધર્મ શીખવ્યો, યુદ્ધ જીત્યાં, રાજ્યો સંભાળ્યાં કે ચમત્કારો કર્યા. પરંતુ કૃષ્ણ તેવું અસાધારણ વ્યક્તિત્વ છે, જેને જેટલા લોકો ભગવાન તરીકે માને છે, એટલા જ લોકો આજે તેમને જીવનને સમજતા એક ઊંડા મનોચિકિત્સક તરીકે પણ અનુભવે છે. કારણ કે શ્રીકૃષ્ણ માત્ર પૂજવા માટેના દેવ નહોતા; તેઓ માનવ મનને વાંચવાની, સમજવાની અને યોગ્ય સમયે યોગ્ય રીતે દિશા આપવાની અદ્ભુત કળા ધરાવતા હતા. કદાચ એ કારણ છે કે હજારો વર્ષ પછી પણ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ નથી લાગતી, પણ જીવનના ગૂંચવાયેલા મન માટેની થેરાપી જેવી લાગે છે.
માનવજાત જ્યારે પોતાના અસ્તિત્વને સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે બે પ્રશ્નો સામે હંમેશા ઉભા રહે છે “હું કોણ છું?” અને “મારું મન મને શાંતિથી જીવવા કેમ નથી દેતું?” ભગવાન શિવ એ પણ હનુમાનજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો, તું કોણ છે. સામાન્ય માણસની જેમ તેમને પણ તેમનું નામ, પિતાનું નામ, માતાનું નામ, કે વાનર જેવા ઉત્તરો આપ્યા પણ શિવજી એ એજ પ્રશ્ન ફરી કર્યો. હું તમારું નામ, વંશ કે જાતિ વિશે નથી પૂછતો, હું તમે કોણ છો એમ પુછુ છું. શિવજીના આ સવાલ પછી હનુમાનજી તેમના ચરણોમાં પડી ગયા અને ભીની આંખે કહ્યું હું અજ્ઞાની છું મને કઈ જ જ્ઞાત નથી. શિવજીના અગિયારમાં રુદ્ર અવતાર હોવા અને રામજીના પરમ ભક્ત જેમણે પરમ જ્ઞાનીઓ સાથે સહવાસ કરવા છતાં જો પરમ અજ્ઞાનને સ્વીકારતા હોય તો તમે અને હું ક્યાં આવીએ? હજારો વર્ષોથી ફિલોસોફર, ઋષિ, સંતો અને વૈજ્ઞાનિકો આ પ્રશ્નોના જવાબ શોધતા આવ્યા છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ પ્રશ્નોના સૌથી જીવંત અને વ્યવહારિક જવાબ કદાચ કૃષ્ણએ આપ્યા હતા. લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે, ચમત્કારોના કેન્દ્ર તરીકે જુએ છે, ભક્તિનું પ્રતિક માને છે; પરંતુ જો તેમની આખી જીવનયાત્રાને શાંતિથી સમજવામાં આવે તો એક અદ્ભુત સત્ય સામે આવે છે. શ્રીકૃષ્ણ માત્ર ધર્મના ઉપદેશક નહોતા, તે માનવ મનના અસાધારણ જાણકાર હતા. તેઓ એવા માનસશાસ્ત્રી હતા, જેમણે માણસના મનની સૌથી ગૂંચવાયેલી ગતિઓને હજારો વર્ષ પહેલાં જ સમજી લીધી હતી.
શ્રીકૃષ્ણનું સમગ્ર જીવન જોવામાં આવે તો તેઓ ક્યાંય માણસને સંસારિક જીવને ત્યજવાનું શીખવતા નથી. તેઓ સંન્યાસને અંતિમ માર્ગ નથી કહેતા. તેઓ જીવનની વચ્ચે રહીને મનને સ્થિર રાખવાની વાત કરે છે. આ વિચાર આજના આધુનિક સાઈકોલોજી (Psychology) નો મૂળ સિદ્ધાંત છે, કારણ કે આજે પણ માનસશાસ્ત્ર એ જ કહે છે કે સમસ્યાઓથી ભાગવાથી મન શાંત થતું નથી; મનને સમજવાથી શાંતિ મળે છે. ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને યુદ્ધ છોડીને જંગલમાં જવા નથી કહેતા. તેઓ તેને પોતાના મનના ભય સામે ઊભા રહેવાનું શીખવે છે.
કુરુક્ષેત્રનું યુદ્ધ બહારથી માત્ર બે પક્ષો વચ્ચેનો સંઘર્ષ લાગતો હતો, પરંતુ અંદરથી પ્રત્યેક માણસના મનમાં ચાલી રહેલું યુદ્ધ હતું. અર્જુનના હાથ કંપી રહ્યા હતા. આંખોમાં આંસુ હતા. શરીર નબળું પડી ગયું હતું. તેણે કહ્યું કે “હું નથી લડી શકતો.” ધ્યાનથી જોવામાં આવે તો આ શબ્દો એક યોદ્ધાના નહોતા; આ શબ્દો એવા માણસના હતા જે અંદરથી તૂટી ગયો હતો. આજે જે સ્થિતિને પેનિક અટેક (Panic Attack), ઈમોશનલ કોલપ્સ (Emotional Collapse) અથવા સર્વાયર એન્ઝાયટી (Severe Anxiety) કહેવાય છે, એ જ સ્થિતિમાં અર્જુન હતો.
હવે અહીં સૌથી મહત્વની વાત શરૂ થાય છે. શ્રીકૃષ્ણે શું કર્યું?
તેમેણે અર્જુનને અસક્ત, નબળો કે કમજોર કહીને અપમાનિત નથી કર્યો. “પુરુષ બની જા”, “રડતો નહીં” કે “આ બધું નાટક છે” તને આવો નતો જાણ્યો, આવું કંઈ કહ્યું નહોતું. કારણ કે તેઓ જાણતા હતા કે તૂટી ગયેલા મનને દબાણથી નહીં, સમજણથી સંભાળી શકાય. એક ઉત્તમ માનસશાસ્ત્રી જે રીતે પહેલા દર્દીના મનને સાંભળે છે, એ જ રીતે શ્રીકૃષ્ણે પહેલા અર્જુનને સંપૂર્ણ બોલવા દીધો. તેમણે તેની અંદરના ભયને બહાર આવવા દીધો. કારણ કે દબાયેલું મન વધુ ખતરનાક બની જાય છે.
આજના સમયમાં પણ લોકો સૌથી વધારે એ કારણે તૂટી જાય છે કારણ કે તેમને સાંભળનાર કોઈ નથી મળતું. દુનિયા સલાહ આપે છે, ન્યાય કરે છે, તુલના કરે છે; પરંતુ મનને સમજવાનો પ્રયત્ન બહુ ઓછા લોકો કરે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતા પહેલાં તેની અંદરની ગૂંચવણને સ્વીકારી. આ એક ખૂબ ઊંડો માનસિક સિદ્ધાંત છે. “સ્વીકાર.” જ્યા સુધી માણસ પોતાની અંદરની નબળાઈને સ્વીકારતો નથી, ત્યાં સુધી તે ક્યારેય સાજો થઈ શકતો નથી.
ગીતામાં શ્રીકૃષ્ણ વારંવાર મન વિશે વાત કરે છે. તેઓ કહે છે કે મન જ માણસનો મિત્ર પણ છે અને મન જ સૌથી મોટો શત્રુ પણ છે. આજના ન્યુરોસાયન્સ (Neuroscience) અને સાઈકોલોજી (Psychology) પણ એ જ કહે છે કે બહારની ઘટનાઓ કરતાં માણસના પોતાના વિચારો તેને વધારે દુઃખ આપે છે. બે લોકો એકસરખી પરિસ્થિતિમાંથી પસાર થાય, છતાં એક તૂટી જાય અને બીજો મજબૂત બની બહાર આવે કારણ કે તફાવત પરિસ્થિતિમાં નહીં, મનની રચનામાં હોય છે.
શ્રીકૃષ્ણની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ માણસના વર્તનની પાછળ છુપાયેલી લાગણીઓને સમજી શકતા હતા. ઉદાહરણ તરીકે, દુર્યોધનને જુઓ. સામાન્ય રીતે લોકો તેને માત્ર ખલનાયક તરીકે જુએ છે, પરંતુ શ્રીકૃષ્ણ જાણતા હતા કે દુર્યોધનનો અહંકાર તેના અંદરના અસુરક્ષાભાવમાંથી જન્મ્યો હતો. જે માણસ અંદરથી ડરેલો હોય છે, તે બહારથી વધારે શક્તિશાળી દેખાવાનો પ્રયત્ન કરે છે. આ માનસિક સત્ય આજે પણ સાચું છે. ઘણા લોકો ગુસ્સાવાળા લાગે છે, પરંતુ અંદરથી તેઓ તૂટી ગયેલા હોય છે. ઘણા લોકો અહંકારી લાગે છે, પરંતુ અંદરથી તેમને સ્વીકારની ભૂખ હોય છે. ઘણા લોકો બોલબોલ કરે છે કેમ કે અંદરથી તે પોતાની હાજરી બતાવવા માંગે છે.
શ્રીકૃષ્ણ માણસને તેની લાગણીઓ દબાવવાનું નથી કહેતા; તેઓ લાગણીઓના ગુલામ ન બનવાનું શીખવે છે. આ બંને વચ્ચે ખૂબ મોટો ફરક છે. આજના ઘણા લોકો આધ્યાત્મને ખોટી રીતે સમજે છે. તેઓ માને છે કે આધ્યાત્મ એટલે દુનિયાથી દૂર ભાગવું, લાગણીઓ છોડવી અથવા હંમેશા ગંભીર રહેવું. પૂજા, વ્રત અને ઉપવાસ કરવા. રુદ્રાક્ષ કે ધાગા પહેરવા પરંતુ શ્રીકૃષ્ણનું જીવન તો સંપૂર્ણ વિરુદ્ધ હતું. તેઓ હસતા પણ હતા, રમતા પણ હતા, પ્રેમ પણ કરતા હતા, રાજનીતિ પણ કરતા હતા, યુદ્ધ પણ સંભાળતા હતા. તેઓ જીવનના દરેક રંગમાં જીવ્યા છતાં અંદરથી સ્થિર રહ્યા. આ જ સાચું આધ્યાત્મ છે.
એક ખૂબ ઊંડો પ્રશ્ન છે, શ્રીકૃષ્ણે ગીતા યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ કેમ કહી?
કારણ કે તેઓ જાણતા હતા કે ગુંચવાયેલું મન સાચાં નિર્ણય નથી લઇ શકતું. જો મન ભય, ગુસ્સો અથવા મોહમાં બંધાઈ જાય તો બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે. આજે પણ Psychology કહે છે કે માણસ જ્યારે અત્યંત ભાવનાત્મક સ્થિતિમાં હોય ત્યારે તેનો Decision Making ભાગ કમજોર થઈ જાય છે. એટલે જ ગુસ્સામાં લીધેલા નિર્ણયો ઘણીવાર ખોટા નીકળે છે.
શ્રીકૃષ્ણ અર્જુનને માત્ર યુદ્ધ જીતાડવા માંગતા નહોતા; તેઓ તેને પોતાના મન પર વિજય મેળવવાનું શીખવતા હતા. કારણ કે બહારનું દરેક યુદ્ધ પહેલા અંદર જીતવું પડે છે. રણ ભૂમિના યુદ્ધ પહેલા મન ભૂમિમાં યુદ્ધ રમાય છે. આજના સમયમાં Depression, Anxiety, Overthinking, Loneliness જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. લોકો પાસે પૈસા છે, ટેક્નોલોજી છે, સુવિધાઓ છે; છતાં મન શાંત નથી. કારણ કે માણસે બહારની દુનિયા જીતવાની દોડમાં પોતાના મન સાથેનો સંબંધ ગુમાવી દીધો છે. શ્રીકૃષ્ણનું સમગ્ર જ્ઞાન માણસને પાછું પોતાની અંદર લાવવાનું કામ કરે છે.
ગોવિંદ વારંવાર એક વાત સમજાવે છે. “આસક્તિ દુઃખનું મૂળ છે.” તેનો અર્થ પ્રેમ છોડવો નથી. તેનો અર્થ એ છે કે જ્યારે માણસ પોતાની ખુશીને કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા પરિણામ સાથે બાંધી દે છે, ત્યારે ભય શરૂ થાય છે. ગુમાવવાનો ભય. નિષ્ફળ થવાનો ભય. એકલતા નો ભય. અને ભયથી ભરાયેલું મન ક્યારેય શાંતિ અનુભવી શકતું નથી.
જ્યારે શ્રીકૃષ્ણ કહે છે કે “કર્મ કર, ફળની ચિંતા ન કર,” ત્યારે ઘણા લોકો તેને માત્ર ધાર્મિક વાક્ય માને છે. પરંતુ તે એક અત્યંત ઊંડો માનસિક સિદ્ધાંત છે. કારણ કે માણસનું મોટાભાગનું દુઃખ પરિણામને નિયંત્રિત કરવાની ઈચ્છામાંથી જન્મે છે. વિદ્યાર્થી ભણવા કરતાં વધુ પરિણામથી ડરે છે. માણસ પ્રેમ કરતાં પહેલા ગુમાવવાથી ડરે છે. વેપારી કામ કરતાં પહેલા નિષ્ફળતાથી ડરે છે. લગ્ન કરતા પહેલા જવાબદારીથી દરે છે. એટલે મન હંમેશા ભવિષ્યમાં જીવવા લાગે છે. શ્રીકૃષ્ણ માણસને વર્તમાનમાં પાછો લાવે છે.
શ્રીકૃષ્ણની સૌથી અદ્ભુત વાત કદાચ એ હતી કે તેઓ માણસને બદલવાનો પ્રયત્ન કરતા નહોતા; તેઓ માણસને પોતાને ઓળખવામાં મદદ કરતા હતા. કારણ કે સાચું પરિવર્તન બહારથી લાદી શકાય નહીં. તેને અંદરથી જન્મવું પડે.
કદાચ એ કારણ છે કે હજારો વર્ષ પછી પણ ગીતા માત્ર ધાર્મિક ગ્રંથ બનીને રહી નથી. દુનિયાભરના મનોચિકિત્સકો, વિચારકો અને આધ્યાત્મિક ગુરુઓ આજે પણ તેમાં માનવ મનની અસાધારણ સમજણ જુએ છે. શ્રીકૃષ્ણ ચમત્કારો માટે મહાન નથી લાગતા; તેઓ એ માટે મહાન લાગે છે કે તેમણે માણસને પોતાના મનના અંધકારમાં પ્રકાશ શોધવો શીખવ્યો અને કદાચ એ જ કારણ છે કે જ્યારે માણસ સંપૂર્ણ એકલો પડી જાય, અંદરથી તૂટી જાય, જીવનનો અર્થ ગુમાવી દે ત્યારે પણ ગીતા વાંચતા ક્યાંક એવું લાગે છે કે કોઈ શાંતિથી બાજુમાં બેસીને કહી રહ્યું છે:
“તું તૂટ્યો નથી… તું ફક્ત પોતાને ભૂલી ગયો છે.”
ગીતા આજે પણ એટલી જ જીવંત લાગે છે કારણ કે તે ધર્મ પહેલાં મનને સમજાવે છે અને કદાચ એ જ કારણ છે કે શ્રીકૃષ્ણ માત્ર ભગવાન નહોતા, તેઓ માનવ મનના સૌથી મહાન માનસશાસ્ત્રી હતા.
લેખક: જૈમિન જોષી.
Sunday, May 10, 2026
“મા: અંતિમ શ્વાસ સુધી સંતાન માટે લડતું હૃદય | મધર્સ ડે વિશેષ ભાવનાત્મક સત્ય ઘટના” (“Mother: A heart that fights for its child till its last breath | Mother's Day Special Emotional True Story”)
“મા હોય ત્યાં સુધી જ ઘર, ઘર લાગે છે…”
મા વગર જીવન અધૂરું કેમ લાગે છે?
માતાનો પ્રેમ કેમ ભગવાન સમાન છે?
પરિવારમાં સંબંધો કેમ તૂટે છે? એક સત્ય ઘટના જે દિલ હલાવી દેશે..
ખુબ સાંભળેલું અને વાઇરલ થયેલું વાક્ય કે, દુનિયામાં ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નહોતા, તેથી કદાચ તેમણે “મા” બનાવી.
મા…
આ એક એવો શબ્દ છે, જે બોલતા જ હૃદયમાં અજાણી શાંતિ ઉતરી આવે છે. દુનિયામાં કદાચ દરેક સંબંધ કોઈને કોઈ શરત પર ટકેલો હોય, પરંતુ માતાનો પ્રેમએ એકમાત્ર એવો પ્રેમ છે, જે નિશ્વાર્થ, પવિત્ર, પ્રમાણિક, નિઃશબ્દ અને અખૂટ હોય છે.
મધર્સ ડે આવે એટલે સોશિયલ મીડિયા પર ફોટા, સ્ટેટસ અને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ જાય છે. પરંતુ શું મા માટે એક દિવસ પૂરતો પ્રેમ કે સન્માન બતાવવું યોગ્ય છે? જો માતા પોતાનું આખું જીવન સંતાન માટે જીવે અને તેમાં એ વળતરમાં દેખાડાની લાગણી મળે તો તે લાગણીને ઉકરડામાં નાખી દેવી જોઈએ. માં પોતાના સપનાઓને અધૂરા રાખીને પોતાના સંતાનના સપનાઓને પૂરાં કરવા માટે લડે છે, ત્યાગ કરે છે અને સૌથી મોટું તે સહન કરે છે. માં થી વધુ સહનશીલ દુનિયામાં કોઈ નથી. એક સ્ત્રી પોતાના સન્માન માટે કોઈનું ખોટું સહન નથી કરતી અને જો કોઈ એક તરફી જડતા પૂર્વક વિચારને વળગી રહે તો તેને કોઈ બંધન રોકી શકતું નથી પણ જ્યાં સંતાનની વાત આવે ત્યાં તેના ઉછેર ગણતર અને જીવન માટે સ્ત્રી કડવા ઘુટડા રોજ પી જતી હોય છે.
મને એક બહુ ચર્ચિત એક સત્ય ઘટના યાદ આવે છે. એક સામાન્ય ગરીબ પરિવારની મા રોજ સવારે ચાર વાગ્યે ઊઠતી. ઘરમાં બધાં સૂતા હોય ત્યારે તે ધીમા પગલે કોઈને ખલેલ ન પહોંચે તે રીતે રસોડામાં કામ શરૂ કરતી. સંતાનને સારી સ્કૂલમાં ભણાવી શકે એ માટે તે બીજા લોકોના ઘરે વાસણ ધોવાનું કામ પણ કરતી. દીકરો મોટો થયો, સફળ બન્યો, શહેરમાં મોટી નોકરી મળી ગઈ. એક દિવસ કોઈએ એને પૂછ્યું, “તમારી સફળતાનું રહસ્ય શું છે?”
એણે થોડું મૌન રાખીને કહ્યું,
“મારી મા… કારણ કે હું થાકી જાઉં ત્યારે મને આરામ મળતો, પણ મારી મા ક્યારેય થાકવાની પરવાનગી જ પોતાને આપતી નહોતી.”
ખરેખર, માતા ક્યારેય પોતાના દુઃખનો હિસાબ રાખતી નથી. બાળકને તાવ આવે તો આખી રાત જાગી જાય, પરંતુ પોતે બીમાર હોય તો પણ ઘરનું કામ બંધ ન કરે. સંતાનના ચહેરા પરનું સ્મિત જ તેની સૌથી મોટી કમાણી હોય છે.
આજના સમયમાં આપણે બધા ખૂબ વ્યસ્ત થઈ ગયા છીએ. કામ, મોબાઇલ અને જવાબદારીઓ વચ્ચે ઘણી વાર મા સાથે બે મિનિટ બેસીને વાત કરવાનું પણ રહી જાય છે, પરંતુ જરા વિચાર કરો કે ઘરમાં માની બંગડી કે તેના ચાલતા પગલાંનો એહસાસ ન થાય તો શું એ ઘરમાં આપણું મન લાગશે ? શું થશે જે દિવસે પોતાનું કહેવાવાળું, નિશ્વાર્થ લાગણી ધરાવતું આપણું કોઈ નહિ હોય... યાદ રાખજો એક દિવસ એવો આવશે જ્યારે એ અવાજ સાંભળવા માટે હૃદય દ્રવી ઉઠશે.
કારણ કે “મા” માત્ર વ્યક્તિ નથી, એ ઘરનું ધબકતું હૃદય છે.
મધર્સ ડેના દિવસે મોંઘી ભેટ આપવી જરૂરી નથી. ક્યારેક માત્ર એટલું કહી દેવું —
“મા, તમે છો એટલે મારું જીવન સુંદર છે…”એ જ તેમના માટે દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બની જાય છે.
સાચું કહીએ તો,માતાનો પ્રેમ ક્યારેય શબ્દોમાં પૂર્ણ રીતે લખી શકાય એવો નથી… માત્ર અનુભવી શકાય એવો છે.
મને આજના દિવસે આદિ કવિ ઝવેરચંદ મેઘાણી યાદ આવે. તેમને “મા” વિશે ખૂબ જ લાગણીસભર શબ્દોમાં લખ્યું છે. તેમની રચનાઓમાં માતાનો પ્રેમ, ત્યાગ અને મમતા વારંવાર ઝળહળી ઊઠે છે. તેમની એક ખૂબ જાણીતી પંક્તિ છે:
“જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…”
મેઘાણી સાહેબ માતાને માત્ર જન્મ આપનાર સ્ત્રી તરીકે નથી જોતા, પરંતુ જીવનની પ્રથમ શાળા, પ્રથમ શિક્ષક અને પ્રથમ આશ્રય તરીકે રજૂ કરે છે. તેમની લોકસાહિત્યની રચનાઓમાં ગામડીયું જીવન અને માતૃત્વની સુગંધ સ્પષ્ટ અનુભવાય છે.જે આજે પણ દરેક ગુજરાતીના માનસપટ પર છવાયેલી રહે છે. મધર્સ ડે માટે મેઘાણીની આ ભાવના ખૂબ યોગ્ય લાગે છે —
માતા એ એવી છાંય છે, જ્યાં સંતાનને આખી દુનિયાનો થાક ઉતરી જાય છે.
હાલમાં સમાચારોમાં એક એવી કરુણ ઘટના જોઈ, જેણે આખા દેશનું હૃદય ભીનું કરી દીધું.મધ્યપ્રદેશના જબલપુર પાસે બર્ગીડેમમાં એક બોટ દુર્ઘટનામાં અનેક લોકો પાણીમાં સમાઈ ગયા. તેમનું જીવન એકદમ અંધકારમય બની ગયું, પરંતુ એ ઘટનામાં એક દ્રશ્ય એવું હતું, જે માત્ર સમાચાર નહોતું… તે “માતૃત્વ”નું જીવતું સત્ય સ્વરૂપ હતું.જ્યારે બચાવ ટીમ પાણીની અંદર શોધખોળ કરી રહી હતી, ત્યારે તેમને એક માતા અને તેના નાનકડા દીકરાનો મૃતદેહ મળ્યો,પણ સૌથી વધુ હચમચાવી નાખનાર વાત એ હતી કે મૃત્યુ પછી પણ એ માતાએ પોતાના બાળકને છાતી સાથે ભીંજવેલી હાલતમાં છાતીમાં જકડેલો રાખ્યો હતો. પાણીની ઊંડાઈ અને ભયની અંદર પણ માતાનો હાથ પોતાના સંતાન પરથી છૂટ્યો નહોતો.જાણે કે અંતિમ ક્ષણે પણ તે મૃત્યુ સામે લડી રહી હોય અને કહી રહી હોય “મારા બાળકને કંઈ નહિ થવા દઉં…” એ અપેક્ષા સાથે કે ભલે મારું જીવન પૂર્ણ થાય મારા પરિવારનું અસ્તિત્વ ન રહે પણ મારા બાળકને એક આંચ પણ ના આવવી જોઈએ.
આ દૃશ્ય જોઈને બચાવ કર્મીઓ પણ રડી પડ્યા હતા. કારણ કે ત્યાં માત્ર બે મૃતદેહ નહોતા… ત્યાં એક માતાનો અનંત પ્રેમ પડ્યો હતો.જે દુનિયાએ જોયો.
મને ક્યારેક વિચાર આવે કે મૃત્યુ જ્યાં બધું છીનવી લે છે, ત્યાં પણ માતાનો પ્રેમ જીવતો કેવી રીતે રહી જાય છે? કદાચ એ માટે જ કહેવાય છે કે,
“માતા શરીરથી દૂર થઈ શકે, પરંતુ તેના પ્રેમનું અસ્તિત્વ ક્યારેય મરતું નથી.”
આ ઘટના આપણને માત્ર દુઃખ નથી આપતી, પણ એક મોટો સંદેશ પણ આપે છે, માતાનો પ્રેમ શબ્દોમાં સમજાવી શકાય તેવો નથી. તે તો તેના જીવનના અંતિમ શ્વાસ સુધી સંતાન માટે ધબકતું હૃદય છે.
આજે જ્યારે આપણે મધર્સ ડે ઉજવીએ છીએ, ત્યારે એ અજાણી માતાને પણ નમન કરવું જોઈએ જેને પૃથ્વી ઉપર માણસને જીવતું રાખ્યું, પ્રેમને જીવંત રાખ્યું અને પ્રમાણિકતાને ટકાવી રાખ્યું.
અંતે કવિ દલપતરામ ની સુંદર પંક્તિ સાથે—
“મા તે મા, બીજા બધા વગડાના વા…”
કવિ કહે છે કે દુનિયાના બધા સંબંધો પોતાની જગ્યાએ છે, પરંતુ માતાનો સંબંધ સૌથી અનમોલ અને અદ્વિતીય છે.
કોલમ: જયવાદ
લેખક: જૈમિન જોષી.
Thursday, May 7, 2026
“વૃદ્ધાવસ્થા : અંત નહીં, જીવનને પૂર્ણ કરવાની નવી યાત્રા” (““Old age: not the end, but a new journey full of life”)
“ઉંમર શરીરની થાય છે, સપનાઓની નહીં”
Wednesday, May 6, 2026
ઉત્તર પ્રદેશના “ઓપરેશનથી ઓર્ડર સુધીની કહાની- Ajay Pal Sharma (The story of Uttar Pradesh's "From Operation to Order" - Ajay Pal Sharma)
“કાયદાનો ડર કે ન્યાયનો માર્ગ? એક અધિકારીની દ્વિધા”
Tuesday, May 5, 2026
“મમતા થી મોદી સુધી: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનની અંદરની કહાની” (“From Mamata to Modi: The Inside Story of the Power Shift in West Bengal”)
“દીદી vs દિલ્હી: બંગાળની સત્તા માટેનો સૌથી મોટો રાજકીય યુદ્ધ”
Monday, May 4, 2026
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કારની સાચી પરિભાષા શું હોય? (What is the correct definition of personality development and culture?)
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર માનવ જીવનના એવા બે આધારસ્તંભ છે, જે વ્યક્તિને માત્ર સફળ જ નહીં પરંતુ અર્થપૂર્ણ અને સન્માનિત જીવન જીવવા માટે સક્ષમ બનાવે છે. આજે આધુનિક યુગમાં વ્યક્તિત્વ વિકાસનો અર્થ ઘણીવાર બહારની ચમક-ધમક, બોલવાની સ્ટાઇલ, આત્મવિશ્વાસભર્યો અંદાજ કે આધુનિક જીવનશૈલી સુધી સીમિત કરી દેવામાં આવ્યો છે, જ્યારે સંસ્કારને ઘણીવાર જૂના સમયની વાત માનીને અવગણવામાં આવે છે. પરંતુ જો આ બંને વિષયને ઊંડાણથી સમજવામાં આવે, તો સ્પષ્ટ થાય છે કે વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર એકબીજા વગર અધૂરા છે. સાચું વ્યક્તિત્વ એ છે, જેમાં જ્ઞાન સાથે વિનમ્રતા, આત્મવિશ્વાસ સાથે સંયમ અને સફળતા સાથે માનવતા જોડાયેલી હોય, અને આ ગુણોનું મૂળ સંસ્કારમાં જ વસેલું છે.
માનવ જન્મથી સંપૂર્ણ નથી હોતો; તે તેના અનુભવ, શિક્ષણ અને પરિસ્થિતિઓ દ્વારા ઘડાતો જાય છે. વ્યક્તિત્વ વિકાસ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં વ્યક્તિ પોતાની અંદરની શક્તિઓને ઓળખે છે, તેને યોગ્ય દિશામાં વિકસાવે છે અને પોતાની નબળાઈઓને દૂર કરવાની કોશિશ કરે છે. પરંતુ આ પ્રક્રિયા માત્ર બાહ્ય ગુણો સુધી સીમિત રહી જાય, તો તે ખોખલી બની જાય છે. જ્યારે સંસ્કાર આ વિકાસને આંતરિક દિશા આપે છે, ત્યારે જ તે સાચા અર્થમાં પૂર્ણ બને છે. સંસ્કાર એ કોઈ પુસ્તકમાં લખેલી થિયરી નથી, પરંતુ જીવનમાં અનુભવીને, પરિવાર અને સમાજમાંથી શીખીને અને પોતાની અંદરની અવાજને સાંભળીને વિકસાવેલી મૂલ્યપ્રણાલી છે, જે દરેક નિર્ણયમાં આપણું માર્ગદર્શન કરે છે.
આ વાતને સરળ રીતે સમજવા માટે આપણે જીવનના સામાન્ય પ્રસંગોને ધ્યાનમાં લઈએ. એક વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી છે, તે પોતાની વાતો ખૂબ જ પ્રભાવશાળી રીતે રજૂ કરી શકે છે, પરંતુ જો તે પોતાની સફળતા માટે અન્ય લોકોને નીચે દેખાડે છે, તેમની લાગણીઓને અવગણે છે અથવા અહંકારથી વર્તે છે, તો તેનું વ્યક્તિત્વ બહારથી ચમકદાર હોવા છતાં અંદરથી ખાલી રહે છે. બીજી તરફ, એક સામાન્ય વ્યક્તિ, જે કદાચ એટલો શિક્ષિત ન હોય, પરંતુ જે દરેક વ્યક્તિ સાથે સન્માનપૂર્વક વર્તે છે, મદદ કરવા તૈયાર રહે છે અને પોતાની મર્યાદાઓમાં રહીને સત્ય અને ઈમાનદારીથી જીવન જીવે છે, તે વ્યક્તિનું વ્યક્તિત્વ વધુ ઊંચું ગણાય છે. આ તફાવતનું કારણ સંસ્કાર છે. સંસ્કાર વ્યક્તિને માત્ર સારા-ખોટાનો ભેદ જ શીખવતા નથી, પરંતુ તે ભેદને જીવનમાં અમલમાં મૂકવાની પ્રેરણા પણ આપે છે.
વ્યક્તિત્વ વિકાસનો સાચો અર્થ ત્યારે સમજાય છે, જ્યારે વ્યક્તિ પોતાની અંદર ઝાંખી કરે છે. પોતાને પૂછે છે કે શું હું માત્ર બહારથી સારો દેખાવા માંગું છું કે અંદરથી પણ સારો બનવા ઈચ્છું છું. આ આત્મમંથન ખૂબ જ મહત્વનું છે, કારણ કે તે આપણને આપણાં સાચાં સ્વરૂપ સાથે પરિચિત કરાવે છે. જ્યારે વ્યક્તિ પોતાની ભૂલોને સ્વીકારીને તેને સુધારવાની તૈયારી રાખે છે, ત્યારે તે સાચા અર્થમાં વિકાસની દિશામાં આગળ વધે છે. આ પ્રક્રિયામાં સંસ્કાર તેની મદદ કરે છે, કારણ કે સંસ્કાર વ્યક્તિને અહંકારથી દૂર રાખે છે અને તેને શીખવે છે કે શીખવાનું ક્યારેય બંધ ન કરવું.
આધુનિક સમાજમાં ઘણીવાર આપણે જોઈ શકીએ છીએ કે લોકો સફળતા માટે કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર હોય છે. સ્પર્ધા એટલી વધી ગઈ છે કે લોકો માટે પરિણામ જ મહત્વનું બની ગયું છે, રસ્તો કેવો છે તે મહત્વનું નથી રહેતું. અહીં સંસ્કારની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે. સંસ્કાર વ્યક્તિને યાદ અપાવે છે કે સાચી સફળતા એ છે, જે સત્ય અને ઈમાનદારીના માર્ગે પ્રાપ્ત થાય. જો સફળતા માટે આપણે આપણા મૂલ્યોને ત્યજી દઈએ, તો તે સફળતા લાંબા ગાળે આનંદ આપતી નથી. સાચી ખુશી ત્યારે મળે છે, જ્યારે વ્યક્તિને ખબર હોય કે તેણે જે મેળવ્યું છે, તે યોગ્ય રીતે મેળવ્યું છે.
સંસ્કારનો પ્રભાવ માત્ર વ્યક્તિ સુધી સીમિત નથી રહેતો, તે સમગ્ર સમાજને પ્રભાવિત કરે છે. એક સંસ્કારી વ્યક્તિ જ્યાં જાય છે, ત્યાં સકારાત્મકતા ફેલાવે છે. તેની વાણીમાં મધુરતા હોય છે, તેના વર્તનમાં સહાનુભૂતિ હોય છે અને તેના નિર્ણયો માં ન્યાય હોય છે. આવી વ્યક્તિઓ સમાજને મજબૂત બનાવે છે. બીજી તરફ, સંસ્કાર વિહોણા લોકો સમાજમાં અશાંતિ અને અસંતુલન લાવે છે. તેથી, વ્યક્તિત્વ વિકાસને માત્ર વ્યક્તિગત પ્રગતિ તરીકે નહીં, પરંતુ સામાજિક જવાબદારી તરીકે પણ જોવું જોઈએ.
આજના યુવાનો માટે આ વિષય ખાસ કરીને મહત્વનો છે. તેઓ નવી ટેકનોલોજી, નવી વિચારધારા અને નવા અવસરોથી પરિચિત છે, જે તેમની પ્રગતિ માટે ખૂબ જ સકારાત્મક છે. પરંતુ જો આ પ્રગતિ સાથે સંસ્કાર જોડાયેલા ન હોય, તો તે ખતરનાક બની શકે છે. યુવાનોને સમજવું પડશે કે આધુનિકતા અને સંસ્કાર વિરોધી નથી, પરંતુ પૂરક છે. તેઓ બંને સાથે આગળ વધી શકે છે. એક વ્યક્તિ સ્માર્ટ પણ બની શકે છે અને સંસ્કારી પણ રહી શકે છે. ખરેખર, સાચો સ્માર્ટ વ્યક્તિ એ જ છે, જે પોતાની સફળતામાં પણ વિનમ્ર રહે છે અને બીજાની લાગણીઓને સમજે છે.
જ્યારે આપણે ઈતિહાસ તરફ નજર કરીએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે મોટા મહાન લોકોના જીવનમાં આ બંને ગુણોનો સુંદર સમન્વય જોવા મળે છે. તેઓ માત્ર જ્ઞાનમાં આગળ ન હતા, પરંતુ તેમના જીવનમાં સંસ્કાર અને મૂલ્યોની પણ ઊંડી અસર હતી. તેઓએ બતાવ્યું કે સાચી મહાનતા માત્ર મોટા કાર્યો કરવામાં નથી, પરંતુ નાના-નાના સારા વર્તનમાં પણ છુપાયેલી છે. એક સરળ સ્મિત, એક સારો શબ્દ, એક નાની મદદ—આ બધું પણ વ્યક્તિત્વનો ભાગ છે.
વ્યક્તિત્વ વિકાસ અને સંસ્કાર કોઈ એક દિવસમાં પ્રાપ્ત થતી વસ્તુ નથી. તે જીવનભર ચાલતી એક યાત્રા છે. દરેક દિવસ આપણને કંઈક નવું શીખવાની તક આપે છે, દરેક પરિસ્થિતિ આપણને સુધારવાની તક આપે છે. જો આપણે દરેક દિવસ થોડું વધારે સારા બનવાનો પ્રયત્ન કરીએ, તો ધીમે ધીમે આપણું વ્યક્તિત્વ વિકસે છે અને સંસ્કાર મજબૂત બને છે. જીવનનો સાચો હેતુ માત્ર જીવવું નથી, પરંતુ એવું જીવવું છે કે આપણી હાજરીથી દુનિયા થોડું વધારે સુંદર બને.
સાચું વ્યક્તિત્વ એ છે, જેમાં વિચારની ઊંડાઈ, વર્તનની સરળતા અને હૃદયની પવિત્રતા હોય. અને આ બધું ત્યારે જ શક્ય બને છે, જ્યારે જીવનમાં સંસ્કારનો મજબૂત આધાર હોય. તેથી, આપણે દરેકે પ્રયાસ કરવો જોઈએ કે આપણે માત્ર સફળ વ્યક્તિ નહીં, પરંતુ સારા અને સંસ્કારી વ્યક્તિ બનીએ, કારણ કે અંતે માણસને તેના પદ કે સંપત્તિથી નહીં, પરંતુ તેના સ્વભાવ અને મૂલ્યોથી ઓળખવામાં આવે છે.
"સાચું વ્યક્તિત્વ એ નથી કે દુનિયા તમને કેવી રીતે જુએ છે, પરંતુ એ છે કે તમે અંદરથી કેટલા સચ્ચા, સંસ્કારી અને સંતુલિત છો.”
કોલમ: જયવાદ
લેખક: જૈમીન જોષી.
“રાત્રે 2 વાગ્યા પછી મન અલગ કેમ વિચારે છે? ("Does the mind think differently after 2 nights?")
“ રાત્રે 2 વાગ્યા પછી મન અલગ કેમ વિચારે છે ? રાત્રે 2 વાગ્યા પછી દુનિયા બદલાતી નથી … પણ માણસનું મન બદલાઈ જાય છે. દિવસ દરમિયાન જે વિચાર...
-
IPC 376 બળાત્કારી ગુનેગારોનો અંતિમ અંજામ. [ કલમ ૩૭૬ - એ ] : - ભોગ બનનારનું મૃત્યુ નિપજાવવું અથવા નિરર્થક સ્થિતિમાં રહેવાની શિક્ષા :- ...
-
સમર્પણ , સ્નેહ અને ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!! MEERA ક્રુષ્ણ પ્રિય મીરાં: છ સાત વર્ષની બાળા એક વટેમાર્ગ...
-
મૂલ્ય એટલે આપણી ભાવનાઓ માન્યતા, આદર્શો, સંસ્કાર, સંસ્કૃતિ, સમજણ અને જ્ઞાનની જળવાયેલ એકસૂત્રતા: - માનવજીવનમાં મૂલ્યોનું આગવું મહત્વ છે...
-
પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર હિન્દુ જ્યોતિષ શાસ્ત્ર અને ભારતીય કેલેન્ડરમાં પથદર્શક અને મૂળ કેન્દ્ર સ્થાને છે:- માનવ જેમ જેમ વિકાસ પામતો થયો ત...
-
કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy): સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...