Sunday, May 10, 2026

“મા: અંતિમ શ્વાસ સુધી સંતાન માટે લડતું હૃદય | મધર્સ ડે વિશેષ ભાવનાત્મક સત્ય ઘટના” (“Mother: A heart that fights for its child till its last breath | Mother's Day Special Emotional True Story”)

 

મા હોય ત્યાં સુધી જ ઘર, ઘર લાગે છે…”

  • મા વગર જીવન અધૂરું કેમ લાગે છે?
  • માતાનો પ્રેમ કેમ ભગવાન સમાન છે?
  • પરિવારમાં સંબંધો કેમ તૂટે છે?
  • એક સત્ય ઘટના જે દિલ હલાવી દેશે..


  • ખુબ સાંભળેલું અને વાઇરલ થયેલું વાક્ય કે, દુનિયામાં ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નહોતા, તેથી કદાચ તેમણે માબનાવી.

    મા

    આ એક એવો શબ્દ છે, જે બોલતા જ હૃદયમાં અજાણી શાંતિ ઉતરી આવે છે. દુનિયામાં કદાચ દરેક સંબંધ કોઈને કોઈ શરત પર ટકેલો હોય, પરંતુ માતાનો પ્રેમએ એકમાત્ર એવો પ્રેમ છે, જે નિશ્વાર્થ, પવિત્ર, પ્રમાણિક, નિઃશબ્દ અને અખૂટ હોય છે.

                મધર્સ ડે આવે એટલે સોશિયલ મીડિયા પર ફોટા, સ્ટેટસ અને શુભેચ્છાઓનો વરસાદ શરૂ થઈ જાય છે. પરંતુ શું  મા માટે એક દિવસ પૂરતો પ્રેમ કે સન્માન બતાવવું યોગ્ય છે? જો માતા પોતાનું આખું જીવન સંતાન માટે જીવે અને તેમાં એ વળતરમાં દેખાડાની લાગણી મળે તો તે લાગણીને ઉકરડામાં નાખી દેવી જોઈએ. માં પોતાના સપનાઓને અધૂરા રાખીને પોતાના સંતાનના સપનાઓને પૂરાં કરવા માટે લડે છે, ત્યાગ કરે છે અને સૌથી મોટું તે સહન કરે છે. માં થી વધુ સહનશીલ દુનિયામાં કોઈ નથી. એક સ્ત્રી પોતાના સન્માન માટે કોઈનું ખોટું સહન નથી કરતી અને જો કોઈ એક તરફી જડતા પૂર્વક વિચારને વળગી રહે તો તેને કોઈ બંધન રોકી શકતું નથી પણ જ્યાં સંતાનની વાત આવે ત્યાં તેના ઉછેર ગણતર અને જીવન માટે સ્ત્રી કડવા ઘુટડા રોજ પી જતી હોય છે.

                મને એક બહુ ચર્ચિત એક સત્ય ઘટના યાદ આવે છે. એક સામાન્ય ગરીબ પરિવારની મા રોજ સવારે ચાર વાગ્યે ઊઠતી. ઘરમાં બધાં સૂતા હોય ત્યારે તે ધીમા પગલે કોઈને ખલેલ ન પહોંચે તે રીતે  રસોડામાં કામ શરૂ કરતી. સંતાનને સારી સ્કૂલમાં ભણાવી શકે એ માટે તે બીજા લોકોના ઘરે વાસણ ધોવાનું કામ પણ કરતી. દીકરો મોટો થયો, સફળ બન્યો, શહેરમાં મોટી નોકરી મળી ગઈ. એક દિવસ કોઈએ એને પૂછ્યું, “તમારી સફળતાનું રહસ્ય શું છે?”

    એણે થોડું મૌન રાખીને કહ્યું,

    મારી માકારણ કે હું થાકી જાઉં ત્યારે મને આરામ મળતો, પણ મારી મા ક્યારેય થાકવાની પરવાનગી જ પોતાને આપતી નહોતી.

    ખરેખર, માતા ક્યારેય પોતાના દુઃખનો હિસાબ રાખતી નથી. બાળકને તાવ આવે તો આખી રાત જાગી જાય, પરંતુ પોતે બીમાર હોય તો પણ ઘરનું કામ બંધ ન કરે. સંતાનના ચહેરા પરનું સ્મિત જ તેની સૌથી મોટી કમાણી હોય છે.

            આજના સમયમાં આપણે બધા ખૂબ વ્યસ્ત થઈ ગયા છીએ. કામ, મોબાઇલ અને જવાબદારીઓ વચ્ચે ઘણી વાર મા સાથે બે મિનિટ બેસીને વાત કરવાનું પણ રહી જાય છે, પરંતુ જરા વિચાર કરો કે ઘરમાં માની બંગડી કે તેના ચાલતા પગલાંનો એહસાસ ન થાય તો શું એ ઘરમાં આપણું મન લાગશે ? શું થશે જે દિવસે પોતાનું કહેવાવાળું, નિશ્વાર્થ લાગણી ધરાવતું આપણું કોઈ નહિ હોય... યાદ રાખજો એક દિવસ એવો આવશે જ્યારે એ અવાજ સાંભળવા માટે હૃદય દ્રવી ઉઠશે.

    કારણ કે મામાત્ર વ્યક્તિ નથી, એ ઘરનું ધબકતું હૃદય છે.

    મધર્સ ડેના દિવસે મોંઘી ભેટ આપવી જરૂરી નથી. ક્યારેક માત્ર એટલું કહી દેવું

    મા, તમે છો એટલે મારું જીવન સુંદર છે…”એ જ તેમના માટે દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બની જાય છે.

    સાચું કહીએ તો,માતાનો પ્રેમ ક્યારેય શબ્દોમાં પૂર્ણ રીતે લખી શકાય એવો નથીમાત્ર અનુભવી શકાય એવો છે.

        મને આજના દિવસે આદિ કવિ ઝવેરચંદ મેઘાણી યાદ આવે. તેમને માવિશે ખૂબ જ લાગણીસભર શબ્દોમાં લખ્યું છે. તેમની રચનાઓમાં માતાનો પ્રેમ, ત્યાગ અને મમતા વારંવાર ઝળહળી ઊઠે છે. તેમની એક ખૂબ જાણીતી પંક્તિ છે:

    જનનીની જોડ સખી નહિ જડે રે લોલ…”

    મેઘાણી સાહેબ માતાને માત્ર જન્મ આપનાર સ્ત્રી તરીકે નથી જોતા, પરંતુ જીવનની પ્રથમ શાળા, પ્રથમ શિક્ષક અને પ્રથમ આશ્રય તરીકે રજૂ કરે છે. તેમની લોકસાહિત્યની રચનાઓમાં ગામડીયું જીવન અને માતૃત્વની સુગંધ સ્પષ્ટ અનુભવાય છે.જે આજે પણ દરેક ગુજરાતીના માનસપટ પર છવાયેલી રહે છે. મધર્સ ડે માટે મેઘાણીની આ ભાવના ખૂબ યોગ્ય લાગે છે

    માતા એ એવી છાંય છે, જ્યાં સંતાનને આખી દુનિયાનો થાક ઉતરી જાય છે.

                હાલમાં સમાચારોમાં એક એવી કરુણ ઘટના જોઈ, જેણે આખા દેશનું હૃદય ભીનું કરી દીધું.મધ્યપ્રદેશના જબલપુર પાસે બર્ગીડેમમાં એક બોટ દુર્ઘટનામાં અનેક લોકો પાણીમાં સમાઈ ગયા. તેમનું જીવન એકદમ અંધકારમય બની ગયું, પરંતુ એ ઘટનામાં એક દ્રશ્ય એવું હતું, જે માત્ર સમાચાર નહોતુંતે માતૃત્વનું જીવતું સત્ય સ્વરૂપ હતું.જ્યારે બચાવ ટીમ પાણીની અંદર શોધખોળ કરી રહી હતી, ત્યારે તેમને એક માતા અને તેના નાનકડા દીકરાનો મૃતદેહ મળ્યો,પણ સૌથી વધુ હચમચાવી નાખનાર વાત એ હતી કે મૃત્યુ પછી પણ એ માતાએ પોતાના બાળકને છાતી સાથે ભીંજવેલી હાલતમાં છાતીમાં જકડેલો રાખ્યો હતો. પાણીની ઊંડાઈ અને ભયની અંદર પણ માતાનો હાથ પોતાના સંતાન પરથી છૂટ્યો નહોતો.જાણે કે અંતિમ ક્ષણે પણ તે મૃત્યુ સામે લડી રહી હોય અને કહી રહી હોય મારા બાળકને કંઈ નહિ થવા દઉં…” એ અપેક્ષા સાથે કે ભલે મારું જીવન પૂર્ણ થાય મારા પરિવારનું અસ્તિત્વ ન રહે પણ મારા બાળકને એક આંચ પણ ના આવવી જોઈએ.

    આ દૃશ્ય જોઈને બચાવ કર્મીઓ પણ રડી પડ્યા હતા. કારણ કે ત્યાં માત્ર બે મૃતદેહ નહોતાત્યાં એક માતાનો અનંત પ્રેમ પડ્યો હતો.જે દુનિયાએ જોયો.

    મને ક્યારેક વિચાર આવે કે મૃત્યુ જ્યાં બધું છીનવી લે છે, ત્યાં પણ માતાનો પ્રેમ જીવતો કેવી રીતે રહી જાય છે? કદાચ એ માટે જ કહેવાય છે કે,

    માતા શરીરથી દૂર થઈ શકે, પરંતુ તેના પ્રેમનું અસ્તિત્વ ક્યારેય મરતું નથી.

    આ ઘટના આપણને માત્ર દુઃખ નથી આપતી, પણ એક મોટો સંદેશ પણ આપે છે, માતાનો પ્રેમ શબ્દોમાં સમજાવી શકાય તેવો નથી. તે તો તેના જીવનના અંતિમ શ્વાસ સુધી સંતાન માટે ધબકતું હૃદય છે.

    આજે જ્યારે આપણે મધર્સ ડે ઉજવીએ છીએ, ત્યારે એ અજાણી માતાને પણ નમન કરવું જોઈએ જેને પૃથ્વી ઉપર માણસને જીવતું રાખ્યું, પ્રેમને જીવંત રાખ્યું અને પ્રમાણિકતાને ટકાવી રાખ્યું.

    અંતે કવિ દલપતરામ ની સુંદર પંક્તિ સાથે

    મા તે મા, બીજા બધા વગડાના વા…”

    કવિ કહે છે કે  દુનિયાના બધા સંબંધો પોતાની જગ્યાએ છે, પરંતુ માતાનો સંબંધ સૌથી અનમોલ અને અદ્વિતીય છે.


    કોલમ: જયવાદ

    લેખક: જૈમિન જોષી.

    No comments:

    Post a Comment

    “મા: અંતિમ શ્વાસ સુધી સંતાન માટે લડતું હૃદય | મધર્સ ડે વિશેષ ભાવનાત્મક સત્ય ઘટના” (“Mother: A heart that fights for its child till its last breath | Mother's Day Special Emotional True Story”)

      “ મા હોય ત્યાં સુધી જ ઘર , ઘર લાગે છે …” મા વગર જીવન અધૂરું કેમ લાગે છે? માતાનો પ્રેમ કેમ ભગવાન સમાન છે? પરિવારમાં સંબંધો કેમ તૂટે છે? એ...