Wednesday, September 23, 2020

પુરુષોત્તમ માસ (Purushottam mas)

 




   પુરુષોત્તમ એ એક મહિનાનું નામ છે.તેના અધિષ્ઠતા  પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું  છે. આ માસમાં વ્રત,તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે.આ માસમાં વ્રત,નિયમ,ધ્યાન આદિ કરવાથી તેના પ્રભાવે સુખ,વૈભવ આદિ ફળ સ્વરૂપે મળે છે. 

  સૂર્ય અને ચંદ્રને એક વખત યુતિ થવાનાં સમયથી અર્થાત્ એક અમાસથી ફરીવાર આવી યુતિ થાય અથવા આગળની અમાસ સુધીનો કાળ એટલેકે ચંદ્ર માસ. તહેવાર,ઉત્સવ,લગ્ન, હવન જાપ વગેરે ચંદ્રની ગતિ ઉપરથી નક્કી થતાં હોય છે અને ચંદ્રમાનો તે માસમાં આવનારી નક્ષત્ર પૂતિઁ ઉપરથી પડ્યાં છે.ચૈત્ર માસની પૂર્ણિમાને ચિત્રા નક્ષત્ર હોય છે.તેવી રીતે સૂર્યની ગતિ પરથી ઋતુશાર નક્કી થાય છે.સૂર્ય અશ્વિની નક્ષત્રથી બ્રહ્મણ કરી પાછો આવે તે સ્થાને આવે છે.ચંદ્ર વર્ષનાં 354 દિવસ અને સૂર્ય વર્ષના 365 દિવસ હોય છે.આમ બન્ને વચ્ચે કુલ 11 દિવસ નો તફાવત ઊભો થાય છે. આમ સાડા બત્રીસ માસ કે 27 થી 35 માસ પછી એક અધિકમાસ  આવે છે. 

 અધિકમાસ  એટલે  કે સામાન્ય શબ્દોમાં  "વધારાનો માસ".આ માસની કથા શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહી હતી.
અર્જુને પણ જ્યારે શ્રી ક્રુષ્ણને આ માસ વિષે પૂછ્યું  કે ‘આ અધિક માસ શું છે? તેનું શા માટે વ્રત કરવું,તેનાથી ફળની શી પ્રાપ્તિ થાય એ બધું અમને વિગતે સમજાવો.'શ્રીકૃષ એ જવાબમાં કહ્યું કે,' વર્ષ, માસ , દિવસ , પ્રહર , ઘડી , પળ ને વિપળ બધા કાળના વિભાગો છે, સમુદ્ર , નદી , તળાવ , કૂવા,ઝરણાં વગેરે જળના વિભાગો છે.આ બધા વિભાગોના જુદા જુદા દેવો અધિષ્ઠાતા છે.આ બધા વિભાગોને તેમના દેવોની કૃપાથી સુખ મળતું હોય છે. એવામાં સંજોગવસાત્ એક વધારાનો માસ ઉત્પન્ન થયો પરંતુ આ માસનો અધિષ્ઠાતા દેવ નહોતો.આથી લોકો આ માસને 'મલમાસ' ના નામે ઓળખવા લાગ્યા,વળી આ માસને મલિન માની ભાવિકો તે માસમાં સત્કાર્ય કરતા નહિ  કારણ કે આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો , તેથી લોકો તેને નિંદાપાત્ર ગણતા.આમ "મલમાસ"  આ રીતે હડધૂત થયેલ હોવાથી  બહુ નિરાશ થયો.કેટલીક વાર તેને આપઘાત કરવાનું મન પણ થતું. દુ:ખ, તિરસ્કારને અપમાનને લીધે મલમાસનું જીવન ઝેર જેવું બની ગયું હતું.સોખગ્રસ્ત તે ભગવાન વિષ્ણુપાસે ગયો. ભગવાન વિષ્ણુના ચરણકમળનો સ્પર્શ કરી તેણે પોતાનાં દુ:ખો કહેવા માંડ્યાં : ' હે દયાસાગર ! કંઈ ન સૂઝવાથી અકળાયેલો , મૂંઝાયેલો હું આપના શરણે આવ્યો છું. લોકોએ મારો તિરસ્કાર કરી હડધૂત કર્યો છે . હું અનાથ છું . આપ મારું રક્ષણ કરો. મલમાસ નામ આપીને મારા ભાઇઓએ મારું ધોર અપમાન કર્યું છે. મારું જીવન અસહ્ય બનાવી દીધું છે. મારો કોઇ અધિષ્ઠાતા નથી. આ ત્રીસ દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે . આથી મને હડધૂત કરવામાં આવે છે. પ્રભુ,આપ શિવાય મારો ઉદ્ધાર કોઈ કરી શકે તેમ નથી. આપ જગતના પાલનહાર છો. આપજ મને માર્ગ બતાવી ,મારા જીવનનો ઉદ્ધાર કરો. આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યો .
  ભગવાન વિષ્ણુ તેની પ્રત્યે દયા આવી અને તે  બોલ્યા : ' વત્સ , દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઇએ . રડવાથી કંઈ વળતું નથી . મારે શરણે આવેલ કોઇપણ દુખી સંકટમુક્ત થયા વિના પાછો ફરતો નથી . મારા ધામમાં અને મારા શરણમાં દુ:ખ કે શોકનું તેમજ મૃત્યુનું નામનિશાન જોવા નહિ મળે . હું તને દુ:ખમાંથી મુક્ત કરીશ. તારે જે કહેવું હોય તે ધૈર્ય અને  શાંતિથી કહે. ' ભગવાન વિષ્ણુનાં આવાં વચનો સાંભળી મલમાસને  આનંદ થયો . તે બે હાથ જોડી બોલ્યો: ' હે પરમકૃપાળુ, મારું દુખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે. મારો તિરસ્કાર ન થાય ,મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓને જેમ અધિષ્ઠાતા દેવ છે, તેમ મારો અધિષ્ઠાતા સ્થાપિત કરો.આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી આપ કૃપા કરો . લોકો મને મલમાસ ન કહે, તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો . આપ દીનદયાળુ છો. મારાં ઉપરનાં આ કષ્ટો મને મરણતુલ્ય લાગે છે. મને તેમાંથી ઉગારો ’આમ કહીને મલમાસ ભગવાન વિષ્ણુના ચરણમાં ઢળી પડ્યો. 

  મલમાસની પીડા જોઈ ભગવાન વિષ્ણુંએ પોતાના ગરુડઉપર બેસાડી તેમણે પૂરુંષોત્તમ ભગવાન પાસે લઈ ગયા. આખી વાત સાંભળીને  પુરુષોત્તમ ભગવાને  શ્રી વિષ્ણુજીને કહ્યું કે , ‘તમે મલમાસને લઇને આવ્યા છો , તે ઠીક જ કર્યું છે . હું મારા ગુણો, કીર્તિ,પ્રભાવ,ઐશ્વર્યો , પરાક્રમો એવા બધા ગુણોનું ધન આ મલમાસને આપું છું , તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ’ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન આપું છું. તેનો સ્વામી હું છું. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં શ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય તથા વંદનલાયક થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્રયમાંથી મુક્ત થશે.આ માસમાં તીર્થ, વ્રત અને દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે . જે કોઇ આ માસની યથાવિધ પૂજા કરશે , તેનાં પાપો બળીને ભસ્મ થઈ જશે . યોગી લોકો સંયમમાં રહી તપ કરી ઘણું સહન કરે છે , છતાં તેઓ મારા આ ધમને પામી શકતા નથી , પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મમરણના ભયથી મુક્ત અને આધિવ્યાધિ તથા ધડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી તે મારું પરમ ધામ પામે છે. આ માસનો અધિષ્ઠાતા આજથી હું થાઉં છું અને તેને પ્રતિષ્ઠ આપું છું . તેનું નામ પણ પુરુષોત્તમ માસ ' આપું છું. આમ મલમાસના અધિષ્ઠતા દેવ પુરુષત્તમ દેવ કહેવાયાં.
                                           
  નદીઓમાં ગંગા, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, રત્નોમાં ચિંતામણી, ગાયોમાં કામધેનું, પુરુષોમાં રાજા, શાસ્ત્રોમાં વેદ તેમજ વ્રતો કે પુણ્યમાં પુરુષોત્તમ માસ સર્વશ્રેષ્ઠ છે. આખો માસ એ ધાર્મિક પર્વ જેવો હોય છે. આસો માસ પેહલા આવતા અધિક માસ ને આસો અધિક માસ કહે છે અને પછી આવનાર માસ ને નિજ આસો માસ તરીકે ઓળખાય છે.
   પવિત્ર પુરુષોત્તમ માસ ( અધિકમાસ ) માં શ્રદ્ધાળુ સ્ત્રી - પુરુષોએ ખાન , ધ્યાન , વ્રત , નિયમ , તપ અને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. 

                                                  જૈમીન જોષી. 

3 comments:

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...