માતા-પિતા
બાળકોને ભવિષ્ય આપે છે, પણ શું તેઓ તેમને વર્તમાન જીવવા દે છે?
દરેક માતા-પિતા જ્યારે બાળકને શાળાએ મૂકવા જાય છે ત્યારે તેમની આંખોમાં એક જ
સપનું હોય છે, મારું બાળક
જીવનમાં કંઈક બને. તે સારું ભણે, સારો વ્યવસાય કરે, સમાજમાં માન
મેળવે અને આવતીકાલે તેને કોઈ મુશ્કેલી ન પડે. પોતાના અધૂરા સપનાંઓને પણ ઘણી વખત
માતા-પિતા બાળકના ભવિષ્ય સાથે જોડી દે છે. બાળક માટે ઘર, શિક્ષણ, સુવિધા અને
સુરક્ષા ઊભી કરતાં કરતાં તેઓ પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે. તેમાં કોઈ શંકા નથી
કે માતા-પિતાનો આ પ્રેમ નિઃસ્વાર્થ છે પરંતુ ક્યારેક આ જ પ્રેમ અજાણતાં એક પ્રશ્ન
ઊભો કરે છે. બાળકના
ભવિષ્યને સુરક્ષિત કરવાની દોડમાં આપણે તેનું આજનું બાળપણ તો નથી છીનવી રહ્યા ને?
આ પ્રશ્ન માતા-પિતાની લાગણી પર આક્ષેપ નથી. આ તો માત્ર એક અરીસો છે, જેમાં આપણે
આપણા ઉછેરની રીતને એક વાર શાંતિથી જોઈ લેવાની જરૂર છે.
ભવિષ્યની ચિંતા ક્યારે દબાણ બની
જાય છે?
આજના સમયમાં બાળક શાળાએ જાય છે, ટ્યુશન જાય
છે, વિવિધ પ્રવૃત્તિઓ કરે છે, પરીક્ષાની
તૈયારી કરે છે અને સાથે માતા-પિતાની અપેક્ષાઓનું ભારણ પણ વહન કરે છે. બાળકના
પરિણામમાં ૯૦ ટકા આવે તો પ્રશ્ન થાય છે. “બીજા દસ ટકા ક્યાં ગયા?” તે ૯૫ ટકા
લાવે તો પૂછાય છે. “ક્લાસમાં
પહેલો નંબર કેમ ન આવ્યો?” અને જો તે પ્રથમ આવે તો પણ કદાચ
આગળની પરીક્ષાની તૈયારી શરૂ થઈ જાય છે.
ધીમે ધીમે બાળક માટે ભણતર જ્ઞાન મેળવવાની પ્રક્રિયા નહીં, પરંતુ પોતાની
કિંમત સાબિત કરવાની પ્રક્રિયા બની જાય છે.
તેને લાગે છે કે સારા ગુણ એટલે હું સારો; ઓછા ગુણ એટલે
હું નિષ્ફળ.
આ વિચાર સૌથી ખતરનાક છે કારણ કે માર્કશીટ બાળકની એક પરીક્ષાનું પરિણામ કહી શકે
છે, પરંતુ તે બાળકની બુદ્ધિ, સંવેદનશીલતા, સર્જનાત્મકતા, ઈમાનદારી, હિંમત કે
માણસ તરીકેની કિંમત નક્કી કરી શકતી નથી.
દરેક બાળક એકસરખું કેમ હોવું
જોઈએ?
આપણે ઘણી વાર બાળકને બીજા બાળક સાથે સરખાવીએ છીએ. “જુઓ, તે કેટલું
સરસ ભણે છે.” “તેને આટલા માર્ક્સ આવ્યા.” “તે રોજ આટલા
કલાક ભણે છે.” આવા વાક્યો માતા-પિતાને સામાન્ય
લાગે છે, પરંતુ બાળકના મનમાં તેની અસર
ઘણી ઊંડી હોઈ શકે છે.
બાળકને સરખામણી કરતાં માર્ગદર્શનની જરૂર હોય છે. એક બાળક
ગણિતમાં આગળ હોઈ શકે, બીજું સંગીતમાં. કોઈને પુસ્તકો
ગમે, કોઈને રમતગમત. કોઈ શાંત હોય, કોઈ સતત
પ્રશ્નો પૂછતું હોય. કોઈને ઝડપથી સમજાય, કોઈને થોડો
વધુ સમય જોઈએ. બાળકને એક
નક્કી કરેલા ઢાંચામાં ઢાળવાને બદલે તેની અંદર રહેલી વિશિષ્ટતા ઓળખવી એ માતા-પિતાની
મોટી જવાબદારી છે કારણ કે બાળકને પોતાની ઓળખ બનાવવા માટે જગ્યા જોઈએ; માત્ર
માતા-પિતાના સપનાં પૂરા કરવા માટે નહી
મોટા થયા પછી આપણે ઘણી વસ્તુઓ ફરીથી ખરીદી શકીએ છીએ. ઘર, કાર, કપડાં, પુસ્તકો, સુવિધાઓ.
પરંતુ એક વસ્તુ પાછી ખરીદી શકાતી નથી “બાળપણ.”
બાળકનો વરસાદમાં ભીંજાવાનો આનંદ, મિત્રો સાથે
નિરર્થક વાતો કરવાની મજા, મેદાનમાં દોડવાની ખુશી, દાદા-દાદી
સાથે બેસીને વાર્તા સાંભળવાની ક્ષણો, માતાની
ગોદમાં માથું મૂકીને સૂઈ જવાની નિશ્ચિતતા. આ બધું તેના જીવનના વિકાસનો જ
ભાગ છે. આપણે ઘણી વખત
માનીએ છીએ કે રમવાનો સમય એટલે સમયનો બગાડ. પરંતુ બાળક માટે રમત માત્ર રમત નથી.
તેમાં તે હારવાનું શીખે છે, ફરી ઊભું થવાનું શીખે છે, મિત્રતા શીખે
છે, નિયમો શીખે છે અને સૌથી
અગત્યનું જીવનને
માણવાનું શીખે છે. બાળપણને
માત્ર ભવિષ્યની તૈયારીમાં ફેરવી દેવું એટલે જીવનના સૌથી સુંદર અધ્યાયને ‘પછી વાંચીશું’ કહીને બંધ
કરી દેવો.
માતા-પિતા ખોટા નથી, સમય બદલાયો છે
અહીં માતા-પિતાને દોષ આપવો સહેલો છે, પરંતુ યોગ્ય
નથી. આજની સ્પર્ધા
ખરેખર વધી છે. શિક્ષણમાં સ્પર્ધા છે, નોકરીમાં
સ્પર્ધા છે, ટેકનોલોજીની દોડ છે અને ભવિષ્ય
અંગે અનિશ્ચિતતા પણ છે. માતા-પિતા પોતાના બાળકને પાછળ રહી જતું જોવા માંગતા નથી. તેથી તેઓ
વધારે ભણાવે છે, વધારે પ્રવૃત્તિઓ કરાવે છે, વધારે
માર્ગદર્શન આપે છે પરંતુ પ્રશ્ન પ્રયત્નનો નથી; પ્રશ્ન
પ્રમાણનો છે.
બાળકને આગળ વધારવું જરૂરી છે, પરંતુ સતત ધકેલતા રહેવું જરૂરી
નથી. ક્યારેક તેને હાથ પકડીને ચલાવવું પડે છે, ક્યારેક
રસ્તો બતાવવો પડે છે અને ક્યારેક થોડું દૂર ઊભા રહીને તેને પોતે રસ્તો શોધવા દેવું
પડે છે. સારો ઉછેર
કદાચ એ નથી કે બાળક માટે સંપૂર્ણ રસ્તો આપણે નક્કી કરી દઈએ. સારો ઉછેર એ છે કે
બાળક જ્યારે પોતાના રસ્તા પર ચાલે ત્યારે તેને નિર્ણય લેવાની હિંમત હોય.
“તને શું બનવું છે?” પહેલાં “તને શું ગમે છે?” પૂછીએ
બાળકને આપણે વારંવાર પૂછીએ છીએ—“મોટો થઈને
શું બનશે?” કદાચ હવે એક પ્રશ્ન વધુ પૂછવાનો
સમય છે.
“તને શું કરવું ગમે છે?”
આ બંને પ્રશ્નો વચ્ચેનો તફાવત બહુ મોટો છે.
એક પ્રશ્ન બાળકને વ્યવસાય તરફ દોરી જાય છે; બીજો તેને
પોતાની ઓળખ તરફ લઈ જાય છે.
કદાચ બાળક ડૉક્ટર નહીં બને, એન્જિનિયર નહીં બને કે કોઈ
મોટું પદ પણ ન મેળવે. પરંતુ જો તે સારો માણસ બને, પોતાની
જવાબદારી સમજે, મુશ્કેલીમાં હિંમત ન હારે, બીજાના
દુઃખને સમજી શકે અને પોતાના જીવનથી સંતોષી રહે તો શું આપણે
તેને સફળ નહીં કહીએ?
સફળતાની વ્યાખ્યા જેટલી મોટી કરીશું, તેટલું
બાળકને શ્વાસ લેવા માટેનું આકાશ મળશે.
બાળકને તમારી અપેક્ષા નહીં, તમારો વિશ્વાસ જોઈએ
બાળક ભૂલ કરશે. પરીક્ષામાં ઓછા ગુણ આવશે. કોઈ સ્પર્ધામાં હારી જશે. ક્યારેક
તેની પસંદગી આપણને ગમશે નહીં. ત્યારે તેને સૌથી વધારે જરૂર હોય છે એ વાક્યની—
“કોઈ વાંધો નહીં, ફરી પ્રયત્ન
કરીશું. હું તારી સાથે છું.”
આ વાક્ય બાળકને નિષ્ફળતાથી બચાવતું નથી; પરંતુ
નિષ્ફળતા પછી તૂટી પડવાથી બચાવે છે. માતા-પિતાનો વિશ્વાસ બાળક માટે
એવી અંદરની શક્તિ બની શકે છે, જે આખી જિંદગી તેની સાથે રહે અને
કદાચ એટલા માટે જ બાળકને હંમેશા કહેવાની જરૂર નથી કે “તારે સફળ
થવું જ છે.”
ક્યારેક માત્ર એટલું કહેવું પૂરતું છે.
“તું જે બન, પણ સારો માણસ
બનજે. અને જીવન જીવવાનું ભૂલતો નહીં.”
ભવિષ્ય માટે બચાવીએ, પરંતુ આજને પણ જીવવા દઈએ
બાળકના ભવિષ્ય માટે બચત કરો, શિક્ષણ આપો, શિસ્ત શીખવો, મહેનતનું
મહત્વ સમજાવો, સારા સંસ્કાર આપો. આ બધું જરૂરી
છે પરંતુ તેની સાથે ક્યારેક તેની સાથે બેસીને હસો પણ.
તેના પ્રશ્નો સાંભળો. તેની નાની સફળતાની ઉજવણી કરો. તેની
નિષ્ફળતામાં તેની બાજુમાં ઊભા રહો. ક્યારેક પુસ્તક બંધ કરીને તેની
સાથે મેદાનમાં જાઓ. ક્યારેક મોબાઇલ દૂર રાખીને પરિવાર સાથે ભોજન કરો અને સૌથી અગત્યનું તેને એવો
વિશ્વાસ આપો કે તમારો પ્રેમ તેની માર્કશીટ પર
આધારિત નથી કારણ કે જીવનમાં સૌથી સુરક્ષિત બાળક એ નથી જેના માતા-પિતાએ તેના માટે બધું
નક્કી કરી દીધું હોય; સૌથી સુરક્ષિત બાળક એ છે જેને
ખબર હોય કે દુનિયા સામે લડતી વખતે ઘરે પાછું ફરશે તો તેને સ્વીકારનાર બે હૃદય
હંમેશા તેની રાહ જોઈ રહ્યાં છે.
આપણે બાળકોને ભવિષ્ય આપવા માટે ખૂબ મહેનત કરીએ છીએ. એ સારી વાત છે. પરંતુ
ભવિષ્યની ચિંતા એટલી ન વધે કે બાળક આજમાં જીવવાનું જ ભૂલી જાય. બાળકને ઊંચું
ઉડવાનું શીખવવું જરૂરી છે, પરંતુ ઉડાન પહેલાં તેને આકાશ
જોવાની તક આપવી પણ એટલી જ જરૂરી છે.
આપણે તેના હાથમાં પુસ્તકો આપીએ, પણ ક્યારેક
પતંગની દોરી પણ આપીએ. તેને પરીક્ષાની તૈયારી કરાવીએ, પણ જીવનની
તૈયારી કરવાનું ભૂલીએ નહીં. તેને સફળતાનું સ્વપ્ન બતાવીએ, પણ
નિષ્ફળતાથી ડરવાનું ન શીખવીએ કારણ કે અંતે બાળકને માત્ર મોટું થવાનું નથી. તેને
જીવવાનું છે અને કદાચ માતા-પિતાની સૌથી સુંદર સફળતા એ દિવસ હશે, જ્યારે મોટું
થઈ ગયેલું તેમનું બાળક પાછળ વળી ને કહેશે—
“મારા માતા-પિતાએ મને માત્ર
સારું ભવિષ્ય જ નહોતું આપ્યું; તેમણે મને
મારું બાળપણ પણ જીવવા દીધું હતું.”
લેખક: જૈમિન જોષી.

No comments:
Post a Comment