Friday, September 4, 2026

“કૃષ્ણ, વિદુર કે શકુની? તમારી અંદર કોની બુદ્ધિ જીવતી છે?” (“Krishna, Vidura, or Shakuni? Whose intellect lives within you?”)

 

મહાભારતના ત્રણ મસ્તિષ્ક: કૃષ્ણની ધર્મનીતિ, વિદુરની બુદ્ધિ અને શકુનીની કુટનીતિ

 

મહાભારતના ત્રણ મસ્તિષ્ક કૃષ્ણ વિદુર અને શકુનીની નીતિ અને બુદ્ધિ

        કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે શંખ ફૂંકાયો ત્યારે યુદ્ધ શરૂ થયું નહોતું. યુદ્ધ તો ઘણાં વર્ષો પહેલાં શરૂ થઈ ગયું હતું. કોઈના હાથમાં તલવાર આવ્યા પહેલાં, કોઈ રથ પર ધનુષ ચડ્યું તે પહેલાં અને કોઈ સૈનિકે યુદ્ધભૂમિ તરફ પગ મૂક્યો તે પહેલાં. યુદ્ધ માણસોના મનમાં શરૂ થઈ ગયું હતું. ઈર્ષ્યામાં, અહંકારમાં, અપમાનમાં, મોહમાં અને સૌથી વધારે બુદ્ધિના ઉપયોગમાં.

 

        મહાભારતને જો માત્ર પાંડવો અને કૌરવો વચ્ચેનું યુદ્ધ માનીએ તો આપણે તેની સૌથી ઊંડી વાત ચૂકી જઈએ છીએ. આ મહાકાવ્ય ખરેખર તો માણસની અંદર ચાલતા ધર્મ અને અધર્મના યુદ્ધનું વિશાળ દર્પણ છે. અહીં તલવાર ચલાવનારા યોદ્ધાઓ કરતાં પણ વધારે પ્રભાવશાળી એવા કેટલાક મસ્તિષ્ક છે, જેઓ યુદ્ધની દિશા નક્કી કરે છે. એમાં ત્રણ નામ વિશેષ રીતે સામે આવે છે. “કૃષ્ણ, વિદુર અને ગાંધાર રાજ શકુની.”

        ત્રણેય પાસે અદભુત બુદ્ધિ હતી. ત્રણેય પરિસ્થિતિને સામાન્ય માણસ કરતાં વધારે ઊંડે જોઈ શકતા હતા. ત્રણેયને મનુષ્યના સ્વભાવની ઓળખ હતી. પરંતુ ત્રણેયની બુદ્ધિનો અંતિમ આશય જુદો હતો.

કૃષ્ણની બુદ્ધિ ધર્મ સાથે જોડાયેલી હતી.

વિદુરની બુદ્ધિ સત્ય સાથે જોડાયેલી હતી.

જયારે શકુનીની બુદ્ધિ સ્વાર્થ અને પ્રતિશોધ સાથે જોડાઈ ગઈ.

        આથી જ મહાભારતનો એક અત્યંત ગહન પાઠ અહીંથી જન્મે છે. બુદ્ધિ માણસને મહાન બનાવતી નથી; બુદ્ધિ કઈ દિશામાં વપરાય છે એ માણસને મહાન કે વિનાશક બનાવે છે. આ વાત સમજવી હોય તો પહેલાં વિદુરને સમજવા પડે.

        ત્રણ ભાઈના જન્મ પછી હસ્તિનાપુરનું ભવિષ્ય બદલાવવાનું હતું . પાંડુ મોટા હતા પણ શરીરથી દરિદ્ર હતા, બીજા ધુતરાષ્ટ્ર જન્મ્યા પણ તે જન્મથી અંધ હતા અને ત્રીજા વિદુર જે ત્રણેય ભાઈઓમાં શ્રેષ્ટ હતા. પાંડુના વાનપ્રસ્થાશ્રમના નિર્ણય પછી ધુતરાષ્ટ્રને કાર્યકાળી રાજા બનાવવામાં આવ્યા પણ ત્યારે ક્યાં ખબર હતી કે  હસ્તિનાપુર હવે અંધારકાર તરફ જવાનું હતું. વિદુરને હમેશા દાસી પુત્ર કહી અપમાન મળ્યું. તેમની ગણતરી નિમ્ન કરવામાં આવી, તેમના માન મોભાને હંમેશા ખંડિત કરવામાં આવ્યા તે છતાં વિદુરએ કયારે હસ્તિનાપુરનું અહિત નથી વિચાર્યું જયારે બીજી બાજુ ગાંધાર રાજએ પોતાની બેનની જ સાસરીને ધ્વસ્ત કરવાના પ્રતીસોધામાં જીવન વિતાવ્યું. વિદુર રાજા નહોતા, છતાં રાજાઓને રાજધર્મ સમજાવતા હતા. તેઓ સિંહાસન પર બેઠા નહોતા, છતાં સિંહાસન પર બેઠેલા માણસ કરતાં રાજ્યનું ભવિષ્ય વધારે સ્પષ્ટ જોઈ શકતા હતા. ધૃતરાષ્ટ્ર અને પાંડુના ભાઈ તરીકે કુરુવંશ સાથે તેમનો સંબંધ હતો, પરંતુ તેમનો જન્મ રાજમાતાના ગર્ભમાંથી થયો નહોતો. મહાભારત તેમને જ્ઞાન, ધર્મ અને નીતિમાં પારંગત પુરુષ તરીકે રજૂ કરે છે. પરંપરામાં તેમને ધર્મના અંશરૂપ માનવામાં આવે છે. મહાભારતના વર્ણનમાં તેઓ ધર્મ અને અર્થ બંનેના જ્ઞાનથી સંપન્ન અને નિષ્પાપ બુદ્ધિવાળા તરીકે વર્ણવામાં આવે છે. વિદુરની વિશેષતા એ નહોતી કે તેઓ બધું જાણતા હતા. તેમની વિશેષતા એ હતી કે જે જાણતા હતા તેને સત્ય બોલવાની હિંમત પણ ધરાવતા હતા. આ બંનેમાં મોટો તફાવત છે.

દરબારમાં સત્ય જાણનારા ઘણા હોઈ શકે, પરંતુ સત્તાધીશને અપ્રિય લાગે એવું સત્ય બોલનારા કેટલા?

        ધૃતરાષ્ટ્રની સૌથી મોટી કમનસીબી અંધત્વ નહોતી. તેમની સૌથી મોટી કમનસીબી એ હતી કે તેમની આંખો કરતાં તેમનો પુત્રમોહ વધારે શક્તિશાળી હતો. દુર્યોધનના જન્મ સમયે અશુભ સંકેતો દેખાયા ત્યારે વિદુરે પણ રાજાને ચેતવણી આપી હતી કે સમગ્ર કુળના હિત માટે એક વ્યક્તિનો ત્યાગ કરવો પડે તો તે કરવો જોઈએ. પરંતુ પિતાનું હૃદય રાજધર્મ કરતાં મોટું બની ગયું.

આ નાનકડો પ્રસંગ આખા મહાભારતનો બીજ છે.

        ધૃતરાષ્ટ્ર પાસે વિદુર હતા. તેમની પાસે ભીષ્મ હતા. તેમની પાસે દ્રોણ હતા. તેમની પાસે કૃપાચાર્ય જેવા જ્ઞાની લોકો હતા. એટલે હસ્તિનાપુરમાં બુદ્ધિની અછત નહોતી. અછત હતી તો સાચી બુદ્ધિને સ્વીકારવાની નૈતિક શક્તિની અને કદાચ આ જ કોઈપણ સત્તાની સૌથી મોટી કમજોરી હોય છે. વિદુર આથી જ મહાભારતમાં માત્ર મંત્રી નથી. તેઓ કુરુવંશની અંતરાત્મા છે.

જયારે લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા સળગાવી દેવાનું કાવતરું રચાય છે ત્યારે  વિદુર સીધું બધું કહી શકતા નથી, કારણ કે દરબારની દીવાલોને પણ કાન હોય છે. તેથી તેઓ સંકેતની ભાષામાં યુધિષ્ઠિરને ચેતવે છે. મહાભારતના વર્ણનમાં વિદુર દ્વારા મ્લેચ્છ ભાષામાં આપવામાં આવેલી ચેતવણી અને પછી સુરંગ ખોદાવવાનો પ્રસંગ આવે છે.

આ વિદુરની બુદ્ધિનું બીજું સ્વરૂપ છે.

“સત્ય બોલવું એક વાત છે; જયારે યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય માણસ સુધી સત્ય પહોંચાડવું બીજી વાત છે.”

અહીંથી વિદુર અને કૃષ્ણ એકબીજાની નજીક આવવા લાગે છે. કૃષ્ણ અને વિદુર બંને સત્યના માણસો છે, પરંતુ તેમની રીત જુદી છે. વિદુર સત્યને વાણી આપે છે. કૃષ્ણ સત્યને દિશા આપે છે.

વિદુર કહે છે આ અન્યાય છે.

કૃષ્ણ વિચારે છે હવે આ અન્યાયને અટકાવવો કેવી રીતે?

અને અહીંથી મહાભારતની રાજનીતિ વધુ ગહન બની જાય છે.

બીજી બાજુ, ગાંધારથી એક માણસ હસ્તિનાપુરની રાજનીતિમાં પ્રવેશ કરે છે -શકુની”.

        શકુનીને આપણે બાળપણથી એક જ રંગમાં ઓળખીએ છીએ- કપટી, ધૂર્ત અને કાવતરાખોર. પરંતુ મહાભારતને ઊંડે વાંચીએ તો સમજાય છે કે શકુની માત્ર ખરાબ માણસનહોતો; તે અત્યંત તીક્ષ્ણ રાજકીય બુદ્ધિ ધરાવતા માણસ હતા. સમસ્યા તેમની બુદ્ધિમાં નહોતી. સમસ્યા તેમની બુદ્ધિની દિશામાં હતી.

        ગાંધારી ધૃતરાષ્ટ્ર સાથે પરણાઈ. ત્યાર પછી ગાંધાર અને હસ્તિનાપુરના સંબંધો વિશે અનેક લોકકથાઓ વિકસેલી છે. તેમાં સૌથી પ્રસિદ્ધ કથા એવી છે કે શકુની અને ગાંધારના રાજપરિવારને કેદ કરવામાં આવ્યા, તેમને અલ્પ આહાર આપવામાં આવ્યો, પરિવારના સભ્યોએ પોતાના હિસ્સાનું અન્ન શકુનીને આપ્યું અને શકુનીએ પછી હસ્તિનાપુર સામે પ્રતીસોધ લેવાની પ્રતિજ્ઞા કરી. આગળની લોકકથાઓમાં તેના પિતાના હાડકાંમાંથી પાસા બનાવ્યાની વાત પણ આવે છે.

ઘાયલ બુદ્ધિ શું કરી શકે?

ઘા માણસને બે રસ્તા આપે છે. એક, તે પોતાના દુઃખમાંથી કરુણા શીખે; બીજો, તે પોતાના દુઃખને બીજાના વિનાશનું કારણ બનાવી દે.

શકુનીને આપણે બીજા રસ્તાના પ્રતીક તરીકે વાંચી શકીએ. પરંતુ સાચા મહાભારતમાં પણ તેની બુદ્ધિનું અંધારું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે. ઇન્દ્રપ્રસ્થની સમૃદ્ધિ જોઈને દુર્યોધનના મનમાં ઈર્ષ્યાની આગ ભભૂકી ઊઠે છે. તે પોતાના દુઃખની વાત શકુની સમક્ષ કરે છે. ત્યારે શકુની તલવાર આપતો નથી. તે યુદ્ધની વાત કરતો નથી. તે દુર્યોધનની અંદરની નબળાઈ વાંચે છે.

તે કહે છે યુધિષ્ઠિરને જુગાર ગમે છે, પરંતુ તેને રમત આવડતી નથી; મને આવડે છે. તેને બોલાવો, હું તેને હરાવી દઈશ.

અહીં શકુનીની બુદ્ધિની ભયાનકતા દેખાય છે. તે યુધિષ્ઠિરની શક્તિ પર હુમલો કરતો નથી.

તે તેની નબળાઈ શોધે છે અને આ જ રાજકીય કુટનીતિનું સૌથી અંધારું સ્વરૂપ છે. સામેવાળાને હરાવવા માટે તેની અંદરની કમજોરી શોધવી. જુગારની સભામાં શકુની પાસા ફેંકે છે અને વારંવાર વિજય જાહેર થાય છે. મૂળ મહાભારતના વર્ણનમાં પણ તેની રમતને કપટભરી અને છેતરપિંડીવાળી રીતે દર્શાવવામાં આવે છે. વિદુર પહેલેથી જ જુગારને વિનાશનું મૂળ કહીને ધૃતરાષ્ટ્રને ચેતવી ચૂક્યા હતા. વિદુરને ખબર હતી કે શું થવાનું છે. શકુનીને ખબર હતી કે શું કરવાનું છે.

આ બંને વચ્ચેનો તફાવત આખા મહાભારતનો તફાવત છે.

એક પાસે સત્ય હતું. બીજા પાસે ચાલ હતી પરંતુ સત્ય પાસે સત્તા ન હતી અને ચાલ પાસે સત્તાનો સહારો હતો.

અને પછી દ્રૌપદીનું અપમાન થયું. એ સભામાં મહાન યોદ્ધાઓ બેઠા હતા. ભીષ્મ હતા. દ્રોણ હતા. કૃપાચાર્ય હતા. રાજાઓ હતા. પરંતુ જ્યારે અન્યાય સામે અવાજ ઊઠવો જોઈએ ત્યારે વિદુર ઊભા રહ્યા. મહાભારતના ઉદ્યોગપર્વમાં કૃષ્ણ પોતે યાદ કરે છે કે તે સમયે વિદુરે ધર્મની દૃષ્ટિએ વિરોધ કર્યો હતો. વિદુર કદાચ તે દિવસે કુરુવંશને બચાવી શક્યા હોત. જો કુરુવંશ સત્ય સાંભળવા તૈયાર હોત તો..

પરંતુ જ્યારે અંતરાત્માની વાત સત્તાના કાન સુધી પહોંચે અને સત્તા પોતાના મોહમાં કાન બંધ કરી દે, ત્યારે અંતરાત્મા પણ કેટલો સમય રાજ્ય બચાવી શકે?

અહીં કૃષ્ણનો પ્રવેશ થાય છે.

કૃષ્ણને સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે તેઓ શરૂઆતથી યુદ્ધ ઇચ્છતા ન હતાં. યુદ્ધ તેમના માટે વિજયનો ઉત્સવ નહોતો. તેઓ જાણતા હતા કે કુરુક્ષેત્રમાં જે જીતશે તે પણ પોતાના માણસોને ગુમાવશે. તેથી અંતિમ ક્ષણ સુધી શાંતિનો માર્ગ શોધવામાં આવ્યો.

        પાંડવોનો હક પાછો મળે, એટલા માટે કૃષ્ણ શાંતિદૂત બની હસ્તિનાપુર જાય છે. પાંચ ગામ સુધીની માંગ સ્વીકારવાની તૈયારી વ્યક્ત થાય છે. કૃષ્ણનો સંદેશ સ્પષ્ટ હતો. જો ન્યાયપૂર્ણ સમાધાન થઈ શકે તો યુદ્ધ શા માટે? પરંતુ દુર્યોધનને જમીનનો પ્રશ્ન નહોતો.

તેને અહંકારનો પ્રશ્ન હતો અને અહંકારને જેટલું આપો તેટલું ઓછું પડે.

        કૃષ્ણની રાજનીતિ અહીં એક અદ્ભુત વળાંક લે છે. તેઓ રાજદૂત બનીને જાય છે, પરંતુ પોતાની પાછળ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા નથી જતા. દુર્યોધન કૃષ્ણ માટે ભવ્ય સ્વાગત અને ભોજનની વ્યવસ્થા કરે છે. કૃષ્ણ તે સ્વીકારતા નથી. તેઓ વિદુરના ઘેર જાય છે. ત્યાં સાદું ભોજન (તાંદુલની ભાજી) સ્વીકારે છે. મહાભારતના ઉદ્યોગપર્વમાં આ પ્રસંગ સ્પષ્ટ રીતે વર્ણવાયો છે. આ પ્રસંગને માત્ર કૃષ્ણે વિદુરના ઘરે ભોજન લીધુંએટલા માટે વાંચવો એ તેની આત્માને ચૂકી જવું છે. એક તરફ સોનાના મહેલનો ભોજન હતો. બીજી તરફ સત્યનિષ્ઠ મનુષ્યનું સાદું ઘર. કૃષ્ણે ભોજનનું વૈભવ જોયું નહીં. તેમણે હૃદયનું વૈભવ જોયું.

આ આધ્યાત્મિક રાજનીતિ છે. સત્તા ઘણીવાર માણસને તેની પાસે રહેલા વૈભવથી માપે છે. કૃષ્ણ માણસને તેના અંતરમાં રહેલા સત્યથી માપે છે એટલે જ કૃષ્ણ વિદુરના ઘરે જાય છે.

વિદુર અને કૃષ્ણ વચ્ચેની આ મુલાકાત મહાભારતની રાજનીતિ કરતાં પણ મોટી આધ્યાત્મિક ઘટના છે કારણ કે અહીં બે બુદ્ધિઓ મળે છેએક સત્યની અને એક સત્યને કાર્યમાં ઉતારવાની.” અને એ જ સમયે ત્રીજું મસ્તિષ્ક શકુની” હસ્તિનાપુરની રાજનીતિમાં બેઠું છે.

એક તરફ વિદુર વિચારે છે કે રાજ્ય કેવી રીતે બચે.

એક તરફ શકુની વિચારે છે કે દુર્યોધનની જીત કેવી રીતે થાય.

અને કૃષ્ણ વિચારે છેધર્મ કેવી રીતે બચે.”

આ ત્રણેયમાં ફરક એટલો જ છે.

વિદુર રાજ્યની નૈતિકતા બચાવવા માંગે છે.

શકુની પક્ષની જીત ઇચ્છે છે.

કૃષ્ણ ધર્મની સ્થાપના ઇચ્છે છે.

એટલે કૃષ્ણની કૂટનીતિ અને શકુનીની કૂટનીતિ દેખાવમાં ક્યારેક સમાન લાગે છે, પરંતુ આત્મામાં બંને વચ્ચે આકાશ-પાતાળનો તફાવત છે.

કૃષ્ણ પણ વ્યૂહ બનાવે છે. કૃષ્ણ પણ સામેના માણસની નબળાઈ જાણે છે. કૃષ્ણ પણ પરિસ્થિતિને પોતાના પક્ષે ફેરવે છે પરંતુ એક મૂળભૂત તફાવત છે. શકુની માણસને પોતાના હેતુ માટે વાપરે છે; કૃષ્ણ માણસને તેના ધર્મ તરફ પાછો વાળે છે. આથી કૃષ્ણની નીતિને માત્ર ચાલાકીકહી દેવી એ કૃષ્ણ સાથે અન્યાય છે. કૃષ્ણની કૂટનીતિ પાછળનો પ્રશ્ન મારો લાભ શું?’ નથી. પ્રશ્ન છે ધર્મની રક્ષા કેવી રીતે થાય?’ આ જ કારણ છે કે કુરુક્ષેત્ર પહેલાં કૃષ્ણ શાંતિ માગે છે અને યુદ્ધ શરૂ થયા પછી અર્જુનને ધર્મના સંઘર્ષમાંથી ભાગવા દેતા નથી. તેઓ જાણે છે કે શાંતિ પવિત્ર છે, પરંતુ અન્યાયને જીવતો રાખીને મળેલી શાંતિ પવિત્ર નથી.

આ વિચાર ખૂબ સૂક્ષ્મ છે. અધર્મ સામે મૌન રહેવું ક્યારેક અહિંસા નથી; તે અધર્મને સહાય છે.

વિદુરે આ વાત પોતાના જીવનથી સમજાવી. શકુનીએ તેની વિરુદ્ધ દિશા બતાવી. અને કૃષ્ણે બંને વચ્ચેનો માર્ગ બતાવ્યો.

વિદુર કહે છેસત્ય છોડશો નહીં.”

શકુની કહે છેસત્યથી જીત ન મળે તો ચાલથી જીતી લો.”

કૃષ્ણ કહે છેસત્ય છોડ્યા વિના યોગ્ય વ્યૂહ શોધો.”

અહીંથી મહાભારતનો સૌથી મોટો પાઠ જન્મે છે.

બુદ્ધિ + ધર્મ એટલે કૃષ્ણ.

બુદ્ધિ + સત્ય એટલે વિદુર.

બુદ્ધિ + સ્વાર્થ એટલે શકુની.

અને આ ત્રણેય માત્ર મહાભારતના પાત્રો નથી.

આપણી અંદર પણ આ ત્રણેય બેઠા છે. જ્યારે આપણે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે આપણા અંદરનો એક અવાજ વિદુરની જેમ કહે છે સાચું શું છે?’

બીજો અવાજ શકુનીની જેમ કહે છે મને ફાયદો કેવી રીતે થશે?’

અને ક્યારેક એક ઊંડો, શાંત અવાજ કૃષ્ણની જેમ પૂછે છે સાચું શું છે એ જાણ્યા પછી તેને જીવનમાં ઉતારવાનો યોગ્ય માર્ગ કયો છે?’

માણસનું ચરિત્ર આ ત્રણ અવાજોમાંથી કયા અવાજને તે અંતે સાંભળે છે તેનાથી બને છે. મહાભારતની સૌથી મોટી વિદંબના એ છે કે દુર્યોધન પાસે શકુની હતો, પરંતુ વિદુરની વાત સાંભળવાની ક્ષમતા નહોતી.

ધૃતરાષ્ટ્ર પાસે વિદુર હતો, પરંતુ પુત્રમોહમાંથી બહાર આવવાની શક્તિ નહોતી.

પાંડવો પાસે કૃષ્ણ હતા, પરંતુ કૃષ્ણે પણ તેમને દરેક ક્ષણે સરળ રસ્તો આપ્યો નહોતો કારણ કે ધર્મનો માર્ગ હંમેશા સરળ નથી હોતો.

કૃષ્ણ અર્જુનને યુદ્ધમાં ઉતારે છે, પરંતુ પહેલાં અર્જુનના અંદરના મોહને તોડે છે. આ જ કૃષ્ણની વિશેષતા છે. તેઓ માત્ર બહારનું યુદ્ધ નથી લડાવતા. તેઓ પહેલાં માણસની અંદરનું યુદ્ધ જીતાડે છે. કુરુક્ષેત્ર બહારનું મેદાન છે, પરંતુ ગીતાનો જન્મ અંદરના કુરુક્ષેત્રમાં થાય છે. આથી જન્માષ્ટમીના દિવસે કૃષ્ણને માત્ર મોરપીંછ, વાંસળી અને માખણના ગોપાળ તરીકે યાદ કરવું સુંદર છે, પરંતુ અધૂરું છે.

કૃષ્ણ એ પણ છે જે રાજદરબારમાં શાંતિનો અંતિમ પ્રયાસ કરે છે.

કૃષ્ણ એ પણ છે જે વિદુરના સાદા ઘરમાં બેસે છે.

કૃષ્ણ એ પણ છે જે દુર્યોધનના અહંકાર સામે નમતા નથી.

કૃષ્ણ એ પણ છે જે અર્જુનના મોહ સામે પણ નમતા નથી.

અને કૃષ્ણ એ પણ છે જે શીખવે છે કે ધર્મનો અર્થ માત્ર સારા બનવું નથી; જ્યારે અધર્મ સામે ઊભા રહેવાની ઘડી આવે ત્યારે યોગ્ય રીતે ઊભા રહેવાની શક્તિ પણ ધર્મનો જ ભાગ છે.

વિદુર આપણને સત્યની કિંમત શીખવે છે.

શકુની આપણને ચેતવણી આપે છે કે બુદ્ધિ જો અંતરાત્માથી અલગ પડી જાય તો તે માણસને અદભુત રીતે ચતુર બનાવી શકે છે, પરંતુ મહાન બનાવી શકતી નથી.

કૃષ્ણ આપણને બંનેની વચ્ચેનો પ્રકાશ બતાવે છે.

વિદુર પાસે સત્ય હતું, પણ સત્તા નહોતી.

શકુની પાસે બુદ્ધિ હતી, પણ અંતરાત્માની દિશા ગુમાવી હતી.

કૃષ્ણ પાસે બંનેને પારખવાની દૃષ્ટિ હતી.

અને કદાચ એટલા માટે મહાભારતમાં કૃષ્ણ માત્ર એક પાત્ર નથી રહેતા. તેઓ પ્રજ્ઞા બની જાય છે.

વિદુર અંતરાત્મા બની જાય છે અને શકુની ચેતવણી બની જાય છે. એક કહે છે સત્ય બોલ. બીજો કહે છેસામેવાળાની નબળાઈ શોધ.” ત્રીજો કહે છેનબળાઈ ઓળખ, પરંતુ તેનો ઉપયોગ ધર્મની વિરુદ્ધ નહીં, ધર્મની રક્ષા માટે કર.”

અંતે મહાભારત આપણને જીતવાનું શીખવતું નથી.

તે પૂછે છેતમે જીત્યા પછી શું બચાવશો?

શકુની કદાચ પોતાના પક્ષને જીતાડવા માગતો હતો, પરંતુ તેની રમત એવી હતી કે અંતે જીતનાર કોઈ રહ્યો નહીં.

વિદુર કદાચ પોતાનું રાજ્ય બચાવી શક્યા નહીં, પરંતુ તેમની વાણી હજારો વર્ષ પછી પણ જીવંત રહી.

કૃષ્ણ યુદ્ધ પછી પણ કોઈ સિંહાસન પર બેઠા નહીં, છતાં સમગ્ર ભારતીય ચેતનામાં તેમનું સ્થાન અડગ રહ્યું.

આ જ તો અંતિમ રહસ્ય છે.

સત્તા ક્ષણિક છે. ચાલ ક્ષણિક છે. વિજય પણ ક્ષણિક છે. પરંતુ ધર્મથી જન્મેલી પ્રજ્ઞા સમયને પાર કરી જાય છે.

મહાભારત એટલે કદાચ આ જ ત્રણ માર્ગોની કથા.

બુદ્ધિ હતી, પરંતુ દિશા નહોતીશકુની.”

બુદ્ધિ હતી અને સત્ય હતું, પરંતુ સત્તા ન હતીવિદુર.”

બુદ્ધિ હતી, સત્ય હતું અને યોગ્ય ક્ષણે યોગ્ય કર્મ કરવાની દૃષ્ટિ હતી “વાસુદેવ કૃષ્ણ.”

એટલે આજે, જન્માષ્ટમીની રાત્રે, જો કૃષ્ણને સમજવા બેસીએ તો કદાચ સૌથી પહેલાં મંદિરમાં નહીં, પોતાના મનમાં દીવો પ્રગટાવવો પડે.

પોતાને પૂછવું પડે મારી બુદ્ધિ કોની સેવા કરે છે? મારો નિર્ણય સત્યની તરફેણમાં છે કે સ્વાર્થની? હું વિદુરની જેમ સત્ય જાણીને મૌન તો નથી રહેતો ને? હું શકુનીની જેમ કોઈના ઘા, અહંકાર કે નબળાઈનો ઉપયોગ તો નથી કરતો ને? કે પછી કૃષ્ણની જેમ પરિસ્થિતિની જટિલતા વચ્ચે પણ ધર્મની દિશા શોધી રહ્યો છું? કારણ કે મહાભારત બહાર ક્યાંક થયું નથી. તે આજે પણ દરેક માણસની અંદર થાય છે. દરેક નિર્ણય પહેલાં એક નાનો કુરુક્ષેત્ર ઊભો થાય છે. એક બાજુ વિદુરનો અવાજ હોય છે. બીજી બાજુ શકુનીની ચાલ હોય છે અને ક્યાંક ખૂબ ઊંડે, મનના નિઃશબ્દ આકાશમાં કૃષ્ણ ઊભા હોય છે.

પ્રશ્ન એટલો જ છે.

આપણે કોને સાંભળીએ છીએ? કદાચ કૃષ્ણ જન્મની સાચી ઉજવણી એ જ છે કે માણસની અંદર રહેલી બુદ્ધિને ધર્મની દિશા મળે કારણ કે બુદ્ધિશાળી બનવું મોટી વાત નથી. ચતુર બનવું તો તેનાથી પણ સહેલું છે પરંતુ બુદ્ધિને સત્યના પ્રકાશમાં રાખીને, યોગ્ય સમયે યોગ્ય કર્મ કરવાની પ્રજ્ઞા પ્રાપ્ત કરવી. એ જ કૃષ્ણત્વ તરફનું પ્રથમ પગથિયું છે.

 

“જય શ્રી કૃષ્ણ”

લેખક: જૈમિન જોષી.

 

No comments:

Post a Comment

“કૃષ્ણ, વિદુર કે શકુની? તમારી અંદર કોની બુદ્ધિ જીવતી છે?” (“Krishna, Vidura, or Shakuni? Whose intellect lives within you?”)

  મહાભારતના ત્રણ મસ્તિષ્ક: કૃષ્ણની ધર્મનીતિ , વિદુરની બુદ્ધિ અને શકુનીની કુટનીતિ           કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે શંખ ફૂંકાયો ત્ય...