Sunday, June 20, 2021

આપણું સુખ કોણ નક્કી કરશે? (Who will determines our happiness?)

  • હજારો સગવડો હોવાં છતાં પાસે કોઈ વ્યક્તિ ન હોય તો તેને શું ગણશો? :- 


આપણું સુખ કોણ નક્કી કરશે? (Who will determines our happiness?)


   મનનો સંતોષ કે મનમાં સંતોષ સુખની વ્યાખ્યાને બદલી દેતો હોય છે. કોઈક ના સુખ અને વૈભવ જોઈને આપણને તે પોતાને પણ મળે તેવી ઝંખના ઉત્પન્ન થઈ જાય એ સમજી શકાય તેવું છે, પરંતુ સ્વયંના સુખની વ્યાખ્યાનું માપદંડ અન્યનાં સુખ ઉપર આધાર હોય તે કેટલું યોગ્ય?  દરેક વ્યક્તિની એક આગવી ઇચ્છાઓ, ઝંખના કે મર્યાદા હોય છે. કોઈકની સંપત્તિ આપણને આપણી લાગવા લાગે ત્યારે તે ભિખારવૃત્તિ જ કહેવાય. શ્રીમંતતા ક્યારેય ધન આધારિત નથી હોતી. આપણે તેને અલગ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તે આપણી ભૂલ છે. કોઈ વ્યક્તિ તમારા સાથે જોડાયેલ હોય તો તે તમારી પાસેથી કશું જ પ્રાપ્ત ન કરે તે અશક્ય છે. નિસ્વાર્થ સબંધ તે માત્ર દેખાડો છે. અલબત્ત તેને આપણે સ્વીકારી શકતા નથી. આ વાક્યો જાહેર કરવા માટે નથી હોતા પરંતુ ધ્યાને રાખવાં માટે તો હોય જ છે. આપણે જાણે અજાણે પણ કોઈકને ઘણું બધું આપી દેતા હોઈએ છીએ અથવા કોઈક પાસેથી પ્રાપ્ત કરી લેતાં હોઈએ છીએ... પછી તે શાબ્દિક, શારીરિક, માનસિક કે સગવડ સ્વરૂપે કેમ ન હોય. 

   કોઈકને સગવડમાં સુખ દેખાય તો કોઈકને સહવાસમાં. પરિવાર, મિત્રવર્તુળ, પ્રાણી કે પશુપાલન, કલા પ્રદર્શન, સેવા, સદભાવ, આધ્યાત્મ, ત્યાગ, સમર્પણ વગેરેમાં સુખ દેખાય. પ્રત્યેકને સુખ અનુભવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. સુખ આપવાનું કે ભોગવવાનું કોઈ ચોક્કસ માળખું નથી હોતું. સુખ દેખવા માટે શુભ દેખવું જરૂરી હોય છે.  કુદ્રષ્ટિથી માનવ માત્ર નકારાત્મકતાને અનુભવી શકે છે. કામ કરવું એ કળા છે. કેટલાક કામ આયોજન બંધ થતાં હોય છે તો કેટલાક માત્ર કરવા પૂરતાં કરવામાં આવે છે. પૈસાથી ન તો પેટ ભરાય છે ન તો મન. જેનો ઉલ્લેખ જ ચલણ છે તેને ચલ તરીકે જ ઉપયોગ કરવો જોઈએ. તમને પ્રેમ કરવા સાથી જોઈએ, ઉછેર કરવા સંતાન જોઈએ, સેવા કરવા માતાપિતા કે ઈશ્વર જોઈએ, ગુસ્સો કે નફરત કરવા શત્રુ જોઇએ, આપણને વસ્તુ કરતાં વધુ વ્યક્તિ જોઈએ તેમ છતાં આપણે મને કોઇની જરૂર નથી તેવું કહેતાં ખચકાતાં નથી. માનવ કોઈની સહાય લીધાં વગર આગળ વધી શક્યો જ નથી કે શકવાનો નથી. કોઈનું અહેસાન નથી જોઈતું, કોઈ સાથે મારે લેવાદેવા નથી,  હું મારું કામ જાતે કરવા સક્ષમ છું તેવું બોલનાર વ્યક્તિ માત્ર આભા બની બુદ્ધિ પ્રદર્શન કરતાં હોય છે. જગતમાં ભૌતિકરીતે દરેક વસ્તુ એક બીજા સાથે જોડાયેલ છે. કશું જ સ્વતંત્ર નથી. '' મન'' સિવાય(આધ્યાત્મિક દૃષ્ટિએ બંધન અને સ્વતંત્રતા બંનેની વ્યાખ્યા અલગ થાય છે, પધ્ધતિ, ધારણા કે કર્તવ્ય બધું અલગ છે માટે તેને આમાંથી બાકાત ગણવું). દરેક ઘટના પાછળ અનેક કારણ હોય છે, જે આપણી વિચારધારાનાં ક્ષેત્રફળથી બહાર હોય છે. 

happiness


  
   સુખનો આધાર નાતો એકાંત ઉપર છે ન તો એકલતા ઉપર. તમે છો તો અન્ય પણ છે પૃથ્વી પર દરેકનું એક આગવું અસ્તિત્વ છે. દરેક વ્યક્તિ પોતાના કર્મના બંધનમાં ક્રિયાને અનુસરે છે. જાણે અજાણે પોતાની હાજરી દાખવતું હોય છે. કેટલાકની હાજરી ખુચે તેવું વ્યક્તિત્વ પણ હોય છે, છતાં જે છે તે છે. સારું- નરસું તે પરિસ્થિતી નક્કી કરશે. 

   એક કુંભાર પાસે બે ગધેડા હતાં. એક ખડતલ અને સ્ફૂર્તિલો તો બીજો શુષ્ક અને ઉંમરલાયક. ખડતલ ગધેડો ખૂબ ધમાલિ. એક જગ્યાએ બેસે નહીં એટલે તે ભાગી ન જાય તે માટે કુંભારે બંને ગધેડાનાં પાછળનાં પગ એક બીજા સાથે બાંધી દીધા. બંને એક બીજાથી વિપરીત સ્વભાવ ધરાવતાં એટલે એક બીજાથી વિરુદ્ધ ભાગે. એક આમ ખેંચે તો બીજો આમ. પરિણામે બંને થાક્યા અને એકજ જગ્યાએ બેસી રહ્યાં. ભૂખ અને તૃષા કરતાં વધુ તે એક બીજા સાથે બંધનમાં છે તે વાતે વધું દુઃખી હતાં. આપણે પણ જાણે અજાણે આ જ માનસિકતા ધરાવીએ છીએ. એક બીજા સાથે સાથે ઘર્ષણ કરવામાં એટલા બધાં વસ્ત થઈ જઈએ છીએ કે આપણે મૂળ રસ્તા પરથી ભટકી જઈએ છીએ. પરિણામે દુઃખ, પીડા, નફરત અને અસફળતા સિવાય હાથમાં કશું નથી આવતું. ખોટી જગ્યાએ બળ અને બુદ્ધિને લગાવીએ તેનાં કરતાં સાચી દિશામાં લાગવીએ તો સફર વધુ રોમાંચિત લાગે.

   સાપના ડંખ કરતાં મધમાખીનો ડંખ લાખ ઘણો સારો. કેટલાક આંચકા આપણાં ભાગે નથી આવતા તે જ કુદરતની મહેરબાની છે તેવું માની લેવું. જ્યાં અહમ્ છે ત્યાં દુઃખ છે. જ્યાં ઈર્ષા છે ત્યાં બળાપા છે. જ્યાં ગુસ્સો છે ત્યાં ઘર્ષણ છે. જ્યાં સમજણ છે ત્યાં સગપણ છે. હવે આપણે નક્કી કરવાનું કે આપણે શું કરવું... પૈસો કશું જ ન હોવા છતાં ઘણું બધું છે. નકામી વાતોમાં નાણાકિય નુકસાન વધુ થતું છે. સંઘર્ષની પણ એક દિશા હોવી જોઈએ. વ્યર્થ સંઘર્ષ માણસને પરિઘમાં જ પ્રવાસ કરાવતો હોય છે. 

   પશ્ચિમનાં દેશોનું અનુકરણ કરતા પહેલાં વ્યક્તિએ પોતે શું છે તે જાણી લેવું જોઈએ. અન્યના ગુણને પણ ગળણામાં ગાળવા જોઈએ. સીધું અનુકરણ રસ્તા ભટકાવી દેતું હોય છે. નરી કોપી કરીએ તેમાં કેટલી સમજદારી? પશ્ચિમમાં લોકો માણસ તો ઠીક વસ્તુ સાથે પણ વિવેકપૂર્વક અને આદરપૂર્વક વર્તે છે. કામ આનંદ આપતું હોય ત્યાં સુધી સારું પણ વૈતરું કર્યું હોય તેવું લાગે તો જીવનમાંથી રસ ઉડી જાય છે. 

   ઘરમાં એક ટેબલ પર નાનકડું ફ્લાવરવાઝ હોય તો પુરતું છે. તેના માટે આખો બગીચો ઘરમાં ન ઉભો કરાય. જ્યાંનું સ્થાન જ્યાં શોભે. માણસને ખ્યાલ નથી હોતો પરંતુ તેને પોતાનાં અહમ અને અણસમજનાં કારણે ઘણું બધું ગુમાવવાનો વારો આવે છે. ધૃણાથી ધરાઈ ગયેલા માણસ નફરત જ ઓકે છે. સુખ સંયોજનમાં છે, સમજણમાં છે. પછી સુખ નિર્માણ કરવું એ સ્વયં પર આધાર રાખે છે.  સુખ શું છે તે સવાલ અન્યને ક્યારેય ન પુછવો. પોતાની ઇચ્છા અને મર્યાદા આપણે જાતે નક્કી કરવાનું હોય છે. ક્યારેક મન અશાંત હોય કે ઉત્તર ન જડતો હોય ત્યારે કોઈ પાસે શાબ્દિક સહારો લઈએ તેમાએ ખોટું નથી પરંતુ જ્યાં વાત પોતાનાં વિકાસની હોય ત્યાં આખું ક્રિયામંડલ સ્વરચિત હોવું જોઈએ. 

                                                                                                                                        જૈમીન જોષી.

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...