उन आँखों का हँसना भी क्या,
जिन आँखों में पानी ना हो...
પ્રેમની ભાષા અભિવ્યક્તિ પોષતા પોષતા અંતે સમજાયું કે પ્રેમમાં અભિવ્યક્તિની જરૂર ન હતી. લાગણીનાં શબ્દો, પ્રતિબદ્ધ સમય, ભેટ, સ્પર્શ, સહવાસ, અંગત પળો કે દાર્શનિકતા માત્ર એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી મનની વાત પહોંચાડવા માટે મહત્ત્વની છે. પ્રેમને પામવાનો માર્ગ હોઇ શકે, કોઈ ચોક્કસ પદ્ધતિનું લાંબુ લચક લિસ્ટ હોઈ શકે પરંતુ પ્રેમ કરવા માટે માત્ર તું (પ્રેમી કે પ્રેમિકા) જોઈએ.
તું એટલે અહીં તારી હાજરી એવો પણ અર્થ થતો નથી. તારી ગેરહાજરીમાં પણ તને અત્યંત ચાહવાની કળા પ્રેમ કરવાનું શીખવી દેતો હોય છે. વૃક્ષોનાં મૂળ જાહેરમાં ક્યારેય દેખાતા નથી તેમ છતાં તેમની ઉપર ઘટાદાર વૃક્ષ ઊભું હોય છે. આપણા મૂળમાં જ્યારે પ્રેમ હોય ત્યારે તે જ આપણને અડીખમ ઊભા રાખે છે.
પ્રેમ ક્યારેય ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં વહેંચાયેલ હોતો નથી. પ્રેમ એટલે વાસ્તવિકતા. પ્રેયસીનાં હાથમાં હાથ નાખી તેમની આંગળીમાં પોતાનાં હાથને છુપાવી દેવું અને પછી તેની આગળ ઝંખનાઓનો વરસાદ કરવો. ધીમે ધીમે આભા બની જીવનની મર્યાદાઓ, નિયમો કે આડંબરોમાંથી મુક્ત થઈ જવું. બસ, આ મુક્ત થવાની ઘટના તે જ પ્રેમનું અનુભવિત સ્વરૂપ છે. પ્રેમ ક્યારેક કોઈ બંધનમાં રાખતો નથી તે મુક્ત થતાં અને મુક્ત કરતાં શીખવતો હોય છે. કોઈ પ્રકારની માંગણી કે લાલસા વગર માત્ર આપવું, કોઈના માટે ફના થઇ જવું, બધું જ ત્યાગી દેવું કે ભૌતિકતાનો સ્મિત સાથે અસ્વીકાર કરવો આ માત્ર પ્રેમમાં જ હોઈ શકે છે. પ્રેમ સ્વતંત્રતા, ત્યાગ, બલિદાન, હળવાશ કે મોકળાશ શીખવે છે. કોઈ ન ગમતી વ્યક્તિ સાથે પણ પ્રેમ થઈ જાય ત્યારે તેની તમામ ખરાબ આદતો આપણને ક્યારે ગમવા લાગે છે તેની આપણને જ ખબર પડતી નથી. પ્રેમ એ નિષ્કાળજી નથી પણ જવાબદારી છે જો નિભાવતા આવડે તો... પ્રેમ કરવો દરેકના ગજાની વાત નથી હોતી.
જીવન જીવવાની દિશામાં આ બે સુત્રો બહુ યાદ રાખવાની જરૂર છે. એક કે પ્રેમ એ જીવન પંથનો ચિરાગ છે અને બીજું કે આ ચિરાગ માત્ર આપણા પૂરતો સીમિત હોવો જોઈએ. આપણે અંધકારમાં પ્રેમરૂપી ચિરાગનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ એ ચિરાગ ભડકો બની આપણને જ બાળી નાખી તો પ્રેમની વ્યાખ્યા બદલાઈ જાય. આધ્યાત્મિકતા કહે છે કે માણસ આંતરિક રીતે ભાવાત્મક હોવો જોઈએ. ખુશી આંતરિક છે. ઈચ્છા, સુખ-દુઃખ, દ્રષ્ટિકોણ, વિચાર, મનન, ચિંતન, નિરાશા આ તમામ ભાવનાઓ આંતરિક છે. તે જ પ્રમાણે પ્રેમ પણ આંતરિક છે. આપણો પ્રથમ પ્રેમ આપણે પોતે હોવા જોઈએ જે પોતાને શાહી શકે તે જ અન્યને ચાહી શકે છે.
જ્યારે તમે પ્રેમમાં હોય ત્યારે તમે કોઈ ક્લાસ, પદ્ધતિ કે ભાષા શીખતા નથી. તમારો પ્રેમ જ્યારે હૃદયમાં અંકુર પામતો હોય ત્યારે તમે તેના સાક્ષી હોવ તે જ પૂરતું છે. આ અંકુર પામતો પ્રેમ માતાના ગર્ભમાં પ્રથમ અઠવાડિયામાં થતાં બાળકનાં વિકાસ જેવો હોય છે. માત્ર અનુભૂતિ સિવાય અન્ય કશું જ હોતું નથી. પદ્ધતિની કે ભૌતિક વસ્તુઓની જરૂર તો ત્યારે પડે જ્યારે આપણા મનમાં હૃદયમાં ઉત્પન્ન થયેલી ભાવનાને અને હૃદય સુધી પહોંચાડવાની હોય. હું શું વિચારું છું? મારે તારી જરૂર છે, હું તને ચાહવાં લાગ્યો છું કે મારે આગળનું જીવન સારા હાથમાં હાથ નાખી અને ખભે માથું મૂકીને પસાર કરવું છે. આ બધુ કહેવા માટે અન્ય પાત્રની ઉપસ્થિતિ અને પ્રેમ જાહેર કરવાની નીતિનો સમાવેશ થાય છે. કોઈને જોઈને પ્રથમ વખત એમ થાય કે બસ આજ તો છે જે મને પૂરું કરી શકે છે. બસ તું માત્ર તું ... આ જ તો પ્રેમ છે.
એક પ્રસંગ યાદ આવે છે. લગ્નની આગલી રાત્રે એક પ્રેમિકાએ તેના પ્રેમીને મેસેજ કર્યો. લગભગ બે વાગ્યાનો સમય હતો. બંનેની આંખોમાં ઊંઘનો એક છાંટો પણ નહીં. બંને પક્ષે મનમાં હજારો વિચાર... છૂટી જવાનું કે કાયમ માટે ગુમાવી દેવાની એક પીડા હૃદયનાં ધબકારાને ઝડપી કરી રહ્યાં હતાં. એક હાથમાં પ્રિયજને આપેલ લાલ કલરની કુર્તિ અને બીજા હાથમાં પાનેતર. મને-કમને પણ પાનેતર સ્વીકારવાની ફરજ પડી ચૂકી હતી. કોઈને છેતર્યાનો અફસોસ પણ ભારોભાર શરીરને ધ્રુજાવી રહ્યો હતો. તો બીજા પક્ષે પ્રેમિકાએ આપેલ ઘડિયાળનાં કાંટા જાણે હ્રદય ઉપર ઘા કરી રહ્યાં હતાં. આજની રાત્રિ બંને માટે ગંભીર હતી અને આવનારી તમામ રાતનો પડછાયો જીવવા નહીં દે તેની પણ ખાતરી હતી. ત્યાં એક મેસેજ આવ્યો તેમાં લખ્યું હતું. 'સોરી' હું તારી ગુનેહગાર છું. તને પ્રાણથી પણ વધુ પ્રેમ કરતી હોવા છતાં તારી થઈ શકતી નથી. હું તને કોઈ પણ જાતની સ્પષ્ટતા આપવા માંગતી નથી. આપું તે પણ યોગ્ય નથી કેમ કે મનની વાત મન સુધી પહોંચી જ જતી હોય છે. તેને માધ્યમની જરૂર નથી હોતી અને આપણી વચ્ચે તો બિલકુલ નહીં. આ પરિસ્થિતિએ મારૂ અંગત કહી શકાય તેવો માત્ર તુજ છે. મને કહેતાં ભારોભાર દુખ છે છતાં અલવિદા હું જાઉં છું.
પ્રેમીએ ઊંડો શ્વાસ લીધો અને પથારી પરથી પગ નીચે મૂક્યાં. ધીમે ધીમે તે અરીસા સામે ઊભો રહ્યો. બે ઘડી આંખો બંધ કરી ફરી આંખો ખોલી ત્યારે જ સામે પાનેતર પહેરેલ એક ચહેરો સંકુચિત આંખે સ્મિત કરી રહ્યો હતો. તેને આંખો ચોળી ત્યાં સુધી તે ચહેરો અલોપ થઈ ગયો હતો.
મનથી ક્ષીણ બની ગયેલ પ્રેમીએ તેના ઉત્તર રૂપે એક જ શબ્દ લખ્યો ''આઇ લવ યુ'' સુખી થા... અને સેન્ડ બટન પર ક્લિક કરી કારણ કે આગળનો સંવાદ ન તો પ્રેમિકા માટે હતો, નાં કોઈને સમજાવા માટે.. ન તો પરિસ્થિતિને બદલવા કે દોષારોપન કરવાનો હતો. હવે નો સંવાદ માત્ર ને માત્ર સ્વ સાથેનો હતો.
સ્વ સાથેનો સંવાદ પ્રેમને વધુ પવિત્ર બનાવતો હોય છે. તેમાં કોઈને સાબિતી કઈ સાબિત કરવાં કે વિશ્વાસ અપાવવાનું, પાછળ પાછળ ફરી પામી કે ભોગવી લેવાની વૃતિ રહેતી નથી. જીવનમાં મોટા ભાગનાં પ્રશ્નો પોતાનાં દ્વારાં જ ઉત્પન થયેલા હોય છે અને ઉત્તર પણ પોતાની ભીતર જ હોય છે. પોતાનાં સંવાદ પર પોતાનો જ અધિકાર હોવો જોઈએ. આપણાં પ્રેમનાં નિર્ણય અન્યને લેવાની અનુમતિ ન અપાય.
ખબર ન પડે તેમ ધીરે ધીરે થઈ જાય તે પ્રેમ. પ્રેમમાં તારીખો ન પડે, ન તો સમયના કાંટાને ધ્યાને લેવાય. પ્રેમ સમજણ કરતાં વધુ પાગલપન શીખવે છે માત્ર સમજણ ભરી વાતો કે વર્તન હોય તો જ જીવન રોમાંચિત લાગે. થોડી ગુસ્તાખીયા ભી જરૂરી હે યારો....
તેની પગની પાનીએથી અથડાતી ઝાંઝરો પણ તમારા નામનો નાદ કરવા લાગે ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!
તેનાં કમરે વિટલાયેલ કમરબંધ તમારાં હાથ જેવો લાગે ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!
તેની આંખોનાં કાજલને વધુ ધેરાવો કરતી પાપણો તમારાં નામથી મલકાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!
તેની હથેલીમાં થંભી ગયેલ પાણી જ્યારે મૃગજલ બની જાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!
તેનાં થથરતા હોઠ જ્યારે તમારાં હોઠ સાથે વગર શરતે સ્પર્શાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!
જૈમીન જોષી.