જીવનમાં આશ્વાસનનો સહારો ત્યારે લેવો પડે જ્યારે શ્વાસોનો ભાર ચેતનાના દીપને ફફડાવી મૂકે છે. મન જ્યારે નબળું પડવા લાગે છે ત્યારે રસ્તાઓ ખુલ્લાં હોવા છતાં બંધ થયેલાં દેખાય છે. આપણને આપણો જ પરિચય નથી. આપને પોતાને ઓળખી શક્યાં જ નથી. આપણે બિલકુલ અજ્ઞાત છીએ. આ પૃથ્વી પર આપણો અંશ હોવા ન હોવા બરાબર છે. તમામ કુદરતી ઘટનાઓથી આપણે પરિચિત છીએ. કુદરત નિત્ય આપણને કંઈક શીખવવા માગે છે, બતાવવા માગે છે. આ જીવનનો અર્થ સમજવા બેસીએ ત્યારે કશું સમજાતું નથી. જ્યારે ન સમજવાના પ્રયત્ન કરીએ ત્યારે અણધારી ઘટનાઓ કુશળતાપૂર્વક ઘણું સમજાવી જાય છે. જીવનમાં આપોઆપ કંઇ પણ થતું નથી. જીવનને અર્થ આપણે આપવો પડે છે. બંધ આંખે દેખાતા પટચિત્રો ખુલ્લા લોચનને જોવા બેસીએ તો અપાર પીડા ઉત્પન્ન થાય છે. ન ગમતી ઘટના, ન ગમતા લોકોની વાતો, સાથે જીવવા ઝંખેલ ચહેરાઓના વિદાય થતાં સ્પર્શો કેટકેટલું બંધ આંખે મનને છિન્ન કરતું હોય છે.
આંખોથી નીકળતા ખારાપાણીના સરનામાં પૂછીએ તો જાણીતી આંખોના પલકારા જ નીકળે. એક નાનકડું બિંદુ આપણી ભીતર ગોળગોળ ભ્રમણ કર્યા કરે જેમાં આખું વિશ્વ સમાઇ ગયાની અનુભૂતિ થાય. જે ઠીક લાગે છે તે ક્યારેય ઠીક નથી હોતું. તેની પાછળ મોટી ઘટના વિરાટ સ્વરૂપ ધારણ કરતી હોય છે. મનભંગ, માનભંગ, ઈચ્છાભંગ, સન્માનભંગ, કરુણાભંગ..... આ તમામ ભંગાણની ક્રિયાઓ માત્ર છૂટા પાડવાનું કાર્ય કરે છે, પરંતુ છૂટા પડવાનો અર્થ બે ટુકડા થવા તેવો થતો નથી. અહીં ભંગાણો આંતરિક પણ હોય છે તેવો થાય છે. જે પ્રેમી છે તે ભંગાણનો અર્થ સમજે છે. અહીં જે વાસ્તવમાં મુક્ત થવા માંગતો નથી મુક્તિ તેનો પીછો કરે છે. આપણે જીવન-મુક્તિની વાતો કરીએ, મોક્ષની વાતો કરીએ પરંતુ આપણાં જીવનની ખરાબ ઘટનાઓ, પીડાઓ કે વ્યક્તિઓથી મુક્ત થતા આપણને આવડતું નથી. નાની નાની ઘટનાઓથી મુક્ત થતાં જઈએ તો મોક્ષની આવશ્યકતા રહેતી નથી.
તમારા મનમાં જે મૂળભૂત અવિશ્વાસ તમે ધરાવો છો તે એ છે કે તમે કોઈને પ્રેમ કરો છો. પ્રેમમાં હોવાનું અર્થ તમે શું કરશો? કોઈનું થઈ જવું? કોઈના માટે ઝંખવું? કોઇને પામી લેવું? કોઈના વગર જીવી ન શકવું? કોઈ ને સમર્પિત થઈ જવું..? શું ખરેખર આપણે આ બધું કરી શકીએ છીએ? આપણે બીજી ક્ષણે શું કરવાના છીએ તેની પણ આપણને ખબર નથી હોતી તો અન્યના થવાની, સમર્પિત થઈ કે પામી લેવાની વાતમાં કેટલી સત્યતા? શું આપણે સંપૂર્ણ જીવન કોઇ એક વ્યક્તિના સાનિધ્યમાં જ કાઢી શકવા પૂરતા છીએ? આપણું જીવન એટલું નશ્વર છે કે આપણે ફલાણા વ્યક્તિ વગર જીવન શક્ય નથી તેવી ફરિયાદો કરતાં ફરીએ? ખરી વાત તો તે છે આ બધી વાતો, કલ્પનાઓ આપણે જીવનમાં માત્ર બોલીએ છીએ. ખરેખર જીવતા થઈએ તો શબ્દોનો સહારો લેવો ન પડે. પ્રેમ માટે મોટી હિંમત જરૂરી છે. અહમ પ્રેમને પૂર્ણ કરી દેતો હોય છે.
દરેક વ્યક્તિ પાસે જીવન, પ્રેમ, જ્ઞાન, શિક્ષણ, વ્યવસાય... દરેક વિશે પોતાના આગવા ખ્યાલો હોય છે. કોઈ ચોક્કસ મત કોઈ વ્યવસ્થાએ પહોંચ્યાં વગર સાચો ન કહી શકાય. આપણા માટે જે સત્ય છે તે અન્ય માટે ના પણ હોય. આપણાં મૂલ્યો અલગ છે. આપણે કોઈના મૂળમાં નથી. આપણે બાહ્ય આડંબરના આધારે જ વ્યક્તિ પરીક્ષણ કરીએ છીએ. ભીતરમાં નિહાળવાની ફુરસદ કે આવડત આપણામાં છે જ નહીં. કે આમ કહો કે આપણને શીખવવામાં જ નથી આવી. જે બાહ્ય આવરણો આપણાં આત્માને ઢાંકી દે છે તેવા જીવનનો શું અર્થ? આપણે શું પામી લેવાના? વાદળો જે રીતે સૂર્યને ઢાંકી દે છે તે જ રીતે આપણાં માનવ દ્વારાં શીખવેલ અજ્ઞાનતાના બાહ્ય આવરણો આપણા આત્માને ઢાંકી દે છે. આપણો અહમ આપણા લોકોથી અલગ કરી દેતો હોય છે. લોકો પોતાના જ પ્રેમને કારણે બરબાદ થાય છે. ક્યારેય વિચાર્યું છે કે કેમ? પ્રેમમાં ખોટ છે કે આપણામાં? આપણને માત્ર વ્યક્તિનો ઉપયોગ કરતા આવડે છે. કોઈના સપનાં તોડતા, કોઈને અડધે રસ્તે છોડતાં કે નીચું દેખાડતા આવડે છે અને આપણે હંમેશા તેનો જ સહારો લઈએ છીએ.
આપણે આપણા સંતાનોને જે સારી વાતો, સંસ્કાર તેને શીખવીએ છીએ તે જ જો પોતે એક વાર વાંચી તેને અનુસરવાનો પ્રયત્ન કર્યો હોત તો બાળકને શીખવવાની જરૂર જ ન પડે. તે જાતે જ અનુકરણ કરી લેત. શાળામાં શીખેલું આપણે કેમ ભૂલી જઈએ છીએ તે ખબર પડતી નથી. મૂળ ભૂલ ક્યાં છે તે આપણે સમજવું જરૂરી છે.
જૈમીન જોષી.