- જીવન ત્યાં સુધી જ આપણું છે જ્યાં સુધી આપણે તેને જીવંત રાખીએ છીએ.
એક અંધ વ્યક્તિ ઈશ્વરને દ્રષ્ટિહિન હોવાનાં કારણે ફરિયાદ કરતો હતો. તેની સાથે રહેવા માટે કોઈ હતું નહીં. એક ટાઇમ જમવાના ફાફાં હતા. અંધ હોવાનાં કારણે પરિશ્રમ કરવાની તો વાત જ ન હતી. તે ઈશ્વરને કોસતો કોસતો રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. ત્યાં તેને રસ્તામાં ઠેસ વાગી અને તે પડતાં પડતાં બચી ગયો. એકલો હોવાનાં કારણે તે ગુસ્સામાં તો હતો અને ઉપરથી ઠેસ વાગવાના કારણે પડતાં પડતાં બચી ગયો એટલે તે વધુ અકડાઈ ગયો અને જ્યાં ઠેસ વાગી હતી ત્યાંથી પથ્થર હાથમાં પકડી લીધો. બરાબર તેજ સમયે એક કૂતરું તેનાં પર ભસવા લાગ્યું. અચાનક થયેલા પ્રહાર પર તેને પ્રતિકાર રૂપે હાથમાં રહેલ પથ્થરને બળપૂર્વક કૂતરાં તરફ ફેંક્યો. ત્યાંતો તેનું નિશાન ચૂક્યું અને ત્યાંથી પસાર થતા એક વ્યક્તિનાં માથાં ઉપર તે પથ્થર વાગ્યો. વ્યક્તિ ત્યાં જ મૃત્યું પામ્યો. અંધ વ્યક્તિ ઉપર મુકદમો દાખલ કરી તેને સજા કરવામાં આવી. નવાઈની વાત તે હતી કે તે વ્યક્તિ ખુશ હતો. કારણ? કેમ કે થોડા સમય પહેલાં તે એકલો હતો. તેની પાસે પૈસા ન હતાં. રહેવા માટે ઘર ન હતું. કેટલાય દિવસ તે ભૂખે આળોટયા કરતો હતો. અચાનક જ તેને બધું પ્રાપ્ત થઈ ગયું. જે ઈશ્વરની તે આલોચના કરતો હતો તેનો આભાર માનવા લાગ્યો.
અહીં આપણે ત્રણ વાતો શીખવા જેવી નહીં માત્ર જાણવા જેવી છે. એક કે અંધ વ્યક્તિ જે સતત દુઃખમાંથી પસાર થતો હતો તેને સહારો મળી ગયો જે કુદરતની કૃપા કહી શકાય. બીજું કે ક્યારેક કોઈ એકની ખુશી માટે બીજાને મૃત્યું પણ મળતું હોય છે. સૌથી વિચારવા અને સમજવા જેવી વાત તે છે કે આંધળા વ્યક્તિને ગુનેગાર સાબિત કરી સજા આપવા લાગેલ વ્યક્તિઓની મનઃસ્થિતિ અને વિચારધારા કેવી હશે.
આપણી આસપાસ પણ આવા કેટલીક કુદરતી ઘટનાઓ ઘટતી હોય છે જેનો ફાયદો કે નુકસાન આપણે ભોગવવા પડતાં હોય છે. જ્યાં સુધી ફાયદો થાય છે ત્યાં સુધી બધું યોગ્ય છે પરંતુ જ્યાં કંઈક છૂટી જવાની કે તૂટી જવાની વાત આવે ત્યારે આપણી વિચારબુદ્ધિ પૂર્ણ થઈ જતી હોય છે. પરિણામે આપણે હતાસ થઈને કુદરતને ગાળો ભાંડીએ છીએ કાતો ઈશ્વરે જે કર્યું એ સારા માટે હશે તેમ કહી મન મનાવી લઈએ છીએ.
મનુષ્ય તરીકે જન્મતી વખતે કુદરત પાસેથી આપણે એવી કોઈ શરતે બંધાયા તો નથી કે જીવનભર તમામ પરિસ્થિતિઓના સંજોગો મને સાનુકૂળ હશે તો જ હું જન્મ લઈશ. જે મારી વિરુદ્ધ હશે તેમને શ્રાપ આપી ભસ્મીભૂત કરવાનું વરદાન મને આપો. જગતમાં હું સર્વશ્રેષ્ઠ બનીને રહીશ. પૃથ્વી પર લોકો મારી પૂજા કરે, મારા સાનિધ્યમાં મારી સલાહ પ્રમાણે જીવે તેમજ તેમનું કલ્યાણ મારા થકી થશે તો અને માત્ર તો જ હું પૃથ્વી લોકમાં જઈશ નહિ તો નહીં. આવી કોઈ તમે હઠ કરી હતી તેવું યાદ આવે છે? નહીં ને... તો પછી અન્ય કોઈને પણ ઈશ્વરે આવી જવાબદારી સોંપીને શરતી વિધાનોને માન્ય રાખી પૃથ્વીલોકમાં મોકલ્યા હશે?
જો ના.. તો પછી આપણે આટલા બળાપા શેના માટે કરીએ છીએ? અટલી બધી હારી જવાની નિરાશાજનક વાતો શા માટે? દરેક પાસે પ્રશ્નો છે કે હું શું કરી શકું.. ? પણ કોઈ તેમ કહેવાં તૈયાર નથી કે હું કરી શકું...આ શું શબ્દનો ઉપયોગ આપણે યોગ્ય જગ્યાએ ન કરી શકીએ?
આ એક વાત તો સ્વીકારવી જોઈએ કે સફળતા પ્રાપ્ત કરવા એક પરાક્રમ જ પૂરતું છે. માણસની ઓળખાણ તો એક સફળ કાર્યથી જ બને છે. કોઈ સારા સિંગરની ઓળખ એક ગીતથી, કોઈ એક્ટરની કોઈ એક મૂવીથી તો કોઈ વૈજ્ઞાનિકે કરેલ એક શોધથી વગેરે.. આગળ ભલે તમે ગમે તેટલું કાર્ય કર્યું હોય પરંતુ ઓળખાણ માત્ર એક કાર્યથી જ ઉભી થાય છે. આપણી તમામ નિષ્ફળતાઓ એ એક એવા પરાક્રમનું નિર્માણ કરે છે જે આપણી ઓળખાણ બનાવે છે.
ધર્મશાસ્ત્રો, રાજનેતા, શિક્ષણ, કલાકાર વગેરેનું સમર્થન પરસ્પર વિરોધો અને ભ્રમોથી ભરેલું છે. આમાંથી કોને સાચું ઠેરવવામાં આવે અને કોઈને ખોટું કહેવામાં આવે તે જ નક્કી થઈ શકતું નથી. જેમ કાયદો તમારો દરેક ગુનામાંથી આડકતરી રીતે બચાવ કરે છે તેમ આ તમામ મુદ્દાઓ આપણને આપણી સાયભી પ્રમાણે વર્તવાની છૂટ આપે છે. માતાપિતા, શિક્ષક, ધર્મશાસ્ત્ર, રીતિ-રિવાજ, પડોશી સંબંધીઓ રાજનેતાઓ આ તમામ આપણને શીખવાડે છે અને જે રસ્તા ઉપર ચાલવા માટે મજબૂર કરે છે જરૂરી નથી કે ઉચિત અને યથાર્થ હોય. આપણી એક ભૂલ આપણને કોઈના ગુલામ બનાવી શકે છે.
આંધળા કેદીને સજા કરવાનો ગર્વ આપણે લેતા હોઈએ તો આપણે કેટલાક મૂર્ખ છીએ તે જાહેર કરીએ છીએ. અંધ વ્યક્તિને બહાર રાખો કે અંદર તેના માટે સમગ્ર જીવન અંધકારમય જ છે. અલબત્ત આપણા બધા ઉપર ભયનું સામ્રાજ્ય છે તે વાત સાચી પણ દરેક વ્યક્તિ અનિચ્છનીય ઘટનાઓનો વિરોધ કરે તેટલી પણ સ્વતંત્રતા ક્યાં હવે બચી જ છે. વધુ પડતો પૈસા ગુનાઓ કરવા હિંમત આપે છે. મૂળ કારણ તેનું ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટતા બૌદ્ધિક પરાધીનતા તરફ ધકેલે છે. આપણે હિતેચ્છુઓને આપણા ગુલામ સમજી આપણે શ્રેષ્ઠ હોવાનો ઢોંગ કરીએ છીએ. જેની વિરુદ્ધ બુદ્ધિ ધૂર્ત હોય તેની પાસે શું અપેક્ષા રાખી શકાય.?
જૈમિન જોષી.