Monday, September 4, 2023

કુશળ થવું છે તો એકાગ્ર ચિત્ત વાળા બનો. (If you want to be skilled, be focused.)

  •  એકાગ્રતા જ છે જે તમને જીવનમાં ઉત્તમ રસ્તાઓ પર ચાલવા માટે પ્રેરિત કરી શકે છે.

Concentration


   જીવનમાં એકાગ્રતાનું મહત્વ કેટલું તેવો વિચાર આવે ત્યારે સહજ રીતે પ્રશ્ન થાય કે એકાગ્રતા જેવું કોઈ તત્વ હોઇ છે પણ ખરું કે માત્ર સામાજિક માળખાઓમાંથી ઉત્પન થયેલો એક માત્ર શબ્દ જે માત્ર કલ્પના પુરતો સીમિત છે. શું મગજની તેવી કોઈ અવસ્થા ખરી કે આસપાસનું ભૂલી માત્ર એક જ વસ્તુ ઉપર આપણું ધ્યાન રહે. કોઈ વસ્તુ પુરતું જકડાઈ રહેવું તે જડતા ન કહેવાય? આમ તો એકાગ્રતા વીશે ન જાણનાર લોકો ભાગ્યે જ હશે. જાત જાતની સલાહો આપનાર મોટે ભાગે એકાગ્ર ચિત્ત, ધ્યાન અને લક્ષ વિશે  ભાત ભાતની શિખામણો આપતા હોય છે. તેમ છતાં એકાગ્રતાની વાસ્તવિકતા વિષે કોઈ ચોક્કસ નિયમો નથી. આમ જોવા જઈએ તો એકાગ્રતાનો સીધો સંબંધ આધ્યાત્મ સાથે છે. તમે આસ્તિક હોવ કે નાસ્તિક પરંતુ મગજની આ અવસ્થા સુધી પોહચવા માટે ધાર્મિક હોવું આવશ્યક નથી ન તો તેની કોઈ શિક્ષા, પદ્ધતિ કે તપ છે. કેટલાક લોકોને તે જન્મજાત મળતી હોય છે તો કેટલાકે માગને ટેવડાવવું પડતું હોય છે. કોઈ એક વસ્તુ, બાબત કે ઘટનામાં તેટલું ઊંડું ઉતરી જવું કે અન્ય કોઈ બાબત માટે આપણે સજાગ ન હોઈએ. એક રૂપ બુદ્ધિ મન જ્યારે  સ્થિરતા પ્રાપ્ત કરે ત્યારે આપણું જ્ઞાન પાપ રહિત થઈ શકે. કોઈ પણ કાર્યમાં પાપ અને પુણ્યની ગહનતા સમજી શકવા ચિત્ત એકાગ્ર હોવું આવશ્યક છે. જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ એકાગ્રતા અને નિષ્ઠા બાબતે જવાબદાર સજાગ હોય ત્યારે તેની નિર્ણય શક્તિમાં સચોટ ગુણોનું સંચાર થાય છે. પોતાની ખૂબી અને ખામીઓ વિશે જાગૃત હોવું જરૂરી છે.

     જ્યારે કોઈ સાધક(વ્યક્તિ) વિચારે છે, લક્ષ નક્કી કરે છે અને પોતાની બધી શક્તિઓને પોતાના લક્ષને પૂર્ણ કરવામાં લગાવી દે છે. પોતાની દિશા નક્કી કરી લે છે અને પોતાના નક્કી કરેલ ધ્યેયને એટલી ઉત્કંઠા અને ઉત્કૃષ્ટતા વરે છે કે સાધક પોતે ઉત્કૃષ્ટ બની જાય છે. પોતાનાં સપનાઓ પૂર્ણ કરવાની તીવ્ર ઈચ્છાઓ જીવનની કોઈ પણ સુવિધા અસુવિધાથી પર રાખે છે. ન માન સન્માન, ભૂખ તરસ, ગંધ, સુગંધ ,પીડા, પ્રેમ, સ્નેહ, સમર્પણ, સત્કર્મ, કુકર્મ, સત્ય, અસત્ય તમામ બાબતોથી પર આ વ્યક્તિની માત્ર કર્મ કરવાની જ વૃતિ કે જડતા હોય છે.

    પોતાની જાતને ઉત્તમ સાબિત કરવા આ જડતા જરૂરી છે. કોઈ પણ સર્જનાત્મક કાર્ય કરવા માટે આપણું મન એકાગ્ર હોવું જરૂરી છે. સફળતા કોઈ મંદિરનો પ્રસાદ નથી કે માત્ર લાઇનમાં ઊભા રહેવાથી આપણાં હાથમાં આવી જાય. આ એક તપ છે જે રાતોરાત પ્રાપ્ત થતું નથી. કુશળ થવું છે તો એકાગ્ર ચિત્ત વાળા બનો. પોતાની વાણી,વર્તન ઉપર સંયમ રાખી પોતાનાં સપનાં, પોતાનાં ધ્યેયને પ્રાપ્ત કરવા પોતાનાં મન ઉપર અંકુશ રાખતા શીખો.  

 

                                                                                                                    જૈમિન જોષી.


સીપીઆર શું છે ? ( What is CPR?)

  સીપીઆર શું છે ?  What is CPR?             વધતો જતો સ્ટ્રેસ અને અતિ વ્યસ્તતાના કારણે  આપણે પોતાના શરીર અને તેની રચના વિશે  અજાગૃત થઇ ગયા ...