- સત્યને જાણ્યા વગર કોઈ ખુશ તો થઈ શકે,આનંદ તો જાણ્યા પછી જ આવે:
![]() |
શિયાળાના જતા મિજાજ અને ઉનાળાના ઉમળકા ભેર આવવાની ઋતુ હતી. બપોરનો સમય હતો અને આળસ પરમ સખા બની બેઠી હતી. હું લોબીમાં આંટો મારવા નીકળ્યો. પગ છુટા કરવાના હેતુથી ચાલવા લાગ્યો ત્યાં મન જ છૂટું પડી જાય તેવો અવાજ સંભળાયો. વર્ગખંડની બારીમાંથી નજર કરી તો એક શિક્ષિકા વિષયની વિપરીત ભગવાન શ્રી રામ અને માતા સીતાની સંઘર્ષ ગાથા કહેતા હતા. વિદ્યાર્થીઓની આંખે નિંદ્રા અને મુખે મસમોટા બગાસા હતા. છેક છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીઓએ માથા પડતા મૂક્યાં અને આગળ બેઠેલા વિદ્યાર્થીઓ મેડમને માઠું ન લાગે તે માટે તેમના વાક્યો સાથે આલાપસહ માથું હલાવતા હતાં. પરિસ્થિતિ સમજાય તેવી હતી. દિવસના છેલ્લા બે તાસ તો માત્ર નામના જ હોય છે. બંને પક્ષે એક પણમાં ઉત્સાહ બચતો નથી. મેં એક ડગલું આગળ વધાર્યું ત્યાતો પૂર્ણ ઉત્સાહ સાથે મેડમે દીકરીઓને સલાહ આપવાની શરૂઆત કરી.
પતિવ્રતા પત્ની કોને કહેવાય..? સતી એટલે શું? આદર્શ દીકરી અને પત્ની કોને કહેવાય? સ્ત્રી ધર્મ શું હોય છે... સતી ક્યારે કહેવાયઈ એ ? તેનું વર્તન કેવું હોવું જોઇએ.! બધી મસમોટી વાતોનો ટોપલો ખંખેરવા લાગ્યા. વિદ્યાર્થીઓ એ મેડમને ઉત્સાહમાં આવેલા જોઇ સ્થિર બેસીને જોઈ રહ્યા.છોકરાઓ મિત્રછોકરીઓ સામે ટીખળ સ્વરૂપે કહેવા લાગ્યાં કે શીખો....! આવું બનવાનું... આને કહેવાય સ્ત્રી...અને અંદરો અંદર હસવા લાગ્યાં. સમય પસાર થયો અને હું પણ... શાળા છૂટવાનો સમય થયો હતો. મેડમને લેવા માટે તેમના પતિ આવવાના હતા જે રોજ કરતાં પાંચ મિનિટ મોડા પડયાં. મેડમ પણ વિદ્યાર્થીઓ સાથે જ ગેટ પાસે ઊભા રહી પતિની લાલ આંખે રાહ જોતા હતા. તેટલામાં પતિનું આગમન થયું. પત્નીની થયેલ ઝીણી લાલ આંખ જોઈ તેમને સામેથી કહ્યું સોરી.. ટ્રાફિકના કારણે જરા....
ટ્રાફિક...? શાનું ટ્રાફિક..? બધા બહાના છે. રસ્તામાં ઓછાં ડાફેરા મારતા હોવ તો કોઈ ટ્રાફિક ના નડે. કોઈ શરમ જેવું છે કે નહીં હું અહી ક્યારની રાહ જોઉં છું.એવું હોય તો ઘરેથી વહેલું નીકળાય,એકતો અખો દિવસ અહી માથા ચડાવવાના અને ઉપરથી.. ઘણી છો કે ધૂળ? ઘરે ચાલો બતાવું તમને હું..! તમારું સોરી અવળું ન કાઢું તો મને કહેજો. મેડમે એક સાથે આટલું બોલતામાં હાથમાં પકડેલ પસૅનો સીધો ઘા કર્યો. વિદ્યાર્થીઓ જોતા રહ્યા અને પત્ની ધર્મના ફુગાવેલા દડા એક ઝાટકે ફૂટી ગયા.
અહલ્યા, દ્રૌપદી, સીતા, મંદોદરી, તારા જેવી સતી કહેવાયેલ નારીની કથાઓ દરેકે સાંભળી અને સંભળાવી હોય છે. માતા અનસૂયાના પતિવ્રતનો ભંગ કરવા તો સ્વયં ત્રિદેવને પૃથ્વીલોક પર આવવું પડ્યું હતું. એક બાજુ રામ અને બીજી બાજુ આખું ગામ છતાંયે સીતા ફરે પરધામ. એવી સ્થિતિ ઘરે ઘરે છે. પત્ની ધર્મને અનુસરો તો જ આજ્ઞાકારી, તો જ પતિવ્રતા. પતિ જ પરમેશ્વર તેવું માનનારી સ્ત્રીઓ આજે સમાજમાં ભાગ્યે જ જોવા મળે. પતિ સેવા અને પત્નીધર્મ બંને અલગ વસ્તુ છે. રાજા રામ મોહનરાય એ સતિપ્રથા બંધ કરાવી પણ હવે તો પત્નીપ્રથા જ બંધ થઈ જવા આવી છે.
આપણને હસવું આવશે પણ આપણે પણ જે શીખ્યા તે જ શીખવ્યું.જે સમજ્યા તે જ સમજાવ્યું તફાવત માત્ર એટલો કે દરેકને પોતાના અર્થ કાઢતા આવડે છે.ઉમેરો કરીને સ્વસમજણ પ્રમાણે પોતાનું કામ કાઢીલેતા આપણને બહુ સારી રીતે આવડે છે. માનવ અસ્તિત્વના હજારો ઉકેલાયા વગરના પડ્યા રહે છે અને જે ખૂલે છે તેને પણ સાચું માનવું સકયા નથી કોઈ માણતું પણ નથી.વ્યકતીની લાગણી સરકારી ફાઇલોની જેમ એક ખૂણામાં ધૂળ ખાય છે,તેને પણ કોઈ હાથ લગાવતું નથી. જે સમજે તે પીડાય જે ન સમજે તે અણસમજુ ગણાયને છૂટી જાય.. હાલત કોની કફોડી? કોઈપણ ધર્મ સન્માન શીખવે છે પછી તે સ્ત્રી તરફથી હોય કે પુરુષ તરફી, બાળક તરફથી હોય કે વૃધ્ધ તરફી. ધર્મની શિક્ષા અધર્મી આપે, જ્ઞાનની વાત અજ્ઞાની કરે, મહિલાઓને ઢોરમાર મારનાર સ્ત્રી સન્માનની વાત કરે. આવા કિસ્સામાં જેના નસીબે અત્યાચાર છે તે તો જાગૃત થતાં જ નથી પરંતુ જે સ્ત્રી સન્માન વાળું જીવન જીવતી હોય તે પોતાને સ્વપીડિતાસમજી બીજાની હાલત કફોડી કરી દે છે. જ્યારે કોઈ પુરુષ પીડિતની વાત શુદ્ધા કરતું નથી.
દુર્ગુણ અને સગુણની વ્યાખ્યા ઉપર ચર્ચા કરનાર પાસે આવગુણોના ભંડારો હોય. લોકોના અનુભવને સ્વજ્ઞાન માની લેવામાં આવે. જેણે જીવનમાં એક મેણુ પણ ન સાંભળ્યું હોય તે સ્વયં પીડિત હોવાની તગડી સહાનુભૂતિ મેળવી જાય. ગધેડા ગોળ ખાય અને ગાયો ભૂખી મરે. પુરુષોની લપસી જવાની સહજ વૃત્તિનો લાભ અલગ જ સ્વરૂપે પડદાં ઉપર દુર્ગુણો તરીકે પ્રગટ કરવામાં આવે. આમ પણ તેમનું સાભળે કોણ..?
શું દરેક સ્ત્રીએ સતી થવા માટે પતિ સેવા જ એક માર્ગ છે? શું ખરેખર પતિને પરમેશ્વર માનવાની પ્રથા સંપૂર્ણ યોગ્ય છે? આવા કેટકેટલા સવાલો તો ઉભા હતા અને રહેશે પરંતુ કોઈ વસ્તુને માની લેવું તેના કરતાં વધુ યોગ્ય તેને જાણી લેવું. માન્યતાઓ ઘણી ખતરનાક હોય છે. જો સ્ત્રી ધર્મ હોય તો પુરુષ ધર્મ પણ હોય. સ્ત્રી અસહાય હોય તો પુરુષ પણ હોય. સ્ત્રી ઉપર અત્યાચાર થતો હોય તો પુરુષ પર પણ થતો જ હોય. કોઈપણ ગુનો વ્યક્તિની જાતિ આધારિત નથી હોતો.કોઈ પીડા ભેદભાવ નથી કરતી તે તો સ્વતંત્ર રીતે તેનું કામ કરતી જ હોય છે,પરંતુ અસહાયતા અને નબળાઈની સહાનુભૂતિ થકી કેટલીય નારીઓ નારાયણ ને જ નાથવા લાગી જાય છે.
આપણે બધા જીવીએ છીએ, પણ આપણે જેવા છીએ તેવા સ્વયં પોતાને જ સ્વીકારવા તૈયાર નથી હોતા તો અન્યને તો દૂરની જ વાત રહી. આપણું વર્તન અને શબ્દ પરફેક્ટ મેચ થતા નથી. ગીતા વાંચનાર બીજી જ ક્ષણે છાતીમાં છૂરો ભોંકી શકે. કુરાન વાંચનાર હમણાં જ શરીરથી માથું અલગ કરી શકે. પશુનો જીવ બચાવનાર બળાત્કાર કરી શકે. ધાર્મિક વ્યક્તિના દરેક કાર્ય ધર્મને લગતા હોય તે માની લેવું મૂર્ખામી છે. આશા પણ ન જ રખાય. જે કરીએ તે જ ધર્મ અને તે જ સત્ય આવી માનસિકતા પૃથ્વી ઉપર નીતનવા માનવધર્મની વ્યાખ્યાનું અલગ અર્થઘટન કરે છે. ત્રિકાળજ્ઞાની ઋષિઓએ પણ ક્રોધે થઈ શ્રાપ આપ્યાના ઉદાહરણો છે. ધર્મની શિક્ષા કે શિક્ષાનો ધર્મ બંને વચ્ચે મસમોટો ભેદ છે. આખી દુનિયાનું જ્ઞાન ભેગું કરવું પડે છતાં કરી શકતું નથી. આપણે જ્ઞાન લઈ એ તેવું કહેવાય છે અજ્ઞાનતા શીખવવામાં નથી આવતી તે તો અંદરથી જ આવી જાય છે. કૃષ્ણએ તો માતા કુંતીને પણ જ્ઞાન આપ્યું અને તેમણે સહજ સ્વીકાર્યું.કોઈ મોટાઈ નહીં કોઈ અભિમાન નહીં. મોટાં એ પણ સતત શિખવું પડે અને છતાં પણ વર્તન તો જેતે જગ્યાના વાતાવરણને ધ્યાનમાં રાખી ને જ કરાય. સમજણ સફાળે ન આવે તેને કેળવી પડે. બાકી છેલ્લે તો સફળા એકાદશી જ કરવી પડે છે.અન્યમાં સંસ્કારોમાંનું સિંચન કરવા ઈશ્વરના જીવનના ઉદાહરણોની જરૂર નથી માત્ર આપણું વર્તન સંસ્કારિત હોય તે પૂરતું છે તેજ સાચાં અર્થમાં અન્ય માટે પ્રેરણરૂપ છે.બાકી છેલ્લે તો "જય સિયા રામ".
જૈમીન જોષી.