Sunday, July 17, 2022

આપણી સાથે ચાલનાર વ્યક્તિ આપણાં હોય છે ખરા ? (The person who walks with us is ours right?)

  •  આગળ ચાલવું હોય તો પાછળનાં ડગલાંને છોડવું પડે....  
no one with us

    

   પૃથ્વી ઉપર આપણો સફર શ્વાસથી શરુ થાય છે અને શ્વાસથી પૂર્ણ થાય છે. વધતી  ઉંમર સાથે વધતાં શરીર, બળ, બુદ્ધિ, વિકૃતિ, મોહ, લાલચ, પીડા, અશાંતિ બધું વધતું જાય છે અને આપણે ઇચ્છાઓ દ્વારાં સર્જાયેલ વર્તુળમાં ક્યારે ખોવાઈ જઈએ છીએ તે સમજમાં જ નથી આવતું. અંધકારમાંથી બહાર નીકળીએ તો પ્રકાશ આપણી આંખો આંજી દે છે. આપણે અજવાળામાં ઉભા હોવાં છતાં સ્પષ્ટ જોઈ શકતાં નથી. જીવન સાથે પણ આવું થાય છે. સત્ય આપણી સામે હોવાં છતાં આપણી આંખો તેટલી ઝાંખી પડી જાય છે કે આપણે તેનો સહજ સ્વીકાર કરી શકતાં જ નથી. આપણો અકળાયેલો ગભરાયેલો સ્વભાવ વાસ્તવિકતા સાથે મનમેળ થવાં દેતો જ નથી. તમને ખરેખર લાગવા લાગે છે કે કોઈ છે જેનાં માટે મારે આટલું આટલું કરવાનું છે. કોઈ છે જે મારા માટે ફલાણું ફલાણું કરવાનું છે. જ્યારે આડંબરી વ્યક્તિત્વમાંથી બહાર ડોક કરીએ તો જીવન ઝેર લાગવા માંડે. 
   
   ક્યારેક દિવસ લાંબો પડે તો ક્યારેક રાત્રી, ક્યારેક સુખ ઓછુ તો ક્યારે સમય, ક્યારેક વ્યક્તિ માટેની ઝંખના તો ક્યારેક અલગ થવાનાં અભરખા વધતાં જતા હોય છે. આપણે જેમ જેમ વ્યક્તિઓનો સંપર્કમાં આવતા જઈએ તેમ તેમ કેટલાક લોકો અપણને અંગત લાગવા લાગે છે. આપણે તેવા પરિઘની રચના કરી દઈએ જેમાં અમુક ચોક્કસ વ્યક્તિનું જ સ્થાન હોય. તે વર્તુળમાં અન્યને પ્રવેશ કરવો હોય તો વ્યક્તિને આપણી શરતોનું ચોક્કસ માળખું અનુસરવું પડે. આપણી ખોટી તો ખોટી પણ ક્રિયામાં સહકાર અપાવો પડે. કોઈ આપણને ખોટો કહી પણ દે તો આપણાં ભવા અને મોઢાં બંને ચડી જતા હોઈ છે. આપણને રાજી રાખવા કોઈએ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી આપણાં હિસાબે ચાલવું પડે. આપણાં વર્તુળમાં આપણને રિઝવે તેમનું જ સ્થાન અવ્વલ હોય છે.
   
   આપણાં વ્યક્તિત્વથી અંજાઈને કેટલાંક વ્યક્તિઓ આપણી બનાવેલી દુનિયામાં પ્રવેશ તો મેળવી લે છે પરંતુ ધીમે ધીમે તે અંદરથી રૂંધાવા લાગે છે. ધીમે ધીમે આપણાં માટે ઉત્પન થયેલ પ્રેમ ક્યારે ઘૂટન બની જાય છે તે સમજી શકાતું નથી. માતા-પિતા જેવા અંગત સબંધોને બાદ કરતાં મોટા ભાગના સબંધો માત્ર સ્વાર્થ કે સામાજિક પરંપરાઓ દ્વારાં થોપી મારેલા જડ નિયમોના પરિણામ સ્વરૂપ જોડાયેલા હોય છે. જોડાઈ જવું અને જકડાઈ જવું બંને વચ્ચે ઘણો ફર્ક છે. જોડાણમાં સાથ છે, પ્રેમ છે, સ્નેહ છે, કરુણા અને માનવતા છે જ્યારે જકડામણમાં ક્રોધ, અકળામણ, ડિપ્રેસન, બંધન, અને જીદ છે. જો તમે આંખોથી જ્ઞાનનો પડદો થોડો હટાવશો તો સમજાશે કે આપણે જેને પોતાના માનીને ચાલીયે છીએ તે તો માત્ર પ્રવાસમાં સાથે છે, આપણી સફળતાની સાથે છે, આપણી પ્રગતિ અને પ્રાપ્ત કરેલ હોદ્દાની સાથે છે. એક મિત્ર મિત્રની ઈર્ષા કરે, એક ભાઈ ભાઈના ધનની ઈર્ષા કરે, સાથી કર્મચારી મળતાં પગાર કે હોદ્દાની ઈર્ષા કરે. ધીમે ધીમે તમે આગળ વધતાં જાવ તેમ દરેક વ્યક્તિ તમારાથી છૂટતું જાય છે. અલબત્ત તે તમને જીવનનાં તેવા અમુલ્ય પાઠ ભણાવતા જશે જેથી તમે વધુ ‘’મજબૂત’’ અને ”દ્રઢ”  બનતા જશો. તમારી કરુણા ધીમે ધીમે પૂરી થતી જશે. માનવતા ઉપરથી તમારો વિશ્વાસ ઊઠતો જશે. તમે વધુ આક્રમક અને જુસ્સા વાળા બનતા જશો. પ્રગતિનાં નામ ઉપર અન્યને કરી બતાવવાની લાગણી ક્યારે ઊભી થઈ જશે તેનું પણ જ્ઞાત નહીં હોય.
   
   વ્યક્તિઓથી છેતરાયેલો માણસ ધીમે ધીમે વસ્તુઓમાં સુખ શોધવા લાગે છે. વધુને વધુ “ધન” પ્રાપ્ત કરવા, વધુ નામ આગળ વધારવા માટે પ્રયત્નો કરવા લાગે છે પણ જ્યારે તે આ બધુ પ્રાપ્ત કરી લેતો હોય છે ત્યાં સુધી જીવન પૂરું થઈ ચૂક્યું હોય છે. જ્યારે ખરેખર ભોગવવાનો સમય આવે છે ત્યારે કશું  ભોગવી શકતા નથી. પાછળ ફરીને જોતાં તે પણ સમજાતું નથી કે સફરમાં છૂટેલ વ્યક્તિઓમાં કોઈ અંગત તો છૂટી નથી ગયુને, પણ સાથે તે પણ સ્વીકારવું જરૂરી છે કે આપણાં સફરમાં શરૂઆતથી અંત સુધી કોઈ સાથે નથી અવવાનું. દરેકને પોતાનું જીવન છે અને સમય આવે પ્રત્યેક વ્યક્તિ તેમનો વળાંક પસંદ કરી વળી જતો હોય છે. આપણે જેને સાથે લઈને ચાલવા માંગીએ છીએ તે તો ક્યારનાં  પોતાના મનથી તમને છોડી ચૂક્યા હોય છે. તમારી સાથે જે ચાલી રહ્યું છે તેતો માત્ર એક શરીર છે. તમે શરીરનું શું કરશો?  તમે ક્યારેય વિચાર્યું છે કે હાડ-માંસના લોચા તમને કેટલું સુખ આપી શકે?
    
   ઇચ્છાઓથી પર પણ એક દુનિયા છે. તમને જે તરસ છે તેતો માત્ર શરીરની જ છે. પાનને પણ લીલા રહેવા માટે પોતાનાં વૃક્ષમાંથી પ્રવાહી ખેચવું પડે છે અને વૃક્ષને પણ હર્યુભર્યું રહેવા માટે પોતાનાં મૂળિયાં વિકસાવવા પડે છે. દરેક સુખમાં સબંધ શોધવા જશો તો દુ:ખી થસો. સુખને સંબધ સાથે કોઈ લેવા દેવા નથી આપણે પત્ની કરતાં વધુ રોમાચ અન્ય સ્ત્રી સાથે અનુભવીએ છીએ. ભાઈ કરતાં મિત્ર સાથે વધુ ખૂલીને હસીને વાતો કરીએ છીએ. બહારનાં જગતમાં સુખ અને દુ:ખ જોડાયેલા છે. એટલા માટે જે દિવસે તમારી પાસે “ધન” આવી જશે તે દિવસે નિન્દ્રા ખોવાઈ જશે. જીવનની દુર્ઘટનામાંથી બહાર નિકળીએ તો ક્યારેક ભોજનનું સુખ, ક્યારેક સ્વસ્થનું સુખ, તૃપ્તિનું સુખ પ્રાપ્ત કરી શકીએ. પ્રત્યેક સમયે કોઈને સાથે લઈને ચાલવાની ભાવના અંતે તો દુઃખી અને એકલા જ કરી મૂકે છે. કોઈનો છૂટતો સાથ સહન કરવાની કાર્યક્ષમતા અને સહજતા જેનામાં નથી તે વ્યક્તિ અંતે તો કરુણાહિન અને જડ જ વ્યક્તિત્વ ધરાવતો બની જશે. સાચું સુખ તો ધીમે ધીમે બધુ ત્યાગ કરવામાં જ છે.           
                                                                                                                           
                                                                                                           જૈમીન જોષી.

   
   
   

No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...