- સમર્પણ,સ્નેહ અને
ભક્તિની મૂર્તિ ક્રુષ્ણ પ્રિય મીરાં.....!!
![]() |
| MEERA |
ક્રુષ્ણ પ્રિય મીરાં:
છ સાત વર્ષની
બાળા એક વટેમાર્ગુ સાધુ મહારાજના હાથમાં એક મૂર્તિ નિહાળે અને તે તન્મય મૂર્તિનાં
દર્શન કરતાં મનમાં જ વસાવે અને તેન માટે જીદ પકડે કે બસ આ જ ગિરિધર ગોપાળ, જે સાધુ વ્રજમાંથી માંથી
લાવ્યાં હતા તેની માગણી કરે અને તેના માટે ઉપવાસ પર ઉતરી પોતાના પ્રાણ ત્યજી
દેવાની ધમકી આપી દે એ મીરા.
મીરાંબાઈ નો જન્મ ઈ.સ. ૧૪૯૮માં રાજસ્થાનમાં આવેલ
જોધપુર પાસે આવેલા મેડતા નામક ગામમાં થયો હતો. મેડતાના રાજા રાવ રતનસિંહની એકની એક
પુત્રી એટલે મીરા.
રાજા રાવ રતનસિંહની કુંવરી દાસી સાથે ઝરૂખામાં આવી.
નીચે રાજમાર્ગ લોકોથી છલોછલ હતો. ઢોલ, નગારા,ત્રાંસા શરણાઈ જોર જોરથી વાગતા
હતા. સ્ત્રીઓ ગીત ગાતા ગાતા ચાલતી હતી અને પાછળ પુરુષો હસતાં કુદતા ચાલતા હતા. બધાની સાથે એક યુવાન ઘોડા ઉપર સાફો બાંધી બેઠો
હતો.કપાળે કંકુનો ચાંદલો,હાથમાં કલગી અને
શ્રીફળ માથે છત્રી હતી. બધા ધીમે ધીમે આગળ ચાલતા હતા. કુંવરીએ દાસી ને પૂછ્યું, 'અલી આ ઘોડા ઉપર કોણ બેઠું છે,ક્યાં નો રાજા છે?
' એ તો વરરાજા છે કુંવરીબા' દાસીએ હસતા
કહ્યું.
વરરાજા..? એ વળી કોણ
કુંવરીએ સવાલ કર્યો.
દાસી હસવાં લાગી. આ તો જે પરણવા જાય તેને વરરાજા જ કહેવાય.
પરણવાનું વળી કેમ? પરણીને શું મળે? નિર્દોષ કુંવરી
બોલી. દાસી ફરીથી હસી પડી અને બોલી... કુંવરીબા તમને પરણવા માટે પણ વર આવશે ત્યારે
તમને બધી ખબર પડશે!
મારે પણ વર આવશે? કુંવરી બોલી.
એ તો તમે બાને પુછજો.. તેમ કહી દાસી ચાલી ગઈ.
વરઘોડો ઝરૂખાથી
નીકળી ગયો પણ કુંવરીને મન વંટોળ ચડયું. મારો વર કેવો હશે? તે આવે તો કેવું? તેની સાથે રમવાની, વાતો કરવાની વળી કેવી મઝા. આ વંટોળતો વળી એવું ચડયું કે
કુંવરીએ મુખ ઉદાશ કરી ખૂણો પકડ્યો. રાણીએ તેને જોઈને પૂછ્યું તો કુંવરી માના
ખોળામાં લપાઇ ગઈ. તે ડૂસકાં ખાવા લાગી, રાણીએ કુંવરીના
માથે હાથ ફેરવી કારણ પૂછ્યું તો કૂંવરીબા બોલી ઉઠ્યા કે મારે વર જોઈએ છે, સૌને વર ને હું જ વર વગરની..?
ઓ બાપ રે, બસ આટલી વાત? રાણી હસી પડ્યાં.
કુંવરી ફરી ચીડાઈને રડવા લાગી. તેણે જોઈ રાણી બોલ્યા બેટા, આ જો બાળમુકુંદ. આ તારા વર છે, બસ હવે ખુશ?
આ સંભાળીને
કુંવરી બેઠી થઈ ગઈ અને બોલી, અલી મને બા એ વર
આપ્યો. બાળમુકુંદ, આ જ મારા વર થાય.
ત્યારથી એ બાળમુકુંદ ભગવાનને પોતાના વર માની સમગ્ર જીવન અર્પણ કરનાર એટલે મીરાં.
રાવ દુદાજી મીરાંના દાદા હતાં. તે મોટા વૈષ્ણવ ભક્ત હતા. તે સવાર-સાંજ ભગવાનને
શણગાર કરી સજાવતા, ભજન કરતા અને પૂજા પાઠ કરતા. આ જોઈ મીરાં પણ તેમને અનુસરવા લાગી.બાલમુકુંદ
ગિરધર ગોપાલ મારા વર છે તે વાત મીરાંના મનમાં વસી ગઈ હતી. તે તેમના પર ખૂબ ભાવ
રાખવા લાગી. તેમના વગર મીરા ને કશું ગમતું ન હતું. આમ મીરા ધીમે ધીમે મોટી થવા
લાગી સમજશક્તિ વધી, જ્ઞાન વધ્યું,વાણી વ્યવહાર બદલાયું પણ ગીરધર ગોપાલ માટે તેનો ભાવ અચલ રહ્યો. તે તેમને
પોતાના પતિ માનવા લાગી હતી.
લગભગ ૧૮ વર્ષની ઉંમરે ઈ.સ.૧૫૧૬માં મીરાંના લગ્ન ચિત્તોડના રાણા સંગના મોટા પુત્ર ભોજરાજની સાથે કરવામાં આવ્યાં. મીરાં લગ્ન માટે તૈયાર ન હતી પણ તે સમયે રાજપૂતોમાં સિસોદિયા
![]() |
| મીરાં મંદિર |
ભોજરાજ શૂરવીર હતા, રૂપાળા હતા, દિલના ઉદાર હતા, રાજસ્થાનમાં તેમનું નામ હતું મોંભો હતો. મીરાં ભોજરાજને લૌકિક પતિ માનતી અને તેમની સેવા કરતી પણ પોતાના અલૌકિક પતિ ગિરધરલાલમાં ખૂબ આશક્તિ
ભાવ રાખતી. બંને વચ્ચે શાબ્દિક વ્યવહાર ચાલતો પરંતુ એકબીજામાં લીન બની શકતા નહીં.
પાણીની જેમ સમય વિતતો ગયો મીરા આઠે પહોર ગિરધરનું રટણ કરવા લાગી. તેને આસપાસનું
ભાન નહીં, ખાવા પીવાનું છોડી કલાકો સુધી પ્રેમની મૂર્છામાં પડી રહે. ગિરધર સાથે વાતો
કર્યા કરે, મનાવે, નૃત્ય કરે તેને બીજું કશું ગમતું નહીં. શરીર સુકાયું, ચહેરો ઉતરી ગયો ભોજરાજ ચિંતામાં
પડ્યા અને રાજવૈદને બોલાવવામાં આવ્યા પણ મીરાં નો રોગ જુદો જ હતો.
'હે રી મૈં તો રામદીવાની મેરો દરદ ન જાણે કોય ;
સુલી ઉપર સેજ હમારી , કિસ બિધ સોણા હોય ?'
આવી પ્રેમ દિવાની
મીરાંના દશ વરસ વહી ગયાં. મીરાંની ભક્તિ ચારે બાજુ ફેલાઈ ગઈ. તેના ભજન પણ લોકો
સ્વયં ગાવા લાગ્યા.
સંવત ૧૫૨૧ ની
સાલ. ભોજરાજ બીમાર પડ્યાં થોડા. દિવસ માંદગીમાં રહી દેહ ત્યાંગ્યો. મીરાં વિધવા
બની. મીરાં નો દિયર વિક્રમાદિત્ય ગાદીએ બેઠો.ચિત્તોડનું રાજપાઠ સંભાળવા માંડ્યો. મેવાડની
રાજવધુ ઉઘાડે છેગ સાધુ-સંતોની સાથે
હળેમળે, ભજન કીર્તન ગાય
અને લોકોના દેખતી નજરે નૃત્ય કરે તેને જરાય ગમતું ન હતું તેને મીરાંને ભજનકીર્તન
છોડવાનું કહ્યું, પણ મીરાં પર તેની
કોઈ અસર થઈ નહીં.
તે સમયે મોગલ
બાદશાહ અકબર તેના રાજગવૈયા તાનસેન સાથે ચિત્તોડ મીરાંબાઈની કીર્તિ સાંભળી તેનાં
દર્શન કાજે છૂપાવેશે આવ્યા. બાદશાહ મીરાંબાઈની ભક્તિ જોઈએ એટલા ખુશ થયા કે પોતાના
ગળામાંથી નવલખો હાર કાઢી એને ગિરધર ગોપાલ ની મૂર્તિના ચરણોમાં સમર્પિત કર્યો અને
કોઈ જાણે તે પહેલા ત્યાંથી છટકી ગયા પણ હારે બધું ઉઘાડું કર્યું. આટલો કીમતી હાર
બાદશાહ સિવાય કોઈની પાસે હોઈ જ ન શકે.
રાણાના ગુસ્સાનો
પાર ન રહ્યો. હવે તો મીરાંનું કાસળ કાઢી નખે જ છૂટકો. તેણે એક કરંડિયામાં વિષધર
નાગ પુરી મીરાંબાઈ પાસે મોકલી કહ્યું કે આમાં ઠાકોરજી માટે ફૂલની માળા છે. મીરાંએ
કરંડિયો ઉગાડયો તો આખો ઓરડો દિવ્ય
સુગંધથી ઉભરાઇ ગયો. દાસી પગે પડી. મીરાં એ તેને ઉભી કરી અને ગાવા લાગી.
'પાયોજી મૈને રામ રતન ધન પાયો'
એક સંધ્યાએ મીરાંએ હાથમાં તંબુરી અને પગે ઘૂઘરા બાંધ્યા છે અને કૃષ્ણની મૂર્તિ સામે બેસી હરિભજન કરે ચ્હે ત્યાં દાસી એ રાણાએ મોકલાવેલ ઝેરનો કટોરો ધર્યો.મીરાં પ્રસાદ સમજી ઝેર પી ગયા
અને પાછું ભજન ચાલુ કરી દીધું દાસી આ જોઇ ત્યાંથી ભાગી ગઈ.વિષનો પ્યાલો
રાણે મોકલ્યો રે દેજો મીરાંને હાથ,
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનાથ!
ગોવિંદ પ્રાણ અમારો રે...
મીરાંબાઈ ના ગુરુ:
ગામની ભાગોળે ચમારોનાં કુંડ હતા. ત્યાં દૂરથી રામ રામ અને ભજનનો અવાજ સંભળાયો.
મીરાં તે તરફ ચાલ્યા. રામનામ જપનાર રૈદાસના કુંડ પાસે તે આવ્યા. ચામડાં ચૂંથતા
રૈદાસ હરિ ભજનમાં મગ્ન હતા.
પ્રભુજી તુમ ચંદન
હમ પાની , જાકી અંગ અંગ બાસ
સમાની પ્રભુજી , તુમ ધન બન હમ
મોરા , જૈસે ચિતવંત ચંદ
ચકોર.
પ્રભુજી , તુમ ચંદન હમ
પાની.
![]() |
| Sant Ravidas |
નહીં મેં પીહર સાસરે રે , નહીં પિયાજી રહે પાસ ;
મીરાંને ગોવિંદ મિલિયા રે , ગુરુ મિલિયા રૈદાસ .;
સમય વીતતો ગયો અને મીરાંનું મન ચિત્તોડ પરથી ઊઠી ગયું પણ ક્યાં જવું? પિયરમાં જવાય નહીં ચિત્તોડમાં રહેવાય નહીં. મીરાંએ કોઈની સલાહ લેવા વિચાર કર્યો. ગોસ્વામી તુલસીદાસનું નામ તે સમયે જાણીતું હતું. મીરાં એ તુલસીદાસને પત્ર લખ્યો:'તમે મારા માતા-પિતા સમ છો, મારે શું કરવું મને યોગ્ય પથદર્શન કરાવો તેવી વિનંતી દાખવી.
મેરે માતાપિતા કે સમ હૌ , હરિભક્ત સુખદાઈ,
હમકો કહા ઉચિત કરિબો હૈ , સો લિખિયો સમુઝાઈ !
જવાબમાં તુલસીદાસજીએ કહ્યું.
જાકે પ્રિય ન રામ વૈદેહી ,
તજિયે તાહિ કોટી બૈરી સમ , જઘપિ પરમ સ્નેહી!
'જેને રામ સીતા પર પ્રેમ નથી તે ગમે તેવો નિકટનો સંબંધ
હોય તો પણ તેને ત્યજી દેવો'
મીરાએ મેવાડ છોડી
વૃંદાવન ગયા.વૃંદાવનમાં તે સમયે ચેતન્ય મહાપ્રભુના પરમ ભક્ત હતા નામ તેમનું જીવા
ગોસાંઈ. મીરાં તેમને મળવા ચાલી પણ ગોસાંઇએ કહ્યું કે હું સ્ત્રીનું મો જોતો નથી. આ
સાંભળી મીરાંબાઈએ કહ્યું.
‘ આજલગી હું એમ જાણતી જે વ્રજમાં કૃષ્ણ પુરુષ છે એક,
વૃંદાવન વસી હજી પુરુષ રહ્યા છો , તે ધન્ય તમારો વિવેક ! '
સંદેશ વાંચતાં જ ગોસાંઈ ની આંખો ખુલી પોતાની ભૂલ
સમજાય. તેઓ સામા મળવા આવ્યા. મીરાંબાઈએ ગોસાંઈજીને પ્રેમભક્તિનો પાઠ આપ્યો. આ રીતે
સમગ્ર વૃંદાવનમાં મીરાં ભક્તિની સુવાસ ફેલાઈ ગઈ.
વૃંદાવનમાં થોડો સમય રહ્યા બાદ તેઓ ડાકોર ચાલ્યા અને
પછી દ્વારકા ગયા બાકીનું આયુષ્ય તેમને દ્વારકામાં જ પૂરું કર્યું. તે દરમિયાન
ચિત્તોડના રાણાને તેની ભૂલ સમજાઈ. મીરાંબાઈ ગયા પછી ત્યાંની હાલત ખરાબ થઇ ગઇ હતી.
છેવટે રાણાજી દ્વારકા જઈ મીરાંના પગે પડ્યા અને કરગરવા લાગ્યાં અને ચિત્તોડ પાછા
ફરવા વિનંતી કરવા લાગ્યાં.
મીરાંબાઈએ કહ્યું મારા ગિરધર ગોપાલની રજા મળે તો
આવું! અને તે મંદિર ગયા, આંખમાં આંસુ ભરી
મીરાં ગાવા લાગ્યા.
પ્રભુ , પાલવ પકડીને રહી છું પ્રેમથી રે
મારા છેલછબીલા
અંતરના આધાર
ઊભી અરજ કરે છે
મીરાં રાંકડી રે
મુજ દાસી તણાં
દુઃખ સર્વે દૂર કરો રે ,
શિશ નામું , મારા ગુરુને પ્રણામ ! –ઊભી...
સાસરિયામાં સુખ
નહિ , મહિયરમાં નહિ માન ,
સુખદુઃખની મારી
વાતડી ધરતું નથી કોઈ ધ્યાન!
હવે નથી રહેવું
રાણાજીના રાજમાં રે
રાણો રોષે ભર્યો
કૂડો કપટી રાય ! —ઊભી...
રૂપાળા રણછોડજી , લળી લળી લાગું પાય ,
રાણાઘેર જાવું
નથી એવો કર્યો ઠરાવ !
હવે શરણાગતની
વહારે ચડજો વિઠ્ઠલા રે,
પ્રભુ, કૃપા કરી રાખો મીરાં ચરણ પાસ!-ઉભી...
મંદિરમાં સંત, ભક્તોની ઠાઠ જામતી ગઈ. મીરાં ભજન અને નૃત્ય કરતા ડૂસકે ડૂસકે રડતાં, મૂર્છા પામી
નીચે પડ્યા. અન્નજળનો ત્યાગ કર્યો તે બોલ્યા મને મારો ગિરધર આવીને ખવડાવશે તો જ ખાઈશ અને તે રજા આપશે તો જ મેવાડ આવીશ. તે દર્શન નહીં આપે તો અહીં જ દેહત્યાગ કરીશ. મીરાંબાઈને બંસીનો નાદ સંભળાવા લાગ્યો. ચક્રધારી
રણછોડરાય તેની સામે જોઈ હસતાં હતા. 'જય રણછોડ' માખણ ચોર 'જય રણછોડ' તેવી ધૂન મીરાંએ શરૂ કરી અને નૃત્ય કરવા લાગી. કૃષ્ણએ
મીરાં સુધી હાથ લંબાવ્યા. તે અર્ધમૂર્છામાં હતી. કૃષ્ણએ મીરાંને ખોળામાં ખેંચી છાતી સાથે ચાંપી દીધી. આલિંગન આપી
કૃષ્ણ મધુર મધુર હસવા લાગ્યા. મીરાં ને દેહનું ભાન ન હતું. તે કૃષ્ણને વળગીને
ધ્રુસ્કે-ધ્રુસ્કે રડવા લાગ્યા. આટલા વર્ષથી દબાયેલો પ્રેમનો આવેશ બહાર આવ્યો.
તેનું શરીર ધ્રૂજવા લાગ્યું. તેનો આત્મા આનંદીત થઈ ગયો હતો.
ગિરધર લાલજી મને
ચિત્તોડ જવાની રજા આપશો? મીરાં એ સવાલ
કર્યો, કૃષ્ણ સ્મિત સાથે
ધીમેથી બોલ્યાં,'હજું મેવાડની
માયા છે?
"ના પ્રભુ, રાણાજી અને બ્રાહ્મણો હઠ લઇને બેઠા છે. તમે આજ્ઞા કરો તે
પ્રમાણે કરું પણ મને તમારો વિયોગ સહન થતો નથી.
કૃષ્ણ એ મીરાંને ફરી છાતી સાથે દબાવી. મીરાંસમજી ગયા
હવે રણછોડ છોડે તેમ નથી. જવાનો સમય આવી ગયો છે.
બ્રાહ્મણો મીરાં પાસે રોકાયા. મીરાંએ મોટો ઓચ્છવ કર્યો. સાધુ સંતો અને ભક્તો એ દ્વારકાધીશના મંદિરમાં જમાવટ કરી ભજન-કીર્તન કરવા લાગ્યા. સંતો નૃત્ય કરવા લાગ્યાં, રમઝટ જામી. ધીમે ધીમે
અન્નનો ત્યાગ કરેલ મીરાંનો દેહ તેજોમય બની ગયો, તેનું મુખ ઘડીમાં દ્વારકાધીશ જેવું દેખાવા લાગ્યું. ભક્તોને અચરજ થયું. દરેકે કૃષ્ણનાદ શરૂ કર્યો. મીરાંબાઈ કૃષ્ણમાં લીન થઈ ગયા. રણછોડરાયજીની મૂર્તિ હસી રહી હતી, તેજનો ધબકારો થઈ રહ્યો હતો. ભક્તો રણછોડરાયના નારા લગાવી રહ્યા હતા, મેવાડના બ્રાહ્મણો દુઃખી થયા અને મીરાંબાઈ કૃષ્ણમાં લીન થઈ ગયાં.
બ્રાહ્મણો દ્વારા
ગિરધરલાલની મૂર્તિને ચિત્તોડમાં પધરાવવામાં આવી. તેને ત્યાંથી કાશી લઈ જવાનો આદેશ
થયો. કાશી જતાં ચિત્તોડથી મૂર્તિ શિવરાજપુર આવી પણ ત્યાં જ અટકી ગઈ આજે પણ તે
શિવરાજપુરમાં છે તેવું માનવામાં આવે છે.
ઈ.સ. ૧૫૪૭ માં
મીરાંબાઇ કૃષ્ણમાં લીન થયાં. તે સમયે મીરાંબાઈ લગભગ ૫૦ વર્ષના હશે. ઇતિહાસમાં આજે
પણ તેમની ઉંમર અને જન્મ ,લગ્નની સાલ વિષે
બેવડા મત છે, પણ આજે ભારતનાં
ઇતિહાસમાં મીરાબાઈનું સ્થાન અદ્વિતીય છે. કેટલીક જગ્યાએ મીરાંબાઈને રાધાનો
પુનર્જન્મ પણ માનવામાં આવે છે. હજારો વર્ષથી ચાલી આવતી કૃષ્ણભક્તિમાં મીરાંબાઈનુ
સ્થાન લેનાર સ્ત્રી આજ સુધી કોઈ નથી.
મીરાંબાઈએ હિન્દી, વ્રજ અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં કાવ્યની રચના કરી
છે.મીરાંના પદો મધ્યકાલીન ગુજરાતી ભાષાનું આભૂષણ અને ગૌરવ છે. મેવાડમાં મીરાંનો એક
આખો સંપ્રદાય ચાલે છે. ગુજરાતી ભાષાના પ્રથમ કવિયત્રી તરીકે પણ મીરાંના નામ નો
ઉલ્લેખ જોવા મળે છે.ક્રુષ્ણ અને મીરાં ની મૂર્તિઓ એક સાથે પૂજાય છે.મીરાં એ કોઈ મહાકાવ્ય ને ગ્રંથ નથી લખ્યાં
પણ લગભગ ત્રણસો એક પદો સીધા મૌખિક કીધા છે.આજે પણ મીરાંની કૃષ્ણ ભક્તિ તેના સ્નેહ, સમર્પણ અને પીડાની ગાથા ગવાઇ રહી છે.
જૈમીન જોષી.








