- ગાંધીજીએ હિન્દુ માટે નહીં ''હિંદુસ્તાન'' માટે કાર્ય કર્યું છે....
ગાંધી એક એવા અવતાર હતાં જેને આવનાર ભવિષ્યની છબી બદલી કાઢી. આ આવનાર ભવિષ્ય એટલે આપણો આજનો વર્તમાન. ગુલામીની જંજીરોથી આઝાદ કરાવનારા ક્રાંતિકારીઓ અને ગાંધીજી જેવાં નેતાઓને કેટકેટલું ભોગવવું પડયું હશે તેની કલ્પના પણ આપણે કરી શકતાં નથી. આમ જોવા જઈએ તો આજની યુવા પેઢી ગાંધી વિચારધારાને વળગી રહે તેવી રહી નથી. તે વીર સાવરકરના રસ્તા તરફ વધુ આકર્ષાય છે. જ્યારે ગાંધીજીએ દેશ માટે કામ કર્યું ત્યારે તેમણે દેશ સિવાય અન્ય કોઈ જાતિ ધર્મ કે વિસ્તારને ધ્યાનમાં રાખ્યાં નથી. અલબત્ત આમાં થોડું રાજકારણ પણ ભાગ ભજવે છે. ગાંધીજી મુસ્લીમ જ્ઞાતિની સાથે સબંધ કેળવવાં ગયા ત્યારે તેમને ઘણા હિન્દુ બંધુઓના કટુ વચનનો સામનો કરવો પડ્યો હતો. તે જ દરમિયાન 1500 જેટલા હિન્દુઓને મારી તથા તેમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યાં હતાં. અંગ્રેજો તો ઠીક પરંતુ જ્યારે મુસ્લિમ વર્ગ દ્વારા આવું વર્તન થવા છતાં ગાંધીજી મૌન રહ્યાં. આવા સમયે જ્યારે ગાંધી જેવાં નેતા હિન્દુ પક્ષે ના હોય ત્યારે ધર્મના નામે ભિન્નતાઓ તો બહાર આવવાની જ હતી. ગાંધીજી તે સમયે અખંડ ભારતનું સપનું જોતાં હતાં. જ્યાં સમગ્ર ભારતની વાત હોય ત્યાં અમુક હિન્દુ મૃત્યું પામે તે ચલાવી લેવાય તેવી સ્થિતિ હતી. જોકે અખંડ ભારતનું સપનું આખરે સપનું જ રહ્યું. સમાજમાં કેટલોક વર્ગ ગાંધીજીને પૂજે છે ત્યારે કેટલોક વર્ગ તેમનાં નિર્ણયોને આજે પણ કોસે છે. અલબત્ત ગાંધીજી ન હોત તો કદાચ આજે પણ આપણે ગુલામીના બોઝ નીચે કચડાઈ રહ્યાં હોત.
ગાંધીજી એ તેમનાં ગ્રંથ - 29, ગાંધીજીનો અક્ષરદેહ પાના 369-371 માં હિન્દુ ધર્મની સ્થિતિ વિશે તેમનાં વિચારો અને માન્યતાઓ લખી છે જેમાં તે કહે છે કે હિંદુ ધર્મ જીવંત વસ્તુ છે. તેમાં ભરતીઓટ થયા જ કરે છે. તે જગતના કાયદાને અનુસરે છે. મૂળરૂપે તે એક જ છે પણ વૃક્ષરૂપે તે વિવિધ છે. તેની ઉપર ઋતુઓની અસર થાય છે. તેને વસંત છે ને પાનખર છે ; તેને શરદ છે ને ઉષ્ણ ઋતુ છે . વર્ષોથી પણ તે વંચિત નથી રહેતો. તેને સારુ શાસ્ત્રો છે ને નથી, તેનો આધાર એક જ પુસ્તક ઉપર નથી. ગીતા સર્વમાન્ય છે પણ ગીતા માર્ગદર્શક છે. રૂઢિઓ ઉપર તેની અસર થોડી જ છે. હિંદુ ધર્મ ગંગાનો પ્રવાહ છે. મૂળમાં તે સ્વચ્છ છે. તેના માર્ગમાં તેને મેલ પણ ચઢે છે છતાં જેમ ગંગાની પ્રવૃત્તિ સરવાળે પોષક છે તેમ હિંદુ ધર્મનું છે. પ્રત્યેક પ્રાંતમાં તે પ્રાંતીય સ્વરૂપ પકડે અને છતાં તેમાં એકતા રહેલી જ છે. રૂઢિ એ ધર્મ નથી. રૂઢિમાં ફેરફાર થશે છતાં ધર્મસૂત્રો એક જ રહેશે.
હિંદુ ધર્મની શુદ્ધતાનો આધાર હિંદુ ધર્મની તપશ્ચર્યા પર રહે છે. જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડે છે ત્યારે ત્યારે હિંદુ ધર્મ તપશ્ચર્યા કરે છે, મેલનાં કારણ શોધે છે ને તેના ઉપાય યોજે છે. શાસ્ત્રોમાં વૃદ્ધિ થયા જ કરે છે. વેદ, ઉપનિષદો, સ્મૃતિ , પુરાણ , ઇતિહાસાદિ એક જ કાળે નથી ઉદ્ભવ્યાં. પણ પ્રસંગ આવ્યે તે ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે. તેથી તેમાં વિરોધાભાસ પણ જોવામાં આવે છે. તે ગ્રંથો શાશ્વત સત્ય નથી બતાવતા પણ તે કાળે શાશ્વત સત્યનો અમલ કેવી રીતે થયો એ બતાવે છે. તે કાળે થયેલો અમલ બીજે કાળે કરવા જતાં આપણે નિરાશાકૂપમાં પડીએ છીએ. એક વેળા આપણે પશુયજ્ઞ કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે માંસાહાર કરતા તેથી આજે કરીએ ? એક વેળા ચોરના હાથપગ કપાતા તે આજે કાપીએ ? એક વેળા એક સ્ત્રી અનેક પતિ કરતી આજે કરે ? એક વેળા બાળકન્યાનું દાન કરતા , આજે કરીએ ? એક વેળા આપણે કેટલાકનો તિરસ્કાર કર્યો , આજે તેની પ્રજા તિરસ્કૃત ગણીએ ?
હિંદુ ધર્મ જડ બનવાની ચોખ્ખી ના કહે છે. જ્ઞાન અનંત છે , સત્યની મર્યાદા કોઈએ શોધી નથી. આત્માની શક્તિની નવી શોધો થયા જ કરે છે ને થયા કરશે . અનુભવના પાઠો શીખતા આપણે અનેક પરિવર્તનો કર્યો જઈશું . સત્ય તો એક જ છે પણ તેને સવશે કોણ જોઈ શક્યું છે ? વેદ સત્ય છે . વેદ અનાદિ છે પણ તેને સવશે કોણે જાણ્યો છે ? જે વેદને નામે આજે ઓળખાય છે તે તો વેદનો કરોડમો ભાગ પણ નથી. જે આપણી પાસે છે તેનો અર્થ સંપૂર્ણતાયે કોણ જાણે છે ?
આટલી બધી જંજાળ હોવાથી આપણને ઋષિઓએ એક મોટી વાત શીખવી : ‘ યથા પિંડે તથા બ્રહ્માડે'. બ્રહ્માંડનું પૃથક્કરણ અશક્ય છે . પોતાનું પૃથક્કરણ શકય છે તેથી પોતે પોતાને ઓળખ્યો એટલે જગતને ઓળખું . પણ પોતાને ઓળખવામાંયે પ્રયત્નની આવશ્યકતા છે . પ્રયત્ન પણ નિર્મળ જોઈએ . નિર્મળ હૃદય વિના નિર્મળ પ્રયત્ન અસંભવિત છે. હૃદયની નિર્માતા યમનિયમાદિના પાલન વિના સંભવિત નથી. ઈશ્વરપ્રસાદ વિના યમાદિનું પાલન કઠિન છે. શ્રદ્ધા અને ભક્તિ વિના ઈશ્વરપ્રસાદ ન જ મળે તેથી રામનામનો મહિમા તુલસીદાસે ગાયો , તેથી ભાગવતાકારે દ્વાદશમંત્ર શીખવ્યો. જેને એ જપ હૃદયથી જપતાં આવડે તે સનાતની હિંદુ છે. બાકી બધું તો અખાની ભાષામાં ‘ અંધારો કૂવો ’ છે.
હવે લખનારની શંકાઓ વિચારીએ. યુરોપિયનો આપણા રીતરિવાજો જુએ છે ખરા. તેને હું અધ્યયન એવું રૂપાળું નામ ન આપું . તે તો ટીકાકારની દષ્ટિએ જુએ છે તેથી તેની પાસેથી મને ધર્મ ન લાધે . પણ ખાધાખાધમાં હિંદુ ધર્મની પરિસીમા નથી આવી જતી . તેનાથી અનંતકોટિ વધારે અગત્યની વાત અંતરાચરણ છે , સત્ય અહિંસાદિનું સૂમ પાલન છે . ગોમાંસાદિનો ત્યાગ કરનાર કપટી મુનિનાં કરતાં ગોમાંસ ખાનાર દયામય , સત્યમય , ઈશ્વરથી ડરીને ચાલનાર હજારગણો વધારે સારો હિંદુ છે અને જે સત્યવાદી સત્યાચરણી ગોમાંસાદિના આહારમાં હિંસા જોઈ શકયો છે ને જેણે તેનો ત્યાગ કર્યો છે, જેની દયા જીવમાત્ર પ્રત્યે છે તેને કોટિશ : નમસ્કાર હો. તેણે તો ઈશ્વરને જોયો છે , ઓળખ્યો છે , તે પરમભક્ત છે ; તે જગદ્ગુરુ છે . હિંદુ ધર્મની અને અન્ય ધર્મની અત્યારે પરીક્ષા થઈ રહી છે .. સનાતન સત્ય એક જ છે , ઈશ્વર પણ એક જ છે , લખનાર વાંચનાર અને આપણે બધા મતમતાંતરોની મોહજાળમાં ન ફસી જતાં સત્યનો સરળ માર્ગ લઈએ તો જ આપણે સનાતની હિંદુ રહીશું . સનાતની મનાતા તો ઘણાયે ભટકે છે. તેમાંથી કોનો સ્વીકાર થયો તે કોણ જાણે છે ? રામનામ લેનારા ઘણા રહી જશે , ને મૂંગે મોઢે રામનું કામ કરનારા વિરલા વિજયમાળા પહેરી જશે.
આમ તો ગાંધી વિચારધારાને વળગી રહેવું સરળ નથી. ગાંધી શું કોઈ પણ વિચારધારાને વળગી રહેવું યોગ્ય નથી. જ્યારે દેશ, સમાજ અને માનવતાની વાત આવે ત્યારે માનવે પોતાના અંગત સ્વાર્થ મૂકી કપરા નિર્ણયો લેવા પડે છે. જે અમુક લોકો માટે યોગ્ય હોતા નથી અને તેના કપરા પરિણામો પણ આવે છે. ઇતિહાસ આમ તો લોહિયાળ જ છે પરંતુ ક્યારેક ગાંધીજી જેવા મહાત્મા એક નવી વિચાર ધારાને જન્મ આપી જતાં હોય છે.
જૈમીન જોષી.
No comments:
Post a Comment