Sunday, October 17, 2021

સત્ય સમજવું છે ? તો જ્ઞાન પ્રાપ્ત કરો...!!! (Understand the truth? So acquire knowledge ... !!!)

  • જો તમે કુશળ હોવ તો ચિંતા શેની...?:-


Human instincts


   માનવપ્રકૃતિ સારી છે કે બૂરી ? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. જેને સમજવા તમે કે હું ખરા અર્થમાં સક્ષમ નથી. હા પોતાનાં વિચારો વ્યક્ત કરવા તે અલગ બાબત છે પરંતુ તેની ખરાઈ કોણ કરશે? જે પ્રકારે પરીક્ષામાં લખેલ ઉત્તરવહીની  ચકાસણી કરનાર અધ્યાપક હોય છે તે પ્રકારે આપણી જીવન પ્રવૃતિ સારી છે કે ખરાબ તેની ચકાસણી કરવા કોઈ અધ્યાપક હોય છે ખરો? આપણે ભલીભાતી જાણીએ છીએ કે પરીક્ષાનું મૂલ્યાંકન સંપૂર્ણ સચોટ અને સત્ય છે તે વાત જ ખોટી છે. એક સરખા ઉત્તરનાં ગુણ સરખા ન પણ હોય. દરેક પ્રશ્ન અનુકૂળ ના પણ હોય. જીવનમાં તો આપણે બધાં જ વિદ્યાથી અને બધાં જ અધ્યાપક. જો આપણે સ્વભાવે જ ક્રિયાશીલ હોયએ અને અધ્યયન એક સ્વયં પ્રવૃત્તિની પ્રક્રિયા હોય તથા વધારામાં માનવ સ્વભાવ સારભૂત રીતે સારો હોય તો કુદરતે આપણી જન્મજાત વૃત્તિઓને સારભૂત રીતે સારી ગણવી જોઈએ તેવું આપણે માની લઈએ છીએ. જો આપણે બધામાં સારા જ હોઈએ તો આપણને પડતી તકલીફો કોનું પરિણામ છે ? આપણે આપણાં ભૂત કર્મને વાગોળીએ તો કદાચ આપણને આપણાં ગુના ન જોવાય અને જો એકાદ જોવાઈ પણ જાય તો પણ આપણે તેને તર્કવિતર્ક દ્વારા સાચું સાબિત કરી દઈએ છીએ. ક્યારેક ધર્મોના સહારે તો ક્યારેક બદલાયેલા સમયના આધારે. ક્યારેક નબળી પરિસ્થિતિનાં આધારે તો ક્યારેક ઉત્પન્ન થયેલ મજબૂરીનાં આધારે. પાપી પોતાના પાપનું સમર્થન કરવા માટે રામચરિતમાનસનો કે મહાભારતનો એક મહત્વનો અંશ કહેવાયેલ ભગવદ ગીતાંનો મનગમતો અર્થઘટન કરી બચાવનો આશરો લે છે. તો શું ધાર્મિક પુસ્તકો આપણાં પાપને છુપાવવા કે ભ્રમિત કરવા માટે ઉપયોગમાં લેવાયું છે? 

   કેથોલિકો ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વરે આદમને બે બક્ષિસો આપી હતીઃ સમન્વયની બક્ષિસ અને અમૃતની બક્ષિસ. જો માનવજાતના પ્રથમ પૂર્વજે પાપ ન કર્યું હોત તો જ્ઞાનની આ વિશિષ્ટ ભેટ જગતને મળી હોત અને તો તેઓ ઉચ્ચતર સત્યો પ્રત્યેની એક અપ્રતિમ રુચિથી સુસજ્જ મગજ ધરાવતા હોત. આમ હોત તો તેઓ તેમની સઘળી શક્તિઓ, બુદ્ધિ અને ઈચ્છાને સંપૂર્ણ આધીન રાખીને સમન્વયની પારલૌકિક બક્ષિસ ધરાવતા હોત. આદમના સંદર્ભમાં માનવપ્રકૃતિ ભલે પતિત થઈ. તે પુનઃ ઉત્થાન સાધી શકે છે. તે અભ્યાસ કરીને પુનઃલાયક બની શકે છે. એક મંતવ્ય મુજબ માનવપ્રકૃતિ એટલી બધી પતિત થઈ ગઈ છે કે તે દૈવી સહાય વિના પોતાની જાતે ઊભી થઈ શકે નહીં. માનવપ્રકૃતિ અંગે પાંડિત્યવાદી દૃષ્ટિ પણ છે. તેટલા માટે તો ચારેય યુગમાં ઈશ્વર અવતારનો ઉલ્લેખ છે. હિન્દુ ધર્મ પાસે કેટલીય દંતકથાઓ છે કેટલીય પ્રેરણાથી ભરેલી ઘટનાઓ છે. જો આપણે તેને સત્ય ન માનીએ છતાં તેમાંથી સ્વજીવનને લગતું સાહિત્ય સમેટી લઈએ તો પણ જીવન ભયો ભયો પરંતુ આપણને પરિસ્થિતિને પોતાના હિસાબે વળાંકો આપવાની અને ચોળીને ચીકણું કરવાની કુટેવ છે. પરિણામે આપણે સાર પ્રાપ્ત કરી શકતા નથી. 

truth image


   રૂસોના મતાનુસાર માનવપ્રકૃતિ જ્યારે તેના સર્જકના હાથમાંથી નીચે ઊતરી ત્યારે સારભૂત રીતે શુભ હતી. તે અણવિકસિત હતી અને શિક્ષણ દ્વારા સુધારણાની જરૂર ધરાવતી હતી. મનુષ્ય એક સમયે ઉન્નત પ્રકૃતિ ધરાવતો હતો જેને આજે શિક્ષણ દ્વારા પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહ્યો છે. માનવપ્રકૃતિની મૂળભૂત વૃત્તિઓની નૈતિક ગુણવત્તા ક્રિયાના આવેગમાં રહેતી નથી, બલકે જે રીતે તે પૂર્ણતાએ પહોંચે છે તેના વાતાવરણમાં, ખાસ કરીને સામાજિક વાતાવરણમાં તે જે પરિણામો લાવે છે તેમાં રહેલી છે. માનવપ્રકૃતિને આધ્યાત્મિક અસ્તિત્વ છે. માનવ પ્રકૃતિ વિશેની બીજી ફિલસૂફી માનવપ્રકૃતિને પરિબળ ક્ષેત્રના એક ભાગ તરીકે અધિક ભૌતિક લેખે છે. સમન્વય સ્વાતંત્ર્ય અને નૈતિક વૃત્તિ જેવા ગુણો ખુદ સેન્દ્રિય જીવમાંથી નહીં બલકે વાતાવરણના સંદર્ભમાંથી જન્મતા દેખાય છે .

   જ્ઞાન અને સત્ય વચ્ચે અવિનાભાવી સંબંધ છે. જ્ઞાન સાચું જ હોવું જોઈએ તો વળી સત્યનું જ્ઞાન પણ હોવું જોઈએ. જ્ઞાન ક્યારે સાચું હોય અને ક્યારે ખોટું આભાસી સત્યરૂપ હોય તેનો ખ્યાલ હોવો જોઈએ. આ માટેનાં નિયતઆંક અને ધોરણો હોવાં જોઈએ. જ્ઞાન માહિતી, હકીકત, અભિપ્રાય કે ક્યારેક તર્ક અનુમાન કે ધારણા દ્વારા પણ ફલિત થતું હોય છે. વાસ્તવિકતા એકરૂપતા જ્ઞાનમાં નિહિત છે. એ સમજવું જોઈએ કે માણસની જાણકારીથી પણ પર એક પરલક્ષી વિશ્વ અસ્તિત્વ ધરાવે છે. જ્ઞાન એક પ્રકારની વિદ્યા છે- વિદ્યાજ્ઞાન શબ્દ પ્રચલિત છે જ. એક મત મુજબ વિદ્યાના વિચારો અને અસર તેની બાહ્ય વાસ્તવિક્તા સાથે મળતાં આવે ત્યારે તે સત્ય છે એમ કહી શકાય. તેથી એકવાક્યતા એ આંતિરક કરતાં વધુ તો બાહ્ય સંબંધોની બાબત છે. શૈક્ષણિક સંશોધનમાં વ્યસ્ત વ્યક્તિને સત્ય લાધે છે. સંશોધનથી અજ્ઞાન, અણસમજ કે ગેરસમજણનું પડળ ભેદાય છે . સત્ય શાશ્વત અને સનાતન છે, તે અલ્પજીવી નથી. તેમાં કોઈ સંદિગ્ધતા લાગે તો સમજવાની માનવભૂલને કારણે હોય છે. અંતે તો સત્યનો જ વિજય થતો હોય છે એટલે ''સત્યમેવ જયતે'' કહેવાયું છે. 

                                                                                                                              જૈમીન જોષી.

No comments:

Post a Comment

ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...