Sunday, March 13, 2022

નરસિંહ મહેતા (Narsinh Mehta)

  • ગુજરાતને જેટલો ક્રુષ્ણ વહાલો છે, તેટલો જ તેનો ભક્ત પણ વહાલો છે.

   

નરસિંહ મહેતા (Narsinh Mehta)
    NARSHIH MAHETA 

   એક દિવસ એક બ્રાહ્મણ સવારના વહેલા તેનાં ઘોડા માટે ઘાસ કાપવા જંગલમાં ગયા,  તે માથે ઘાસનો ભારો લઈને સાંજે ઘેર આવ્યા. કકડીને ભૂખને કારણે પગ લંગવાતા હતાં. આકરા તાપમાં માંડમાંડ ઘરે પહોચ્યાં. ઘાસનો ભારો એક બાજુએ મૂકી સીધાં સ્નાન કરવાં ગયા. સ્નાન કરી સીધા રસોડામાં પેઠા ને પાટલો માંડી બેઠા. ઘરમાં બે ભાઈ અને તેમની પત્ની સાથે રહેતાં હતાં, ભાભી ને થોડું ઓછું આવ્યું અને તરત ભાભીએ છણકો કર્યો: ઓ હો ! આમ તો મૂરખ, પણ પેટ ભરવાની કેવી અક્કલ છે ! રૂઆબ તો જાણે આખા ઘરને પોતે ધાન પૂરતા હોય એવો !

   બ્રાહ્મણ સ્વભાવે ભોળો અને વૃતિએ ધાર્મિક હતો. તેમણે ધીમેથી કહ્યું : ભાભી, ધાન તો બધાને ભગવાન પૂરે છે !

   આ સાંભળતાં જ ભાભીનો મિજાજ ગયો. આંખો ગુસ્સેથી લાલ થઈ ગઈ. મનમાં સંગ્રહ કરી રાખેલી જવાળાએ શબ્દોનું રૂપ લીધું. તે બોલી ઊઠી: રાતદિવસ ભગતડાં ભેગા રહીને ભગતડાંની બોલી બોલતાં ઠીક શીખી ગયા છો ! તો જઈને માગો તમારા ભગવાન પાસે ! એ આપશે.

   એ જ આપશે ! કહી બ્રાહ્મણ પાટલા પરથી ઊભા થઈ ગયા. સીધા ઘરમાંથી બહાર નીકળી તેમણે જંગલ તરફ ચાલવા માંડ્યું. તેમના મગજમાં ફરી ફરીને અવાજ સંભળાવા લાગ્યો : એ જ આપશે ! એ જ આપશે !

પણ એ છે ક્યાં?  એને ગોતવો ક્યાં?

ગમે ત્યાં હોય, પણ એને શોધી કાઢ્યા વિના હવે નહિ ચાલે.

   બ્રાહ્મણ ગામ છોડી જંગલમાં પહોંચ્યા. ત્યાં મહાદેવનું એક જીર્ણ મંદિર હતું. કોઈ જ ત્યાં પૂજા કરવા જતું નહોતું. મહેતાજી મહાદેવજી સામે ધરણું કરી બેઠા. બસ, હવે અહીંથી ઊઠવું જ નથી. એક બે કરતાં સાત દિવસ થઈ ગયા. પળેપળ એમના મુખમાંથી, રોમરોમમાંથી એક જ ઉચ્ચાર નીકળ તો હતો. હે શંકર ! હે શંભુ ! દયા કર !

છેવટે ભોળાનાથ પ્રસન્ન થયા. કહે : માગ , માગ , માગે તે આપું !

બ્રાહ્મણે કહ્યું : માગવાનું મનમાં કંઈ રહ્યું જ નથી.

શિવે કહ્યું : તોયે દુર્લભ એવું કંઈ માગ !

ત્યારે બ્રાહ્મણ કહે : તમને જે વલ્લભ હોય, જે દુર્લભ, તે આપો...  

   મહાદેવને થયું કે આ તો મારી પરીક્ષા થઈ ગઈ. હવે તો હું જેને કીમતીમાં કીમતી ગણું છું તેજ મારે એને આપવું જોઈએ!

તેમણે કહ્યું : ચાલ, તને કૃષ્ણનાંદર્શન કરાવું !

   મહાદેવની કૃપાએ બ્રાહ્મણને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં. તે રાસલીલામાં એટલા ખોવાઈ ગયા કે તેમના હાથમાં સળગતી મસાલ ક્યારે તેમના હાથને દ્જાડવા લાગી તેનું પણ જ્ઞાત ન રહ્યું, તે બસ આભા બની કૃણાલીલામાં મગ્ન હતાં. જ્યારે ભાન આવ્યું ત્યારે ક્રુષ્ણ સ્વયં તેમની સામે ઊભા હતાં. બ્રાહ્મણ ક્રુષ્ણના પગમાં પડી રુદન કરવાં લાગ્યાં. કૃષ્ણે તેમને બંને હાથે ખભેથી પકડી ઊભા કર્યા અને આલિંગનમાં જકડી લીધાં. એક બાજુ ક્રુષ્ણ હળવું મલક્યા કરે છે જ્યાં બીજે બ્રાહ્મણની આંખોમાંથી અશ્રુઓનો વહાવ અનરાધાર વહ્યાં કરે છે. શ્રી કૃષ્ણએ તેમને છાનાં રાખી એમને પીતામ્બર પહેરાવ્યું અને તેમના માથે મોરપીંછનો મુગટ મૂક્યો.

બ્રાહ્મણ: પ્રભુ, હું તમારા સાનિધ્યમાં રાહેવા માંગુ છું... મને પાવન કરો પ્રભુ,

ક્રુષ્ણ: જ્યારે જ્યારે તું મને પોકારીશ ત્યારે ત્યારે હું હાજર થઈશ.

   ભગવાને વચન આપ્યું, બ્રાહ્મણ તો આભા બની ઘર તરફ ભાગ્યા. તે હાથમાં કરતાલ લઈ ભજન ગાતા ગાતા ઘેર આવ્યા ને સીધા જ ભાભીના પગમાં પડ્યા : ભાભી , તમારી કૃપાથી મને ભગવાનનાં દર્શન થયાં !

   ભાભીતો બ્રાહ્મણનો આ નવો વેશ જોઈ વધારે ખિજાયાં. બ્રાહ્મણ એટલે ભક્ત નરસૈયો, જેને આખી દુનિયા નરસિંહ મહેતાનાં નામ થી ઓળખે છે.   

   નરસિંહ મહેતા આજથી આશરે સાડા પાંચસો વર્ષ પહેલાં, જૂનાગઢ પાસે તળાજા નામે ગામમાં, નાગર બ્રાહ્મણની નાતમાં જન્મ્યા હતાં. એમની પાંચ વર્ષની વયે એમના માતાપિતાનું મરણ થતાં મોટા ભાઈ વણશીધરના આશ્રયે તેઓ ઊછર્યા હતા . નાનપણથી જ નરસિંહ મહેતાનું મન ઈશ્વરભજનમાં અને સાધુસંતોની સેવામાં લાગેલું હતું , તેથી ભણવા ગણવા પર એમનું કંઈ લક્ષ નહોતું. તે વખતના રિવાજ પ્રમાણે નવ વર્ષની ઉંમરે સાત વર્ષની માણેકબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. એમ કરતાં નરસિંહ મહેતા પંદર વર્ષના થયા. મોટાભાઈએ એમને ઘોડા સાચવવાનું કામ સોંપ્યું હતું.

   મહેતાજી હવે પત્ની માણેકબાઈ, પુત્રી કુવંરબાઈ અને પુત્ર શામળશાને લઈ જુદા ઘરમાં રહ્યા, ઘરની ચિંતા ભગવાનને માથે નાખી તેઓ તો ભજન કીર્તનમાં જ મસ્ત રહેતા.

   સમય સાથે પુત્ર "શામળ" હવે બાર વર્ષનો હતો. મહેતાજી પોતે નવ વરસે પરણ્યા હતા, તેથી માણેકબાઈએ મહેતાજીને કહ્યુ: ' શામળિયા માટે કન્યાની તપાસમાં રહો !!

   મહેતાજી કહે : જેનું એ કામ છે એ કરશે. તું શું કરવા એવી ચિંતા કરે છે? ’ અને  ખરેખર , થોડા વખતમાં એક નવાઈની વાત બની ગઈ.

   વડનગરના ધનાઢ્ય શેઠ મદન મહેતાએ પોતાની દીકરી માટે એક સુયોગ્ય વરની શોધમાં ગોરને જૂનાગઢ મોકલ્યો. મદન મહેતા કોઈ રાજ્યના દીવાન હતા અને લાખોપતિ હતા. ગોરે જૂનાગઢ આવી ઘણા છોકરા જોયા પણ  એકે પસંદ પડ્યો નહિ ત્યારે નાગરો ચિડાયા. તેમણે એને ઉલ્લુ બનાવવા નરસિંહ મહેતાનું ઘર દેખાડ્યું. મહેતાજી તો બેઠા બેઠા ભજન કરતા હતા. ગોર બાપા ત્યાં પધાર્યા અને શી ખબર શી રીતે ગોરનું મન વસી ગયું. તેમણે શામળની સાથે મદન મહેતાની દીકરીનું વેવિશાળ કરી નાખ્યું. નાગરોના પેટમાં પથ્થરો પડ્યાં. તેમણે મદન મહેતાને ખબર આપ્યા કે નરસૈંયો તો બાવા વૈરાગીઓ ભેગો ફરનારો ભીખમંગો છે !

   મદન મહેતાએ નરસિંહ મહેતાને કાગળ લખ્યો કે અમારા ઘરને શોભે એવી જાન લઈને આવજો, નહિ તો વરને લીલા તોરણે પાછો કાઢશું ! નરસિંહ મહેતાએ કોના બળદ અને કોકની વહેલ માંગી  આણી જાન જોડી. જાનમાં બાવાવેરાગીઓ, ને સામાનમાં તુલસીની માળાઓ, તાલ ને કરતાલ ! જૂનાગઢથી નીકળેલી આ જાન જ્યારે વડનગર પહોંચી ત્યારે એમાં એટલા હાથીઘોડાને લાવલશ્કરની શોભા હતી કે મદન મહેતા ગભરાઈ ગયા કે આને હું કેમ પહોંચી વળીશ ? તેમણે મહેતાજીને પગે પડી પ્રાર્થના કરી : વૈવાઈજી , અમારી લાજ રહે એમ કરજો ! મહેતાજીતો ભજન ગાવા લાગ્યાં.

   તેમની દીકરીના લગ્નમાં પણ આવો જ ચમત્કાર થયો હતો. એક બાજુ ઘરના ખાલી વાસણો અને બીજી બાજુ દીકરીનું મામેરું. પોકી વળતો કઈ રીતે... માણેકભાઈ મહેતાજીની સામે રુદન કરવાં લાગ્યાં.

   મહેતાજીતો મસ્ત હાથમાં કડતાલ લઈને ભજન કરતાં કરતાં બહાર નીકળી ગયા અને બોલ્યા મારો નાથ બેઠો છે મારે વળી શેની  ચિંતા ?

Narshih maheta image


    તેમની દીકરી કુંવરબાઈનું મામેરું કરવા ભગવાન પોતે લક્ષ્મીજીને લઈને પધાર્યા હતા! દ્વારકા જતા યાત્રીઓનાં નાણાં લઈ મહેતાજીએ એમને હૂંડી લખી આપી હતી તે ભગવાને પોતે દ્વારકામાં મહેતાજીના વાણોતર બની સ્વીકારી હતી !

   એક વાર ભાદરવા મહિનામાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું. નરસિંહ મહેતા પાંચ બ્રાહ્મણોને જમવાનું કહેવા ગયા, પણ નાતવાળા કહે : ભગત, કોક દહાડો તો અમને તમારા ઘરનો પ્રસાદ જમાડો !

   પ્રસાદની કેમ ના કહેવાય ? મહેતાજીએ સમસ્ત નાતને જમવાનું નોતરું દઈ દીધું. શ્રાદ્ધને દિવસે માણેકબાઈએ મહેતાજીના હાથમાં નાનકડી તપેલી પકડાવી દઈ કહ્યું :  ઘી લઈ આવો!! 

   મહેતાજીથી ઘી લેવા ગયા, તો ઘીવાળાએ કહ્યું : મહેતા , એકાદ ભજન તો સંભળાવો !

   બસ, થઈ ચૂક્યું. મહેતાજી ભજન ગાવા બેઠા, ને ઘીની વાત ભૂલી ગયા. ભજન પર ભજન ચાલ્યા કરે.

   બીજી તરફથી ખબર શું ખબર ક્યાંથી મહેતાના પર આગળ સીધું સામાન અને ગાડાં આવી ઊભા રહ્યાં. માણેકબાઈ આભાં બની જોઈ રહ્યાં. હજારો માણસોની રસોઈ બની અને આખી નાત મનભાવતા પકવાન જમીને ખુશ થઈ ગઈ. જે લોકો તમાસા જોવા આવ્યાં હતાં તે મોઢામાં હાથ નાખતા થઈ ગયા.

   સાંજે ભજન પૂરાં થયાં ત્યારે મહેતાજી તપેલીમાં ઘી લઈને ઘેર આવ્યા. આવીને જુએ તો આખો પ્રસંગ પૂરો થઈ ગયો હતો !

મહેતાજીના જીવનમાં આવા તો અનેક ચમત્કારો જોવા મળે છે.

   થોડા વખત પછી માણેકબાઈનું મરણ થયું. મહેતાજી કહે : જેવી ભગવાનની મરજી!

   ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ !

    રોજ સવારે મહેતાજી ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં સ્નાન કરવા જતા. એક દિવસ આવી રીતે સ્નાન કરીને તેઓ ભજન ગાતા ગાતા આવતા હતા, ત્યાં રસ્તામાં કેટલાક માણસો હાથ જોડી એમની સામે આવી ઊભા ને કહે : ભગતજી , એકવાર અમારે ત્યાં ભજન કરવા પધારો !

મહેતાજીએ કહ્યું : આજે જ !

પેલાઓ કહે : બાપજી , અમે અસ્પૃશ્ય છીએ !

મહેતાજીએ કહ્યું : તમે હરિના ભગત છો. હરિજન છો ! વૈષ્ણવ છો !

 હરિજનોએ આખા વાસનાં આંગણાં સાફ કરી ગોમુત્ર અને છાણથી લીંપ્યાં, તુલસીક્યારે દીવા કર્યા, ધૂપ કર્યો .

 મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓચ્છવ,

 ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ !

   તે જમાનામાં હરિજનોને કોઈ અડકતું પણ નહિ, તેમનાં ઘર પણ ગામથી દૂર અને ત્યાં કોઈ જાય નહિ, પણ મહેતાજી ગયા ને આખી રાત હરિજનો ભેગા બેસી ભજન કરી આવ્યા. તેથી આખા ગામમાં હો હો  થઈ ગઈ. ચોરે ને ચૌટે વાતો થવા લાગી હાય હાય ! નાગરનો દીકરો થઈને આ નરસૈંયો ઢેડવાડામાં જઈને નાચ્યો !

નાગરોની નાતે નરસિંહ મહેતાનો જવાબ માગ્યો.

તેમણે કહ્યું : તું ભ્રષ્ટ થઈ ગયો.

   મહેતાજીએ કહ્યું : ' મને ભષ્ટ કહો , ભૂંડો કહો, ભૂંડાથી ય ભૂંડો કહો, તમને જે ગમે તે કહો, હું એવો જ છું. મને માત્ર વૈષ્ણવો વહાલા છે પછી તે બ્રાહ્મણ હોય કે ભંગી હોય !

    હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વાલા રે,

    હરિજનથી જે અંતર ગણશે, એના ફોગટ ફેરા ઠાલા રે |

    નાગરોએ હવે જૂનાગઢના રાજા રા'માંડલિકને ફરિયાદ કરી : ' નરસૈંયો ઢોંગ ધતૂરા કરી લોકોને અવળે રસ્તે ચડાવે છે , એને સજા કરો ! રાજાએ નરસિંહ મહેતાને એક કોટડીમાં પૂરી દીધા ને કહ્યું  ભગવાનની મૂર્તિની ડોમાં પહેરાવેલો હાર સવાર પહેલાં તારી ડોકમાં આવી પડે તો હું જાણું કે તું સાચો ભગત ! નહિ તો ઢોંગી !

   કોટડીમાં મહેતાજીએ ભજન આદર્યાં આખી રાત ભજન ચાલ્યાં. સવાર થતો ચમત્કાર થયો . મંદિરનાં બારણાંને અને જેલની કોટડીને વાસેલાં તાળાં તડાક કરતાં તૂટી ગયાં, લોઢાની ભોગળો ભાંગી પડી ને બારણાં ઊઘડી ગયાં ! લોકો આભા બની જોઈ રહ્યા. ભગવાનની મૂર્તિની ડોકમાંથી હાર નીકળીને મહેતાજીની ડોકમાં જઈ પડ્યો !          

   કહે છે કે આ બનાવ સંવત ૧૫૧૨ ( સને ૧૪૫૫ ) માં બનેલો. મહેતાજીની ભક્તિની આ પરચો જોઈ રાજા પસ્તાયો. એણે ભક્તની માફી માગી, પણ મહેતાજી તો જાણે કંઈ બન્યું નથી એમ ભજન ગાતા ગાતા ઘેર ગયા.

    આ બનાવ પછી થોડા વખતમાં મહેતાજીએ જૂનાગઢ છોડ્યું અને દે પણ છોડયો. નરસિંહ મહેતા આપણી ગુજરાતી ભાષાના આદિ કવિ છે. તેમણે અસંખ્ય ભજનો લખ્યો છે, તેમાંનાં ઘણાં પ્રભાતિયાં નામે ઓળખાય છે. આજે પણ ઘણા લોકો સવારના પહોરમાં આંખ ઊઘડે કે મહેતાજીનાં પ્રભાતિયાં ગાતા હોય છે. (source­-પુસ્તક સંતસાગર)

    ગુજરાતી ભાષાનાં શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતાં એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે.

                                                                                                                    જૈમીન જોષી.

Sunday, December 5, 2021

સફળતા પ્રાપ્ત કરવા એક પરાક્રમ પૂરતું છે.(One feat is enough to achieve success.)

  •  જીવન ત્યાં સુધી જ આપણું છે જ્યાં સુધી આપણે તેને જીવંત રાખીએ છીએ.

success images




   એક અંધ વ્યક્તિ ઈશ્વરને દ્રષ્ટિહિન હોવાનાં કારણે ફરિયાદ કરતો હતો. તેની સાથે રહેવા માટે કોઈ હતું નહીં. એક ટાઇમ જમવાના ફાફાં હતા. અંધ હોવાનાં કારણે પરિશ્રમ કરવાની તો વાત જ ન હતી. તે ઈશ્વરને કોસતો કોસતો રસ્તા ઉપર ચાલી રહ્યો હતો. ત્યાં તેને રસ્તામાં ઠેસ વાગી અને તે પડતાં પડતાં બચી ગયો. એકલો હોવાનાં કારણે તે ગુસ્સામાં તો હતો અને ઉપરથી ઠેસ વાગવાના કારણે પડતાં પડતાં બચી ગયો એટલે તે વધુ અકડાઈ ગયો અને જ્યાં ઠેસ વાગી હતી ત્યાંથી પથ્થર હાથમાં પકડી લીધો. બરાબર તેજ સમયે એક કૂતરું તેનાં પર ભસવા લાગ્યું. અચાનક થયેલા પ્રહાર પર તેને પ્રતિકાર રૂપે હાથમાં રહેલ પથ્થરને બળપૂર્વક કૂતરાં તરફ ફેંક્યો. ત્યાંતો તેનું નિશાન ચૂક્યું અને ત્યાંથી પસાર થતા એક વ્યક્તિનાં માથાં ઉપર તે પથ્થર વાગ્યો. વ્યક્તિ ત્યાં જ મૃત્યું પામ્યો. અંધ વ્યક્તિ ઉપર મુકદમો દાખલ કરી તેને સજા કરવામાં આવી. નવાઈની વાત તે હતી કે તે વ્યક્તિ ખુશ હતો. કારણ? કેમ કે થોડા સમય પહેલાં તે એકલો હતો. તેની પાસે પૈસા ન હતાં. રહેવા માટે ઘર ન હતું. કેટલાય દિવસ તે ભૂખે આળોટયા કરતો હતો. અચાનક જ તેને બધું પ્રાપ્ત થઈ ગયું. જે ઈશ્વરની તે આલોચના કરતો હતો તેનો આભાર માનવા લાગ્યો. 
       
   અહીં આપણે ત્રણ વાતો શીખવા જેવી નહીં માત્ર જાણવા જેવી છે. એક કે અંધ વ્યક્તિ જે સતત દુઃખમાંથી પસાર થતો હતો તેને સહારો મળી ગયો જે કુદરતની કૃપા કહી શકાય. બીજું કે ક્યારેક કોઈ એકની ખુશી માટે બીજાને મૃત્યું પણ મળતું હોય છે. સૌથી વિચારવા અને સમજવા જેવી વાત તે છે કે આંધળા વ્યક્તિને ગુનેગાર સાબિત કરી સજા આપવા લાગેલ વ્યક્તિઓની મનઃસ્થિતિ અને વિચારધારા કેવી હશે. 

   આપણી આસપાસ પણ આવા કેટલીક કુદરતી ઘટનાઓ ઘટતી હોય છે જેનો ફાયદો કે નુકસાન આપણે ભોગવવા પડતાં હોય છે. જ્યાં સુધી ફાયદો થાય છે ત્યાં સુધી બધું યોગ્ય છે પરંતુ જ્યાં કંઈક છૂટી જવાની કે તૂટી જવાની વાત આવે ત્યારે આપણી વિચારબુદ્ધિ પૂર્ણ થઈ જતી હોય છે. પરિણામે આપણે હતાસ થઈને કુદરતને ગાળો ભાંડીએ છીએ કાતો ઈશ્વરે જે કર્યું એ સારા માટે હશે તેમ કહી મન મનાવી લઈએ છીએ. 

   મનુષ્ય તરીકે જન્મતી વખતે કુદરત પાસેથી આપણે એવી કોઈ શરતે બંધાયા તો નથી કે જીવનભર તમામ પરિસ્થિતિઓના સંજોગો મને સાનુકૂળ હશે તો જ હું જન્મ લઈશ. જે મારી વિરુદ્ધ હશે તેમને શ્રાપ આપી ભસ્મીભૂત કરવાનું વરદાન મને આપો. જગતમાં હું સર્વશ્રેષ્ઠ બનીને રહીશ. પૃથ્વી પર લોકો મારી પૂજા કરે, મારા સાનિધ્યમાં મારી સલાહ પ્રમાણે જીવે તેમજ તેમનું કલ્યાણ મારા થકી થશે તો અને માત્ર તો જ હું પૃથ્વી લોકમાં જઈશ નહિ તો નહીં. આવી કોઈ તમે હઠ કરી હતી તેવું યાદ આવે છે? નહીં ને... તો પછી અન્ય કોઈને પણ ઈશ્વરે આવી જવાબદારી સોંપીને શરતી વિધાનોને માન્ય રાખી પૃથ્વીલોકમાં મોકલ્યા હશે? 

   જો ના.. તો પછી આપણે આટલા બળાપા શેના માટે કરીએ છીએ? અટલી બધી હારી જવાની નિરાશાજનક વાતો શા માટે? દરેક પાસે પ્રશ્નો છે કે હું શું કરી શકું.. ? પણ કોઈ તેમ કહેવાં તૈયાર નથી કે હું કરી શકું...આ શું શબ્દનો ઉપયોગ આપણે યોગ્ય જગ્યાએ ન કરી શકીએ?

   આ એક વાત તો સ્વીકારવી જોઈએ કે સફળતા પ્રાપ્ત કરવા એક પરાક્રમ જ પૂરતું છે. માણસની ઓળખાણ તો એક સફળ કાર્યથી જ બને છે. કોઈ સારા સિંગરની ઓળખ એક ગીતથી, કોઈ એક્ટરની કોઈ એક મૂવીથી તો કોઈ વૈજ્ઞાનિકે કરેલ એક શોધથી વગેરે.. આગળ ભલે તમે ગમે તેટલું કાર્ય કર્યું હોય પરંતુ ઓળખાણ માત્ર એક કાર્યથી જ ઉભી થાય છે. આપણી તમામ નિષ્ફળતાઓ એ એક એવા પરાક્રમનું નિર્માણ કરે છે જે આપણી ઓળખાણ બનાવે છે.

   ધર્મશાસ્ત્રો, રાજનેતા, શિક્ષણ, કલાકાર વગેરેનું સમર્થન પરસ્પર વિરોધો અને ભ્રમોથી ભરેલું છે. આમાંથી કોને સાચું ઠેરવવામાં આવે અને કોઈને ખોટું કહેવામાં આવે તે જ નક્કી થઈ શકતું નથી. જેમ કાયદો તમારો દરેક ગુનામાંથી આડકતરી રીતે બચાવ કરે છે તેમ આ તમામ મુદ્દાઓ આપણને આપણી સાયભી પ્રમાણે વર્તવાની છૂટ આપે છે. માતાપિતા, શિક્ષક, ધર્મશાસ્ત્ર, રીતિ-રિવાજ, પડોશી સંબંધીઓ રાજનેતાઓ આ તમામ આપણને શીખવાડે છે અને જે રસ્તા ઉપર ચાલવા માટે મજબૂર કરે છે જરૂરી નથી કે ઉચિત અને યથાર્થ હોય. આપણી એક ભૂલ આપણને કોઈના ગુલામ બનાવી શકે છે.

   આંધળા કેદીને સજા કરવાનો ગર્વ આપણે લેતા હોઈએ તો આપણે કેટલાક મૂર્ખ છીએ તે જાહેર કરીએ છીએ. અંધ વ્યક્તિને બહાર રાખો કે અંદર તેના માટે સમગ્ર જીવન અંધકારમય જ છે. અલબત્ત આપણા બધા ઉપર ભયનું સામ્રાજ્ય છે તે વાત સાચી પણ દરેક વ્યક્તિ અનિચ્છનીય ઘટનાઓનો વિરોધ કરે તેટલી પણ સ્વતંત્રતા ક્યાં હવે બચી જ છે. વધુ પડતો પૈસા ગુનાઓ કરવા હિંમત આપે છે. મૂળ કારણ તેનું ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટતા બૌદ્ધિક પરાધીનતા તરફ ધકેલે છે. આપણે હિતેચ્છુઓને આપણા ગુલામ સમજી આપણે શ્રેષ્ઠ હોવાનો ઢોંગ કરીએ છીએ. જેની વિરુદ્ધ બુદ્ધિ ધૂર્ત હોય તેની પાસે શું અપેક્ષા રાખી શકાય.? 

                                                                                                                                         જૈમિન જોષી.

Sunday, November 28, 2021

સુખી થવા આ પણ જરૂરી છે...(It is also necessary to be happy ...)

  • આપણી માનસિક સમૃદ્ધિ જ આપણને બીજાથી અલગ પાડતી હોય છે.



happiness quotes




   જીવનમાં આશ્વાસનનો સહારો ત્યારે લેવો પડે જ્યારે શ્વાસોનો ભાર ચેતનાના દીપને ફફડાવી મૂકે છે. મન જ્યારે નબળું પડવા લાગે છે ત્યારે રસ્તાઓ ખુલ્લાં હોવા છતાં બંધ થયેલાં દેખાય છે. આપણને આપણો જ પરિચય નથી. આપને પોતાને ઓળખી શક્યાં જ નથી. આપણે બિલકુલ અજ્ઞાત છીએ. આ પૃથ્વી પર આપણો અંશ હોવા ન હોવા બરાબર છે. તમામ કુદરતી ઘટનાઓથી આપણે પરિચિત છીએ. કુદરત નિત્ય આપણને કંઈક શીખવવા માગે છે, બતાવવા માગે છે. આ જીવનનો અર્થ સમજવા બેસીએ ત્યારે કશું સમજાતું નથી. જ્યારે ન સમજવાના પ્રયત્ન કરીએ ત્યારે અણધારી ઘટનાઓ કુશળતાપૂર્વક ઘણું સમજાવી જાય છે. જીવનમાં આપોઆપ કંઇ પણ થતું નથી. જીવનને અર્થ આપણે આપવો પડે છે. બંધ આંખે દેખાતા પટચિત્રો ખુલ્લા લોચનને જોવા બેસીએ તો અપાર પીડા ઉત્પન્ન થાય છે. ન ગમતી ઘટના, ન ગમતા લોકોની વાતો, સાથે જીવવા ઝંખેલ ચહેરાઓના વિદાય થતાં સ્પર્શો કેટકેટલું બંધ આંખે મનને છિન્ન કરતું હોય છે.

   આંખોથી નીકળતા ખારાપાણીના સરનામાં પૂછીએ તો જાણીતી આંખોના પલકારા જ નીકળે. એક નાનકડું બિંદુ આપણી ભીતર ગોળગોળ ભ્રમણ કર્યા કરે જેમાં આખું વિશ્વ સમાઇ ગયાની અનુભૂતિ થાય. જે ઠીક લાગે છે તે ક્યારેય ઠીક નથી હોતું. તેની પાછળ મોટી ઘટના વિરાટ સ્વરૂપ ધારણ કરતી હોય છે. મનભંગ, માનભંગ, ઈચ્છાભંગ, સન્માનભંગ, કરુણાભંગ..... આ તમામ ભંગાણની ક્રિયાઓ માત્ર છૂટા પાડવાનું કાર્ય કરે છે, પરંતુ છૂટા પડવાનો અર્થ બે ટુકડા થવા તેવો થતો નથી. અહીં ભંગાણો આંતરિક પણ હોય છે તેવો થાય છે. જે પ્રેમી છે તે ભંગાણનો અર્થ સમજે છે. અહીં જે વાસ્તવમાં મુક્ત થવા માંગતો નથી મુક્તિ તેનો પીછો કરે છે. આપણે જીવન-મુક્તિની વાતો કરીએ, મોક્ષની વાતો કરીએ પરંતુ આપણાં જીવનની ખરાબ ઘટનાઓ, પીડાઓ કે વ્યક્તિઓથી મુક્ત થતા આપણને આવડતું નથી. નાની નાની ઘટનાઓથી મુક્ત થતાં જઈએ તો મોક્ષની આવશ્યકતા રહેતી નથી.

   તમારા મનમાં જે મૂળભૂત અવિશ્વાસ તમે ધરાવો છો તે એ છે કે તમે કોઈને પ્રેમ કરો છો. પ્રેમમાં હોવાનું અર્થ તમે શું કરશો? કોઈનું થઈ જવું? કોઈના માટે ઝંખવું? કોઇને પામી લેવું? કોઈના વગર જીવી ન શકવું? કોઈ ને સમર્પિત થઈ જવું..? શું ખરેખર આપણે આ બધું કરી શકીએ છીએ? આપણે બીજી ક્ષણે શું કરવાના છીએ તેની પણ આપણને ખબર નથી હોતી તો અન્યના થવાની, સમર્પિત થઈ કે પામી લેવાની વાતમાં કેટલી સત્યતા? શું આપણે સંપૂર્ણ જીવન કોઇ એક વ્યક્તિના સાનિધ્યમાં જ કાઢી શકવા પૂરતા છીએ? આપણું જીવન એટલું નશ્વર છે કે આપણે ફલાણા વ્યક્તિ વગર જીવન શક્ય નથી તેવી ફરિયાદો કરતાં ફરીએ? ખરી વાત તો તે છે આ બધી વાતો, કલ્પનાઓ આપણે જીવનમાં માત્ર બોલીએ છીએ. ખરેખર જીવતા થઈએ તો શબ્દોનો સહારો લેવો ન પડે. પ્રેમ માટે મોટી હિંમત જરૂરી છે. અહમ પ્રેમને પૂર્ણ કરી દેતો હોય છે.

   દરેક વ્યક્તિ પાસે જીવન, પ્રેમ, જ્ઞાન, શિક્ષણ, વ્યવસાય... દરેક વિશે પોતાના આગવા ખ્યાલો હોય છે. કોઈ ચોક્કસ મત કોઈ વ્યવસ્થાએ પહોંચ્યાં વગર સાચો ન કહી શકાય. આપણા માટે જે સત્ય છે તે અન્ય માટે ના પણ હોય. આપણાં મૂલ્યો અલગ છે. આપણે કોઈના મૂળમાં નથી. આપણે બાહ્ય આડંબરના આધારે જ વ્યક્તિ પરીક્ષણ કરીએ છીએ. ભીતરમાં નિહાળવાની ફુરસદ કે આવડત આપણામાં છે જ નહીં. કે આમ કહો કે આપણને શીખવવામાં જ નથી આવી. જે બાહ્ય આવરણો આપણાં આત્માને ઢાંકી દે છે તેવા જીવનનો શું અર્થ? આપણે શું પામી લેવાના? વાદળો જે રીતે સૂર્યને ઢાંકી દે છે તે જ રીતે આપણાં માનવ દ્વારાં શીખવેલ અજ્ઞાનતાના બાહ્ય આવરણો આપણા આત્માને ઢાંકી દે છે. આપણો અહમ આપણા લોકોથી અલગ કરી દેતો હોય છે. લોકો પોતાના જ પ્રેમને કારણે બરબાદ થાય છે. ક્યારેય વિચાર્યું છે કે કેમ? પ્રેમમાં ખોટ છે કે આપણામાં? આપણને માત્ર વ્યક્તિનો ઉપયોગ કરતા આવડે છે. કોઈના સપનાં તોડતા, કોઈને અડધે રસ્તે છોડતાં કે નીચું દેખાડતા આવડે છે અને આપણે હંમેશા તેનો જ સહારો લઈએ છીએ. 

   આપણે આપણા સંતાનોને જે સારી વાતો, સંસ્કાર તેને શીખવીએ છીએ તે જ જો પોતે એક વાર વાંચી તેને અનુસરવાનો પ્રયત્ન કર્યો હોત તો બાળકને શીખવવાની જરૂર જ ન પડે. તે જાતે જ અનુકરણ કરી લેત. શાળામાં શીખેલું આપણે કેમ ભૂલી જઈએ છીએ તે ખબર પડતી નથી. મૂળ ભૂલ ક્યાં છે તે આપણે સમજવું જરૂરી છે. 

                                                                                                                     જૈમીન જોષી.

Sunday, October 31, 2021

સરદાર પટેલ અને ભારત (Sardar Patel and India)


  • જો સરદાર વડાપ્રધાન થયા હોત તો કોંગ્રેસનાં રાજ લાંબા ન ચાલ્યાં હોત.


સરદાર પટેલ અને ભારત  (Sardar Patel and India)



   ૧૯૪૭ નું ભારત એ આજના ભારત કરતા કંઇક જુદુ જ હતું. બ્રિટીશો દેશ છોડીને જતા હતા,પરંતુ આપણને એક દેશ નહિ પરંતુ ભારતના ટુકડા થવાનું ભવિષ્ય સોપતા જતા હતા. ભારત દેશ વૈવિધ્ય રીતે અલગ પડતો દેશ છે. અપણા દેશની દિશા પ્રમાણે ભાષા બદલાય છે. ખોરાક પણ એવો કે એક બીજાના વખાણ કરવા કે ટોકવા તે પણ નક્કી નથી કરી શકાતું. બધુજ અલગ છતાં એક હોવાનો દાવો. તે સમયની સ્થિતિ કંઇક અલગ જ હતી. ત્યારે લોકો પાસે ત્રણ રસ્તા બચ્યા હતા. ભારતનો હિસ્સો બનો કાતો પાકિસ્તાનનો હિસ્સો બનો અથવા તો આત્મનીર્ભર નિવાસ બનાવો. જે એટલું સરળ પણ ન હતું, પરંતુ ત્યાં જ ગુજરાતના એક સિંહે ગર્જના કરી. ભારતના છુટા પડેલા રજવાડાનાઓને સંગઠિત કરવાનું કામ એક પટેલે કરી બતાવ્યું. અલબત્ત તેના માટે તેમણે સામ,દામ,દંડ અને ભેદનો ઉપયોગ કરવો પડ્યો હતો.

   ૧૯૪૭ ના જાન્યુઆરીમાં સરદાર અને નહેરુ વચ્ચેના મતભેદો ખુબ જ વણસ્યા અને કાઠિયાવાડના પ્રવાસે જતાં પહેલાં સરદારે ગાંધીજીને પત્ર લખીને હોદ્દો છોડવાની ઈચ્છા પ્રગટ કરી. માઉન્ટબેટનને ખબર પડી કે નહેરુના કહેવાથી ગાંધીજી સરદારના રાજીનામાં અંગે વિચારી રહ્યાં છે. મુખ્ય વાત એ હતી કે સરદારનું રાજીનામું એટલે દેશનું પતન. સરદાર વગર ચાલે તેવી સ્થિતિ હતી જ નહિ. સ્વરાજ પ્રાપ્ત કરવા માટે ગાંધી નહેરુ અને સરદાર આ ત્રણેયની જોડી બની રહે તે જરૂરી હતું.

   હું અહી ચોક્કસ ઉલ્લેખ કરીશ કે ગાંધીવાદી વિચાર ધારાને વળગી ન રહેનાર અને દેશને સ્વરાજ અપાવનાર કેટલાય ક્રાંતિકારીઓના બલિદાનનો દેશ હંમેશ ઋણી રહેશે. અહી ગાંધીજી સંગઠનમાં જે હતા તેમની વાત કરું છે માટે આ ત્રણેયની જોડી બની રહે તેવું કહું છું.   

   ભારત દેશ ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્વિમ સુધી મળીને જે પ્રમાણે એક શક્તિશાળી દેશ બન્યો, તેનો મોટો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. જેમણે આઝાદીની પહેલા 562 રજવાડાઓનું દેશમાં વિલીનીકરણ કરવાનું કામ કર્યુ.

   તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

   સરદાર પટેલ જોકે કોઈ ક્રાંતિકારી ન હતા. વર્ષ 1928 થી 1931 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉદ્દેશ્યો અંગેની નિર્ણાયક ચર્ચામાં પટેલ માનતા હતા. (ગાંધી અને મોતીલાલ નેહરુની જેમ, પરંતુ જવાહરલાલ નહેરુ અને સુભાષ ચંદ્ર બોઝથી વિપરીત) કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ધ્યેય અંદર પ્રભુત્વનો દરજ્જો હોવો જોઈએ. બ્રિટિશ કોમનવેલ્થ - સ્વતંત્રતા નહીં. જવાહરલાલ નેહરુથી વિપરીત, જેમણે સ્વતંત્રતાની લડતમાં હિંસા માફ કરી હતી. સરદાર પટેલે નૈતિક રીતે નહીં પરંતુ વ્યવહારિક ધોરણે સશસ્ત્ર ક્રાંતિને નકારી કાઢી હતી. સરદાર પટેલે જણાવ્યું હતું કે તે નિષ્ક્રિય હશે અને ગંભીર દમનનો સામનો કરશે. સરદાર પટેલે ગાંધીની જેમ બ્રિટિશ કોમનવેલ્થમાં મુક્ત ભારતની ભાવિ ભાગીદારીમાં ફાયદા જોયા જો કે ભારતને સમાન સભ્ય તરીકે સ્વીકારવામાં આવે તેવી પણ વાત હતી. તેમણે ભારતીય સ્વાવલંબન અને આત્મવિશ્વાસને ઉત્તેજન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, પરંતુ ગાંધીથી વિપરીત તેમણે હિંદુ-મુસ્લિમ એકતાને સ્વતંત્રતા માટેની પૂર્વશરત ગણી ન હતી. હિંદુ-મુસ્લિમ એકતા ગાંધીજીનો વિચાર હતો. મોટા ભાગના લોકો તેને સમર્થન અપાતા ન હતાં. તે સમયે ગાંધીજી તેવો ચહેરો હતો જેને લોકપ્રિયતા પ્રાપ્ત થઇ હતી જેથી તેનાથી વિપરીત નિર્ણયો લેવા સરળ ન હતાં.

sardar patel image


   સરદાર પટેલ બળજબરીથી આર્થિક અને સામાજિક ફેરફારો લાવવાની જરૂરિયાત પર જવાહરલાલ નેહરુ સાથે અસંમત હતા. પરંપરાગત હિંદુ મૂલ્યોમાં મૂળ ધરાવતા રૂઢિચુસ્ત, સરદાર પટેલે ભારતીય સામાજિક અને આર્થિક માળખામાં સમાજવાદી વિચારોને અનુકૂલિત કરવાની ઉપયોગીતાને ઓછી ગણાવી હતી. તેઓ મુક્ત સાહસમાં માનતા હતા, આમ રૂઢિચુસ્ત તત્વોનો વિશ્વાસ મેળવતા હતા અને આ રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓને ટકાવી રાખતા ભંડોળ એકત્ર કર્યું હતું.

   ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1929ના લાહોર અધિવેશનના પ્રમુખપદ માટે ગાંધી પછી પટેલ બીજા ઉમેદવાર હતા. ગાંધીએ સ્વતંત્રતાના ઠરાવને અપનાવવાથી રોકવાના પ્રયાસમાં પ્રમુખપદનો ત્યાગ કર્યો અને પટેલને પણ પદ પાછી ખેંચી લેવા માટે દબાણ કર્યું. તેવું પણ માનવામાં આવે છે કે મુખ્યત્વે મુસ્લિમો પ્રત્યે સરદાર પટેલના સમાધાનકારી વલણને કારણે જવાહરલાલ નેહરુ ચૂંટાયા. 1930ના મીઠાના સત્યાગ્રહ (પ્રાર્થના અને ઉપવાસ આંદોલન) દરમિયાન પટેલે ત્રણ મહિનાની જેલવાસ ભોગવ્યો હતો. માર્ચ 1931માં પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. તેમને જાન્યુઆરી 1932માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જુલાઈ 1934માં છૂટ્યા, તેમણે 1937ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના સંગઠનને માર્શલ કર્યું અને 1937-38ના કોંગ્રેસના પ્રમુખપદ માટે મુખ્ય દાવેદાર હતા. ફરીથી, ગાંધીના દબાણને કારણે, પટેલ પીછેહઠ કરી અને જવાહરલાલ નેહરુ ચૂંટાયા. અન્ય કોંગ્રેસી નેતાઓની સાથે સરદાર પટેલને ઓક્ટોબર 1940માં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, ઓગસ્ટ 1941માં મુક્ત કરવામાં આવ્યા હતા અને ઓગસ્ટ 1942થી જૂન 1945 સુધી વધુ એક વખત જેલવાસ ભોગવ્યો હતો.

   યુદ્ધ દરમિયાન સરદાર પટેલે ભારત પર તત્કાલીન અપેક્ષિત જાપાની આક્રમણ સામે ગાંધીજીની અહિંસાને અવ્યવહારુ તરીકે નકારી કાઢી હતી. સત્તાના હસ્તાંતરણ પર સરદાર પટેલે ગાંધી સાથે મતભેદ કર્યો કે ઉપખંડનું હિંદુ ભારત અને મુસ્લિમ પાકિસ્તાનમાં વિભાજન અનિવાર્ય હતું અને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન સાથે ભાગ લેવો ભારતના હિતમાં છે.

   સરદાર પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1945-46ના પ્રમુખપદ માટે અગ્રણી ઉમેદવાર હતા પરંતુ ગાંધીએ ફરી એકવાર નેહરુની ચૂંટણી માટે હસ્તક્ષેપ કર્યો. કોંગ્રેસના પ્રમુખ તરીકે નેહરુને બ્રિટિશ વાઇસરોય દ્વારા વચગાળાની સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમ, સામાન્ય ઘટનાક્રમમાં સરદાર પટેલ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હોત. સ્વતંત્રતાના પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન સરદાર પટેલ નાયબ વડા પ્રધાન, ગૃહ બાબતોના પ્રધાન, માહિતી પ્રધાન અને રાજ્ય પ્રધાન હતા; સૌથી ઉપર, તેમની કાયમી ખ્યાતિ ભારતીય સંઘમાં રજવાડાઓના શાંતિપૂર્ણ એકીકરણ અને ભારતના રાજકીય એકીકરણની તેમની સિદ્ધિ પર આધારિત છે.

   આમ તો સરદાર વિશે ઘણું છે પણ એક શબ્દમાં કહું તો સરદાર એટલે સરદાર.

  

                                                                                                                      જૈમીન જોષી.   

   

Sunday, October 17, 2021

સત્ય સમજવું છે ? તો જ્ઞાન પ્રાપ્ત કરો...!!! (Understand the truth? So acquire knowledge ... !!!)

  • જો તમે કુશળ હોવ તો ચિંતા શેની...?:-


Human instincts


   માનવપ્રકૃતિ સારી છે કે બૂરી ? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. જેને સમજવા તમે કે હું ખરા અર્થમાં સક્ષમ નથી. હા પોતાનાં વિચારો વ્યક્ત કરવા તે અલગ બાબત છે પરંતુ તેની ખરાઈ કોણ કરશે? જે પ્રકારે પરીક્ષામાં લખેલ ઉત્તરવહીની  ચકાસણી કરનાર અધ્યાપક હોય છે તે પ્રકારે આપણી જીવન પ્રવૃતિ સારી છે કે ખરાબ તેની ચકાસણી કરવા કોઈ અધ્યાપક હોય છે ખરો? આપણે ભલીભાતી જાણીએ છીએ કે પરીક્ષાનું મૂલ્યાંકન સંપૂર્ણ સચોટ અને સત્ય છે તે વાત જ ખોટી છે. એક સરખા ઉત્તરનાં ગુણ સરખા ન પણ હોય. દરેક પ્રશ્ન અનુકૂળ ના પણ હોય. જીવનમાં તો આપણે બધાં જ વિદ્યાથી અને બધાં જ અધ્યાપક. જો આપણે સ્વભાવે જ ક્રિયાશીલ હોયએ અને અધ્યયન એક સ્વયં પ્રવૃત્તિની પ્રક્રિયા હોય તથા વધારામાં માનવ સ્વભાવ સારભૂત રીતે સારો હોય તો કુદરતે આપણી જન્મજાત વૃત્તિઓને સારભૂત રીતે સારી ગણવી જોઈએ તેવું આપણે માની લઈએ છીએ. જો આપણે બધામાં સારા જ હોઈએ તો આપણને પડતી તકલીફો કોનું પરિણામ છે ? આપણે આપણાં ભૂત કર્મને વાગોળીએ તો કદાચ આપણને આપણાં ગુના ન જોવાય અને જો એકાદ જોવાઈ પણ જાય તો પણ આપણે તેને તર્કવિતર્ક દ્વારા સાચું સાબિત કરી દઈએ છીએ. ક્યારેક ધર્મોના સહારે તો ક્યારેક બદલાયેલા સમયના આધારે. ક્યારેક નબળી પરિસ્થિતિનાં આધારે તો ક્યારેક ઉત્પન્ન થયેલ મજબૂરીનાં આધારે. પાપી પોતાના પાપનું સમર્થન કરવા માટે રામચરિતમાનસનો કે મહાભારતનો એક મહત્વનો અંશ કહેવાયેલ ભગવદ ગીતાંનો મનગમતો અર્થઘટન કરી બચાવનો આશરો લે છે. તો શું ધાર્મિક પુસ્તકો આપણાં પાપને છુપાવવા કે ભ્રમિત કરવા માટે ઉપયોગમાં લેવાયું છે? 

   કેથોલિકો ખ્રિસ્તીઓ માને છે કે ઈશ્વરે આદમને બે બક્ષિસો આપી હતીઃ સમન્વયની બક્ષિસ અને અમૃતની બક્ષિસ. જો માનવજાતના પ્રથમ પૂર્વજે પાપ ન કર્યું હોત તો જ્ઞાનની આ વિશિષ્ટ ભેટ જગતને મળી હોત અને તો તેઓ ઉચ્ચતર સત્યો પ્રત્યેની એક અપ્રતિમ રુચિથી સુસજ્જ મગજ ધરાવતા હોત. આમ હોત તો તેઓ તેમની સઘળી શક્તિઓ, બુદ્ધિ અને ઈચ્છાને સંપૂર્ણ આધીન રાખીને સમન્વયની પારલૌકિક બક્ષિસ ધરાવતા હોત. આદમના સંદર્ભમાં માનવપ્રકૃતિ ભલે પતિત થઈ. તે પુનઃ ઉત્થાન સાધી શકે છે. તે અભ્યાસ કરીને પુનઃલાયક બની શકે છે. એક મંતવ્ય મુજબ માનવપ્રકૃતિ એટલી બધી પતિત થઈ ગઈ છે કે તે દૈવી સહાય વિના પોતાની જાતે ઊભી થઈ શકે નહીં. માનવપ્રકૃતિ અંગે પાંડિત્યવાદી દૃષ્ટિ પણ છે. તેટલા માટે તો ચારેય યુગમાં ઈશ્વર અવતારનો ઉલ્લેખ છે. હિન્દુ ધર્મ પાસે કેટલીય દંતકથાઓ છે કેટલીય પ્રેરણાથી ભરેલી ઘટનાઓ છે. જો આપણે તેને સત્ય ન માનીએ છતાં તેમાંથી સ્વજીવનને લગતું સાહિત્ય સમેટી લઈએ તો પણ જીવન ભયો ભયો પરંતુ આપણને પરિસ્થિતિને પોતાના હિસાબે વળાંકો આપવાની અને ચોળીને ચીકણું કરવાની કુટેવ છે. પરિણામે આપણે સાર પ્રાપ્ત કરી શકતા નથી. 

truth image


   રૂસોના મતાનુસાર માનવપ્રકૃતિ જ્યારે તેના સર્જકના હાથમાંથી નીચે ઊતરી ત્યારે સારભૂત રીતે શુભ હતી. તે અણવિકસિત હતી અને શિક્ષણ દ્વારા સુધારણાની જરૂર ધરાવતી હતી. મનુષ્ય એક સમયે ઉન્નત પ્રકૃતિ ધરાવતો હતો જેને આજે શિક્ષણ દ્વારા પુનઃ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહ્યો છે. માનવપ્રકૃતિની મૂળભૂત વૃત્તિઓની નૈતિક ગુણવત્તા ક્રિયાના આવેગમાં રહેતી નથી, બલકે જે રીતે તે પૂર્ણતાએ પહોંચે છે તેના વાતાવરણમાં, ખાસ કરીને સામાજિક વાતાવરણમાં તે જે પરિણામો લાવે છે તેમાં રહેલી છે. માનવપ્રકૃતિને આધ્યાત્મિક અસ્તિત્વ છે. માનવ પ્રકૃતિ વિશેની બીજી ફિલસૂફી માનવપ્રકૃતિને પરિબળ ક્ષેત્રના એક ભાગ તરીકે અધિક ભૌતિક લેખે છે. સમન્વય સ્વાતંત્ર્ય અને નૈતિક વૃત્તિ જેવા ગુણો ખુદ સેન્દ્રિય જીવમાંથી નહીં બલકે વાતાવરણના સંદર્ભમાંથી જન્મતા દેખાય છે .

   જ્ઞાન અને સત્ય વચ્ચે અવિનાભાવી સંબંધ છે. જ્ઞાન સાચું જ હોવું જોઈએ તો વળી સત્યનું જ્ઞાન પણ હોવું જોઈએ. જ્ઞાન ક્યારે સાચું હોય અને ક્યારે ખોટું આભાસી સત્યરૂપ હોય તેનો ખ્યાલ હોવો જોઈએ. આ માટેનાં નિયતઆંક અને ધોરણો હોવાં જોઈએ. જ્ઞાન માહિતી, હકીકત, અભિપ્રાય કે ક્યારેક તર્ક અનુમાન કે ધારણા દ્વારા પણ ફલિત થતું હોય છે. વાસ્તવિકતા એકરૂપતા જ્ઞાનમાં નિહિત છે. એ સમજવું જોઈએ કે માણસની જાણકારીથી પણ પર એક પરલક્ષી વિશ્વ અસ્તિત્વ ધરાવે છે. જ્ઞાન એક પ્રકારની વિદ્યા છે- વિદ્યાજ્ઞાન શબ્દ પ્રચલિત છે જ. એક મત મુજબ વિદ્યાના વિચારો અને અસર તેની બાહ્ય વાસ્તવિક્તા સાથે મળતાં આવે ત્યારે તે સત્ય છે એમ કહી શકાય. તેથી એકવાક્યતા એ આંતિરક કરતાં વધુ તો બાહ્ય સંબંધોની બાબત છે. શૈક્ષણિક સંશોધનમાં વ્યસ્ત વ્યક્તિને સત્ય લાધે છે. સંશોધનથી અજ્ઞાન, અણસમજ કે ગેરસમજણનું પડળ ભેદાય છે . સત્ય શાશ્વત અને સનાતન છે, તે અલ્પજીવી નથી. તેમાં કોઈ સંદિગ્ધતા લાગે તો સમજવાની માનવભૂલને કારણે હોય છે. અંતે તો સત્યનો જ વિજય થતો હોય છે એટલે ''સત્યમેવ જયતે'' કહેવાયું છે. 

                                                                                                                              જૈમીન જોષી.

Sunday, October 10, 2021

નવરાત્રીના નવ રૂપની ઓળખ (Identification of the nine forms of Navratri)

  •  નવરાત્રિ આમ તો રંગોની રાત્રી છે જે જીવનનાં અંધકારમાં એ રમતાં, કુદતા, હસતાં અને મોજ કરતાં શીખવે છે...

durga image


   છેલ્લા બે વર્ષથી મહામારીના કારણે ગુજરાતીઓને ગરબે ઘૂમવાનો અવસર ગુમાવી દીધો હતો અને જ્યારે અત્યારે મળ્યો છે તે છતાં ઉમંગ હવે પહેલાં જેવો રહ્યો નથી. તેના ઘણાં કારણો છે પરંતુ મહત્ત્વનું તે છે કે અત્યારે તો માં અંબાના ઝાંઝરનો ઝંણકાર સેરીએ સેરીએ સંભળાઈ રહ્યો છે. આમ તો મૂળ નવરાત્રી એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે નવ રાત્રીયો. આ નવ રાત્રિ અને દસ દિવસો દરમ્યાન માં અંબાના નવ રૂપોની પુજા કરવામાં આવે છે તથા દસમો દિવસે દશેરા તરીકે પ્રસિધ્ધ છે. આપણે ત્યાં નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે. પોષ, ચૈત્ર, અષાઢ, આસો માસથી નવમી સુધી ખુબ જ ધામધુમથી તથા હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રિની નવ રાતોમાં ત્રણ દેવી મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે.

   દુર્ગાનો અર્થ જીવનના દુઃખોને દુર કરનાર , હરનાર થાય છે. નવરાત્રિ ઉત્સવ દેવી અંબાનું પ્રતિનિધિત્વ છે. વસંત ઋતુની શરુઆત અને શરદ ઋતુની શરૂઆત જલ, વાયુ અને સુર્યના પ્રભાવોનું મહત્વપુર્ણ સંગમ માનવમાં આવે છે. આ બે સમય માં દુર્ગાની પૂજા માટે સૌથી પવિત્ર અવસર છે. નવરાત્રિના પ્રથમ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવા માટે સમર્પિત કરવામાં આવ્યો છે. દરેક દિવસ દુર્ગાના અલગ રૂપને સમર્પિત છે . પ્રથમ દિવસે નાની બાલિકાઓની પૂજા કરવામાં આવે છે બીજે દિવસે સ્ત્રીની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે જે સ્ત્રી પરિપક્વતાના ચરણમાં પહોંચી ગઈ છે તેની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ચોથાથી છઠ્ઠા દિવસે વ્યક્તિ જ્યારે અહંકાર , ક્રોધ , વાસના અને મોહ વગેરે પર વિજય પ્રાપ્ત કરે છે ત્યારે તે એક શૂન્યનું અનુભવ કરે છે. આ શૂન્ય આધ્યાત્મિક ધનથી છલકાય જાય છે અને તમામ સુખ, સમૃદ્ધિ માટે લક્ષ્મીજીની પૂજા કરે છે . નવરાત્રિના પાંચમા અને છઠ્ઠા દિવસે સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા અને આઠમા દિવસે કલા અને જ્ઞાન પ્રાપ્ત કરવા સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે . આઠવા દિવસે એક યજ્ઞ કરવામાં આવે છે તથા માતાજીને વિદાય કરવામાં આવે. નવરાત્રીમાં નવમો દિવસ અંતિમ દિવસ હોય છે . આ દિવસને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે પણ કન્યા પૂજન કરવામાં આવે છે. 

   દુર્ગાના નવ સ્વરૂપ:-  નવરાત્રિના નવ દિવસોમાં જુદા જુદા સ્વરૂપે સ્થિત જગદંબાની પૂજા અર્ચના કરવાથી મનોવાંછિત ફળ મળે છે . 
( ૧ ) માં દુર્ગાનું પ્રથમ સ્વરૂપ શૌલપુત્રી છે. તેનો  અર્થ પહાડોની પુત્રી થાય છે . હિમાલયને ત્યાં જન્મ લેવાથી તેનું નામ શૈલપુત્રી પડ્યુ હતું.  તેમનું વાહન વૃષભ છે. નવરાત્રીનાં પહેલા દિવસે આ માતાજીની ઉપાસના કરવામાં આવે છે.
( ૨ ) માં દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારીણીનું છે . માના આ સ્વરૂપની ઉપાસના કરવાથી અનંદ ફળની પ્રાપ્તી થાય છે. આ માં ની ઉપાસના નવરાત્રીના બીજે દિવસે થાય છે.
( ૩ ) નવરાત્રીના ત્રીજે દિવસે માં ચંદ્રધરા પૂજન થાય છે . આનો અર્થ ચંદ્રની જેમ ચમકવાવાળી થાય છે . આ માંની પૂજા ત્રીજા દિવસે કરવામાં આવે છે . આ સ્વરૂપને દશભુજા તથા મસ્તક ઉપર અર્ધચંદ્ર છે. તેની ઉપાસના કરવાથી બધી વિપત્તિ નાશ પામે છે તથા જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
( ૪ ) માં દુર્ગાનું ચોથું સ્વરૂપ દુષ્માંડા છે જેનો અર્થ પૂર્ણ જગત તેના ચરણમાં છે તેમ થાય છે. આ જ માતાજી સૃષ્ટિની આધશક્તિ સ્વરૂપ છે . આ સ્વરૂપ અષ્ટભુજા છે . તેના હાથમાં કમળનું ફુલ, કમંડળ, ધનુષ્ય બાણ, ચક્ર , ગદા તથા સિધ્ધિ પ્રદાન કરનારી માતા  છે. તેમનું વાહન સિંહ છે. તેમની ભક્તિથી આયુષ્ય આરોગ્યમાં વૃધ્ધ થાય છે.

Identification of the nine forms of Navratri


( પ ) માં દુર્ગાનું પાંચમુ સ્વરૂપ સ્કન્દ માતા છે. આનો અર્થ કાર્તિક સ્વામીની માતા થાય છે . તેની ઉપાસનાથી સમસ્ત ઈચ્છાઓનીપૂર્તિ થાય છે . આ માંનુ પૂજન પાંચમા દિવસે કરવામાં આવે છે . 
( ૬ ) માં નું છઠ્ઠુ સ્વરૂપ કાત્યાયનીનું છે આનો અર્થ કાત્યાયન આશ્રમમાં જન્મનાર એવો થાય છે. તેમનું વાહન પણ સિંહ છે. તે ચાર ભુજાધારી છે. આમની ઉપાસનાથી રોગ કષ્ટભય નષ્ટ થાય છે. તેમની છઠ્ઠા દિવસે પુજા કરવામાં આવે છે.
( ૭ ) માં નું સાતમું સ્વરૂપ કાળરાત્રિ છે આનો અર્થ કાળના નાશ કરવાવાળી એવો થાય છે તેમનું સ્વરૂપ ભયાનક છે ભક્તોને તે ડરાવતી નથી પણ દુષ્ટોનો વિનાશ કરે છે દાનવ, દૈત્ય, ભુતપ્રેત વગેરે સ્મરણ માત્રથી ભાગી જાય છે . સાતમાં દિવસે તેની ઉપાસના થાય છે.

Identification of the nine forms of Navratri


( ૮ ) માં દુર્ગાના આઠમાં સ્વરૂપને મહાગૌરીના નામથી ઓળખવામાં આવે છે . તેનો અર્થ સફેદ રંગવાળીમાં તેવો થાય છે. વૃષભ ઉપર સવાર થયેલી માં દુર્ગાના આ સ્વરૂપની મુખમુદ્રા અત્યંત શાંત છે. તેમની આઠમા  દિવસે ઉપાસના થાય છે. 
( ૯ ) માં દુર્ગાનું નવમુ સ્વરૂપ સિધ્ધિદાયીની છે  અને તેમની કૃપાથી અલૌકિક સિધ્ધિ પ્રાપ્ત થાય છે . તેનો અર્થ સર્વ સિધ્ધિ થાય છે. નવમાં દિવસે સંપુર્ણ શ્રધ્ધાથી તેમની સાધના કરનારને બધી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. 
Identification of the nine forms of Navratri




   યુવા મિત્રો ! નવરાત્રિ દરમ્યાન પ્રકૃત્તિના આનંદકોષને ખુશીથી માણી  માતાની આરાધનાના આ અનેરા  અવસરને પૂરી ભક્તિ તથા હર્ષોલ્લાસ સાથે માણીએ સૌને હેપી નવરાત્રિ... માં અંબાની કૃપા સર્વે પર હંમેશા રહે તેવી શુભકામના. 

                                                                                                                                     જૈમીન જોષી. 

Saturday, October 2, 2021

ગાંધી અને હિંદુત્વ (Gandhi and Hindutva)

  • ગાંધીજીએ હિન્દુ માટે નહીં ''હિંદુસ્તાન'' માટે કાર્ય કર્યું છે....



gandhibapu hd image



   ગાંધી એક એવા અવતાર હતાં જેને આવનાર ભવિષ્યની છબી બદલી કાઢી. આ આવનાર ભવિષ્ય એટલે આપણો આજનો વર્તમાન. ગુલામીની જંજીરોથી આઝાદ કરાવનારા ક્રાંતિકારીઓ અને ગાંધીજી જેવાં નેતાઓને કેટકેટલું ભોગવવું પડયું હશે તેની કલ્પના પણ આપણે કરી શકતાં નથી. આમ જોવા જઈએ તો આજની યુવા પેઢી ગાંધી વિચારધારાને વળગી રહે તેવી રહી નથી. તે વીર સાવરકરના રસ્તા તરફ વધુ આકર્ષાય છે. જ્યારે ગાંધીજીએ દેશ માટે કામ કર્યું ત્યારે તેમણે દેશ સિવાય અન્ય કોઈ જાતિ ધર્મ કે વિસ્તારને ધ્યાનમાં રાખ્યાં નથી. અલબત્ત આમાં થોડું રાજકારણ પણ ભાગ ભજવે છે. ગાંધીજી મુસ્લીમ જ્ઞાતિની સાથે સબંધ કેળવવાં ગયા ત્યારે તેમને ઘણા હિન્દુ બંધુઓના કટુ વચનનો સામનો કરવો પડ્યો હતો. તે જ દરમિયાન 1500 જેટલા હિન્દુઓને મારી તથા તેમને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યાં હતાં. અંગ્રેજો તો ઠીક પરંતુ જ્યારે મુસ્લિમ વર્ગ દ્વારા આવું વર્તન થવા છતાં ગાંધીજી મૌન રહ્યાં. આવા સમયે જ્યારે ગાંધી જેવાં નેતા હિન્દુ પક્ષે ના હોય ત્યારે ધર્મના નામે ભિન્નતાઓ તો બહાર આવવાની જ હતી. ગાંધીજી તે સમયે અખંડ ભારતનું સપનું જોતાં હતાં. જ્યાં સમગ્ર ભારતની વાત હોય ત્યાં અમુક હિન્દુ મૃત્યું પામે તે ચલાવી લેવાય તેવી સ્થિતિ હતી. જોકે અખંડ ભારતનું સપનું આખરે સપનું જ રહ્યું. સમાજમાં કેટલોક વર્ગ ગાંધીજીને પૂજે છે ત્યારે કેટલોક વર્ગ તેમનાં નિર્ણયોને આજે પણ કોસે છે.  અલબત્ત ગાંધીજી ન હોત તો કદાચ આજે પણ આપણે ગુલામીના બોઝ નીચે કચડાઈ રહ્યાં હોત.

  ગાંધીજી એ તેમનાં ગ્રંથ - 29, ગાંધીજીનો અક્ષરદેહ પાના 369-371  માં હિન્દુ ધર્મની સ્થિતિ વિશે તેમનાં વિચારો અને માન્યતાઓ લખી છે જેમાં તે કહે છે કે હિંદુ ધર્મ જીવંત વસ્તુ છે. તેમાં ભરતીઓટ થયા જ કરે છે. તે જગતના કાયદાને અનુસરે છે. મૂળરૂપે તે એક જ છે પણ વૃક્ષરૂપે તે વિવિધ છે. તેની ઉપર ઋતુઓની અસર થાય છે. તેને વસંત છે ને પાનખર છે ; તેને શરદ છે ને ઉષ્ણ ઋતુ છે . વર્ષોથી પણ તે વંચિત નથી રહેતો. તેને સારુ શાસ્ત્રો છે ને નથી, તેનો આધાર એક જ પુસ્તક ઉપર નથી. ગીતા સર્વમાન્ય છે પણ ગીતા માર્ગદર્શક છે. રૂઢિઓ ઉપર તેની અસર થોડી જ છે. હિંદુ ધર્મ ગંગાનો પ્રવાહ છે. મૂળમાં તે સ્વચ્છ છે. તેના માર્ગમાં તેને મેલ પણ ચઢે છે છતાં જેમ ગંગાની પ્રવૃત્તિ સરવાળે પોષક છે તેમ હિંદુ ધર્મનું છે. પ્રત્યેક પ્રાંતમાં તે પ્રાંતીય સ્વરૂપ પકડે અને છતાં તેમાં એકતા રહેલી જ છે. રૂઢિ એ ધર્મ નથી. રૂઢિમાં ફેરફાર થશે છતાં ધર્મસૂત્રો એક જ રહેશે. 

   હિંદુ ધર્મની શુદ્ધતાનો આધાર હિંદુ ધર્મની તપશ્ચર્યા પર રહે છે. જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડે છે ત્યારે ત્યારે હિંદુ ધર્મ તપશ્ચર્યા કરે છે, મેલનાં કારણ શોધે છે ને તેના ઉપાય યોજે છે. શાસ્ત્રોમાં વૃદ્ધિ થયા જ કરે છે. વેદ, ઉપનિષદો, સ્મૃતિ , પુરાણ , ઇતિહાસાદિ એક જ કાળે નથી ઉદ્ભવ્યાં. પણ પ્રસંગ આવ્યે તે ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે. તેથી તેમાં વિરોધાભાસ પણ જોવામાં આવે છે. તે ગ્રંથો શાશ્વત સત્ય નથી બતાવતા પણ તે કાળે શાશ્વત સત્યનો અમલ કેવી રીતે થયો એ બતાવે છે. તે કાળે થયેલો અમલ બીજે કાળે કરવા જતાં આપણે નિરાશાકૂપમાં પડીએ છીએ. એક વેળા આપણે પશુયજ્ઞ કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે માંસાહાર કરતા તેથી આજે કરીએ ? એક વેળા ચોરના હાથપગ કપાતા તે આજે કાપીએ ? એક વેળા એક  સ્ત્રી અનેક પતિ કરતી આજે કરે ? એક વેળા બાળકન્યાનું દાન કરતા , આજે કરીએ ? એક વેળા આપણે કેટલાકનો તિરસ્કાર કર્યો , આજે તેની પ્રજા તિરસ્કૃત ગણીએ ?

gandhi jayanti images


    હિંદુ ધર્મ જડ બનવાની ચોખ્ખી ના કહે છે. જ્ઞાન અનંત છે , સત્યની મર્યાદા કોઈએ શોધી નથી. આત્માની શક્તિની નવી શોધો થયા જ કરે છે ને થયા કરશે . અનુભવના પાઠો શીખતા આપણે અનેક પરિવર્તનો કર્યો જઈશું . સત્ય તો એક જ છે  પણ તેને સવશે કોણ જોઈ શક્યું છે ? વેદ સત્ય છે . વેદ અનાદિ છે  પણ તેને સવશે કોણે જાણ્યો છે ? જે વેદને નામે આજે ઓળખાય છે તે તો વેદનો કરોડમો ભાગ પણ નથી. જે આપણી પાસે છે તેનો અર્થ સંપૂર્ણતાયે કોણ જાણે છે ? 

   આટલી બધી જંજાળ હોવાથી આપણને ઋષિઓએ એક મોટી વાત શીખવી : ‘ યથા પિંડે તથા બ્રહ્માડે'. બ્રહ્માંડનું પૃથક્કરણ અશક્ય છે . પોતાનું પૃથક્કરણ શકય છે તેથી પોતે પોતાને ઓળખ્યો એટલે જગતને ઓળખું . પણ પોતાને ઓળખવામાંયે પ્રયત્નની આવશ્યકતા છે . પ્રયત્ન પણ નિર્મળ જોઈએ . નિર્મળ હૃદય વિના નિર્મળ પ્રયત્ન અસંભવિત છે. હૃદયની નિર્માતા યમનિયમાદિના પાલન વિના સંભવિત નથી. ઈશ્વરપ્રસાદ વિના યમાદિનું પાલન કઠિન છે. શ્રદ્ધા અને ભક્તિ વિના ઈશ્વરપ્રસાદ ન જ મળે તેથી રામનામનો મહિમા તુલસીદાસે ગાયો , તેથી ભાગવતાકારે દ્વાદશમંત્ર શીખવ્યો. જેને એ જપ હૃદયથી જપતાં આવડે તે સનાતની હિંદુ છે. બાકી બધું તો અખાની ભાષામાં ‘ અંધારો કૂવો ’ છે. 

   હવે લખનારની શંકાઓ વિચારીએ. યુરોપિયનો આપણા રીતરિવાજો જુએ છે ખરા. તેને હું અધ્યયન એવું રૂપાળું નામ ન આપું . તે તો ટીકાકારની દષ્ટિએ જુએ છે તેથી તેની પાસેથી મને ધર્મ ન લાધે . પણ ખાધાખાધમાં હિંદુ ધર્મની પરિસીમા નથી આવી જતી . તેનાથી અનંતકોટિ વધારે અગત્યની વાત અંતરાચરણ છે , સત્ય અહિંસાદિનું સૂમ પાલન છે . ગોમાંસાદિનો ત્યાગ કરનાર કપટી મુનિનાં કરતાં ગોમાંસ ખાનાર દયામય , સત્યમય , ઈશ્વરથી ડરીને ચાલનાર હજારગણો વધારે સારો હિંદુ છે  અને જે સત્યવાદી સત્યાચરણી ગોમાંસાદિના આહારમાં હિંસા જોઈ શકયો છે ને જેણે તેનો ત્યાગ કર્યો છે, જેની દયા જીવમાત્ર પ્રત્યે છે તેને કોટિશ : નમસ્કાર હો. તેણે તો ઈશ્વરને જોયો છે , ઓળખ્યો છે , તે પરમભક્ત છે ; તે જગદ્ગુરુ છે . હિંદુ ધર્મની અને અન્ય ધર્મની અત્યારે પરીક્ષા થઈ રહી છે .. સનાતન સત્ય એક જ છે , ઈશ્વર પણ એક જ છે , લખનાર વાંચનાર અને આપણે બધા મતમતાંતરોની મોહજાળમાં ન ફસી જતાં સત્યનો સરળ માર્ગ લઈએ તો જ આપણે સનાતની હિંદુ રહીશું . સનાતની મનાતા તો ઘણાયે ભટકે છે. તેમાંથી કોનો સ્વીકાર થયો તે કોણ જાણે છે ? રામનામ લેનારા ઘણા રહી જશે , ને મૂંગે મોઢે રામનું કામ કરનારા વિરલા વિજયમાળા પહેરી જશે.

   આમ તો ગાંધી વિચારધારાને વળગી રહેવું સરળ નથી. ગાંધી શું કોઈ પણ વિચારધારાને વળગી રહેવું યોગ્ય નથી. જ્યારે દેશ, સમાજ અને માનવતાની વાત આવે ત્યારે માનવે પોતાના અંગત સ્વાર્થ મૂકી કપરા નિર્ણયો લેવા પડે છે. જે અમુક લોકો માટે યોગ્ય હોતા નથી અને તેના કપરા પરિણામો પણ આવે છે. ઇતિહાસ આમ તો લોહિયાળ જ છે પરંતુ ક્યારેક ગાંધીજી જેવા મહાત્મા એક નવી વિચાર ધારાને જન્મ આપી જતાં હોય છે.

                                                                                                                             જૈમીન જોષી.

Sunday, July 25, 2021

પ્રેમ એટલે તું ....!!! (Love means you .... !!!)

उन आँखों का हँसना भी क्या,
जिन आँखों में पानी ना हो...

love image



   પ્રેમની ભાષા અભિવ્યક્તિ પોષતા પોષતા અંતે સમજાયું કે પ્રેમમાં અભિવ્યક્તિની જરૂર ન હતી. લાગણીનાં  શબ્દો, પ્રતિબદ્ધ સમય, ભેટ,  સ્પર્શ, સહવાસ, અંગત પળો કે દાર્શનિકતા માત્ર એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી મનની વાત  પહોંચાડવા માટે મહત્ત્વની છે. પ્રેમને પામવાનો માર્ગ હોઇ શકે, કોઈ ચોક્કસ પદ્ધતિનું લાંબુ લચક લિસ્ટ હોઈ શકે પરંતુ પ્રેમ કરવા માટે માત્ર તું (પ્રેમી કે પ્રેમિકા) જોઈએ.

   તું એટલે અહીં તારી હાજરી એવો પણ અર્થ થતો નથી. તારી ગેરહાજરીમાં પણ તને અત્યંત ચાહવાની કળા પ્રેમ કરવાનું શીખવી દેતો હોય છે. વૃક્ષોનાં મૂળ જાહેરમાં ક્યારેય દેખાતા નથી તેમ છતાં તેમની ઉપર ઘટાદાર વૃક્ષ ઊભું હોય છે. આપણા મૂળમાં જ્યારે પ્રેમ હોય ત્યારે તે જ આપણને અડીખમ ઊભા રાખે છે.

   પ્રેમ ક્યારેય ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં વહેંચાયેલ હોતો નથી. પ્રેમ એટલે વાસ્તવિકતા. પ્રેયસીનાં હાથમાં હાથ નાખી તેમની આંગળીમાં પોતાનાં હાથને છુપાવી દેવું અને પછી તેની આગળ ઝંખનાઓનો વરસાદ કરવો. ધીમે ધીમે આભા બની જીવનની મર્યાદાઓ, નિયમો કે આડંબરોમાંથી મુક્ત થઈ જવું. બસ, આ મુક્ત થવાની ઘટના તે જ પ્રેમનું અનુભવિત સ્વરૂપ છે. પ્રેમ ક્યારેક કોઈ બંધનમાં રાખતો નથી તે મુક્ત થતાં અને મુક્ત કરતાં શીખવતો હોય છે. કોઈ પ્રકારની માંગણી કે લાલસા વગર માત્ર આપવું, કોઈના માટે ફના થઇ જવું, બધું જ  ત્યાગી  દેવું કે ભૌતિકતાનો સ્મિત સાથે અસ્વીકાર કરવો આ માત્ર પ્રેમમાં જ હોઈ શકે છે. પ્રેમ સ્વતંત્રતા, ત્યાગ, બલિદાન, હળવાશ કે મોકળાશ શીખવે છે. કોઈ ન ગમતી વ્યક્તિ સાથે પણ પ્રેમ થઈ જાય ત્યારે તેની તમામ ખરાબ આદતો આપણને ક્યારે ગમવા લાગે છે તેની આપણને જ ખબર પડતી નથી. પ્રેમ એ નિષ્કાળજી નથી પણ જવાબદારી છે જો નિભાવતા આવડે તો... પ્રેમ કરવો દરેકના ગજાની વાત નથી હોતી.   

   જીવન જીવવાની દિશામાં આ બે  સુત્રો બહુ યાદ રાખવાની જરૂર છે. એક કે  પ્રેમ એ જીવન પંથનો ચિરાગ છે અને બીજું કે આ ચિરાગ માત્ર આપણા પૂરતો સીમિત હોવો જોઈએ. આપણે અંધકારમાં પ્રેમરૂપી ચિરાગનો  ઉપયોગ કરવો જોઈએ પરંતુ એ ચિરાગ ભડકો બની આપણને જ બાળી નાખી તો પ્રેમની વ્યાખ્યા બદલાઈ જાય. આધ્યાત્મિકતા કહે છે કે માણસ આંતરિક રીતે ભાવાત્મક હોવો જોઈએ. ખુશી આંતરિક છે. ઈચ્છા, સુખ-દુઃખ, દ્રષ્ટિકોણ, વિચાર, મનન, ચિંતન, નિરાશા આ તમામ ભાવનાઓ આંતરિક છે. તે જ પ્રમાણે પ્રેમ પણ આંતરિક છે. આપણો પ્રથમ પ્રેમ આપણે પોતે હોવા જોઈએ જે પોતાને શાહી શકે તે જ અન્યને ચાહી શકે છે. 

   જ્યારે તમે પ્રેમમાં હોય ત્યારે તમે કોઈ ક્લાસ, પદ્ધતિ કે ભાષા શીખતા નથી. તમારો પ્રેમ જ્યારે હૃદયમાં અંકુર પામતો હોય ત્યારે તમે તેના સાક્ષી હોવ તે જ પૂરતું છે. આ અંકુર પામતો પ્રેમ માતાના ગર્ભમાં પ્રથમ અઠવાડિયામાં થતાં બાળકનાં વિકાસ જેવો હોય છે. માત્ર અનુભૂતિ સિવાય અન્ય કશું જ હોતું નથી. પદ્ધતિની કે ભૌતિક વસ્તુઓની જરૂર તો ત્યારે પડે જ્યારે આપણા મનમાં હૃદયમાં ઉત્પન્ન થયેલી ભાવનાને અને હૃદય સુધી પહોંચાડવાની હોય. હું શું વિચારું છું? મારે તારી જરૂર છે, હું તને ચાહવાં લાગ્યો છું કે મારે આગળનું જીવન સારા હાથમાં હાથ નાખી અને ખભે માથું મૂકીને પસાર કરવું છે. આ બધુ કહેવા માટે અન્ય પાત્રની ઉપસ્થિતિ અને પ્રેમ જાહેર કરવાની નીતિનો સમાવેશ થાય છે. કોઈને જોઈને પ્રથમ વખત એમ થાય કે બસ આજ તો છે જે મને પૂરું કરી શકે છે. બસ તું માત્ર તું ... આ જ તો પ્રેમ છે.

   એક પ્રસંગ યાદ આવે છે. લગ્નની આગલી રાત્રે એક પ્રેમિકાએ તેના પ્રેમીને મેસેજ કર્યો. લગભગ બે વાગ્યાનો સમય હતો. બંનેની આંખોમાં ઊંઘનો એક છાંટો પણ નહીં. બંને પક્ષે મનમાં હજારો વિચાર... છૂટી જવાનું કે કાયમ માટે ગુમાવી દેવાની એક પીડા હૃદયનાં ધબકારાને ઝડપી કરી રહ્યાં  હતાં. એક હાથમાં પ્રિયજને આપેલ  લાલ કલરની કુર્તિ અને બીજા હાથમાં પાનેતર. મને-કમને પણ પાનેતર સ્વીકારવાની ફરજ પડી ચૂકી હતી. કોઈને છેતર્યાનો અફસોસ પણ ભારોભાર શરીરને ધ્રુજાવી રહ્યો હતો. તો બીજા પક્ષે પ્રેમિકાએ આપેલ ઘડિયાળનાં કાંટા જાણે હ્રદય ઉપર ઘા કરી રહ્યાં હતાં. આજની રાત્રિ બંને માટે ગંભીર હતી અને આવનારી તમામ રાતનો પડછાયો જીવવા નહીં દે તેની પણ ખાતરી હતી. ત્યાં એક મેસેજ આવ્યો તેમાં લખ્યું હતું. 'સોરી' હું તારી ગુનેહગાર છું. તને  પ્રાણથી પણ વધુ પ્રેમ કરતી હોવા છતાં તારી થઈ શકતી નથી. હું તને કોઈ પણ જાતની સ્પષ્ટતા આપવા માંગતી નથી. આપું તે પણ યોગ્ય નથી કેમ કે મનની વાત મન સુધી પહોંચી જ જતી હોય છે. તેને માધ્યમની જરૂર નથી હોતી અને આપણી વચ્ચે તો બિલકુલ નહીં. આ પરિસ્થિતિએ મારૂ અંગત કહી શકાય તેવો માત્ર તુજ છે. મને કહેતાં ભારોભાર દુખ છે છતાં અલવિદા હું જાઉં છું. 

   પ્રેમીએ ઊંડો શ્વાસ લીધો અને પથારી પરથી પગ નીચે મૂક્યાં. ધીમે ધીમે તે અરીસા સામે ઊભો રહ્યો. બે ઘડી આંખો બંધ કરી ફરી આંખો ખોલી ત્યારે જ સામે પાનેતર પહેરેલ એક ચહેરો સંકુચિત આંખે સ્મિત કરી રહ્યો હતો. તેને આંખો ચોળી ત્યાં સુધી તે ચહેરો અલોપ થઈ ગયો હતો. 

   મનથી  ક્ષીણ બની ગયેલ પ્રેમીએ તેના ઉત્તર રૂપે એક જ શબ્દ લખ્યો ''આઇ લવ યુ'' સુખી થા... અને સેન્ડ બટન પર ક્લિક કરી કારણ કે આગળનો સંવાદ ન તો પ્રેમિકા માટે હતો, નાં કોઈને સમજાવા માટે.. ન તો પરિસ્થિતિને બદલવા કે દોષારોપન કરવાનો હતો. હવે નો સંવાદ માત્ર ને માત્ર સ્વ સાથેનો હતો.

   સ્વ સાથેનો  સંવાદ પ્રેમને વધુ પવિત્ર બનાવતો હોય છે. તેમાં કોઈને સાબિતી કઈ સાબિત કરવાં કે વિશ્વાસ અપાવવાનું, પાછળ પાછળ ફરી પામી કે ભોગવી લેવાની વૃતિ રહેતી નથી. જીવનમાં મોટા ભાગનાં પ્રશ્નો પોતાનાં દ્વારાં જ ઉત્પન થયેલા હોય છે અને ઉત્તર પણ પોતાની ભીતર જ હોય છે.  પોતાનાં સંવાદ પર પોતાનો જ અધિકાર હોવો જોઈએ. આપણાં પ્રેમનાં નિર્ણય અન્યને લેવાની અનુમતિ ન અપાય.

love image



   ખબર ન પડે તેમ ધીરે ધીરે થઈ જાય તે પ્રેમ. પ્રેમમાં તારીખો ન પડે, ન તો સમયના કાંટાને ધ્યાને લેવાય. પ્રેમ સમજણ કરતાં વધુ પાગલપન શીખવે છે માત્ર સમજણ ભરી વાતો કે વર્તન હોય તો જ જીવન રોમાંચિત લાગે. થોડી ગુસ્તાખીયા ભી જરૂરી હે યારો....

   તેની પગની પાનીએથી અથડાતી ઝાંઝરો પણ તમારા નામનો નાદ કરવા લાગે ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!
  
  તેનાં કમરે વિટલાયેલ કમરબંધ તમારાં હાથ જેવો લાગે ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!

   તેની આંખોનાં કાજલને વધુ ધેરાવો કરતી પાપણો તમારાં નામથી મલકાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!

  તેની હથેલીમાં થંભી ગયેલ પાણી જ્યારે મૃગજલ બની જાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!

  તેનાં થથરતા હોઠ જ્યારે તમારાં હોઠ સાથે વગર શરતે સ્પર્શાય ત્યારે તમને સમજાય કે પ્રેમ એટલે બીજું કશું નહીં.. માત્ર તું... તું... અને તું..!


                                                                                                                                      જૈમીન જોષી. 







ઉત્તરપ્રદેશ સરકારને કુંભ મેળા થતી કેટલી આવકનો સીધો અંદાજ છે?(How much will the Uttar Pradesh government benefit from Kumbh?)

કુંભ ચલણ: મેળાના અર્થતંત્રને શું ચલાવે છે(The Kumbh Currency: What drives the Mela economy):    સા તમી સદીના લખાણોમાં, ચીની પ્રવાસી ઝુઆનઝાંગ...