- ક્યારેક આપણે શિયાળા ને જતાં પેહલા થેંક્યું કહી આલિંગન કરવું જોઈએ:-
કોઈ એવા સખા જેની સાથે જીવ્યા હોય દોડ્યા હોય,પરોઢે એકાંતનો ભાગ બનાવ્યો હોય જેને આપણામાં ઉર્જાનો નવો સંચાર કર્યો હોય. નવા વિચારો અને આવેગો પ્રદાન કર્યા હોય તેવો પરમ સ્નેહી જાણે અચાનક જતો રહેવાનો હોય અને તેના ગણતરીના દિવસો બચ્યા હોય તો તમારામાં કેવી સંવેદનાનું પ્રાગટ્ય થાય....? ભારતનાં કેટલાય તેવા વિસ્તારો છે જ્યાં ખરેખર શિયાળો કોને કહેવાય તેની ખબર જ નથી. જેમ આપણે વસંત અને પાનખર ઋતુ વિષે પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં ભણીએ પરંતુ ખરેખર પાનખર કેવી હોય અને વસંત કોને કહેવાય તેનું પ્રત્યક્ષીકરણ તો જોયું જ નથી હોતું બસ તેમ જ ખરો શિયાળો કોને કહેવાય તેની ખબર જ નથી હોતી. પશ્ચિમી દેશોમાં તો શિયાળો શબ્દ વપરાતો જ નથી ઠંડી ના દિવસો કે શરદીના દિવસો તરીકે ઓળખવામાં આવે છે. શરદી એ કઈ ઋતુ નથી તેતો એક વાઇરસથી થતો રોગ છે અને ઠંડક એ નીચા તાપમાનની હાજરી છે માટે આ શબ્દ પ્રયોગજ ખોટો છે.
શિયાળાના વહીવટમાં તો સૂરજને જાણે ઊગવા માટે પણ આદેશની રાહ જોવી પડે અને જો છૂપી રીતે આવી જાય તો તેની પણ ખેર નથી તેવી સ્થિતિ હોય. તેજ અને ઉષ્મા પ્રદાન કરવામાં સૂરજદાદા ઉપર જાણે ટેક્સ લગાવ્યો હોય તેમ તોલમાપ કરીને આપે. જો સુરજદાદા વધારે માનપાન માંગતા હોય તો માનવ કઈ પાછા પડે ? એટલે તેમણે તડકાના વિકલ્પરૂપે તાપણું શોધી કાઢ્યું. શહેરી વિસ્તારમાં તાપણું એટલે કચરો ભેગો કરીને ધિકાવી દેવું અને હાથ શેકી લેવાં, નકરું પ્રદૂષણ... પણ ગામડામાં તો આવું ન ચાલે. ગામડાનો શિયાળો એટલે તેની વાતજ નિરાળી. ગામડે તો ઠંડી એટલી ગુલાબી હોય કે જાણે પ્રેમિકા કપટથી વળગતી ન હોય.. સવારે માણસ ઊઠે અને ખેતરમાં જાય એટલે આછો આછો સૂર્યનો તાપ જાણે ઝાકળના બિંદુને કાનેથી મરોડી હેઠે બેસાડતો હોય તેમ લાગે. ખેતરમાં જાણે સોનું ઊગ્યું હોય તેવી હરિયાળી પથરાઈ જાય અને એ તડકાના કિરણો આપણાં પર પડતાં હોય અને હાથમાં એએએ મસ્ત મજાની ફુદીના અને આદું નાખેલી ચાનો મસમોટો કપ પકડ્યો હોય... તેને હોઠો પર અડાડતા જ જે ઘૂંટડે ઘૂંટડે જીભ પર ફુદીનાનો સ્વાદ છોડતો તાળવે હાથતાળી આપી નીચે ઊતરતો હોય તેની મજા જ કઈક અલગ છે. સાંજ પડે જમવાનું પતાવી માણહ તાપણે બેસે એટલે આખું ફળિયું ગ્રામ પંચાયત ભરીને બેઠું હોય તેવાં ગામના દ્રશ્ય જોવાય. તાપણાની ફરતે બેઠેલા ટોળાને વાતો કરવાના વિષયો શોધવા જવું ન પડે.
તલાટી સાહેબે સાતબારના ઉતારાની નકલ કાઢી આપવામાં કેટલા પૈસા લીધાં. કોની દીકરી ક્યાં ભાગી ગઈ કે કોનો દીકરો વંઠી ગયો છે, કોની દીકરી સાસરે દુ:ખી છે કે કોની સાસુ જબરી છે. કૂવાનાં પાણી કેટલાં ઊંડાં ગયાં છે અને આ વખતે ઘઉં કેવા પાકશે. આજનું શિક્ષણ કેટલું છીછરું અને નિમ્ન થઈ ગયું છે, ગામની કઈ ડોશીને મોતિયાનું ઓપરેશન કરાવ્યું છે અને કયો ડોસો હજુએ અપ લખ્ખણો થઈને ફરે છે. ગામના ક્યા ડોસાને તેની પુત્રવધુ બે ટંકના રોટલાય પૂરા ખાવા આપતી નથી અને કઈ ડોશી હજુ ઘરના ઢસરદા કરે છે. જેવા અનેક વિષયો પર તાપણાની સળીએ ચર્ચા ખોરીની નદી વહી રહી હોય ત્યારે ત્યાંથી ખસવાનું મન થતું નથી. તાપણું ઠરી ગયું હોય અને ધુમાડો આંખ - નાકને પજવતો હોય તોય વાતોનો રસ ખૂટતો ન હોય.
બીજી બાજુ શહેરનો શિયાળો તદ્દન અલગ હોય. સવારે સૂર્ય ઊગે કે ન ઊગે પણ પોતે પથારીમાથી ટાટિયાં ઘસતા ઊઠવું જ પડે. ઝાકળ કરતાં ધુમ્મસ ઝાઝા હોય એટલે તડકાના અનુભવની કલ્પના માત્ર રહી. શિયાઓ આવે એટલે પહેલા કફ કરે તેજ તેની ઓળખાણ. અતિશય બીમાર કરે તેવી પ્રદુષિત હવા વધારે ઘાતકી બને. સૂર્યના સોનેરી કિરણોનો લસરકોએ અનુભવાતો ન હોય એટલે બંધ બારણે જેવી મળી તેવી ફરજના ભાગરૂપી ચાના સબડકા બોલી જાય. નોકરી ધંધાના ઠેકાણા દૂર હોય એટલે પગપાળી યાત્રા તો હોય જ નહીં એટલે કસરતને તો ભૂલી જ જવાની અને જો કોઈ કસરત કરવા વહેલા ઉઠતાં હોય તો પણ જીમખાનામા ભારે વજન ઊચકી પરસેવે રેબજેબ થઈ જવાનું. ખોરાકનું જ્ઞાન તો હોય નહીં એટલે બાઈસેપ ફુલે ના ફુલે શ્વાસ ચોક્કસ ફૂલી જતો હોય છે. વાતા વાયરા ચામડીને એટલે હદે ફાડી નાખે કે લોહી નીકળવાં લાગે. ગોદડા જેવા સ્વેટર શરીરમાં ચટકા મારતાં હોય તેવું એ અનુભવાય. બળ્યું ઉપરથી રાત્રે સૂઈ જવાની તૈયારી કરીએ ત્યારે થોડી ગરમી લાગતી હોય એટલે પંખો કે એસી ચાલુ કરીને સૂઈ જઈએ ; પરંતુ અડધી રાતે પાછી એકાએક ઠંડી લાગવા માંડે, ઊંઘ ઊડી જાય. અડધી ઊંઘમાંથી ઊઠીને પંખો કે એસી બંધ કરીએ, ત્યારે પછીયે ઊંધને પાછી વળવા આજીજી કરવી પડે. લાંબી અને સળંગ ઊંધની મજા તો ભરશિયાળામાં જ આવે. ક્યારે સવાર પડી જાય એની ખબરેય ન પડે. આમતો ઊંધના ટુકડા થઈ જાય છે, સવારે ઊઠીએ ત્યારે આખોના પોપચાં ભારે લાગે,સ્ફૂર્તિ બદલે સુસ્તી જેવું લાગે, ચેન પડે નહીં , દિવસ ભારેખમ અને કંટાળાજનક લાગે ઉપરથી ચિંતાઓ તો સાથી મિત્ર હોય જ એટલે દિવસની સાથે રાત એ બગડે.. ભલું થાય આ શિયાળા ભાઇનું.... એક કવિએ શિયાળા વિષે સરસ કહ્યું છે...
શીતળ લહેરીએ લહેરાઈ ગયો શિયાળો
પહોં ફાટતાં પંખીના કલરવે ગાયો શિયાળો
હુંફાળી સેજમાંથી આળસ મરડી ઊઠયો શિયાળો
ઊંચા ઓટલે, કૂણાં તડકે બેઠયો શિયાળો
હાંફી ને હુંફાળી ચાદરમાં લપટાયો શિયાળો
ગુલાબી સાંજે નવોઢા જેમ શરમાયો શિયાળો
ઘુંઘટો તાંણ્યો રાતે, જગ, જળ, વાયુ ને થંભી ગયો શિયાળો
તાંપણે તપ્યો તોય હાડે ધ્રુજતો ઠૂંઠવાયો શિયાળો
શિયાળો પોતાની સાથે ઘણું બધું લઈને આવતો હોય છે. શિયાળાની સાથે ગુંદરપાક, મેથીના લાડુ, સુખડી, સાલમપાક, તલમાંથી તૈયાર થતું કચરિયું, તલ્લીના લાડુ કે સીંગદાણા ની ચીકકી, ઊંધિયું ... આહાહા... બીટ,વટાણા- મૂળા - શક્કરિયાંની અલગ મજા. શાકભાજીના શોખીનો માટે શિયાળાની વિદાય વસમી જ થઈ પડે. રોજ સવારમાં ઊગતા ફૂલોની સુગંધ જાણે વાતાવરણ માં અત્તરનો છંટકાવ કરતી હોય તેવો આહલાદ અનુભવ કરાવે.પ્રકૃતિ માણસને જીવવા માટે અનેક રીતે ભાતના ભાતના સ્વરૂપે ભેટો આપતી રહે છે બસ આપણ ને માણતા આવડવું જોઈએ.તમે શિયાળાને છેલ્લે ક્યારે અનુભવ્યો હતો કે પછી તમે પણ...
જૈમીન જોષી.